DIAMOND CITY NEWS, SURAT
વિશ્વભરમાં હીરાના કટિંગ-પોલિશિંગ માટે પ્રખ્યાત સુરત શહેરે ફરી એકવાર ટેકનોલોજી અને કળાનો અદભુત સમન્વય રજૂ કરીને વૈશ્વિક સ્તરે ઇતિહાસ રચી દીધો છે. સુરતની ખ્યાતનામ સંસ્થા ISGJ જ્વેલરી કોલેજ અને ડાયમંડ ટેકનોલોજી ક્ષેત્રે અગ્રણી લેક્સસ ગ્રુપ (Lexus SoftMac) દ્વારા સંયુક્ત રીતે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના ચહેરાના આકાર (Side Profile) ધરાવતું એક અત્યંત દુર્લભ અને અદભુત ડાયમંડ શિલ્પ તૈયાર કરવામાં આવ્યું છે, જે તાજેતરમાં તેમને ભેટ સ્વરૂપે અર્પણ કરાયું છે.
કટિંગ-પોલિશિંગથી લઈને ડિઝાઇનિંગ સુધીનું અનોખું સંકલન
આ વિશેષ પ્રોજેક્ટમાં બંને સંસ્થાઓના નિષ્ણાતોએ પોતાની ભૂમિકા ખૂબ જ ચોકસાઈથી નિભાવી હતી. ડાયમંડના કટિંગ અને પોલિશિંગ સહિતની તમામ જટિલ ટેકનિકલ પ્રક્રિયાઓ લેક્સસ ગ્રુપ દ્વારા હાથ ધરવામાં આવી હતી. જ્યારે તેના કન્સેપ્ટ ડેવલપમેન્ટ, ડિઝાઇનિંગ અને સમગ્ર આયોજનની જવાબદારી ISGJ જ્વેલરી કોલેજે સફળતાપૂર્વક સંભાળી હતી. આ ડાયમંડ માત્ર એક રત્ન નથી, પરંતુ સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અસીમ ટેકનિકલ ક્ષમતાનું પ્રતીક છે.

૪ મહિનાની અવિરત મહેનતનું પરિણામ
ISGJ ના કલ્પેશ દેસાઈના જણાવ્યા અનુસાર, આ પ્રકારનો ફેશિયલ ડાયમંડ તૈયાર કરવો એ કોઈ સામાન્ય પ્રક્રિયા નથી. આ માટે હર્ષ સંઘવીના ચહેરાનું ડિજિટલ સ્કેનિંગ કરીને થ્રી-ડાયમેન્શનલ (3D) મોડેલિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિશેષ સોફ્ટવેર અને અદ્યતન લેસર મશીનરીની મદદથી હીરા પર ચહેરાની રેખાઓ કંડારવામાં આવી હતી. લગભગ સાડા ત્રણથી ચાર મહિનાના સતત પરીક્ષણો અને ડિઝાઇન સુધારણા બાદ આખરે ૧૦.૦૭ કેરેટનો આ અનોખો નેચરલ બ્રાઉન ડાયમંડ સફળતાપૂર્વક તૈયાર થયો હતો.
કૃષ્ણ પ્રતિમાથી મળી પ્રેરણા: ઉત્પલ મિસ્ત્રી
લેક્સસ ગ્રુપના ડિરેક્ટર ઉત્પલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, “અમારી કંપની છેલ્લા ૩૫ વર્ષથી ડાયમંડ અને ટેકનોલોજી ક્ષેત્રે વૈશ્વિક સ્તરે કાર્યરત છે. આ અગાઉ અમે ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિમા આધારિત ડાયમંડ પર સફળતાપૂર્વક કામ કર્યું હતું. એ પ્રોજેક્ટ દરમિયાન જ અમને કોઈ પ્રતિષ્ઠિત જીવંત વ્યક્તિના ચહેરાને ડાયમંડમાં કોતરવાનો વિચાર આવ્યો. ત્યારબાદ કલ્પેશ દેસાઈ સાથે ચર્ચા કરીને હીરા ઉદ્યોગ માટે સતત દોડતા નેતા હર્ષ સંઘવીનો ફેસ ડાયમંડ બનાવવાનો નિર્ણય લેવાયો.”
ઉદ્યોગના ‘કોહિનૂર’ને સુરતની અનોખી ભેટ
“ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરત અને સમગ્ર ગુજરાતના હીરા ઉદ્યોગના વિકાસ માટે, ખાસ કરીને વૈશ્વિક સ્તરે ‘સુરત ડાયમંડ બુર્સ’ (SDB) ને સ્થાપિત કરવા અને વેપારીઓની સુરક્ષા માટે ખૂબ જ પ્રશંસનીય યોગદાન આપ્યું છે. તેમને ઉદ્યોગ જગત તરફથી ‘સ્ટેટ ઓફ ધ ડાયમંડ’ તરીકે બિરદાવવા અને સન્માનિત કરવાના હેતુથી આ અનોખી ભેટ તૈયાર કરવામાં આવી છે.
હર્ષ સંઘવીને ભેટ અને ખાસ સહી
આ અદભુત ડાયમંડ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યો છે. આ ક્ષણને વધુ યાદગાર બનાવવા માટે આ ડાયમંડ પર હર્ષ સંઘવીની સહી (Signature) પણ છે, જે આ આર્ટવર્કને વિશ્વમાં એકમાત્ર અને અમૂલ્ય બનાવે છે.
ડાયમંડ ઉદ્યોગના નિષ્ણાતોના મતે, આ પ્રકારનું ફેશિયલ રીક્રિએશન માત્ર એક ટેકનિકલ સિદ્ધિ નથી, પરંતુ વિશ્વના ડાયમંડ નકશા પર સુરતનું સ્થાન વધુ મજબૂત કરનારી ક્રાંતિ છે, જે આગામી સમયમાં ડાયમંડ ડિઝાઇનિંગ ક્ષેત્રે નવા દ્વાર ખોલશે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube





















