DIAMOND CITY NEWS, SURAT
વૈશ્વિક બજારમાં કુદરતી (નેચરલ) હીરા પ્રત્યે ગ્રાહકોનો રસ ફરી જાગૃત કરવા માટે *આફ્રિકન ડાયમંડ પ્રોડ્યુસર્સ એસોસિએશન (ADPA)* દ્વારા એક મહત્વકાંક્ષી યોજના લોન્ચ કરવામાં આવી છે. એસોસિએશનનો દાવો છે કે આ રણનીતિ આગામી *૨૦ વર્ષ* સુધી આ ક્ષેત્રના હીરા ઉદ્યોગને નવો આકાર આપશે.
૩ અને ૪ નવેમ્બરના રોજ અંગોલા ખાતે ADPAની ૧૩મી અસાધારણ મંત્રી પરિષદની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એસોસિએશને મજબૂત શાસન વ્યવસ્થા અને સંકલિત આંતરરાષ્ટ્રીય રજૂઆત (એડવોકેસી) ઊભી કરવા માટે તમામ આફ્રિકન હીરા ઉત્પાદક દેશોને એકજૂથ કરવાનો સંકલ્પ લીધો હતો.
કુદરતી અને સિન્થેટિક હીરા વચ્ચે સ્પષ્ટ ભેદરેખા
ADPA એ કુદરતી અને કૃત્રિમ હીરા વચ્ચે સ્પષ્ટ જાહેરાત (ડિસ્ક્લોઝર) અને ઓળખનો તફાવત સુનિશ્ચિત કરવાનો પોતાનો નિર્ધાર દોહરાવ્યો છે. આ માટે કેટલાક કડક માપદંડો નક્કી કરવામાં આવ્યા છે.
માત્ર કુદરતી હીરા માટે 4Cs ગ્રેડિંગ : એસોસિએશન ૪-સી (4Cs) ગ્રેડિંગ પદ્ધતિનો ઉપયોગ માત્ર કુદરતી હીરા માટે જ કરશે.
ગ્રામ અને કિલોગ્રામમાં માપન : સિન્થેટિક (કૃત્રિમ) હીરાનું માપન કેરેટને બદલે *ગ્રામ અને કિલોગ્રામમાં* કરવામાં આવશે.
‘સિન્થેટિક’ શબ્દ ફરજિયાત : ખાણમાંથી ન નીકળેલા (નોન-માઇન્ડ) તમામ હીરાની ઓળખ માટે એકમાત્ર સિન્થેટિક(Synthetic) શબ્દનો જ ઉપયોગ ફરજિયાત કરવામાં આવશે.
ટકાઉ ધોરણો, સંયુક્ત માર્કેટિંગ અને વાર્ષિક રિપોર્ટ
ઉદ્યોગમાં પારદર્શિતા અને ગ્રાહકોનો વિશ્વાસ વધારવા માટે એસોસિએશને નીચે મુજબની મુખ્ય પહેલો જાહેર કરી છે.
સસ્ટેનેબલ ડાયમંડ સ્ટાન્ડર્ડ (SDS) : ADPAના સભ્ય દેશો સાથે મળીને ‘સસ્ટેનેબલ ડાયમંડ સ્ટાન્ડર્ડ’ સ્થાપિત કરશે. આ ધોરણ મોટા પાયે ખાણકામ કરતી કંપનીઓ તેમજ નાના અને કારીગર ખાણકામ ક્ષેત્ર (ASM) બંને માટે પર્યાવરણીય સંરક્ષણ, કાર્યક્ષમતા અને જવાબદાર સોર્સિંગના માપદંડ તરીકે કામ કરશે.
સંકલિત વૈશ્વિક માર્કેટિંગ : કુદરતી હીરાના મૂલ્ય અને અજોડપણા અંગે એક “શક્તિશાળી અને સર્વસંમત સંદેશ” ફેલાવવા માટે સભ્ય દેશો યોગ્ય ભંડોળ સાથે પોતાના માર્કેટિંગ પ્રયાસોનું સંકલન કરશે.
સ્વતંત્ર માર્કેટ ઇન્ટેલિજન્સ રિપોર્ટ : ADPA સભ્ય દેશોના અર્થશાસ્ત્રીઓ અને કન્સલ્ટન્ટ્સની ભાગીદારીમાં એક સ્વતંત્ર વાર્ષિક વૈશ્વિક ડાયમંડ-માર્કેટ ઇન્ટેલિજન્સ રિપોર્ટ શરૂ કરશે. તેમાં બજારની ગતિવિધિઓને સમજવા માટે તટસ્થ વિશ્લેષણ, સંભવિત પરિસ્થિતિઓ આધારિત પૂર્વાનુમાન (ફોરકાસ્ટ) અને અમલીકરણ યોગ્ય ભલામણોનો સમાવેશ થશે.
ભારતની GJEPC સાથે તાલીમ કરાર અને બોત્સ્વાનાનો પ્રવેશ
આફ્રિકન દેશોમાં હીરાના મેન્યુફેક્ચરિંગ કૌશલ્યને વેગ આપવા માટે ADPA ભારતની *જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)* સાથે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરશે, જેના હેઠળ આફ્રિકન મેન્યુફેક્ચરર્સને વિશેષ તાલીમ આપવામાં આવશે. આ ઉપરાંત, અન્ય એક મહત્વના નિર્ણયમાં એસોસિએશને *બોત્સ્વાના (Botswana)* ને નિરીક્ષક (ઓબ્ઝર્વર) સભ્ય તરીકે સામેલ કર્યું છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube





















