Mixed trends in global diamond market
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT 

વૈશ્વિક હીરા ઉદ્યોગમાં હાલ પસંદગીયુક્ત ખરીદી અને મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. બજારના તાજા અહેવાલો મુજબ, ૦.૩૦ થી ૦.૫૯ કેરેટના રાઉન્ડ હીરાના ભાવમાં ઘટાડો યથાવત રહ્યો છે, જ્યારે તેની સામે મોટી સાઇઝના હીરાના ભાવ સ્થિર રહ્યા છે. પિયર શેપના હીરામાં નરમથી મિશ્ર વલણ છે. હાલ ખરીદદારો સ્ટોક એકત્રિત કરવાને બદલે માત્ર ચોક્કસ માંગ મુજબની જ પસંદગીયુક્ત ખરીદી કરી રહ્યા છે.

બીજી તરફ, થેંક્સગિવિંગ પૂર્વે અમેરિકન બજાર મજબૂત જણાઈ રહ્યું છે અને હોલિડે સિઝનની શરૂઆત સકારાત્મક રહી છે. રિટેલરો હાલ પોતાની જૂની ઇન્વેન્ટરી ઘટાડવા પર ધ્યાન આપી રહ્યા હોવાથી તમામ સાઇઝમાં ‘મેમો કોલ્સ’ સ્થિર રહ્યા છે. ખાસ કરીને એન્ટિક-મોડર્ન કટ્સની માંગમાં વધારો જોવા મળ્યો છે.

વૈશ્વિક કોર્પોરેટ અને નીતિગત ઘટનાક્રમ

વૈશ્વિક સ્તરે અગ્રણી જ્વેલરી અને માઇનિંગ કંપનીઓના પરિણામો તથા નીતિગત નિર્ણયોએ બજારને નવી દિશા આપી છે : રિશ્મોન્ટ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છમાસિક ગાળામાં કંપનીના જ્વેલરી વેચાણમાં વાર્ષિક ધોરણે ૧૮ ટકાનો વધારો થયો છે, જે કુલ ૧૦.૧ અબજ ડોલર પર પહોંચ્યું છે.

લુકારા ડાયમંડ : ત્રીજા ક્વાર્ટર માં કંપનીની આવક વાર્ષિક ધોરણે ૧૯ ટકા વધીને ૬૧ મિલિયન ડોલર રહી છે. આ ઉપરાંત, કંપનીએ ‘ક્લારા’ પ્લેટફોર્મ મારફતે વેચાણ બંધ કરવાનો નિર્ણય લીધો છે.

ઓકાવાંગો અને લુકાપા : વર્ષ ૨૦૨૬ માં અત્યાર સુધીમાં ૬૪૫ મિલિયન ડોલરના વેચાણ સાથે ઓકાવાંગો ફરી નફો કરતી થઈ છે. જ્યારે અન્ય એક મોટા સોદામાં એવી ગ્રુપે લુકાપાની ખરીદી કરી છે.

ટેરિફ રાહત અને માંગ પુનરુત્થાન : અમેરિકા અને થાઇલેન્ડ વચ્ચે એક એવા ફ્રેમવર્ક પર સંમતિ સધાઈ છે, જેના હેઠળ હીરા, જેમસ્ટોન અને મોતીને અમેરિકન ટેરિફમાંથી મુક્તિ મળી શકે છે. સાથે જ, ADPA દ્વારા હીરાની વૈશ્વિક માંગને ફરી વેગ આપવા માટે નવી યોજના શરૂ કરવામાં આવી છે.

ફેન્સી શેપમાં લોંગ કટ્સ અને એન્ટિક સ્ટાઇલનો દબદબો

ફેન્સી શેપના બજારમાં ૨ કેરેટ અને તેથી મોટી સાઇઝના ઓવલ, માર્ક્વિઝ અને એમરલ્ડ જેવા લોંગ ફેન્સી શેપનું વેચાણ સારું થઈ રહ્યું છે.

અછત અને પ્રીમિયમ : ઉચ્ચ ગુણવત્તાવાળા માર્ક્વિઝ, લોંગ રેડિયન્ટ અને લોંગ કુશનની બજારમાં અછત વર્તાઈ રહી છે. હાલ માર્ક્વિઝ સૌથી મોંઘો ફેન્સી શેપ બની રહ્યો છે. લોંગ કુશન સરળતાથી વેચાઈ રહ્યા છે અને સ્ક્વેર કુશનની સરખામણીએ તેના પર ૨૦ થી ૨૫ ટકા સુધીનું પ્રીમિયમ મળી રહ્યું છે.

