Is there any expectation of boom in diamond industry after Diwali vacation
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT

સુરતના ડાયમંડ ઉદ્યોગમાં આ વખતે દિવાળી વૅકેશન પછી કારખાનાઓ જલ્દી ધમધમતા થશે એવી અપેક્ષા હતી, પરંતુ એવું થયું નથી, સૌરાષ્ટ્રમાં લગ્નગાળાને કારણે હજુ ઘણા રત્નકલાકારો પાછા ફર્યા નથી, પરિણામે નેચરલ ડાયમંડના કારખાનાઓ હજુ ફુલફ્લેજમાં ધમધમતા થયા નથી. જો કે,. લેબગ્રોન ડાયમંડમાં તેજી હોવાને કારણે કારખાનાઓ શરૂ થઇ ગયા છે.

ડાયમંડ સિટી ન્યુઝ પેપરની કોલમ ઉદ્યોગના સવાલમાં અમે ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા અનેક વેપારીઓ સાથે વાત કરી હતી અને તેમને સવાલ પૂછ્યો હતો કે, દિવાળી વૅકેશન પછી હવે ડાયમંડ ઉદ્યોગમાં હવે તેજીની કોઇ અપેક્ષા છે?

મોટા ભાગના વેપારીઓનું કહેવું છે કે નેચરલમાં હજુ કરંટ નથી આવ્યો, પરંતુ લેબગ્રોન જબરદસ્ત ધમધમે છે અને નેચરલ ડાયમંડના ઘણા રત્નકલાકારો લેબગ્રોનમાં શિફ્ટ થઇ ગયા છે.

દિવાળી 2025 પછી સુરતના ડાયમંડ ઉદ્યોગમાં હજુ પણ મંદીના વાતાવરણ જોવા મળે છે. દિવાળી વૅકેશન, જે સામાન્ય રીતે 15-20 દિવસની હોય છે, આ વખતે કુદરતી હીરાના ઉદ્યોગોમાં 30 દિવસથી વધુ લંબાઈની થઈ, જે બે વર્ષથી ચાલી આવતી મંદી, અમેરિકા-યુરોપ-ચીનમાં માંગમાં ઘટાડો અને રશિયન હીરા પરના પ્રતિબંધોને કારણે છે. વૅકેશન પછી (નવેમ્બરથી) ઉદ્યોગ ધીમે ધીમે શરૂ થયો છે.

નેચરલ ડાયમંડમાં હજુ 20-25 ટકા યુનિટ્સ હજુ બંધ જ છે, નેચરલ ડાયમંડના યુનિટ્સમાં ઉત્પાદન ધીમું છે, જ્યારે CVD ડાયમંડના યુનિટ્સ નવેમ્બરથી પૂર્ણ ક્ષમતાથી કામ કરી રહ્યા છે.

જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ના તાજા આંકડા અનુસાર, દિવાળી વૅકેશનને કારણે ઓક્ટોબર 2025માં નિકાસમાં તીવ્ર ઘટાડો થયો છે. નવેમ્બર 2025ના આંકડા હજુ જાહેર થયા નથી (સામાન્ય રીતે મહિનાના અંતે આવે છે), પરંતુ ઉદ્યોગને આશા છે કે નાતાલની માંગથી સુધારો થશે.

મુખ્ય આંકડા નીચે મુજબ છે :

 ઓક્ટોબર 2025 (USD મિલિયન)ઓક્ટોબર 2024 (USD મિલિયન)ઘટાડો (%)
કુલ જેમ્સ એન્ડ જ્વેલરી નિકાસ2,168.053,122.5230.57
કટ એન્ડ પોલિશ્ડ હીરા1,025.991,404.8526.97
લેબ-ગ્રોન પોલિશ્ડ હીરા94.37144.9634.9
ગોલ્ડ જ્વેલરી850.151,187.3428.4
સિલ્વર જ્વેલરી121.37144.4916

GJEPCના ચૅરમૅન કીર્તિ ભણશાળી કહે છે કે, નવેમ્બરમાં ચીનના બજારના પુનઃપ્રાપ્તિ અને ક્રિસમસ માંગથી નિકાસ વધશે.

શું કહે છે જાણો….

નેચરલ ધીમું છે, લેબગ્રોન જોરમાં છે, ચીનમાં બિઝનેસ સારો રહ્યો : મિત્તલ દોશી

Is there any expectation of boom in diamond industry after Diwali vacation-Mittal Doshi

GJEPCની બેકીંગ, ઇન્શ્યોરન્સ અને ટેક્સેશન સબ કમિટીના કન્વીનર અને ર્સ્પાકલ ડાયમંડના માલિક મિત્તલ દોશીએ કહ્યું કે, ટેરિફને કારણે ચીનમાં દિવાળી મુહૂર્તમાં સ્મોલ સાઇઝમાં બિઝનેસ સારો હતો અને જેમના ચીનમાં ગ્રાહકો છે તેમને સારો બિઝનેસ કર્યો.

પરંતુ નેચરલ ડાયમંડની માંગ દિવસે ને દિવસે ધીમી પડી રહી છે. દિવાળી પહેલા વેચાણ સારું હતું અને હવે બાયર્સ નવા ભાવ સુધારાની રાહ જોઇ રહ્યા છે અને નવા વર્ષના સેલના ડેટા પર નજર રાખી રહ્યા છે, જે બિલકુલ પ્રોત્સાહક નથી.

લેબગ્રોન ડાયમંડની ડિમાન્ડ અત્યારે ફેન્ટાસ્ટીક છે. લેબગ્રોન ડાયમંડની ડિમાન્ડ અત્યાર સુધીની સૌથી ઊંચી છે.

નેચરલમાં 3 કેરેટ ઉપરનું માર્કેટ સારુ છે, ડીટીસીએ રફ પર કાપ મૂક્યો : મુંબઇના ડાયમંડ વેપારી

મુંબઇના એક ડાયમંડના વેપારીએ નામ નહીં છાપવાની શરતે કહ્યું હતું કે, દિવાળી પછી ઘણા વેપારીઓ પાસે 75 ટકા જેટલો સ્ટોક પડી રહ્યો છે એ વાતને ધ્યાનમાં રાખીને DTCએ સાઇટ હોલ્ડર્સને 15 થી 25 ટકા ઓછી રફ આપી છે.

નેચરલ ડાયમંડમાં 3 કેરેટની ઉપરની સાઇઝમાં બિઝનેસ છે, પરંતુ 2 કેરેટની અંદરમાં ખાસ માંગ નથી. પરંતુ લેબગ્રોન ડાયમંડની ડિમાન્ડ ઘણી સારી છે. લેબગ્રોનમાં અત્યારે જેટલી ડિમાન્ડ ચાલી રહી છે તેની સરખામણીએ પ્રોડકશનમાં 20 ટકા શૉર્ટેજ છે.

નેચરલ ડાયમંડ ધીમું છે, ત્રણેક મહિના પછી કદાચ બજાર સ્ટેબલ થાય : હિતેશ ખૂંટ

Is there any expectation of boom in diamond industry after Diwali vacation-Hitesh Khunt

ક્રિનલ જેમ્સના હિતેશ ખૂંટે કહ્યું કે, નેચરલ ડાયમંડમાં અત્યારે 30 ટકા જેટલું જ પ્રોડકશન છે. અત્યારે તો ડાયમંડના ધંધામાં કોઇ સુધારો થાય તેવા કોઇ આસાર નથી દેખાતા, પણ કદાચ ત્રણેક મહિના પછી નેચરલ ડાયમંડનું માર્કેટ સ્ટેબલ થઇ શકે.

નેચરલ ડાયમંડ માર્કેટ માંડ 15 ટકા જ બચ્યું છે, કોઇ આશા દેખાતી નથી : અંકુશ ગર્ગ

Is there any expectation of boom in diamond industry after Diwali vacation-Ankush Garg

રાધ્યા ડાયમંડના માલિક અંકુશ ગર્ગે કહ્યું કે, દિવાળી પછી નેચરલ ડાયમંડનું માર્કેટ શરૂ જ નથી થયું. અત્યારે એવી સ્થિતિ છે કે જો તમારી પાસે બેકીંગ સપોર્ટ ન હોય તો ફેક્ટરી ચલાવવી મુશ્કેલ પડે. નેચરલ ડાયમંડ માટે CVD એક મોટો પડકાર બની ગયું છે.

અંકુશે એક ઉદાહરણ આપતા કહ્યું કે, જે ચૂડીમાં 15 થી 30 નેચરલ ડાયમંડ લાગતાં હતા અને બેંગલ્સ 10 લાખમાં વેચાતા હતા, એ જ બેંગ્લસમાં હવે CVD ડાયમંડ સાથે 2.50 લાખમાં મળે છે. તો ગ્રાહકોને 75 ટકા ઓછામાં માલ મળતો હોય તો સ્વાભાવિક CVD જ્વેલરી તરફ જ વળવાના છે.

જો આગામી દિવસોમાં કોઇ ફાયનાન્શીલ ક્રાઇસીસ ન આવે, કોઇ યુદ્ધ જેવી સ્થિત ન ઊભી થાય અને ઇન્ટરનેશનલ લેવલે પોલિટિક્સમાં કોઇ ડખો ઊભો ન થાય તો થોડો સુધારો આવી શકે. બાકી નેચરલ ડાયમંડનું માર્કેટ માંડ 15 ટકા જ બચ્યું છે.

તેમણે આગળ કહ્યું કે, દિવાળી પછી એવું બન્યું કે જે લોકો નેચરલ ડાયમંડ સાથે સંકળાયેલા હતા તેમાંથી ઘણા બધા હવે લેબગ્રોનમાં પડ્યા છે, એટલે પ્રોડકશન ખૂબ વધી રહ્યું છે.

એક મહિના પછી લેબગ્રોન ડાયમંડ પણ સ્લો થઇ જશે એવું લાગી રહ્યું છે. જે ડાયમંડ ઉદ્યોગ એક વખતે વિશ્વાસનો બિઝનેસ કહેવાતો હતો તે હવે ટ્રસ્ટ બ્રેકીંગ બિઝનેસ થયો છે.

સોના-ચાંદીના ભાવ એટલા આસામાને છે કે લોકો કિંમતી ધાતુમાં ઇન્વેસ્ટમેન્ટ પર કાપ મુકી રહ્યા છે તો ડાયમંડમાં રોકાણ કોણ કરશે? એ રીતે જોતા નેચરલ ડાયમંડ માટે વધારે ખરાબ દિવસો આવી શકે છે.


Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant