DIAMOND CITY NEWS, SURAT
હાલમાં દેશમાં પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાઈ અને તેના પરિણામો આવ્યા. આજે આપણે હાર જીતની વાત કરવા કરતા કેમ હાર્યા અને કેમ જીત્યાનું વિશ્લેષણ માર્કેટિંગ અને બ્રાન્ડની દૃષ્ટિએ કરીયે.
ચૂંટણીમાં આપણને લાગે કે વાયદાઓ કરવામાં આવે છે, પણ તેની પાછળ જે વ્યૂહરચના ઘડાઈ હોય છે તે મહત્વની છે. હરેક પાર્ટી એક બ્રાન્ડ છે અને તે અમુક વિચારધારાના આધારે ઓળખાય છે. રાષ્ટ્રવાદી, સેક્યુલર, કૉમ્યૂનિસ્ટ, લિબરલ વગેરે.
આનો અર્થ તે કે હરેક પાર્ટીનું પોતાનું એક પોઝિશનિંગ છે જેના આધારે તેઓ પોતાની રણનીતિ કે વ્યૂહરચના બનાવે છે. આટલા વર્ષોથી આપણે રાષ્ટ્રીય કક્ષાની પાર્ટીઓને જોઈ છે અને તેઓએ પોતાના પોઝિશનિંગમાં આજ સુધી બદલાવ નથી લાવ્યો.
હા, તેઓની જમાના પ્રમાણે લોકો સુધી પહોંચવાની પદ્ધતિમાં ફેરફાર થયો હશે પણ જે વિચારધારા નક્કી કરી છે તેમાં બદલાવ જોવા નહિ મળે. કારણ, તે તેમના અસ્તિત્વનો સવાલ છે. તેના દ્વારા તેઓ જનતામાં ઓળખાય છે. આપણને લાગશે કે જે લોકપ્રિય હોય તે જીતે.
પણ લોકપ્રિયતા તમને એન્ટ્રી આપી શકે પણ પોઝિશનિંગ તમને વિક્ટરી અર્થાત જીત આપશે. માર્કેટિંગનું સૌથી મહત્વનું પાસું એટલે પોઝિશનિંગ અને તેઓ આને વર્ષોથી અજમાવી રહ્યા છે. આપણે ઘણીવાર પોઝિશનિંગની વાત કરી છે કે તેનું મહત્વ શું છે પણ આપણે તેના પર પૂરતું ધ્યાન નથી આપતા. આ પાર્ટીઓ આપણને પહેલો સબક તે શીખવે છે કે પોતાનું પોઝિશનિંગ કેમ મહત્વનું છે.
તમે જ્યારે આવી ચૂંટણીઓનો અભ્યાસ કરોને તો તે કોઈ માર્કેટિંગ કેસ સ્ટડીથી ઓછી નથી. ઉલ્ટાનું તમને તમારી બ્રાન્ડ માટે રસ્તો બતાવશે કે પ્રજાનો રૂખ કઈ તરફ છે. તે મુજબ તમે પોતાની બ્રાન્ડને જે-તે રાજ્યોમાં વિસ્તૃત કરી શકો. કોઈપણ કાળની પ્રજા કે મતદાર, આપણી ભાષામાં કન્ઝ્યુમર તે તમારા પ્રયત્નો કરતા તમારી સ્પષ્ટતાને માન આપે છે.
તમે તમારા કૉમ્યૂનિકેશનમાં કેટલા સ્પષ્ટ છો, તમારી ક્લેરિટીને તેઓ અપનાવશે. જો તેઓને સ્પષ્ટતા નહિ મળે તો તેઓ કન્ફ્યુઝ થશે અને તમે તેને ગુમાવશો. શું કહેવા માંગીયે છીયેની સ્પષ્ટતા. તેઓ તેને અપનાવશે જે તેમને સમજે છે.
હવે આ પાંચ રાજ્યોને બ્રાન્ડની દૃષ્ટિએ જોઈએ તો; પશ્ચિમ બંગાળમાં છેલ્લા ઘણા વર્ષોથી એકહથ્થું રાજ હતું. જેને આપણે માર્કેટ લીડર કહીશું. તેઓએ એક વાર્તા વર્ષોથી સ્થિર કરી હતી, જાણીતો ચહેરો હતો અને લોકો સાથે નાતો પણ હતો.
જ્યારે ભાજપ એક ચેલેન્જર બ્રાન્ડ તરીકે આવી અને જાણ્યું કે લોકોને પરિવર્તન જોઈએ છે; ત્યારે તેઓએ ઓળખીતા ચહેરાની સામે પરિવર્તનની વાત કરી. લોકોને શું જોઈએ છે તેની વાતો કરી.
જ્યારે માર્કેટ લીડર પોતાનામાં બદલાવ લાવવા તૈયાર નહોતો ત્યારે ચેલેન્જર બ્રાન્ડે બદલાવની વાતો કરી અને તમને જે જોઈએ છે તે લઈને આવ્યા છીએ કહી બાજી મારી. વેપારમાં મારે શું આપવું છે તે નહિ પણ લોકોને શું જોઈએ છે તે આપવું જરૂરી છે.
આસામમાં, લોકોએ અનુભવ્યું કે આ બ્રાન્ડ આપણા માટે કામ કરે છે. આપણને જે જોઈએ છે તે આપે છે અને સૌથી મહત્વનું જાણીતું નામ છે તો ખોટો બદલાવ કરવાની જરૂર નથી.
બ્રાન્ડ જો સમયે સમયે પોતાનામાં બદલાવ લાવે તો તે લોકો સાથે સારી રીતે કનેક્ટ કરી શકે. કસ્ટમર રિલેશનશિપ, કસ્ટમરને ટેક ઈટ ફોર ગ્રાન્ટેડ ના લેવુ આવી વાતો તમને ટકાવી રાખે છે.
અહીં આપણે કહીશું કે બ્રાન્ડ રિટેઈન થઇ. લોકોએ રિપીટ પરચેઝ કર્યું. ફરી ફરીને ખરીદી તે કોઈપણ વેપારની સફળતાનું સૂત્ર છે. આસામની જેમ કેરળમાં પણ હયાત સરકાર આવી; પણ ત્યાં મુદ્દો વિચારધારાનો વધુ હતો. નવી વિચારધારા અપનાવવી લોકોને મંજૂર નહોતી.
ઘણા કન્ઝ્યુમર એવા હોય કે; જેઓ ભાવનાત્મકતાથી વિચારતાં હોય અને પોતાના છે કે પછી વર્ષોથી આની પાસે ખરીદીયે છીએ તો ચલાવી લો. પણ આ વાત આજના સમયમાં લાંબા સમય સુધી કેટલી ચાલે તે પ્રશ્ન છે. બ્રાન્ડે હવાનો રૂખ પારખવો જરૂરી છે કારણ હવાની ગતિ રોકવી મુશ્કેલ છે અને તેને બદલાતાં વાર નથી લાગતી.
પુડુચેરીમાં વાત આપણાપણાની થઇ, જેમ કે; વ્યક્તિઓ ઓળખીતો છે, નાનું શહેર છે, રેગ્યુલર કામ કરે છે. જોઈએ તે આપણને મળી જાય છે. એટલે પોતીકાપણું અને લોકલ બ્રાન્ડની કહાની આ રાજ્યે આપણને કરી.
તામિલનાડુમાં સ્ટાર્ટઅપની વાર્તા થઇ. માર્કેટને ડિસરપ્ટ કરી નાખી. ઓળખીતો ચહેરો, નવી વાત, નવી વિચારધારા અને સ્ટાર્ટઅપની એનર્જી. ફ્રેશનેસ લોકોએ અનુભવ્યું.
જાણીતો ચહેરો નવી વાત અને ડિસરપ્શન. આને સમજવું હોય તો રિલાયન્સ જીઓ જયારે ટેલિકોમમાં આવ્યું ત્યારે આજ વાત કરી અને લોકોએ તરત તેને અપનાવી લીધી.
ચૂંટણી કે વેપાર હોય આ વાત તમને સમજાશે કે; જ્યારે લોકો નાખુશ હોય છે ત્યારે પ્રતિસ્પર્ધી પરિવર્તન ઓફર કરીને જીતે છે. જ્યારે બજાર સ્થિર હોય છે, ત્યારે હયાત બ્રાન્ડ સાતત્ય ઓફર કરીને જીતે છે.
જ્યારે બજાર મૂંઝવણમાં હોય છે, ત્યારે ચીજોને સરળ બનાવતી બ્રાન્ડ જીતે છે. અને જ્યારે બજાર ભાવનાત્મક હોય છે, ત્યારે જે બ્રાન્ડ યોગ્ય લાગે છે તે જીતે છે. આમ, રાજકીય પાર્ટીઓ પણ બ્રાન્ડની જેમ વર્તે છે તેથી તેઓની વ્યૂહરચના તમારા માટે એક રેડી ટેમ્પ્લેટ તરીકે કામ કરી શકે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube






