ઓવલ અને પ્રિન્સેસ કટ : અમેરિકામાં D થી I કલર અને VS થી SI ક્લેરિટી કેટેગરીમાં સારી ગુણવત્તા અને આકાર ધરાવતા લંબગોળ ઓવલ માટે મજબૂત બજાર છે. લાંબા સમયની મંદી બાદ પ્રિન્સેસ કટની માંગમાં થોડો સંચાર જોવા મળ્યો છે, જોકે તેના ભાવ હજુ પણ નીચા સ્તરે છે.

ગુણવત્તાનો આગ્રહ : એન્ટિક કટ્સ અને સ્ટાઇલ હાલ ભારે ચલણમાં છે. ઉત્તમ કટિંગ ધરાવતા ફેન્સી શેપ મળવા મુશ્કેલ છે અને તેના ઊંચા પ્રીમિયમ ઉપજી રહ્યા છે, જ્યારે ખરાબ પ્રપોર્શન ધરાવતા ફેન્સી હીરાનું વેચાણ અટકી પડ્યું છે.

પ્રમુખ વૈશ્વિક બજારોની સ્થિતિ

અમેરિકા : બજારની સ્થિતિ તંદુરસ્ત છે અને સિઝન અત્યાર સુધી સકારાત્મક રહી છે. ૧ થી ૨ કેરેટ અને ૩ કેરેટથી વધુ સહિતની તમામ સાઇઝમાં મેમો કોલ્સ મજબૂત છે. રિટેલરો પ્રથમ પોતાનો સ્ટોક વેચી રહ્યા છે અને ખૂટતા માલ માટે મેમોનો સહારો લઈ રહ્યા છે. જો હોલિડે વેચાણ સારું રહેશે, તો પ્રથમ ક્વાર્ટરમાં મોટા પાયે રિસ્ટોકિંગ થવાની સંભાવના છે. ઓલ્ડ યુરો અને ઓલ્ડ માઇનર કટ્સ લોકપ્રિય રહ્યા છે. ભાવ સ્થિર છે, પરંતુ રાઉન્ડ અને ફેન્સી બંનેમાં ઓવરસાઇઝ હીરાની અછત છે. જોકે, નબળા અમેરિકન શેરબજારની મધ્યમ વર્ગના ખર્ચ પર પડનારી સંભવિત અસર પર ઉદ્યોગની ચાંપતી નજર છે.

ભારત : દિવાળી વેકેશનના કારણે બજારમાં કામકાજ અત્યંત ધીમું રહ્યું છે. હાલ હીરાના કારખાનાઓ બંધ છે, જોકે સેલ્સ ઓફિસો કાર્યરત છે.

બેલ્જિયમ : ભારતમાં દિવાળીની રજાઓને કારણે અહીં સામાન્ય કરતાં ઓછું કામકાજ અને મિશ્ર વેપાર જોવા મળ્યો છે. ખરીદદારો ચોક્કસ માંગ માટે જ ખરીદી કરી રહ્યા છે અને યોગ્ય માલના સારા ભાવ ચૂકવી રહ્યા છે. રિટેલરો ઇન્વેન્ટરી રાખવા ઇચ્છુક ન હોવાથી ડીલરોને સ્ટોક વેચવા લાંબી રાહ જોવી પડી રહી છે. ૧, ૧.૫૦ અને ૨ કેરેટ રાઉન્ડમાં થોડી હિલચાલ છે, જ્યારે ફેન્સી શેપમાં પિયર મજબૂત છે અને માર્ક્વિઝની માંગ સારી છે.

ઇઝરાયેલ : અહીં બજારમાં શાંતિનો માહોલ છે. ઇઝરાયેલ ડાયમંડ એક્સચેન્જના નવા પ્રમુખે અમેરિકન ટેરિફના પ્રશ્નનો ઝડપી ઉકેલ લાવવાની માંગ કરી છે.

હોંગકોંગ : હાઈ-એન્ડ સેક્ટરમાં માહોલ પ્રમાણમાં સકારાત્મક છે, પરંતુ ખરીદદારો ભાવ બાબતે સાવચેત અને પસંદગીયુક્ત છે. સિંગલ્સ ડે (૧૧/૧૧) ની હીરાના વેચાણ પર કોઈ નોંધપાત્ર અસર જોવા મળી નથી. ધનાઢ્ય ગ્રાહકો ડિસ્કાઉન્ટને બદલે પોતાની જરૂરિયાત મુજબ ખરીદી કરી રહ્યા છે. કસ્ટમ-મેડ જ્વેલરી માટે ૨ થી ૪ કેરેટના ઓવલ અને પિયર હીરામાં આકર્ષણ જોવા મળી રહ્યું છે.


Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant