DIAMOND CITY NEWS, SURAT
વૈશ્વિક હીરા બજાર હાલમાં એક મહત્વપૂર્ણ ટર્નિંગ પોઈન્ટ પરથી પસાર થઈ રહ્યું છે. તાજેતરના અહેવાલો અનુસાર, વૈશ્વિક ડાયમંડ માર્કેટ હાલમાં સ્થિર જોવા મળી રહ્યું છે. મર્યાદિત સપ્લાય (ટાઈટ સપ્લાય) ના કારણે રાઉન્ડ હીરાના ભાવ મજબૂત બન્યા છે, જ્યારે અમુક ચોક્કસ કેટેગરીમાં કિંમતોમાં વધારો પણ નોંધાયો છે.
અમેરિકામાં ચોથી જુલાઈના લંબાયેલા વેકેશન અને ઉનાળાની સીઝનની શરૂઆતના કારણે હોલસેલ વેપાર થોડો ધીમો રહ્યો છે, પરંતુ માર્કેટમાં અંડરકરન્ટ મજબૂત છે. ખાસ કરીને ૧ થી ૧.૯૯ કેરેટના, F-J કલર અને VS-SI ક્લેરિટી ધરાવતા રાઉન્ડ હીરાની માંગમાં રિકવરીના પ્રારંભિક સંકેતો દેખાઈ રહ્યા છે.
ડી બિયર્સ દ્વારા રફના ભાવમાં મોટો ઘટાડો અને સાઇટહોલ્ડર્સની છટણી
બજારના સમીકરણોને સુધારવા માટે વૈશ્વિક ડાયમંડ માઇનિંગ જાયન્ટ ‘ડી બિયર્સ’ (De Beers) દ્વારા જુલાઈ સાઇટમાં રફ હીરાના ભાવમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. ખાસ કરીને ૦.૭૫ કેરેટ (૩-ગ્રેનર્સ) થી ઓછી સાઈઝના માલમાં કિંમતો નોંધપાત્ર રીતે ઘટાડવામાં આવી છે જેથી તે વર્તમાન બજારના ભાવો સાથે સુસંગત થઈ શકે.
આ ઉપરાંત, કંપનીએ પોતાના નવા કોન્ટ્રાક્ટ હેઠળ સાઇટહોલ્ડર્સની યાદીમાં મોટો કાપ મૂક્યો છે. અગાઉ ૭૦ સાઇટહોલ્ડર્સ હતા, જે પ્રથમ વેચાણમાં ઘટાડીને માત્ર ૪૫ થી ૫૦ કરી દેવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે કંપની હવે વધુ સંગઠિત અને મજબૂત પ્લેયર્સ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
ફેન્સી કટ્સનો દબદબો: માર્ક્વિઝ અને લોન્ગ કુશન પ્રીમિયમ ભાવે ટ્રેડ
હાલમાં ૨ કેરેટ અને તેથી મોટી સાઈઝમાં રાઉન્ડ હીરા કરતા ફેન્સી શેપ્સ જેમ કે ઓવલ (Oval), માર્ક્વિઝ (Marquise) અને એમરાલ્ડ (Emerald) કટ્સ ઘણું સારું પ્રદર્શન કરી રહ્યા છે. બજારમાં ઉચ્ચ ગુણવત્તાવાળા માર્ક્વિઝ, લોન્ગ રેડિયન્ટ અને લોન્ગ કુશન કટ્સની ભારે અછત જોવા મળી રહી છે, જેને કારણે માર્ક્વિઝ હાલમાં સૌથી મોંઘો ફેન્સી શેપ બન્યો છે.
લોન્ગ કુશન કટ્સ સ્ક્વેર (ચોરસ) કુશન કરતા ૨૦% થી ૨૫% પ્રીમિયમ ભાવે વેચાઈ રહ્યા છે. અમેરિકામાં D-I કલર અને VS-SI કેટેગરીના લાંબા ઓવલ શેપની મજબૂત માંગ છે. આઇડિયલ અથવા ઉત્કૃષ્ટ કટ ધરાવતા ફેન્સી શેપ્સ મળવા મુશ્કેલ હોવાથી તેના પર ઊંચું પ્રીમિયમ વસૂલવામાં આવી રહ્યું છે, જ્યારે ખરાબ પ્રપોશન (માપ) ધરાવતા હીરા બજારમાં અટકી પડ્યા છે.
ભારતીય માર્કેટમાં તેજીનો માહોલ : ‘ટાઇટન’ના વેચાણમાં ૩૯% નો ઉછાળો
ભારતીય હીરા ઉદ્યોગ માટે ખૂબ જ ઉત્સાહજનક સમાચાર સામે આવ્યા છે. ટાટા ગ્રુપની જ્વેલરી બ્રાન્ડ ‘ટાઇટન’ (Titan) ના પ્રથમ ક્વાર્ટરના પરિણામોમાં જ્વેલરી વેચાણમાં વાર્ષિક ધોરણે (YOY) ૩૯% નો જંગી ઉછાળો નોંધાયો છે, જેમાં ડાયમંડ સ્ટડેડ (હીરાજડિત) દાગીનાના વેચાણમાં ૩૫% થી વધુની વૃદ્ધિ જોવા મળી છે.
મુંબઈમાં આગામી ૫ થી ૧૦ ઓગસ્ટ દરમિયાન યોજાનારા ઈન્ડિયા ઈન્ટરનેશનલ જ્વેલરી શો (IIJS) પહેલા સ્થાનિક ખરીદદારોમાં ભારે આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે. ઉત્પાદકો કિંમતો પર મક્કમ છે અને વેપારીઓએ ફરીથી ઇન્વેન્ટરી બાયિંગ (સ્ટોક કરવાનું) શરૂ કર્યું છે. ૦.૫૦ કેરેટ, D-I કલર, VS-SI1 રાઉન્ડ હીરાની માંગ સતત વધી રહી છે.
વૈશ્વિક દેશોની બજાર સ્થિતિ પર એક નજર :
- યુનાઇટેડ સ્ટેટ્સ (US) : વેકેશનના કારણે હોલસેલ માર્કેટ શાંત હોવા છતાં, હાઇ-એન્ડ ડિઝાઇનર્સ તરફથી રાઉન્ડ અને ફેન્સી શેપના D-F કલર, IF-VS ક્લેરિટીના હીરા માટે એડવાન્સ ઓર્ડર ખૂબ મજબૂત છે. માંગ હવે માત્ર ૨ કેરેટથી વધીને ૧ થી ૧.૯૯ કેરેટ સુધી વિસ્તરી રહી છે.
- બેલ્જિયમ (એન્ટવર્પ) : વેકેશનની સીઝન હોવાથી બજાર ધીમું છે પણ ભાવો એકદમ મક્કમ છે. મોટા કદના હીરા અને કલેક્શન ગુડ્સમાં ભારે શોર્ટેજ (અછત) છે. અહીં પણ માર્ક્વિઝ કટની સારી માંગ છે.
- ઇઝરાયેલ : અમેરિકન ગ્રાહકો રજાઓ પર હોવાથી વેપાર ઓછો છે અને દેશની વર્તમાન સુરક્ષા સ્થિતિને કારણે બજારમાં હજુ પણ અનિશ્ચિતતાનો માહોલ છે.
- હોંગકોંગ અને ચીન : હોંગકોંગનું માર્કેટ અત્યારે ઓર્ડર-આધારિત (Order-driven) ચાલી રહ્યું છે. અહીં હીરાને માત્ર ફેશન નહીં પરંતુ ઇન્વેસ્ટમેન્ટ અને ઇમોશનલ વેલ્યુ તરીકે જોવામાં આવે છે. લેબ-ગ્રોન (સિન્થેટિક) હીરા સસ્તી કેટેગરીમાં જગ્યા બનાવી રહ્યા છે, જ્યારે રિયલ ડાયમંડમાં ૨ કેરેટ પ્લસના લોન્ગ ફેન્સીની માંગ છે. જોકે, ચીનનું સ્થાનિક કન્ઝ્યુમર માર્કેટ હજુ પણ નબળું જોવા મળી રહ્યું છે.
આ દરમિયાન, સિંગાપોર ખાતે ૧૨ થી ૧૫ જુલાઈ દરમિયાન યોજાનારી ‘વર્લ્ડ ડાયમંડ કોંગ્રેસ’માં વર્લ્ડ ફેડરેશન ઓફ ડાયમંડ બોર્સિસ (WFDB) ના પ્રમુખ પદ માટે ત્રણ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે, જેના પર સમગ્ર વૈશ્વિક ડાયમંડ જગતની નજર ટકેલી છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube





















