Rave parties out bhajan clubbing in
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT

૧૯૬૦ અને ૭૦ના દાયકામાં યુવાનોને હિપ્પી ક્લચરમાં હરે રામ હરે કૃષ્ણની ધૂન પર ઝુમતા જોયા હશે અથવા તેના વિષે સાંભળ્યું હશે. તેના પર એક ફિલ્મ પણ બની હતી અને તેનું પ્રખ્યાત ગીત દમ મારો દમ આજે પણ પાર્ટીઓમાં હોય જ છે. આને યાદ કરવાનું કારણ આજનો વિષય છે.

Sameer Joshi

થોડા સમયથી યુવાનોએ મનોરંજનની નવી રાહ પકડી છે જે ભજન ક્લબિંગના નામે પ્રચલિત છે. આ વિષયનો ઉલ્લેખ આપણા પ્રધાન મંત્રીએ તેમના “મન કી બાત” શોમાં પણ કરી. તેમણે કહ્યું કે, “ભજનની પવિત્રતા જાળવી રાખીને આધ્યાત્મિકતાને આધુનિકતા સાથે જોડવાનો આ અદ્ભુત પ્રયાસ છે”.

કલ્પના કરો કે આ પાર્ટીમાં નિયોન લાઇટ્સ નહીં પણ દીવાઓ ઝળહળતા હોય. આ વાતાવરણ મોટા અવાજોથી નહીં પણ ભાવનાત્મક ભજનના ધબકારાઓથી ભરેલું હોય. યુવાનો પાર્ટીના પોશાકોની જગ્યાએ પારંપરિક વસ્ત્રોમાં અથવા યોગ્ય કપડાઓ પહેરી આવે.

લોકો ડાન્સ ફ્લોર પર નહિ પણ સામૂહિક આનંદમાં આંખો બંધ કરીને ડોલતા હોય, ઘણા લોકો જમીન પર આસન બિછાવી પલાઠી વાળી બેઠા હોય. ડીજે EDM કે રેપ નથી વગાડી રહ્યા; તેઓ પરંપરાગત હિન્દુ ભક્તિ ગીતો (ભજન અને કીર્તન)ને આધુનિક ઇલેક્ટ્રોનિક બીટ્સ, લોક ફ્યુઝન અને ટ્રાન્સ તત્વો સાથે રિમિક્સ કરી રહ્યા હોય.

આ ભજન ક્લબિંગ છે જેમાં ભારતની પ્રાચીન આધ્યાત્મિકતા અને આધુનિક સંગીત સંસ્કૃતિનું અભૂતપૂર્વ મિશ્રણ જોવા મળે છે. એમ કહી શકાય કે ભારતમાં પરંપરા અને ટ્રેન્ડ નો સમન્વય થઇ રહ્યો છે.

આ ફક્ત એક નવો નાઇટલાઇફ ટ્રેન્ડ નથી. આજના ઝડપી ગતિશીલ વિશ્વમાં ભારતના યુવાનો શ્રદ્ધા અને સંબંધને કેવી રીતે ફરીથી જીવિત કરી રહ્યા છે તેની એક અભિવ્યક્તિ છે.

આજના યુવાનો માટે, ભજન ક્લબિંગ પરંપરાગત નાઇટલાઇફનો વિકલ્પ આપે છે. આપણે કહીશું કે આપણે ત્યાં ભજનો થતા હોય છે, નવરાત્રીમાં લોકો ગરબા ગાય છે, તો આમાં શું નવું છે. ભજનમાં મુખ્યત્વે તમને મોટી ઉંમરના લોકો જોવા મળશે અને પરંપરાગત ભજનો સામાન્ય રીતે ધીમી ગતિવાળા અને પ્રાર્થના પર કેન્દ્રિત હોય છે. તેનાથી વિપરીત, ભજન ક્લબિંગ સામૂહિક ઉલ્લાસ અને એકબીજા સાથે જોડાવાની ભાવના જગાડવા માટે સહિયારી આધ્યાત્મિક ઊર્જા દ્વારા રચાયેલ છે.

આ વલણને આગળ ધપાવનારા લોકો મોટાભાગે યુવાન છે : જનરેશન Z અને મિલેનિયલ્સ, સામાન્ય રીતે 18 થી 40ની વચ્ચે. આ એવી વ્યક્તિઓ છે જે ઘણીવાર નવા નવા અનુભવોની શોધમાં હોય છે.

કોકટેલને બદલે, ચા, છાશ અથવા તાજગીભર્યા રસ પીતાં આ યુવા જોવા મળશે. આનું એક કારણ ભારતીય યુવાનોમાં પોતાના સાંસ્કૃતિક મૂળ સાથે ફરી જોડાવાની અને ગર્વથી સ્વીકારવાની ભાવના હોઈ શકે.

