છેલ્લા ઘણા સમયથી નેચરલ ડાયમંડની ચમક ઘસાઇ ગઇ હતી, પરંતુ હવે ફરી ચમક આવી રહી છે તેનું સૌથી મોટું કારણ અમેરિકાનો લાસ વેગાસ શો છે. આ એક્ઝિબિશને નેચરલ ડાયમંડ ઉદ્યોગમાં પ્રાણ ફુંકવાનું કામ કર્યું છે.
તેમાં અમેરિકા-ઈરાન યુદ્ધ શાંત થયું અને વૈશ્વિક માહોલમાં સુધારો આવતા નેચરલ ડાયમંડમાં ડિમાન્ડ નીકળી છે અને ડાયંમડના વેપારીઓ આ દિવાળીમાં સુધારા આવવાનો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે. જો દિવાળીમાં ડાયમંડ માર્કેટ સુધરશે તો હીરાદલાલો, વેપારીઓ બધાના ચહેરા ફરી એક વાર ખીલી જશે.
અમેરિકાના લાસ વેગાસ ખાતે 29 મે થી 1 જૂન 2026 દરમિયાન યોજાયેલા JCK Las Vegas ટ્રેડ શોને વિશ્વના જ્વેલરી અને ડાયમંડ ઉદ્યોગ માટે સૌથી મહત્વપૂર્ણ શો માનવામાં આવે છે.
આ વર્ષે યોજાયેલા શોમાં ભારતની અનેક ડાયમંડ અને જ્વેલરી કંપનીઓએ ભાગ લીધો હતો અને ખાસ કરીને અમેરિકા, કેનેડા તથા અન્ય ઉત્તર અમેરિકન બજારોના ખરીદદારો સાથે નવી ડીલ કરી હતી. JCK 2026 બાદ ભારતના ડાયમંડ ઉદ્યોગમાં સૌથી મોટો સકારાત્મક સંકેત અમેરિકન ખરીદદારો તરફથી વધેલી પૂછપરછ અને ઓર્ડર સ્વરૂપે જોવા મળ્યો.
વેપારીઓએ કહ્યું કે, વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ હોવા છતાં નેચરલ ડાયમંડ અને ઉચ્ચ ગુણવત્તાવાળા ડિઝાઈનર જ્વેલરી માટે સારો પ્રતિસાદ મળ્યો. ખાસ કરીને મોટી સાઇઝના અને પ્રીમિયમ ગુણવત્તાના કુદરતી હીરાની માંગમાં વધારો નોંધાયો.
ભારતના હીરા ઉદ્યોગ માટે અમેરિકાનું બજાર સૌથી મોટું નિકાસ બજાર છે. તેથી JCKમાં મળેલા સકારાત્મક પ્રતિસાદનો સીધો લાભ સુરત સહિતના હીરા કટીંગ અને પોલિશિંગ સેન્ટરમાં મળી શકે છે.
નવા ઓર્ડરોને કારણે બજારમાં સુધારો થવાની અને કેટલાક વિસ્તારોમાં રોજગારની સ્થિતિ સ્થિર થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. જોકે તેની અસર દરેક પ્રકારના હીરા પર સમાન નથી.
JCK 2026માંથી બહાર આવેલું સૌથી મહત્વપૂર્ણ વલણ એ હતું કે બજાર હવે બે ભાગમાં વહેંચાતું જોવા મળે છે. મોટી સાઇઝના હીરાની માંગ મજબૂત રહી છે, જ્યારે નાના કદના અને નીચલા ભાવવર્ગના હીરા માટે માંગ હજુ પણ નબળી રહી છે. ઉદ્યોગ વિશ્લેષકો તેને “K-shaped Recovery” તરીકે વર્ણવે છે, જેમાં એક વિભાગ ઝડપથી સુધરે છે જ્યારે બીજો વિભાગ હજુ પડકારોનો સામનો કરે છે.
ભારત માટે બીજી મહત્વપૂર્ણ બાબત લેબગ્રોન ડાયમંડ્સ સાથેની સ્પર્ધા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં લેબગ્રોન હીરાના વધતાં ઉપયોગને કારણે કુદરતી હીરાના સામાન્ય અને નાના સેગમેન્ટ પર દબાણ આવ્યું છે. JCK દરમિયાન પણ કુદરતી અને લેબગ્રોન હીરા વચ્ચેની સ્પર્ધા ચર્ચાનું મુખ્ય કેન્દ્ર રહી હતી.
સુરતના હીરા ઉદ્યોગ માટે આ સ્થિતિ મિશ્ર કહી શકાય. એક તરફ પ્રીમિયમ ગુણવત્તાવાળા હીરા બનાવતી અને નિકાસ કરતી કંપનીઓ માટે નવા અવસર ઊભા થયા છે, જ્યારે નાની સાઇઝના હીરા પર આધારિત યુનિટ્સ માટે પડકારો યથાવત્ છે. તેથી ઉદ્યોગ હવે માત્ર ઉત્પાદન વધારવા કરતાં ગુણવત્તા, બ્રાન્ડિંગ અને ડિઝાઈન પર વધુ ભાર મૂકી રહ્યો છે.
JCK 2026 દરમિયાન ભારતીય કંપનીઓએ માત્ર વેચાણ જ નહીં પરંતુ લાંબા ગાળાના વ્યાપારી સંબંધો, નવી ટેક્નોલૉજી, ડિઝાઈન ટ્રેન્ડ્સ અને ગ્રાહકોની બદલાતી પસંદગીઓ વિશે પણ મહત્વપૂર્ણ માહિતી મેળવી.
આથી ભારતીય ઉત્પાદકોને અમેરિકન બજારની જરૂરિયાતો અનુસાર ઉત્પાદન કરવાની વધુ તક મળશે. આ વખતે 2026ની દિવાળી ભારતના હીરા ઉદ્યોગ માટે ગયા બે વર્ષ કરતાં વધુ સકારાત્મક રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
અમેરિકાના JCK લાસ વેગાસ શો બાદ આંતરરાષ્ટ્રીય ખરીદદારો તરફથી નવા ઓર્ડર મળવાની શરૂઆત થઈ છે, જેના કારણે નિકાસ આધારિત કંપનીઓમાં વિશ્વાસ વધ્યો છે.
સામાન્ય રીતે દિવાળી પહેલાં અમેરિકા અને યુરોપના ક્રિસમસ તથા વર્ષાંતના વેચાણ માટે ઓર્ડરો વધતાં હોય છે. જો આ માંગ આગામી મહિનાઓમાં યથાવત્ રહે, તો સુરત સહિતના હીરા કટિંગ અને પોલિશિંગ એકમોમાં ઉત્પાદન ગતિ પકડી શકે છે.
જો વૈશ્વિક આર્થિક પરિસ્થિતિ સ્થિર રહેશે અને અમેરિકામાં ગ્રાહકોનો ખર્ચ મજબૂત રહેશે, તો દિવાળી પહેલાં અને ત્યારબાદ નિકાસમાં વધારો થઈ શકે છે. તેની સીધી અસર રોજગાર, ઉત્પાદન અને હીરા બજારમાં રોકડ પ્રવાહ પર જોવા મળી શકે છે. સુરતના વેપારીઓ પણ આશા રાખી રહ્યા છે કે છેલ્લા કેટલાક સમયથી મંદીનો સામનો કર્યા બાદ આ દિવાળી વેપારમાં નવી ઊર્જા લાવશે.
એકંદરે, 2026ની દિવાળી હીરા ઉદ્યોગ માટે સાવચેતીભર્યો આશાવાદ લઈને આવી શકે છે. ઉદ્યોગમાં તેજી આવવાની સંભાવના છે, પરંતુ તે મુખ્યત્વે મજબૂત નિકાસ બજારો પર આધારિત રહેશે. જો આંતરરાષ્ટ્રીય માંગમાં અચાનક ઘટાડો નહીં આવે અને ઓર્ડરની ગતિ જળવાઈ રહેશે, તો આ દિવાળી હીરા ઉદ્યોગ માટે પુનઃવિકાસની દિશામાં મહત્વપૂર્ણ તબક્કો સાબિત થઈ શકે છે.
ડાયમંડ સિટી ન્યુઝ પેપરની “ઉદ્યોગની પ્રતિક્રિયા’ કોલમમાં સુરત-મુંબઈના ડાયમંડ વેપારીઓના મંતવ્યો…
નેચરલ કરતા CVDનું માર્કેટ વધારે સારુ ચાલી રહ્યું છે : રોનક જોગાણી
અમેરિકાના જેસીકે લાસ વેગાસ શોમાં ડિમાન્ડ સારી હતી, પરંતુ નેચરલ ડાયમંડ કરતા CVDમાં વધારે પુછપરછ રહી છે. CVD જ્વેલરીમાં પણ માંગ ઘણી સારી છે. નેચરલ ડાયમંડ માર્કેટ હજુ સ્લો છે. જોગાણીએ કહ્યું કે, ભારત ડાયમંડ બુર્સમાં છેલ્લાં ઘણા સમયથી વેપારીઓની સંખ્યામાં ઘટાડો થયો છે અને જો દિવાળીમાં માર્કેટમાં સુધારો ન આવે તો ઘણા વેપારીઓ માર્કેટમાંથી નીકળી જશે.
પતલા અને 2 કેરેટથી ઉપરના ડાયમંડમાં ડિમાન્ડ છે, દિવાળી સારી રહેશે એવું લાગે છે : રોહિત જોગાણી
મુંબઈ ડાયમંડ મરચન્ટ ઍસોસિયેશન (MDMA)ના રોહિત જોગાણીએ કહ્યું કે, જેસીકે લાસવેગાસ શોની ઘણી સારી ઇમ્પેક્ટ બજારમાં જોવા મળી રહી છે. છેલ્લાં પંદરેક દિવસથી હવે હીરાબજારમાં મુવમેન્ટ જોવા મળી રહી છે.ખાસ કરીને પતલા ડાયમંડ, 2 કેરેટથી ઉપરના જાડા ડાયમંડ અને ફૅન્સી હીરામાં ધંધો થઇ રહ્યો છે. હોંગકોંગના માર્કેટમાં પણ સુધારો જોવા મળ્યો છે જે એક સારી નિશાની છે. ઓવરઓલ માહોલ જોતા એવું લાગે છે કે આ વખતની દિવાળી ડાયમંડ ઉદ્યોગ માટે સારી રહેશે.
નેચરલ ડાયમંડની ચમક ફરી પાછી આવી છે અને હવે લાંબી રહેશે : ઉપેશ શાહ
અનુ જેમ્સના ઉપેશ શાહે કહ્યું કે, નેચરલ ડાયમંડની ચમક ફરી આવી રહી છે અને હવે લાંબી રહેશે એવું લાગે છે. મિડલ ઇસ્ટ ક્રાઇસીસ દૂર થઇ છે, અમેરિકા-ઇરાન યુદ્ધ શાંત થયું છે અને ચાઇના માર્કેટ પણ ખુલ્યું છે એટલે નેચરલ ડાયંમડ માર્કેટમાં કરેક્શન જોવા મળી રહ્યું છે. ઉપેશ શાહે કહ્યું કે, ગયા વખતની દિવાળી કરતા માર્કેટ 25 ટકા ડાઉન છે. એટલે લોકોને હવે નેચરલ ડાયમંડ ખરીદવાની તક મળી રહી છે. 2022થી રશિયા-યુક્રેન યુદ્ધ વખતે માર્કેટ દોઢ ગણું વધી ગયું હતું. ગોલ્ડના ભાવ પણ ઘટ્યા છે. શાહે કહ્યું કે, મને પુરી આશા છે કે, આ વખતની દિવાળી મોટી રોનક લઇને આવશે.
CVD પણ ચાલે છે અને નેચરલ ડાયમંડ પણ, દિવાળી સારી જશે : નંદલાલ નાકરાણી
સુરત ડાયમંડ બ્રોકર્સ એસોસિયેશનના પ્રમુખ નંદલાલ નાકરાણીએ કહ્યું કે, પોલિશ્ડ ડાયમંડના ભાવ ઘટ્યા છે એટલે બજારમાં હવે નીચા ભાવે ખરીદી નિકળી છે.CVD પણ ચાલે છે અને નેચરલ ડાયમંડ પણ. નાકરાણીએ કહ્યું કે, બે વર્ષ પહેલા જે ડાયમંડ 28,000 રૂપિયામાં મળતા હતા તેના હવે 16થી 17 હજાર ભાવ આવી ગયા છે, એટલે બજારમાં ખરીદી નીકળી છે. અમેરિકાના લોકોમાં CVD ઘુસી ગયું છે. એમનું માનવું છે કે CVD સસ્તાં મળી રહ્યા છે એટલે અમેરિકનોની ખરીદી CVD તરફ વળ્યા છે. અત્યારનો માહોલ જોતા એવું લાગે છે કે, દિવાળી સુધીમાં હીરાબજારમાં મોટો સુધારો આવી શકે અને બધાની દિવાળી સુધરી જાય. નેચરલમાં રફના ભાવ વધારે ઘટશે એવું અત્યારે લાગી રહ્યું છે.
ડાયમંડ માર્કેટમાં અત્યારે દરેક પ્રકારનો માલ વેચાઇ રહ્યો છે : રાકેશ શાહ
મુંબઇના ડાયમંડના વેપારી રાકેશ શાહે કહ્યું કે, અમેરિકાના લાસ વેગાસ શો પછી બજારમાં માહોલ બદલાયો છે અને દરેક પ્રકારનો માલ વેચાઈ રહ્યો છે. એક સમય એવો હતો કે બજાર સાવ ઠપ્પ થઇ ગયું હતું હવે ધીમો સુધારો આવ્યો છે. રાકેશ શાહે કહ્યું કે, ડાયમંડ મેન્યુફેક્ચરીંગ કરનારા લોકો હમણાં જરા પણ ઉતાવળ કરવાના મૂડમાં નથી. જો ડાયમંડનો સ્ટૉક ઓછો હશે તો બજારમાં ઓટમેટીક ડિમાન્ડ નીકળશે. આ જોતા એવું લાગે છે કે આ વખતની દિવાળી હીરાઉદ્યોગ માટે ચમક લઇને આવી શકે છે.
15 દિવસથી હીરાબજારમાં થોડો થોડો ધંધો થઇ રહ્યો છે : મનહર સુતરીયા
સુરતના હીરાબજારના વેપારી મનહર સુતરીયાએ કહ્યું હતું કે, છેલ્લાં પંદરેક દિવસથી બજારમાં થોડો થોડો ધંધો થઇ રહ્યો છે. અમેરિકાના લાસ વેગાસ શોને મળેલો સારો પ્રતિસાદ, અમેરિકા-ઇરાન શાંત થયું અને વૈશ્વિક લેવલે પણ માહોલમાં સુધારાને કારણે બજારમાં મૂવમેન્ટ જોવા મળી રહી છે. છેલ્લાં ઘણા સમયથી હીરાબજારમાં કામ કરતા 95 ટકા દલાલોને ઘર કેમ ચલાવવું તેની ચિંતા હતી, પરંતુ દિવાળી સુધીમાં માહોલ સુધરે તેવું લાગે છે. સુરત ડાયમંડ બુર્સમાં હવે ડાયમંડ માર્કેટના લોકો ધંધો કરવા આવી રહ્યા છે જે એક સારી નિશાની છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube





























