The company Origem has made an attractive announcement in the lab-grown diamond market
(સૌજન્ય : જ્વેલબઝ)
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT 

વર્તમાનમાં  રહેલા સોનાના ભાવ મુજબ ૧૦૦% વળતર; ગોલ્ડિયમ બ્રાન્ડે ગ્રાહકોમાં વિશ્વાસ મજબૂત થાય તે માટે રજૂ કર્યું આકર્ષક મોડેલ

લેબગ્રોન ડાયમંડ (LGD) જ્વેલરીમાં પુનઃવેચાણ અને એક્સચેન્જ વેલ્યુને લઈને ગ્રાહકોના મનમાં રહેતી અસમંજસને દૂર કરવા અગ્રણી બ્રાન્ડ ‘ઓરિજેમ’ (Origem) દ્વારા એક સીમાચિહ્નરૂપ જાહેરાત કરવામાં આવી છે. શેરબજારમાં લિસ્ટેડ અગ્રણી જ્વેલરી નિર્માતા ગોલ્ડિયમ ઇન્ટરનેશનલ સમર્થિત આ બ્રાન્ડે ગ્રાહકો માટે ‘૧૧૦% લાઇફટાઇમ એક્સચેન્જ પ્રોગ્રામ’ લોન્ચ કર્યો છે. આ નવીન પહેલ હેઠળ ગ્રાહકોને તેમના લેબગ્રોન ડાયમંડની મૂળ કિંમત પર ૧૧૦% સુધીનું એક્સચેન્જ મૂલ્ય ઓફર કરવામાં આવી રહ્યું છે, જે ઉદ્યોગ જગતમાં ચર્ચાનો વિષય બન્યું છે.

૧૧૦% એક્સચેન્જ વેલ્યુ : શું છે નવી પોલિસી?

કંપની દ્વારા જાહેર કરાયેલા નિયમો અને શરતો અનુસાર, ઓરિજેમના ગ્રાહકો જ્યારે પોતાની જૂની લેબગ્રોન જ્વેલરી એક્સચેન્જ કરવા આવશે ત્યારે તેમને ડાયમંડ કમ્પોનન્ટ (હીરાના હિસ્સા) પર ૧૧૦% એક્સચેન્જ વેલ્યુ ચૂકવવામાં આવશે.

આ સાથે જ આભૂષણમાં રહેલા ગોલ્ડ (સોના)ના હિસ્સાનું મૂલ્યાંકન એક્સચેન્જ વખતે બજારમાં ચાલી રહેલા તત્કાલીન પ્રવર્તમાન દર અનુસાર પૂરેપૂરું ૧૦૦% ગણવામાં આવશે. આ સ્કીમનો મુખ્ય હેતુ ગ્રાહકોને તેમની ખરીદી સુરક્ષિત હોવાનો અને કોઈપણ નુકસાન વગર નવી ડિઝાઇનમાં કન્વર્ટ કરી શકવાનો અહેસાસ કરાવવાનો છે.

બદલાતી ખરીદી શૈલી અને વિવિધ શેપ્સ અજમાવવાની છૂટ

ગોલ્ડિયમ ઇન્ટરનેશનલના મેનેજિંગ ડિરેક્ટર અનમોલ ભણસાલીએ આ અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, “આજના ગ્રાહકો જ્વેલરીની ખરીદીમાં વધુ ફ્લેક્સિબિલિટી અને સ્વતંત્રતા ઈચ્છી રહ્યા છે. કુદરતી હીરાની સરખામણીએ લેબગ્રોન ડાયમંડ્સના ભાવ વ્યાજબી હોવાથી ગ્રાહકો હવે પરંપરાગત રાઉન્ડ કટ ઉપરાંત અવનવા ફેન્સી શેપ્સ સાથે પ્રયોગો કરવા આતુર છે. આ એક્સચેન્જ મોડેલ ગ્રાહકોને નિશ્ચિંત થઈને વિવિધ ડિઝાઇન્સ પસંદ કરવા માટે પ્રોત્સાહિત કરશે.”

સમયાંતરે ખરીદીમાં વધારો થાય તેવા પ્રયાસો…

ઓરિજેમના પ્રેસિડેન્ટ અભિનવ કુમારે સ્પષ્ટ કર્યું હતું કે, “આ પ્રોગ્રામ પાછળનો અમારો ઉદ્દેશ્ય ગ્રાહકની પહેલી ખરીદીને પૂર્ણવિરામ નહીં, પરંતુ ખરીદીમાં વારંવાર પુનરાવર્તન થાય તે છે. બદલાતી ફેશન કે નવા પારિવારિક પ્રસંગો અનુસાર ગ્રાહક પોતાના આભૂષણો બદલી શકે અને તેમ છતાં તેનું રોકાણ મૂલ્ય ઘટવાને બદલે ઊલટું વધે, તેવો વિશ્વાસ અમે પ્રસ્થાપિત કરવા માંગીએ છીએ.”

દેશભરમાં સક્રિય ૩૦થી વધુ સ્ટોર્સમાં આ યોજનાનો લાભ

ઓરિજેમની આ જાહેરાત એવા સમયે આવી છે જ્યારે બ્રાન્ડ દેશભરમાં પોતાનું રિટેલ નેટવર્ક ઝડપથી વધારી રહી છે. હાલ કંપની ૧૪થી વધુ અગ્રણી શહેરોમાં ૩૦થી વધુ એક્સક્લુઝિવ સ્ટોર્સનું સંચાલન કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, પેરન્ટ કંપની ગોલ્ડિયમ ઇન્ટરનેશનલે ઓરિજેમના રિટેલ ધંધાના વિસ્તરણને વેગ આપવા માટે વર્ષ ૨૦૨૫માં ક્યુઆઈપી (ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ પ્લેસમેન્ટ) દ્વારા રૂ. ૨૦૨ કરોડનું તોતિંગ ભંડોળ એકત્ર કર્યું હતું. આ નવી ઓફર સાથે ઓરિજેમ આગામી દિવસોમાં ભારતીય લેબગ્રોન રિટેલ ક્ષેત્રે પોતાનું આગવું સ્થાન વધુ મજબૂત કરે તેવી શક્યતા દેખાઈ રહી છે.


Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant