DIAMOND CITY NEWS, SURAT
“જીવનની સાચી સફળતા બેંકના ખાતામાં નહીં, પરંતુ લોકોના આશીર્વાદ અને તેમના ચહેરા પર ખીલેલા સ્મિતમાં વસે છે.”
“સેવા, સંવેદના અને સમર્પણ” – આ ત્રણ શબ્દો જ્યારે કોઈના જીવનનો આધાર બને, ત્યારે સફળતા માત્ર સિદ્ધિ નહીં, પરંતુ પ્રેરણા બની જાય છે. ઘણા બધા તબીબો તેમના પ્રોફેશનમાં કરોડો રૂપિયાની કમાણી કરે છે, પરંતુ સુરતના એક પિડીયાટ્રીક ડેન્ટિસ્ટ એવા છે કે પૈસાને તો જરૂરી માને છે, પરંતુ સાથે સાથે સમાજને કઇંક આપવું એવો અભિગમ ધરાવે છે તેઓ દક્ષિણ ગુજરાતના અનાથ બાળકોની સંસ્થામાં રહેતા બાળકોને મફત ડેન્ટલ ટ્રીટમેન્ટ પુરી પાડે છે.
આ વખતે ડાયમંડ સિટીની વ્યક્તિ વિશેષ કોલમમાં સુરતના યુવાન પિડીયાટ્રીક ડેન્ટીસ્ટ પ્રિયાંક સુદાણી વિશે વાત કરીશું.
અમે જ્યારે ડૉ. પ્રિયાંકને મળવા ગયા ત્યારે તેમના ચહેરા પર એક અનોખું તેજ અને સસ્મિત ચહેરો જોવા મળ્યો. આખી વાતમાંથી એમની પાસે એ જાણવા મળ્યુ કે જિંદગીમાં પૈસો માત્ર મહત્ત્વનો નથી, પરંતુ કોઇકની જિંદગીમાં ખુશી લાવવી એ વધારે મહત્ત્વની છે. તેમની હેપ્પી કિડ્સ ચિલ્ડ્રન ડેન્ટલ હોસ્પિટલ દક્ષિણ ગુજરાતની સૌથી ઍડ્વાન્સ બાળકોના દાંતની હોસ્પિટલ છે.
સફળતા માત્ર પૈસા કમાવવામાં નથી, પરંતુ સમાજનાં ચહેરા પર મુસ્કાન લાવવામાં છે. આ વિચારને પોતાના જીવનનું ધ્યેય બનાવનાર સુરતના યુવા પિડીયાટ્રીક ડેન્ટિસ્ટ ડૉ. પ્રિયાંક સુદાણી આજે માત્ર એક સફળ ડેન્ટિસ્ટ તરીકે જ નહીં, પરંતુ સમાજસેવાના કાર્યોથી પણ પોતાની અલગ ઓળખ ઊભી કરી રહ્યા છે.
માત્ર 31 વર્ષની ઉંમરે તેમણે પોતાના વ્યવસાયમાં નોંધપાત્ર સ્થાન મેળવ્યું છે. તેમની હોસ્પિટલને 25 જુલાઇ 2026ના દિવસે પાંચ વર્ષ પુરા થયા છે, પરંતુ આ પાંચ વર્ષમાં તેમણે કમાણી કરતાં વધુ લોકોની સેવા અને વિશ્વાસ જીતવાનો પ્રયાસ કર્યો છે.
ડૉ. પ્રિયાંકના પિતાનું મૂળ ગામ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના ધારી તાલુકાનું ભાડેર ગામ છે. પિતા વર્ષો પહેલા સુરત આવી ગયા હતા અને ડાયમંડ ઉદ્યોગમાં કામ કરતા હતા. પિતાની આર્થિક સ્થિતિ એટલી સારી નહોતી કે બાળકોને સારુ જીવન આપી શકે.
ડૉ. પ્રિયાંક સુદાણીનો જન્મ અને ઉછેર સુરત શહેરમાં થયો. પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ મજબૂત નહોતી, પરંતુ મહેનત, પ્રામાણિકતા અને સેવા પ્રત્યેનો આગ્રહ પરિવારના સંસ્કારમાં હતો. જીવનમાં ઘણી વખત પરિસ્થિતિઓએ પડકારો આપ્યા, પરંતુ આ પડકારો જ તેમને વધુ મજબૂત બનાવતા ગયા.
પરિવારની આર્થિક સ્થિતિ મજબુત ન હોવાને કારણે તેઓ સુરતમાં ગુજરાતી માધ્યમની સ્કૂલમાં જ ભણી શક્યા. તેમને એમબીબીએસમાં એડમિશન મળતું હતું, પરંતુ પૈસાના અભાવે તેમણે ડેન્ટલ શાખામાં જવાનું પસંદ કર્યું.
ડૉ. પ્રિયાંકનું સૌથી વિશિષ્ટ પાસું એ છે કે તેઓ પૈસા કમાવવા કરતાં સેવા કરવામાં વધુ વિશ્વાસ રાખે છે. તેમના માટે દરેક દર્દી માત્ર એક કેસ નથી, પરંતુ એક વ્યક્તિ છે, જે વિશ્વાસ સાથે તેમની પાસે આવે છે. આ જ વિચારસરણીને કારણે તેમણે “મુસ્કાન અભિયાન” શરૂ કર્યું.
“મુસ્કાન સેવા અભિયાન” હેઠળ દક્ષિણ ગુજરાતની અનાથ બાળકોની સંસ્થાના અનાથ અને જરૂરિયાતમંદ બાળકોને મફતમાં દાંતની સારવાર આપવામાં આવે છે. આવા બાળકોને ઘણી વખત યોગ્ય સારવાર મળી શકતી નથી અને નાની સમસ્યાઓ પણ ગંભીર બની જાય છે. ડૉ. પ્રિયાંક અને તેમની ટીમ આવા બાળકો સુધી પહોંચીને તેમની સારવાર કરે છે, જેથી તેઓ નિઃસંકોચ હસી શકે અને સ્વસ્થ જીવન જીવી શકે. સમાજ માટેનું આ કાર્ય તેમની સંવેદનશીલતા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ છે.
ડૉ. પ્રિયાંક માને છે કે, ડૉક્ટરની સફળતા માત્ર તેની આવકથી માપી શકાતી નથી. સાચી સફળતા ત્યારે મળે છે જ્યારે દર્દી સારવાર બાદ સંતોષ અને ખુશી સાથે ઘરે જાય. કદાચ આ જ કારણ છે કે તેમની હોસ્પિટલમાં આવનારા દર્દીઓ માત્ર સારવાર માટે જ નહીં, પરંતુ વિશ્વાસ માટે પણ આવે છે.
દરેક સફળ વ્યક્તિની પાછળ કોઈને કોઈનો મહત્વનો સાથ હોય છે. ડૉ. પ્રિયાંક પણ ખુલ્લા દિલે સ્વીકારે છે કે તેમના લગ્ન પછી તેમના જીવનમાં વિભૂતિના આવવાથી અનેક સકારાત્મક પરિવર્તનો આવ્યા. તેઓ માને છે કે પત્નીના આગમન બાદ તેમની પ્રગતિને નવી દિશા મળી. પત્ની વિભૂતી પણ ડેન્ટિસ્ટ છે. જીવનમાં મળતો ભાવનાત્મક સહયોગ, યોગ્ય માર્ગદર્શન અને મુશ્કેલ સમયમાં મળતો આત્મવિશ્વાસ વ્યક્તિને વધુ મજબૂત બનાવે છે. તેમના જીવનમાં પણ આ સહયોગ મહત્વપૂર્ણ સાબિત થયો છે.
આજે જ્યારે યુવાનો ઝડપથી સફળતા અને વધુ કમાણી પાછળ દોડતા જોવા મળે છે, ત્યારે ડૉ. પ્રિયાંક સુદાણીનો અભિગમ અલગ છે. તેઓ માને છે કે વ્યવસાયમાં નૈતિકતા, ગુણવત્તા અને સમાજ પ્રત્યેની જવાબદારી જ લાંબા ગાળાની સફળતાનો સાચો માર્ગ છે. કદાચ આ જ કારણ છે કે તેઓ યુવા વયે પણ લોકોના વિશ્વાસપાત્ર પિડીયાટ્રીક ડેન્ટિસ્ટ બન્યા છે.
તેમની સફર યુવાનો માટે પણ એક મહત્વનો સંદેશ આપે છે કે પરિસ્થિતિ ગમે તેવી હોય, જો સપનાઓ મોટા હોય અને તેને સાકાર કરવા માટે સતત મહેનત કરવામાં આવે તો સફળતા ચોક્કસ મળે છે. સામાન્ય પરિવારમાંથી નીકળેલો એક યુવાન આજે હજારો લોકોના ચહેરા પર સ્મિત લાવી રહ્યો છે, એ પોતે જ પ્રેરણાની વાત છે.
ડૉ. પ્રિયાંક સુદાણીની વાર્તા એ સાબિત કરે છે કે, સાચી સમૃદ્ધિ માત્ર બેંક બેલેન્સમાં નથી, પરંતુ લોકોના આશીર્વાદ અને ચહેરા પર લાવેલા સ્મિતમાં છે. પોતાના વ્યવસાયને સમાજસેવા સાથે જોડીને તેમણે એક એવી ઓળખ ઊભી કરી છે, જે માત્ર સુરત માટે જ નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ બની શકે.
માત્ર 31 વર્ષની ઉંમરે પાંચ વર્ષની સફળ હોસ્પિટલ, સેવાનો ભાવ, અનાથ બાળકો માટેનું “મુસ્કાન સેવા અભિયાન” અને દર્દીઓ પ્રત્યેનો માનવીય અભિગમ – આ બધું ડૉ. પ્રિયાંક સુદાણીને એક સામાન્ય ડેન્ટિસ્ટથી અલગ બનાવે છે. તેમની સફર હજુ લાંબી છે, પરંતુ અત્યાર સુધીની સિદ્ધિઓ જ કહી જાય છે કે જ્યારે વ્યવસાય સાથે સંવેદના જોડાય છે, ત્યારે સફળતા માત્ર વ્યક્તિગત રહેતી નથી; તે સમગ્ર સમાજની સંપત્તિ બની જાય છે.
પિતા ડાયમંડમાં કામ કરતા અને આર્થિક સ્થિતિ સારી નહોતી, પરંતુ સપનું પુરું કરવાનું મક્કમ મનોબળ હતું.
બાળપણથી જ અભ્યાસમાં રસ ધરાવતા પ્રિયાંકનું સપનું ડૉક્ટર બનવાનું હતું. મર્યાદિત સંસાધનો હોવા છતાં તેમણે ક્યારેય પોતાના લક્ષ્યથી નજર હટવા દીધી નહીં. સતત મહેનત અને પરિવારના સહકારથી તેમણે અમદાવાદમાં બીડીએસ (BDS)નો અભ્યાસ પૂર્ણ કર્યો. ત્યારબાદ વધુ ઊંડું જ્ઞાન મેળવવા માટે એમડીએસ (MDS) પણ અમદાવાદમાંથી પૂર્ણ કર્યું. અભ્યાસ દરમિયાન તેમણે માત્ર પુસ્તકીય જ્ઞાન જ નહીં, પરંતુ દર્દીઓ સાથે સંવેદનશીલ વ્યવહાર અને માનવતાનું મહત્વ પણ શીખ્યું.
પરંતુ તેમણે ક્યારેય શોર્ટકટ અપનાવ્યો નહીં. તેઓ માનતા કે જો સારવારમાં પ્રામાણિકતા અને દર્દીઓ પ્રત્યે આત્મીયતા હશે તો સફળતા એક દિવસ જરૂર મળશે.
આજે તેમની હોસ્પિટલને પાંચ વર્ષ પૂર્ણ થયા છે. આ પાંચ વર્ષ દરમિયાન હજારો દર્દીઓએ તેમની સારવારનો લાભ લીધો છે. તેમની ઓળખ માત્ર કુશળ પિડીયાટ્રીક ડેન્ટિસ્ટ તરીકે જ નહીં, પરંતુ દર્દીઓને પરિવારના સભ્ય જેવી લાગણી આપતા ડૉક્ટર તરીકે પણ બની છે.
પોતાની વર્ષગાંઠના દિવસે અનાથ બાળકો માટે સેવા આપે છે.
ડૉ. પ્રિયાંકની 12 મેના દિવસે વર્ષગાંઠ આવે છે. પોતાના જન્મદિવસે તેઓ અનાથાશ્રમના બાળકોને મળીને તેમની દાંતની સમસ્યા જાણીને ડેન્ટલ ટ્રીટમેન્ટ મફતમાં આપે છે અને જો કોઇ વધારે ખર્ચ આવતો હોય તો દાતાઓ પાસેથી એ અનાથ બાળકોને મદદ કરે છે.
ડૉકટરે કહ્યું કે, અમુક વખત એવા બાળકોને મળવાનું થાય છે કે તેમના માતા-પિતા કોણ છે તે પણ ખબર નથી હોતી તો એ લોકો દાંતની સારવારનો ખર્ચ કેવી રીતે કાઢી શકે. અત્યાર સુધીમાં તેમણે 2000 બાળકોને મફતમાં ડેન્ટલ સારવાર આપી છે.
ગુજરાતના મુખ્યમંત્રીના હસ્તે બેસ્ટ પિડીયાટ્રીક ડેન્ટિસ્ટનો એવોર્ડ મળ્યો.
અનાથાશ્રમના બાળકોની સેવાને ધ્યાનમાં રાખીને ડૉ. પ્રિયાંકને તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે બેસ્ટ પિડીયાટ્રીક ડેન્ટીસ્ટનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ડેન્ટિસ્ટે કહ્યું કે, સરકારે એપ્રિસિએશન કર્યું એટલે સેવા કરવાનો ઉત્સાહ વધી ગયો છે.
પિતાના લીડરશીપના ગુણને કારણે કોલેજમાં GS બન્યા હતા.
ડૉ. પ્રિયાંકના પિતા ભલે પૈસે ટકે સુખી સધ્ધર નહોતા, પરંતુ તેમનામાં સમાજ સેવા કરવાની અને લીડરશીપના ગુણો હતા. એ ગુણ મારામાં પણ આવ્યા. જ્યારે અમદાવાદમાં ભણતો ત્યારે કોલેજમાં GS બનેલો અને આંદોલનો પણ કરતો હતો.
BDSનું ભણ્યો ત્યાં સુધી પરિવાર તરફથી આર્થિક મદદ મળતી હતી, પરંતુ MDSમાં જાતે જ ખર્ચ ઉઠાવવાનું શરૂ કર્યું અને MDSમાં ભણવાની સાથે ડેન્ટલ ક્લિનિકમાં જોબ કરવાનું પણ શરૂ કર્યું અને તેમના મોટા ભાઈનો પણ આ સમય દરમિયાન ખૂબ સપોર્ટ રહ્યો. સાથે આ સફરમાં ઘરમાંથી મમ્મી અને ભાભીનો પણ સપોર્ટ ખૂબ જરૂરી રહ્યો..
બાળકોના દાંત વિશે પરિવારોમાં હજુ પણ જાગૃતિ ઓછી છે…
ડૉક્ટરે કહ્યું કે, મારી પાસે ઘણા એવા પરિવારો તેમના બાળકોને લઇને આવે છે જેમણે દાંતની સમસ્યા નજર અંદાજ કરી હોય અથવા બાળપણમાં આવતા દાંત વિશે તેમને અવેરનેસ ન હોય.
તેમણે કહ્યું કે, બાળકનો જન્મ થાય પછી 6 મહિને પહેલો દૂધિયો દાંત આવે અને 20 દૂધિયા દાંત આવતા અઢી વર્ષ લાગે. એ પછી નવા દાંત 17-18 વર્ષ સુધી આવતા રહે. અમારા માટે 32 દાંત અને 20 દૂધિયા દાંત એમ 52 દાંતની સારવાર કરવાની હોય.
એક પરિવારનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે, એક બાળક દાંત સાથે જન્મ્યું હતું. તો પરિવારે કહ્યું કે, જન્મતાની સાથે દાંત આવ્યો છે તો આ વિશે કોઈને કહેશો નહીં, કારણ કે એ રાક્ષસ કુળનો બાળક કહેવાય. આવી ગેર માન્યતા હજુ પણ લોકોમાં છે.
વાસ્તવમાં બાળકના શારીરિક વિકાસ માટે દૂધિયા દાંત જરૂરી છે. જો દૂધિયા દાંતની વચ્ચે નેચરલ સ્પેસીંગ બરાબર ન હોય તો બાળકોને વાંકાચૂકા દાંત આવી શકે છે. તેમણે કહ્યું કે, બાળકોનો પહેલો બર્થડે આવે અથવા પહેલો દાંત આવે ત્યારે ડેન્ટિસ્ટનો સંપર્ક કરી લેવો જોઇએ, જેથી માતા-પિતાને પ્રિવેન્શન શું રાખવું તેની જાણકારી મળી શકે.
એક કેસ એવો હતો જેમાં બાળકની જન્મતાની સાથે જીભ ચોંટેલી હતી.
ડૉક્ટરે કહ્યું કે, અમારી પાસે એક કેસ એવો આવેલો કે જન્મતાની સાથે બાળકની જીભ ચોંટેલી હતી. એટલે તેને સ્પીચની સમસ્યા તો આવે, પરંતુ દાંતને પણ નુકસાન થઇ શકે છે. ઘણીવાર પરિવારના લોકો દાંત પ્રત્યે સભાન ન હોવાને કારણે કેસ બગડી જાય પછી અમારી પાસે આવતા હોય છે.
એક સ્મિત બાળકનું જીવન બદલી શકે છે, મુસ્કાન સેવા અભિયાન વિશે જાણો.
મુસ્કાન સેવા અભિયાન બાળકોના દાંતના સુપર સ્પેશિયાલિસ્ટ ડૉ. પ્રિયાંક સુદાણી દ્વારા અનાથ અને જરૂરિયાત મંદ બાળકોને વિના મૂલ્યે દાંતની મફત સેવા આપવાનું એક પ્રેરણાદાયી અભિયાન છે. તેઓ માત્ર આવા બાળકોના ચહેરા પર ફક્ત સ્મિત જ નહીં, પરંતુ આત્મવિશ્વાસ અને સન્માન પાછુ આપી રહ્યા છે. ઘણા બાળકો માટે મૂળભૂત ડેન્ટલ સારવાર પણ ઉપલબ્ધ હોતી નથી. દાંતનો દુખાવો, ખાવામાં મુશ્કેલ અને આત્મવિશ્વાસના અભાવ તેમની રોજિંદી જિંદગીનો ભાગ બની જાય છે.
મુસ્કાન સેવા અભિયાન ડૉ. પ્રિયાંકના જન્મ દિવસના એક નાનકડા પ્રયાસથી શરૂ થયું હતું, જે આજે સતત સેવા મિશનમાં બદલાયું છે. આ અભિયાન દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી અનાથ અને જરૂરિયાત મંદ બાળકોને સતત વિનામૂલ્યે દાંતની સારવાર આપવામાં આવી રહી છે.
છેલ્લાં 4 વર્ષથી ચાલી રહેલી સેવામાં અત્યાર સુધીમાં ડૉ. પ્રિયાંકે 2000થી વધારે બાળકોને મફત સારવાર આપી છે. તમારી જાણ ખાતર આ સેવાની ભેખ માત્ર એક દિવસ માટે જ નથી, પણ આખું વર્ષ ચાલે છે, જેને કારણે અનેક બાળકોના ચહેરા પર ફરી સ્મિત આવી ગયા છે.
બાળકોને સાંજે ટૂથ બ્રશ કરાવો
બાળકોને જો સવારે બ્રશ કરાવો તે સારી વાત છે, પરંતુ સાંજનું બ્રશ કરાવવું વધારે મહત્ત્વનું છે. કારણ કે, મોઢામાં ખાવાનું રહી ગયું હોય તો તેની સફાઈ થઇ જાય તો દાંત બગડવાની સંભાવના ઘટી જાય છે. બીજું કે બાળકને દૂધ પીવડાવો તો તેના સુવાના અડધા કલાક પહેલા પીવડાવજો અથવા દૂધ પીધા પછી તરત બ્રશ કરાવજો તો પણ દાંત જલ્દી બગડશે નહીં.
સેવાનો વ્યાપ વધારીને હવે સ્પેશિયલ ચાઇલ્ડને પણ મફત સેવા આપીશું.
ડૉ. પ્રિયાંક સાથેની વાતચીતમાં એ વાત સ્પષ્ટ થઇ કે તેમને બહુ બધા પૈસા ભેગા કરવાનો મોહ નથી, પરંતુ લોકોને વધુ સેવા કેવી રીતે આપી શકાય તે વિશે વધુ ધ્યાન આપે છે.
તેમણે કહ્યું કે, અમે હવે સ્પેશિયલ ચાઇલ્ડને જો દાંતની બિમારી હશે તો ડેન્ટલ સારવાર ફ્રીમાં આપવા વિશે વિચારી રહ્યા છે. તેમણે કહ્યું કે, દક્ષિણ ગુજરાતમાં તેમની એક માત્ર ઍડ્વાન્સ હોસ્પિટલ છે અને હવે ગુજરાતમાં એક માત્ર ઍડ્વાન્સ હોસ્પિટલ બને તેના માટેના પ્રયાસો કરી રહ્યા છે.
જો તમે કોઇ એવા બાળક અથવા અનાથાશ્રમને ઓળખતા હો જેને આવી સારવારની જરૂર છે, તો કૃપા કરીને મુસ્કાન સેવા અભિયાનને તેમાં જોડવામાં મદદ કરો. તમારો નાનો પ્રયાસ કોઈના જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે. તમે 73593 58281 પર સંપર્ક કરી શકો છો.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube























