DIAMOND CITY NEWS, SURAT
વૈશ્વિક વેપાર જગતમાંથી એક ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ઓગસ્ટ મહિનામાં લાગુ થઈ શકે તેવા નવા આકરા ટેરિફ (આયાત ડ્યુટી) અને સરકારી અંકુશોથી બચવા માટે અમેરિકાના રિટેલર્સ અને આયાતકારોએ વહેલી તકે માલસામાનનો જથ્થો યુએસ ભેગો કરવાની હોડ લગાવી છે.
‘ગ્લોબલ પોર્ટ ટ્રેકર’ (GPT) ના તાજેતરના અહેવાલ મુજબ, આ વર્ષે જુલાઈ મહિનામાં અમેરિકાની આયાત અત્યાર સુધીના સર્વોચ્ચ ઐતિહાસિક સ્તરે પહોંચવાની આગાહી કરવામાં આવી છે. રિટેલર્સ ભાવવધારાથી બચવા માટે સપ્લાય ચેઈનને એડવાન્સમાં જ દોડાવી રહ્યા છે.
જુલાઈમાં ૨૪.૭ લાખ TEU નો નવો માસિક રેકોર્ડ સર્જાશે
નેશનલ રિટેલ ફેડરેશન (NRF) અને હેકેટ એસોસિએટ્સ દ્વારા સંયુક્ત રીતે બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ, જુલાઈ ૨૦૨૬ દરમિયાન અમેરિકાના મુખ્ય રિટેલ બંદરો પર આયાત ૨.૪૭ મિલિયન (૨૪.૭ લાખ) TEU (Twenty-foot Equivalent Units – ૨૦ ફૂટના કન્ટેનરનું માપ) સુધી પહોંચવાનો અંદાજ છે.
આ આંકડો ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીએ ૩.૩% નો વધારો દર્શાવે છે. આ અગાઉ કોવિડ-૧૯ મહામારી બાદ જ્યારે અર્થતંત્ર બેઠું થઈ રહ્યું હતું ત્યારે મે ૨૦૨૨ માં ૨.૪ મિલિયન TEU નો સર્વોચ્ચ માસિક રેકોર્ડ નોંધાયો હતો, જે આ જુલાઈમાં તૂટી જશે.
૧૦% ગ્લોબલ ટેરિફની મુદત પૂરી અને નવા નિયમોની એન્ટ્રી
અહેવાલમાં જણાવ્યા અનુસાર, ટ્રેડ એક્ટની કલમ ૧૨૨ હેઠળ ફેબ્રુઆરી મહિનાથી લાગુ કરવામાં આવેલ અસ્થાયી ૧૦% ગ્લોબલ ટેરિફ આગામી ૨૪ જુલાઈએ સમાપ્ત થવા જઈ રહ્યો છે. જોકે, ટ્રેડર્સ માટે રાહતના શ્વાસ લેવાનો સમય બહુ ઓછો છે, કારણ કે ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા આગામી ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં જ ‘ફરજિયાત મજૂરી’ (Forced Labor) ના દૂષણને રોકવાના બહાના હેઠળ આયાતી માલ પર ટેરિફનો નવો રાઉન્ડ અને કડક પ્રતિબંધો લાદવામાં આવે તેવી પૂરેપૂરી સંભાવના છે.
એનઆરએફના વાઇસ પ્રેસિડેન્ટ જોનાથન ગોલ્ડના જણાવ્યા અનુસાર : “આ વર્ષે પીક આયાત સીઝન વહેલી શરૂ થઈ ગઈ છે અને તે જુલાઈ સુધી સતત ચાલુ રહેશે. રિટેલર્સ નવા ટેરિફના કારણે કિંમતો વધે તે પહેલાં જ ઉત્પાદનોને અમેરિકામાં લાવીને સુરક્ષિત કરી લેવા માંગે છે. આર્થિક પડકારો હોવા છતાં ગ્રાહકો ખરીદી કરી રહ્યા છે, પરંતુ તેમના માટે પરવડે તેવા ભાવો (એફોર્ડેબિલિટી) સૌથી મુખ્ય પરિબળ છે.”
૨૦૨૬ ના પ્રથમ છ મહિનામાં આયાતમાં ૨% નો વૃદ્ધિ દર
મે મહિનાના સત્તાવાર આખરી આંકડાઓ અનુસાર, અગાઉના વર્ષના સમાન મહિનાની સરખામણીએ આયાતમાં ૧૫% નો મોટો ઉછાળો જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે એપ્રિલમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેર કરાયેલા “લિબરેશન ડે” ટેરિફના કારણે ગત વર્ષે મે મહિનામાં આયાત ખૂબ જ નીચી રહી હતી. જ્યારે જૂન ૨૦૨૬ ના અંતિમ આંકડા હજુ જાહેર થવાના બાકી છે, પરંતુ ટ્રેકરે અંદાજ લગાવ્યો છે કે જૂન મહિનો ૨.૩૩ મિલિયન TEU સાથે ૧૯% નો બમ્પર જમ્પ બતાવશે.
આ આંકડાઓ સાથે, વર્ષ ૨૦૨૬ ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા (જાન્યુઆરીથી જૂન) ની કુલ આયાત ૧૨.૭૭ મિલિયન TEU પર પહોંચવાનો અંદાજ છે, જે વર્ષ ૨૦૨૫ ના પ્રથમ છ મહિનાની સરખામણીએ ૨% ની મજબૂત વૃદ્ધિ દર્શાવે છે. આ વૈશ્વિક વેપાર ઉથલપાથલની સીધી અસર ભારતીય નિકાસકારો અને ખાસ કરીને હીરા તેમજ ટેક્સટાઈલ ઉદ્યોગ પર પણ પડી શકે છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube





