બીજું કારણ, ભજન ક્લબિંગ પરંપરાગત પાર્ટીઓના નહિ પણ ભાવનાત્મકતા અને આધ્યાત્મિકતા તરફ જવાનો એક અનોખો રસ્તો પૂરો પાડે એ હોઈ શકે છે.

આજની પેઢી જ્યારે આ રંગે રંગાવા જઈ રહી છે ત્યારે બ્રાન્ડ માટે ઘણી તકો છે. આપણે અગરબત્તી, ધૂપ, કપૂર જેવી બ્રાન્ડની જાહેરાતો જોતા હશું. જે એક સમયે કોમોડિટી હતી તે આજે બ્રાન્ડ તરીકે ઉભરી પોતાને માર્કેટમાં સ્થાપિત કરે છે.

આવા સમયે આવી અને અધ્યાત્મને લગતા બીજા ઘણા પ્રોડક્ટ જેવા કે; ઘી, સ્પિરિચ્યુઅલ ટુરિઝમ, દૂધ, અત્તર, સાત્વિક ખાદ્ય પદાર્થો, પૂજા હવન વખતે પહેરતા પોશાકો વગેરે પોતાને આવી ઇવેન્ટ સાથે જોડી શકે છે.

આના માટે શીખ દારૂ અને સિગારેટ બ્રાન્ડ પાસેથી લેવી પડશે. તેઓ જે રીતે આવી ઇવેન્ટ ઊભી કરી પોતાની બ્રાન્ડ પ્રમોટ કરતા તેમ વિચારવું પડશે. આધ્યાત્મિકતા છે તેથી સરળ કૉમ્યૂનિકેશન બનાવવું તેમ પણ નહિ, ટ્રેન્ડને પારખી યુવાને આકર્ષે તેવા કૉમ્યૂનિકેશન બનાવવા પડશે. પેકેજીંગ પર કામ કરવું પડશે, ડિસ્ટ્રીબ્યુશન તેમને અનુકૂળ બનાવવું પડશે.

જેમ આજકાલ બધી બ્રાન્ડ પરપઝની વાત કરે છે અર્થાત્ તેઓ સમાજ કલ્યાણ માટે કોઈને કોઈ રીતે જોડાશે, બસ આજ રીતે આને લગતી વળગતી બ્રાન્ડોએ તેઓ આ માન્યતાને દિલથી સ્વીકારે છે તેમ સાબિત કરવું પડશે. આવી બ્રાન્ડ સાથે યુવા સહેલાઈથી જોડાશે.

જ્યારે બ્રાન્ડ માટે આ તક છે ત્યારે ઘણી બ્રાન્ડ આમાં જોડાશે કે કેમ તે સવાલ થઇ શકે કારણ આ ટ્રેન્ડને અમુક માન્યતા સાથે જોડવામાં આવશે અને તેથી ઘણા યુવાનો આની સાથે નહિ જોડાય તેવી માન્યતા.

આ ઉપરાંત ઘણી બ્રાન્ડ ઈચ્છા હોવા છતા પોતાને અમુક માન્યતા સાથે સંલગ્ન થયા છે તેવી છાપ ઊભી કરવા નહિ માંગે અને તેથી દૂર પણ રહેશે.

ભજન ક્લબિંગ એ દર્શાવે છે કે કેવી રીતે યુવા ભારતીયો શ્રદ્ધા, સંસ્કૃતિ અને મનોરંજનને એક સ્તરે લાવી રહ્યા છે. તેઓ એવી પેઢી છે જે પોતાની શરતો પર આધ્યાત્મિકતા શોધે છે.

બ્રાન્ડ્સ માટે તક ભજનને માર્કેટિંગ યુક્તિઓ તરીકે નહિ પરંતુ તે સમજવામાં છે કે, આ ફોર્મેટ શા માટે પ્રચલિત થઇ રહ્યું છે અને જાહેર જીવનમાં ભક્તિને કેવી રીતે ફરીથી નવી રીતે સમજાવવામાં આવી રહી છે.

જેમ જેમ ભજન ક્લબિંગ વિકસિત થશે તેમ તેમ તે ભારતની પરંપરાગત બ્રાન્ડો માટે પણ એક અભ્યાસ પૂરો પાડશે કે કઈ રીતે તેઓ તેમની પરંપરાને જાળવી આજની પેઢીને સુસંગત થઇ પોતાની તરફ આકર્ષી શકે.


Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant