DIAMOND CITY NEWS, SURAT
વૈશ્વિક સ્તરે લક્ઝરી બ્રાન્ડ્સ ક્ષેત્રે અગ્રણી ગણાતા LVMH ગ્રૂપના જ્વેલરી અને વોચીસ (ઘડિયાળ) વિભાગે વર્ષ ૨૦૨૬ના પ્રથમ છમાસિક ગાળામાં મજબૂત વાપસી કરી છે. યુનાઇટેડ સ્ટેટ્સ (US) અને એશિયાના બજારો તરફથી વધેલી તોતિંગ માગ તથા વિશ્વપ્રસિદ્ધ બ્રાન્ડ્સ ‘ટિફની એન્ડ કંપની’ (Tiffany & Co.) અને ‘બુલ્ગારી’ (Bulgari)ના શાનદાર દેખાવને કારણે કંપનીની જ્વેલરી આવકમાં વર્ષાનુવર્ષ ૩%નો ગ્રોથ નોંધાયો છે.
કંપની દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા આંકડા મુજબ, ૩૦ જૂન ૨૦૨૬ના રોજ પૂરા થયેલા પ્રથમ છ મહિનામાં આ વિભાગની કુલ આવક વધીને €૫.૨૩ બિલિયન (અંદાજે $૫.૯૩ બિલિયન) પર પહોંચી ગઈ છે. આ સમયગાળા દરમિયાન જ્વેલરી અને વોચીસ સેગમેન્ટનો ઓપરેટિંગ પ્રોફિટ ૯% વધીને €૮૩૧ મિલિયન (અંદાજે $૯૪૪.૭ મિલિયન) નોંધાયો છે.
અર્નિંગ્સ કોલ દરમિયાન LVMH ના ફાઇનાન્શિયલ કમ્યુનિકેશન્સ ડિરેક્ટર રોડોલ્ફ ઓઝુને જણાવ્યું હતું કે, “વર્ષના પ્રથમ છમાસિક ગાળામાં જ્વેલરી ક્ષેત્રે ખૂબ જ ઉત્કૃષ્ટ પ્રદર્શન રહ્યું છે. ખાસ કરીને બીજા ક્વાર્ટર (Q2)માં ડબલ-ડિજિટ ગ્રોથ જોવા મળ્યો છે. યુ.એસ., એશિયા અને જાપાન જેવા મુખ્ય પ્રદેશો તરફથી મળેલી મજબૂત માગને કારણે તમામ ઝોનમાં સકારાત્મક વૃદ્ધિ હાંસલ થઈ છે.”
નોંધનીય છે કે, પ્રથમ ક્વાર્ટરમાં ભૂ-રાજકીય તણાવ અને મધ્ય-પૂર્વમાં ચાલી રહેલી અસ્થિરતાના કારણે જ્વેલરી અને ઘડિયાળોના વેચાણમાં આંશિક ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, બીજા ક્વાર્ટરમાં આવેલા જોરદાર બાઉન્સબેકને કારણે સમગ્ર પ્રથમ છમાસિક ગાળાના એકંદર પરિણામો નફાકારક સાબિત થયા છે.
બ્રાન્ડ વાઇઝ કામગીરીની વાત કરીએ તો, ટિફની એન્ડ કંપનીએ પોતાની આઇકોનિક પ્રોડક્ટ લાઇન્સને વધુ મજબૂત બનાવીને અને વિશ્વભરમાં તેના સ્ટોર નેટવર્કનું નવીનીકરણ કરીને શાનદાર દેખાવ જાળવી રાખ્યો છે. બીજી તરફ, ઇટાલિયન લક્ઝરી બ્રાન્ડ બુલ્ગારીએ હાઇ-જ્વેલરી અને પ્રિસ્ટિજ વોચીસ માટે એક નવી આર્ટિસ્ટિક ડિઝાઇન વિઝન રજૂ કરી હતી, જેણે વેચાણના જૂના તમામ રેકોર્ડ તોડીને બ્રાન્ડને રેકોર્ડબ્રેક આવક મેળવી આપી છે.
જોકે, બીજી તરફ LVMH ગ્રૂપની એકંદર સ્થિતિ જોઈએ તો ફેશન, લેધર ગુડ્સ, પર્ફ્યુમ્સ અને સ્પિરિટ સેગમેન્ટમાં આર્થિક ઘટાડાના કારણે ગ્રૂપની કુલ આવકમાં ૩%નો ઘટાડો નોંધાયો છે, જે €૩૮.૬૪ બિલિયન ($૪૩.૯૪ બિલિયન) રહી છે. તેમજ ગ્રૂપનો કુલ નફો ૪% ઘટીને €૮.૬૯ બિલિયન ($૯.૮૮ બિલિયન) થયો છે. આમ છતાં, ગ્રૂપ માટે જ્વેલરી અને વોચ વિભાગ સૌથી વધુ ગ્રોથ આપનારું મુખ્ય પાસું બનીને ઊભરી આવ્યું છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube





















