DIAMOND CITY NEWS, SURAT
તાજેતરમાં કાચા હીરાના વિશ્વના સૌથી મોટા ઉત્પાદક દેશ બોત્સ્વાનાએ નેચરલ ડાયમંડ ક્ષેત્રની મજબૂતી માટે મહત્વનું નિવેદન આપ્યું છે.
બોત્સ્વાનાના ઉપરાષ્ટ્રપતિ ન્દાબા ગાઓલાથેએ લંડનમાં પોતાના એક વક્તવ્યમાં જણાવ્યું કે હવે કુદરતી હીરાના ઉજ્જવળ ભવિષ્ય માટે એક ચોક્કસ પ્લાન સાથે સ્થિરતાની તાતી જરૂરિયાત છે. આજે વૈશ્વિક હીરા બજારમાં સુસ્તીનો માહોલ દેખાઈ રહ્યો છે.
તેમણે પોતાના સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, કુદરતી હીરા બજારની રિકવરીનો મોટો આધાર બોત્સ્વાના અને દિગ્ગજ માઇનિંગ કંપની ‘ડી બીયર્સ’ (De Beers) વચ્ચેના સ્થિર અને પારદર્શક સંબંધો પર ટકેલો છે.
લંડન સ્થિત આંતરરાષ્ટ્રીય બાબતોની પ્રતિષ્ઠિત થિંક ટેન્ક ‘ચેથમ હાઉસ’ ખાતે સંબોધન કરતાં ગાઓલાથેએ સ્વીકાર્યું હતું કે બંને પક્ષો વચ્ચે ભાગીદારી બાબતે ભવિષ્યને લઈને સર્જાયેલી અનિશ્ચિતતાએ બજારના સેન્ટિમેન્ટને ભારે નુકસાન પહોંચાડ્યું છે.
ગાઓલાથેના જણાવ્યા અનુસાર, ભૌગોલિક રાજકીય તણાવ અને આયાત જકાત જેવા પરિબળોએ કુદરતી હીરાની માંગને મંદ પાડી છે તે હકીકત છે, પરંતુ બોત્સ્વાના અને ડી બીયર્સ વચ્ચેના ભાવિ સમીકરણો અંગેની અનિશ્ચિતતાએ ગ્રાહકો તથા વેપારીઓનો વિશ્વાસ વધુ ડગમગાવ્યો હતો.
આને કારણે તેનો સીધો ફાયદો લેબગ્રોન (કૃત્રિમ) હીરાને મળ્યો અને તેણે બજારમાં ઝડપથી પોતાનો હિસ્સો વધારી લીધો. ભૂતકાળને યાદ કરતાં તેમણે ઉમેર્યું કે, જ્યારે પણ મંદી આવી ત્યારે બંને પક્ષોએ સાથે મળીને રફ હીરાનું હોલ્ડિંગ (સ્ટોકપાઇલિંગ) કર્યું હતું અને વૈશ્વિક સ્તરે ડાયમંડ માર્કેટિંગમાં આક્રમક રોકાણ કરીને બજારને તૂટતું બચાવ્યું હતું.
હાલમાં એંગ્લો અમેરિકન કંપની ડી બીયર્સમાં પોતાનો ૮૫% હિસ્સો ધરાવે છે અને તે પોતાનો અમુક હિસ્સો વેચવા માટે ખરીદદાર શોધી રહી છે, ત્યારે ૧૫% હિસ્સેદારી ધરાવતું બોત્સ્વાના કંપનીમાં પોતાનો દબદબો વધારવા ઇચ્છે છે.
જોકે, ગાઓલાથેએ સ્પષ્ટ કર્યું કે, આ મહત્વાકાંક્ષા માત્ર શેર ખરીદવા પૂરતી સીમિત નથી. દાયકાઓથી આ ઉદ્યોગમાં હોવાને કારણે બોત્સ્વાનાએ હીરાની સમગ્ર વેલ્યુ-ચેઇનમાં પારંગતતા મેળવી લીધી છે. જેમ વ્યક્તિ શિક્ષણ પૂરું કરીને ‘ગ્રેજ્યુએટ’ થાય અને આગલા મુકામે પહોંચે, તેમ બોત્સ્વાના પણ હવે માત્ર ખાણકામ પૂરતું સીમિત ન રહીને ગ્લોબલ ડાયમંડ ચેઇનમાં નિર્ણાયક લીડર બનવા માંગે છે.
બોત્સ્વાના ડી બીયર્સમાં વધુ હિસ્સો લેવા માટે પોતાની તિજોરી પર અતિશય બોજ નાખશે તેવી અટકળોને તેમણે નકારી કાઢી હતી. તેમણે ભારપૂર્વક કહ્યું કે, “મુદ્દો એ નથી કે બોત્સ્વાના પાસે નાણાં છે કે નહીં; અસલ મુદ્દો એ છે કે નવી ભાગીદારી એવી હોવી જોઈએ જે કુદરતી હીરા ઉદ્યોગને નવી ઊંચાઈએ લઈ જવાની વ્યૂહાત્મક તાકાત (સ્ટ્રેટેજિક સુપિરિયોરિટી) ધરાવતી હોય.”
હીરા ઉદ્યોગના ભવિષ્યની ચર્ચા સાથે તેમણે દેશના અર્થતંત્ર માટે એક આકરી વાસ્તવિકતા પણ રજૂ કરી હતી. તેમણે ચેતવણીભર્યા સ્વરે કહ્યું કે, “આપણી પાસે અર્થતંત્રમાં વિવિધતા લાવવા (ડાઇવર્સિફિકેશન) સિવાય કોઈ વિકલ્પ નથી, અન્યથા આપણું અસ્તિત્વ જોખમાશે.”
તેમણે નિર્દેશ આપ્યો કે બોત્સ્વાના રફ હીરા વેચવાની સાથોસાથ અન્ય બિઝનેસ તરફ પણ આગળ વધી રહ્યુ છે. મિનરલ્સ, મેન્યુફેક્ચરિંગ, ગ્રીન એનર્જી, ફાયનાન્સિયલ સર્વિસિસ, એગ્રીકલ્ચર અને ટૂરિઝમ જેવાં ક્ષેત્રોમાં હવે ઝડપથી આગળ વધશે. કુદરતી હીરા હંમેશાં બોત્સ્વાનાના વિકાસનો મહત્વનો હિસ્સો રહેશે, પરંતુ તે દેશના સમગ્ર અર્થતંત્રના આ એકમાત્ર બિઝનેસ પર આધારિત નહિ રહી શકે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube





















