DIAMOND CITY NEWS, SURAT
જ્યારે તમે બ્રાન્ડ વૈશ્વિક સ્તરે અથવા રાષ્ટ્રીય સ્તરે વેચતા હોવ ત્યારે મુશ્કેલીઓ આવવાની. જ્યારે મુશ્કેલી થાય અને તેમાં કન્ઝ્યુમર સામેલ છે તો તેનો સામનો અને ઉકેલ કરવો આવશ્યક થઇ પડે છે. આજે આની વાત કરવાનું કારણ તે કે, આ લખનારે થોડા સમય પહેલા પ્રત્યક્ષ આવી કટોકટીનો અનુભવ કર્યો. કટોકટીઓની કેસ સ્ટડી આપણે ઘણી વાંચી હોય છે અને તેના પ્રમાણે બ્રાન્ડ પોતાને ભવિષ્ય માટે તૈયાર કરે છે.
એકાદ મહિના પહેલા હું વિદેશ પ્રવાસે જવા નીકળ્યો. થોડા સમય પહેલા યુરોપની નામી બ્રાન્ડ છે પણ ભારતથી તેનું ઓપેરેશન હમણાંજ શરુ થયું છે તે એરલાઇનમાં ટિકિટ બુક કરી. કહી શકાય કે મુંબઈથી હું જે ફ્લાઈટમાં જવાનો હતો તે મુંબઈથી પહેલી વાર જ જવાની હતી. હવે કટોકટીની વાત. પહેલા ઇમેઇલ દ્વારા જણાવાયું કે ફ્લાઇટ ૪ કલાક મોડી છે પણ રિપોર્ટિંગ સમયસર કરવું. જ્યારે રિપોર્ટિંગ થયું તેના થોડા સમય બાદ જણાવવામાં આવ્યું કે ફ્લાઇટ રદ્દ થઇ છે.
કોઈપણ દેશ હોય, આવી પરિસ્થિતિમાં કન્ઝ્યુમરની પ્રતિક્રિયા સરખી જ હોવાની. બધા રોષે ભરાઈ કાઉન્ટર પર જે દેખાય તેના પર પોતાનો ગુસ્સો ઠાલવવાનો. કારણ વાજબી છે કે લોકોના પોતાના પ્લાન હોય અને તે મુજબ બુકિંગ થયું હોય તો ભારે પડે. આવા સમયે પૈસા આપ્યા છે તેનું શું થશે કરતા પહોંચવું આવશ્યક હોય છે. આ માનસિકતા ત્યાં હાજર હરેક પ્રવાસીના મુખ પર દેખાતી હતી.
હવે વાત આ આખી કટોકટીને એરલાઈને કઈ રીતે સંભાળી તેની છે. સૌ પ્રથમ તેઓએ ઇમેઇલમાં તરતજ બે વિકલ્પ આપ્યા; એક તમે તમારું રિફંડ પાછું મેળવી શકો છો અને તેના માટે એક લિંક આપી હતી તેના પર જવા કહ્યું. બીજો વિકલ્પ આપ્યો તમારી ફ્લાઈટને તે એરલાઈનમાં બે દિવસ પછીની તારીખે બુક કરો.
હવે અહીં લોકોની માનસિકતા સમજી ઇમેઇલ આવ્યો. લોકો જ્યારે કોઈપણ પ્રવાસે નીકળે છે ત્યારે પ્લાંનિંગ સાથે નીકળે છે આથી રિફંડનો વિકલ્પ મોટાભાગે કોઈ નથી લેવાનું. ગણ્યા ગાંઠ્યા લોકો હશે તે લેશે. એટલે હવે લોકો બીજા વિકલ્પ તરફ વળશે તે સ્વાભાવિક છે. જ્યારે લોકો કાઉન્ટર પર ગયા ત્યારે તેઓએ સ્ટાફની સંખ્યા વધારી જેથી લોકોને જવાબ આપી શકાય.
લોકો જ્યારે ગુસ્સામાં ત્યાં ધસી ગયા ત્યારે સ્ટાફ ફોર્મ લઈને તૈયાર હતો અને વિગતો લેવાની શરૂઆત કરી. લોકો થોડા નરમ પડ્યા કારણ તેઓએ પ્રતિક્રિયા આપવાની શરૂઆત કરી.
હવે તેઓએ એક વ્યક્તિને જે મેનેજર કક્ષાનો હતો તેને એકલાને બોલવાની સત્તા આપી. તેની સ્થિતિ નાજુક હતી પણ જવાબ બધાને એક સરખો મળી રહ્યો હતો જેથી વધુ અફવાઓ ના ફેલાય. તેઓ પણ જાણતા હતા કે આ તેમનો પહેલો દિવસ છે મુંબઈમાં અને આ મુશ્કેલી ઊભી થઇ છે.
