DIAMOND CITY NEWS, SURAT
વૈશ્વિક હીરા બજારના ઈતિહાસમાં અત્યાર સુધીના સૌથી મોટા માલિકી પરિવર્તનના એંધાણ વર્તાઈ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે રફ ડાયમંડ (કાચા હીરા) ના માઇનિંગ અને સપ્લાય ચેઈનમાં એકચક્રી શાસન ભોગવતી અગ્રણી કંપની ‘ડી બિયર્સ’ (De Beers) ને ખરીદવા માટે આફ્રિકન દેશ બોત્સ્વાનાએ અત્યાર સુધીનો સૌથી મોટો દાવ ખેલ્યો છે. એંગ્લો અમેરિકન (Anglo American) કંપની દ્વારા ડી બિયર્સમાં રહેલો પોતાનો 85% નો મસમોટો હિસ્સો સત્તાવાર રીતે વેચી દેવાની જાહેરાત બાદ, બોત્સ્વાના સરકારે આ વૈશ્વિક બ્રાન્ડ પર પૂર્ણ નિયંત્રણ મેળવવા માટે મિડલ ઈસ્ટના બે સૌથી શક્તિશાળી દેશો—યુનાઈટેડ આરબ અમીરાત (UAE) અને ઓમાન (Oman) નો સાથ માગ્યો છે.
બોત્સ્વાનાના રાષ્ટ્રપતિ ડુમા બોકો (Duma Boko) એ વૈશ્વિક ન્યૂઝ એજન્સી બ્લૂમબર્ગને આપેલા એક ખાસ ઇન્ટરવ્યુમાં સત્તાવાર પુષ્ટિ કરી છે કે, તેઓ ડી બિયર્સના ટેકઓવર માટે અબજો ડોલરના ફાઇનાન્સિંગ અને વ્યૂહાત્મક રોકાણ માટે ગલ્ફ દેશોના સોવરિન વેલ્થ ફંડ્સ (Sovereign Wealth Funds) સાથે ખૂબ જ ઊંડાણપૂર્વક વાટાઘાટો ચલાવી રહ્યા છે.
આફ્રિકન ગઠબંધન: નામીબિયા અને અંગોલા પણ જોડાશે?
હાલમાં ડી બિયર્સ કંપનીમાં બોત્સ્વાના સરકાર પાસે માત્ર 15% હિસ્સો છે. જો કે, બાકીનો 85% હિસ્સો ખરીદવા માટે માત્ર મિડલ ઈસ્ટના ભંડોળ પર નિર્ભર રહેવાને બદલે, રાષ્ટ્રપતિ ડુમા બોકોએ એક નવો જ માસ્ટરપ્લાન તૈયાર કર્યો છે. બોત્સ્વાના સરકારે તેના પાડોશી અને હીરા ઉત્પાદક દેશો જેવા કે નામીબિયા (Namibia) અને અંગોલા (Angola) સાથે પણ ઉચ્ચ સ્તરીય બેઠકો શરૂ કરી છે.
રાષ્ટ્રપતિ ડુમા બોકોનું સત્તાવાર નિવેદન:
“અમે આ ઐતિહાસિક ડીલ માટે અત્યંત વિશ્વસનીય અને આર્થિક રીતે સક્ષમ ભાગીદારોની શોધમાં છીએ. ઓમાન અને યુએઈ (UAE) એ અમારી આ અપેક્ષામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. અમે માત્ર હીરા ઉદ્યોગ પૂરતું જ નહીં, પરંતુ ભવિષ્યના અન્ય મોટા પ્રોજેક્ટ્સ માટે પણ તેમની સાથે દીર્ઘકાલીન ભાગીદારી જોઈ રહ્યા છીએ. આ આફ્રિકન હીરા પર આફ્રિકાના દેશોનું જ વર્ચસ્વ જાળવી રાખવાની એક મોટી કવાયત છે.”
એંગ્લો અમેરિકન શા માટે હીરા ઉદ્યોગ છોડી રહી છે?
અત્રે ઉલ્લેખનીય છે કે, લંડન સ્થિત માઇનિંગ જાયન્ટ એંગ્લો અમેરિકન પર ગત વર્ષોમાં અન્ય વૈશ્વિક કંપની ‘BHP ગ્રૂપ’ દ્વારા ટેકઓવર કરવાનું ભારે દબાણ બનાવવામાં આવ્યું હતું. આ દબાણ અને આંતરિક રિસ્ટ્રક્ચરિંગ (પુનઃગઠન) ના ભાગરૂપે એંગ્લો અમેરિકન કંપનીએ તેના લાંબા ગાળાના પોર્ટફોલિયોમાંથી ડાયમંડ બિઝનેસને સંપૂર્ણપણે હટાવી દેવાનો નિર્ણય કર્યો છે. કંપની હવે હીરાના જોખમી વ્યવસાયમાંથી બહાર નીકળીને ભવિષ્યની માગ ગણાતી ધાતુઓ જેવી કે કોપર (તાંબુ) અને આયર્ન ઓર (લોહ અયસ્ક) ના માઇનિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે.
