DIAMOND CITY NEWS, SURAT
જંતરમંતર પર થયેલું આંદોલન શરૂઆતમાં વિદ્યાર્થીઓ અને NEET પેપરલીકના મુદ્દા સાથે જોડાયેલું જણાતું હતું, પરંતુ સમય જતાં તે પોતાના મૂળ મુદ્દાથી ભટકી ગયું હોવાનું સ્પષ્ટ દેખાવા લાગ્યું.
વિવિધ રાજકીય હિતો, સરકારવિરોધી તત્વો અને તકવાદી નેતાઓએ આ મંચનો ઉપયોગ કરીને દેશવ્યાપી અસંતોષ ઊભો કરવાનો પ્રયાસ કર્યો. કેટલાક જૂથો તો સંસદ અને લોકશાહી સંસ્થાઓ વિરુદ્ધ ઉશ્કેરણીજનક ભાષાનો પણ ઉપયોગ કરતા જોવા મળ્યા. આંદોલનને સંપૂર્ણ અહિંસક ગણાવવાનો પ્રયાસ થયો, પરંતુ મેદાનમાં બનેલી અનેક ઘટનાઓએ જુદી જ તસવીર રજૂ કરી.
પોલીસ અને સુરક્ષા દળો પર હુમલા, પથ્થરમારો અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાના બનાવો પછી કાયદો-વ્યવસ્થા જાળવવા માટે સરકારે જરૂરી પગલાં લીધાં. લોકશાહીમાં વિરોધનો અધિકાર છે, પરંતુ અરાજકતા અને દબાણની રાજનીતિને સ્વીકારી શકાય નહીં.
આ સમગ્ર ઘટનાક્રમમાં સૌથી મહત્વની બાબત એ રહી કે કેન્દ્ર સરકારે પરિસ્થિતિને ભાવનાત્મક નહીં, પરંતુ વ્યૂહાત્મક રીતે સંભાળી. ઘણા લોકો જેને સરકારની નબળાઈ ગણાવવા ઉત્સુક હતા, એ જ ઘટનામાં નરેન્દ્ર મોદીએ રાજકીય કુશળતાનો વધુ એક દાખલો આપ્યો.
શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના સ્થાને પ્રહલાદ જોષીની નિમણૂક માત્ર મંત્રાલયમાં ફેરફાર નહોતો; તે વિરોધીઓના હાથમાંથી મુદ્દો ખેંચી લેતો એક સુચિંતિત માસ્ટરસ્ટ્રોક સાબિત થયો.
વિરોધીઓએ તેને પોતાની જીત તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ હકીકતમાં નવી શિક્ષણ નીતિ યથાવત્ રહી, સરકારની દિશા યથાવત્ રહી અને સુધારાઓની પ્રક્રિયા પણ યથાવત્ રહી. ચહેરો બદલાયો, પરંતુ નીતિ નહીં. આથી સ્પષ્ટ થયું કે સરકાર કોઈ દબાણ હેઠળ ઝૂકી નથી, પરંતુ પરિસ્થિતિને પોતાના અનુકૂળ વાળી લેવામાં સફળ રહી છે.
સમજીએ, નરેન્દ્ર મોદીનું રાજકારણ હંમેશાં લાંબા ગાળાની વ્યૂહરચના પર આધારિત રહ્યું છે. તેઓ ઘણીવાર વિરોધીઓને ક્ષણિક જીતનો ભ્રમ આપીને અંતે પોતાનું લક્ષ્ય સિદ્ધ કરતા આવ્યા છે.
જંતરમંતરનું સમગ્ર પ્રકરણ પણ ઘણા સમર્થકોની નજરે એ જ શ્રેણીનું ઉદાહરણ છે – જ્યાં સરકારે વિરોધ, ઉશ્કેરણી અને રાજકીય તકવાદ વચ્ચે પણ પરિસ્થિતિ પર પોતાનો નિયંત્રણ જાળવી રાખ્યો અને દેશહિતની પોતાની નીતિઓને આગળ વધારવાનો માર્ગ અખંડ રાખ્યો.
- GEN-Z ના મુખ્ય આંદોલનના મુદ્દાઓ સામે સરકારે તત્કાલ ધોરણે સખત અને અસરકારક પગલાં લીધા હતા, જેના પરિણામે વિદ્યાર્થીઓની તમામ પરીક્ષાઓ સમયસર લેવાઈ ગઈ અને તેના પરિણામો પણ ઝડપથી જાહેર થઈ ગયા.
- આંદોલનકારીઓની માંગણીને માન આપીને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું પણ આપ્યું, જેથી વિદ્યાર્થીઓના હિતના તમામ પ્રશ્નોનું નિરાકરણ આવી જાય.
- સરકાર દ્વારા તમામ મુખ્ય શૈક્ષણિક માંગણીઓ સંતોષવામાં આવી હોવા છતાં, GEN-Z જૂથ દ્વારા હજુ પણ આંદોલનો અને વિરોધ પ્રદર્શનો ચાલુ જ રાખવામાં આવ્યા છે, જે તેમની અસલી માનસિકતા દર્શાવે છે.
- આ જૂથના લોકો દ્વારા દેશની સંસદને તોડવાની વાતો કરવામાં આવે છે તેમજ ભગવાન રામ અને માતા સીતાને વિવાદાસ્પદ સંદર્ભોમાં ઘસડીને લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવામાં આવે છે.
- વિરોધ પ્રદર્શનના નામે સંસદ જેવા લોકતંત્રના મંદિરને તોડ ફોડ કરવાની વાતો કરવી, પ્રધાનમંત્રી અને તેમની માતાને નાગી ગાળો બોલવી, જાહેરમાં હિંસા ફેલાવીને પથ્થરબાજી કરવી, ઉશ્કેરણીજનક નારાબાજી કરવી અને કાયદો હાથમાં લેવાની પ્રવૃત્તિઓ બેફામપણે કરવામાં આવી રહી છે.
- આ તમામ પ્રવૃત્તિઓ ઉપરાંત દેશદ્રોહી તત્વોને કાયદાની પકડમાંથી છોડાવવાની માંગણીઓ પણ ઉઠાવવામાં આવે છે, જે સાબિત કરે છે કે મૂળ હેતુ શિક્ષણ કે પરીક્ષાઓનો ન હતો પરંતુ દેશમાં અરાજકતા ફેલાવવાનો હતો.
Gen-Z અને સરકારી મંજૂરી
આ લોકો ગેરકાયદેસર ફેરફારો કરવા અને સોશિયલ મીડિયા પર ભ્રામક માહિતી ફેલાવવે છે એ કોઈથી અજાણ્યું નથી. વર્તમાન સમયની એક ગંભીર સમસ્યા છે. કોઈપણ સત્તાવાર આયોજન માટે તંત્ર પાસેથી નિયત ધોરણો મુજબ પરમિશન લેવી ફરજિયાત હોય છે, જેમાં શરૂઆતમાં આયોજકો શાંતિપૂર્ણ આયોજન અને મર્યાદિત સંખ્યા દર્શાવીને મંજૂરી મેળવી લે છે. પરંતુ વાસ્તવિક અમલીકરણ વખતે શરતોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરીને મૂળ અરજીમાં ન હોય તેવા વિવાદાસ્પદ અને લોકભાવના ભડકાવતા એજન્ડાઓ હેતુપૂર્વક ઉમેરવામાં આવે છે.
આ ઉપરાંત પરમિશન માત્ર મંજૂર થયેલી વ્યક્તિઓ માટે જ હોવા છતાં, વ્યવહારમાં બહારના અને અસંખ્ય અનધિકૃત લોકોને ઘુસાડીને વાતાવરણ તણાવપૂર્ણ બનાવવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયામાં વાસ્તવિક સ્થિતિ છુપાવીને સોશિયલ મીડિયા પર જૂની કે એડિટ કરેલી તસવીરો અને વીડિયો વાયરલ કરવામાં આવે છે તેમજ જનમાનસને ગેરમાર્ગે દોરવા માટે અતિશયોક્તિભરી વાતો ફેલાવી લોકોમાં ખોટો આક્રોશ પેદા કરવામાં આવે છે.
આમ, પરમિશનના નિયમોનો ભંગ કરવો, ખોટા મુદ્દાઓ ઉમેરવા, બિનઅધિકૃત લોકોને સામેલ કરવા અને મીડિયા દ્વારા ભ્રામક ચિત્ર ઊભું કરવું એ ગંભીર કાયદાકીય ગુનો બને છે, જેથી આવા તત્વો સામે કડક કાર્યવાહી થવી અનિવાર્ય છે.
ઉપવાસ પર ઉતરેલા ભાઈ શ્રી સોનમ વાંગચુક
આંદોલનની આડમાં દેશવિરોધી ગતિવિધિઓ અને વિદેશી કનેક્શન હોવાના પુરાવા હવે સામે આવી રહ્યા છે. તેમના આ ઉપવાસના નાટકથી પ્રભાવિત થઈને GEN-Z યુવાનો ઉશ્કેરાયા અને આખા દેશમાં અરાજકતા તથા ભયજનક વાતાવરણ ફેલાયું હતું, જેના કારણે જનતાની સહાનુભૂતિ તેમને મળી હતી.
પરંતુ વાસ્તવિકતા એ છે કે, આ આંદોલન માત્ર એક મુખોટું હતું; તેની પાછળ ચીન જેવા દેશો સાથેના શંકાસ્પદ સંબંધો અને રાષ્ટ્રવિરોધી તત્વોની ગંધ સ્પષ્ટપણે આવવા લાગી હતી.
દેખાવ પૂરતા હકોની લડાઈ લડનાર આ વ્યક્તિ અને તેમના સાથીઓની અસલી માનસિકતા દેશને તોડવાની અને અસ્થિર કરવાની રહી છે, જેની ગંભીર હકીકતો હવે ધીમે-ધીમે દેશવાસીઓ સમક્ષ ઉજાગર થઈ રહી છે. જંતર-મંતરથી લઈને સોશિયલ મીડિયાના વર્ચ્યુઅલ રણમેદાનો સુધી ચાલતી આ Gen-Z ક્રાંતિ ખરેખર અદ્ભુત છે!
તમારા ભોળપણ (?!)ને સલામ છે!
ગોલ્ડન કી
Gen-Z તમે અપાર શક્તિ ધરાવો છો પણ એ શક્તિનો ગેરઉપયોગ દેશ વિરોધી તાકતો કરી જાય છે, એ સમજવા તમે સક્ષમ છો?!
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube


