લોકોએ પૂછવાનું શરુ કર્યું કે જો બીજા દિવસે જશું તો ત્યાર સુધી શું? તેઓ તૈયાર હતા અને કહ્યું કે, ત્યાં સુધી તમારી રહેવાની અને ખાવા પીવાની જવાબદારી અમારી. આ સાંત્વનથી પ્રવાસીઓ થોડા વધુ શાંત થયા કે તેઓ ભાગી નથી રહ્યા અને ઉકેલ લાવવાની કોશિશ કરી રહ્યા છે.
હજુ પણ મોટો વર્ગ હતો જેઓને સમયસર પહોંચવું આવશ્યક હતું અને તેઓ નારાજ હતા અને ઉકેલ માંગતા હતા. ત્યાંની ટીમ સતત તેઓની યુરોપની ઑફિસના સંપર્કમાં હતી અને ત્યાંથી ઉકેલો એક પછી એક લાવી રહી હતી. તેઓએ તરત જાહેરાત કરી કે જેઓ એક-બે દિવસ ના રોકાઈ શકતા હોય તેઓ માટે અમે બીજી એરલાઈનમાં જેમ મળે તેમ સગવડ કરી રહ્યા છીએ અને તેઓ બધો ખર્ચો ઉપાડશે.
આ તેઓનો માસ્ટર સ્ટ્રોક હતો અને આ ઉકેલે લોકોને શાંત પાડ્યા. તેઓએ ફક્ત જાહેરાત ના કરી પણ તેના પર કામ શરુ કરી નજીકના એક સેક્ટર માટે અડધો કલાકમાં બીજી એરલાઈનમાં વ્યવસ્થા કરી અને તેમને રવાના કર્યા. આનાથી પ્રવાસીઓનો વિશ્વાસ વધ્યો અને તેઓ પણ હવે તેમને સાથ આપવા લાગ્યા.
લોકો પોતાની રીતે બીજી એરલાઇન શોધી તેમને બતાવવા લાગ્યા કે તમે અમને આમાં મોકલશો તો અમને વાંધો નથી. તેઓએ એમ ના કહ્યું કે અમે કહીએ તેમજ પણ આ ઉકેલને પણ માન આપ્યું અને તેમાં જો બુકિંગ હતું તો આપ્યું.
તેઓએ આ સમયે પૈસા ના જોયા, અહં ના જોયો કે અમે કહીએ તેમજ પણ ફક્ત કટોકટીનો ઉકેલ લાવી કસ્ટમરનું દિલ જીત્યું. કોઈપણ કસ્ટમર લોકો સાથે બ્રાન્ડે કઇ રીતે આખી કટોકટીને સંભાળી તેની વાતો કરશે. મારો તો આ વિષય છે તેથી હું સમજી શકું કે આ ખરી રીત હતી, પણ સામાન્ય માણસ આ અનુભવને લોકો સાથે જે રીતે શેર કરશે તે મોટી મોટી એડનો જે ખર્ચો થશે તેના કરતા પણ વધારે લોકોના મન પર એની અસર છોડશે.
આમ, કટોકટીને તમે કઇ રીતે હેન્ડલ કરો છો તે મહત્વનું છે. આવા સમયે મુશ્કેલી ઘણિવાર આશીર્વાદ બ્રાન્ડ માટે બની જાય છે. આ ત્યારે બને જ્યારે તમે બ્રાન્ડને મહત્વ આપો અને ગ્રાહકને હંમેશા મધ્યમાં રાખો. મને ખાત્રી છે કે સમસ્યાનો સામનો કર્યા પછી પણ હું અને મારા જેવા બીજા પ્રવાસીઓ તેઓનો એક પ્રતિષ્ઠિત બ્રાન્ડ તરીકેનો કન્ઝ્યુમર પ્રત્યેનો અભિગમ હતો તે અનુભવે આવનારા સમયમાં આ એરલાઇનને દિલથી અપનાવશે.
જ્યારે કટોકટી કે મુશ્કેલીના સમયે ગ્રાહકને કેન્દ્રમાં રાખીને પારદર્શક અને ઝડપી ઉકેલ આપવામાં આવે, ત્યારે તે મુશ્કેલી પણ બ્રાન્ડ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે. મુંબઈથી યુરોપિયન એરલાઈનની પ્રથમ ફ્લાઈટ રદ્દ થવા છતાં, એરલાઈને રિફંડ, રહેવા-જમવાની વ્યવસ્થા અને બીજી એરલાઈન્સમાં ત્વરિત રી-બુકિંગ જેવા ગ્રાહકલક્ષી વિકલ્પો પૂરા પાડીને પ્રવાસીઓનો અહંકારમુક્ત અને સંતોષકારક ઉકેલ આપ્યો. આ પ્રકારનો સકારાત્મક અને જવાબદારીપૂર્વકનો અનુભવ મોટા બજેટની જાહેરાતો કરતાં પણ વધુ અસરકારક સાબિત થાય છે અને ગ્રાહકોના મનમાં બ્રાન્ડ પ્રત્યે લાંબા ગાળાનો વિશ્વાસ તથા વફાદારી ઊભી કરે છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WHATSAPP | YOUTUBE






