વૈશ્વિક મંદી અને લેબ-ગ્રોન ડાયમંડ્સ (LGD) ના વધતા પ્રભાવને કારણે છેલ્લા ત્રણ વર્ષમાં ડી બિયર્સના વેલ્યુએશન (બજાર મૂલ્ય) માં એંગ્લો અમેરિકન દ્વારા ત્રણ વખત મોટો ઘટાડો (Valuation Cut) કરવામાં આવ્યો છે. આ ઘટતા મૂલ્યનો ફાયદો ઉઠાવીને બોત્સ્વાના તેને યોગ્ય કિંમતે ખરીદી લેવા આતુર છે.
બોત્સ્વાના માટે કેમ આ ‘કરો કે મરો‘ ની સ્થિતિ છે?
બોત્સ્વાના દેશના અર્થતંત્રનું ગણિત સંપૂર્ણપણે હીરા ઉદ્યોગ પર ટકેલું છે. વર્તમાન સમયમાં અમેરિકા અને ચીન જેવા મોટા બજારોમાં નેચરલ ડાયમંડની નબળી માગ, ભાવોમાં સતત થઈ રહેલો ઘટાડો, કૃત્રિમ (લેબ-ગ્રોન) હીરા તરફ ગ્રાહકોનું વધતું આકર્ષણ અને અમેરિકાની પ્રસ્તાવિત ટેરિફ નીતિઓની અનિશ્ચિતતાને કારણે બોત્સ્વાનાની સરકારી તિજોરી પર ભારે દબાણ છે. જો ડી બિયર્સ જેવી વૈશ્વિક સપ્લાય ચેઈન કંપની કોઈ ત્રાહિત કે બિનઅનુભવી કોર્પોરેટ જૂથના હાથમાં જતી રહે, તો બોત્સ્વાનાનું અર્થતંત્ર તબાહ થઈ શકે છે. તેથી, આ કંપની પર પોતાનો અંકુશ મેળવવો એ દેશના અસ્તિત્વનો સવાલ બની ગયો છે.
ભારતના અને સુરતના હીરા ઉદ્યોગ પર શું અસર થશે?
સુરતના ડાયમંડ ઉદ્યોગ માટે ડી બિયર્સ એ કાચા હીરા (Rough Diamonds) મેળવવાનો સૌથી મોટો અને અધિકૃત સ્ત્રોત છે. ડી બિયર્સના કમાન્ડ કાઉન્સિલના એજન્ટ્સ અને સુરતના અગ્રણી ડાયમંડ એક્સપોર્ટર્સના જણાવ્યા અનુસાર, જો ડી બિયર્સની માલિકી બોત્સ્વાના અને મિડલ ઈસ્ટના દેશો (ખાસ કરીને દુબઈ-UAE) ના હાથમાં જશે, તો રફ હીરાના વેપારનું મુખ્ય કેન્દ્રબિંદુ લંડન અને બેલ્જિયમ (એન્ટવર્પ) થી શિફ્ટ થઈને સીધું દુબઈ બની શકે છે. આનાથી ભારતીય વેપારીઓ માટે રફ હીરા ખરીદવાની પ્રક્રિયા વધુ સરળ અને નજીકની બનશે, પરંતુ સાથે જ ગલ્ફ દેશોની પકડ વધવાને કારણે ભવિષ્યમાં કાચા હીરાના ભાવો પર ઓપેક (OPEC) જેવી મોનોપોલી (ઈજારો) સર્જાવાની આશંકા પણ નકારી શકાતી નથી.
જો કે, ઓક્શન અને ટેકઓવરની આ પ્રક્રિયા એટલી સરળ નથી. નિષ્ણાતોના મતે, આ ડીલને આંતરરાષ્ટ્રીય કાયદાઓ, એન્ટી-ટ્રસ્ટ ગાઇડલાઇન્સ (Antitrust Approvals) અને અન્ય વૈશ્વિક ખરીદદારો (બિડર્સ) ના પડકારોમાંથી પસાર થવું પડશે. આગામી દિવસોમાં આ વૈશ્વિક ટ્રેડ વોર કેવો વળાંક લે છે, તેના પર સમગ્ર વિશ્વની નજર મંડાયેલી છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube




















