
DIAMOND CITY NEWS, SURAT
વૈશ્વિક હીરા ઉદ્યોગમાં લેબગ્રોન (કૃત્રિમ) હીરા તરફથી મળી રહેલા તીવ્ર પડકાર અને ભાવમાં આવી રહેલા ઘટાડા સામે કુદરતી હીરાના અસ્તિત્વ અને મૂલ્યનું રક્ષણ કરવા માટે વિશ્વના બે સૌથી મોટા આફ્રિકન હીરા ઉત્પાદક દેશો – અંગોલા અને બોત્સ્વાના એકજૂટ થયા છે.
વિશ્વના કચો (રફ) હીરાના કુલ ઉત્પાદનમાં કદ (Volume) ની દ્રષ્ટિએ આશરે ૩૦% હિસ્સો ધરાવતા આ બંને દેશો વચ્ચે ૮ સપ્ટેમ્બરના રોજ અંગોલાની રાજધાની લુઆન્ડા ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં અંગોલાના રાષ્ટ્રપતિ જોઆઓ લોરેન્કો (Joao Lourenco) અને બોત્સ્વાનાના રાષ્ટ્રપતિ ડુમા બોકો (Duma Boko) એ હીરા ક્ષેત્રે દ્વિપક્ષીય સહયોગ વધુ મજબૂત કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો.
અંગોલાના રાષ્ટ્રપતિ જોઆઓ લોરેન્કોએ બંને દેશોની અર્થવ્યવસ્થામાં હીરા ક્ષેત્રના અતિ મહત્વપૂર્ણ યોગદાનનો ઉલ્લેખ કરતા ચેતવણી આપી હતી કે, પ્રયોગશાળામાં તૈયાર થતા કૃત્રિમ હીરા પોતાના સસ્તા ભાવના કારણે કુદરતી હીરાના અસ્તિત્વ સામે મોટો ખતરો ઊભો કરી રહ્યા છે.
તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “હીરા માત્ર ત્યારે જ હીરા કહેવાય જ્યારે તે કુદરતી હોય. પરંતુ આ ઉદ્યોગ, જે આપણા દેશો માટે કરોડો ડોલરની કમાણી ઊભી કરે છે અને વિકાસમાં યોગદાન આપે છે, તેને અચાનક ઉભરી આવેલા તથાગત સિન્થેટિક હીરાથી નુકસાન થઈ રહ્યું છે.”
તેમણે ઉમેર્યું હતું કે, બંને દેશો સાથે મળીને કુદરતી હીરાનું મૂલ્ય વધારવા કામ કરશે, કારણ કે આ ઉદ્યોગથી પ્રાપ્ત થતી આવકમાંથી જ દેશના યુવાનોને રોજગારી મળે છે અને આરોગ્ય, શિક્ષણ તથા ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા સામાજિક કાર્યક્રમોમાં ભંડોળ પૂરું પાડી શકાય છે.
બીજી તરફ, બોત્સ્વાનાના રાષ્ટ્રપતિ ડુમા બોકોએ જણાવ્યું હતું કે, હીરાનું જે રીતે વેપાર અને માર્કેટિંગ થાય છે તે ઉદ્યોગનો સૌથી મોટો સળગતો મુદ્દો છે.
આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે બોત્સ્વાના હાલમાં ઉત્પાદક દેશોના હીરા માટે એક “મજબૂત અને આક્રમક માર્કેટિંગ ઝુંબેશ” (Robust Marketing Campaign) તૈયાર કરી રહ્યું છે.
બોકોએ ઉમેર્યું હતું કે, “અમે અંગોલા સાથે મળીને એ સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે કુદરતી હીરાનો આ વેપાર આપણા દેશોની અર્થવ્યવસ્થાને સશક્ત બનાવતો રહે અને સ્થાનિક લોકોના જીવનધોરણને સહાય આપતો રહે.”
આ બેઠકમાં બંને રાષ્ટ્રપતિઓએ આંતરરાષ્ટ્રીય માઇનિંગ જાયન્ટ ‘ડી બિયર્સ’ (De Beers) ના ભવિષ્ય અંગે પણ ગંભીર ચર્ચા કરી હતી. બોત્સ્વાના હાલમાં ડી બિયર્સમાં ૧૫% ની શેરહોલ્ડિંગ ધરાવે છે, જ્યારે અંગોલાએ પણ કંપનીમાં હિસ્સેદારી ખરીદવાની પોતાની ઇચ્છા પુનઃવ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે, ડી બિયર્સની પેરેન્ટ કંપની ‘એંગ્લો અમેરિકન’ (Anglo American) એ ૨૦૨૪ થી કંપનીને વેચાણ માટે મૂકી છે.
આ સંદર્ભે રાષ્ટ્રપતિ લોરેન્કોએ જણાવ્યું હતું કે, “અંગોલા અને બોત્સ્વાના આફ્રિકા ખંડના બે સૌથી મોટા હીરા ઉત્પાદકો હોવાથી, એ ન્યાયસંગત છે કે આપણે ડી બિયર્સના શેરહોલ્ડર બનવું જોઈએ.”
જ્યારે બોત્સ્વાનાના રાષ્ટ્રપતિ બોકોએ ઉમેર્યું હતું કે, ડી બિયર્સ અંગેની વાટાઘાટો ચાલી રહી છે અને યોગ્ય સમયે કરાર આખરી થાય ત્યારે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે, પરંતુ આ પ્રક્રિયામાં અંગોલાની ભાગીદારી પણ સામેલ છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube




















