
DIAMOND CITY NEWS, SURAT
વિશ્વના મહાન ફૂટબોલ ખેલાડીઓમાં સ્થાન ધરાવતા ૪૧ વર્ષીય ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને તેમની સ્પેનિશ-આર્જેન્ટિનિયન મોડેલ તથા ટીવી પર્સનાલિટી ૩૨ વર્ષીય ગર્લફ્રેન્ડ જ્યોર્જિના રોડ્રિગ્ઝ એ ગત સપ્તાહે પોર્ટુગલના કાસ્કાઇસ ખાતે આવેલા તેમના અંગત વિલામાં એક ખાનગી સિવિલ સેરેમનીમાં લગ્નગ્રંથિથી જોડાઈને પોતાના એક દાયકા જૂના સંબંધોને નવું નામ આપ્યું છે. આ અત્યંત ગુપ્ત અને મર્યાદિત સભ્યોની હાજરીમાં યોજાયેલા લગ્ન પ્રસંગે જ્યોર્જિના રોડ્રિગ્ઝના રોયલ લુક અને તેણે પહેરેલા કરોડો ડોલરની કિંમત ધરાવતા આભૂષણોએ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ચર્ચા જગાવી છે.
જ્યોર્જિનાએ પોતાના આ ખાસ દિવસે માત્ર એક જ ૩૪૨ કેરેટના વિશાળ રફ હીરામાંથી તૈયાર કરવામાં આવેલા સ્વિસ લક્ઝરી બ્રાન્ડ ‘ચોપાર્ડ’ ના અત્યંત દુર્લભ અને વિખ્યાત ‘ક્વીન ઓફ કાલાહારી’ કલેક્શનના હીરાના દાગીના ધારણ કર્યા હતા. આ આખા હાઈ-જ્વેલરી કલેક્શનની કુલ કિંમત $૭૫ મિલિયન (આશરે ૬૨૫ કરોડ રૂપિયાથી વધુ) આંકવામાં આવી છે.
આ ઐતિહાસિક હીરાનો રસપ્રદ ઇતિહાસ અને લગ્નની વિગતો નીચે મુજબ છે :
રફ ડાયમંડની શોધ અને ગુણવત્તા : બોત્સવાનાની પ્રખ્યાત ‘કરોવે’ ખાણમાંથી વર્ષ ૨૦૧૫ માં લુકારા કંપની દ્વારા ૩૪૨ કેરેટનો વિશાળ કાચો હીરો રિકવર કરવામાં આવ્યો હતો. સ્વિસ જ્વેલરી બ્રાન્ડ ચોપાર્ડ દ્વારા આ રફ હીરો ખરીદવામાં આવ્યો હતો અને તેને ‘ક્વીન ઓફ કાલાહારી’ નામ આપવામાં આવ્યું હતું. આ હીરો ‘Type IIa’ કેટેગરીનો, સંપૂર્ણ ફ્લોલેસ (Flawless – આંતરિક અને બાહ્ય ખામીરહિત) અને રંગહીન હીરાઓમાં સૌથી ઉત્કૃષ્ટ ગણાતા ‘D કલર’ નો અત્યંત દુર્લભ રત્ન હતો.
કટિંગ અને ૬ પીસ હાઇ-જ્વેલરી કલેક્શન : ચોપાર્ડના કુશળ કારીગરોએ આ એક જ ૩૪૨ કેરેટના રફ હીરામાંથી કુલ ૨૩ પોલિશ્ડ હીરા તૈયાર કર્યા હતા, જેમાંથી ૫ મુખ્ય હીરા ૨૦ કેરેટ કે તેથી વધુ વજન ધરાવતા હતા. આ હીરાઓમાંથી કુલ ૬ પીસનું માસ્ટરપીસ સેટ તૈયાર કરાયું હતું. જેમાં કન્વર્ટિબલ નેકલેસ, ઇયરિંગ્સ (ઝુમખાં), કફ બ્રેસલેટ, બે રિંગ્સ (વીંટી) અને બ્રેસલેટની અંદર ગુપ્ત રીતે છુપાવેલી સીક્રેટ વોચ (Secret Watch) નો સમાવેશ થાય છે.
જ્યોર્જિનાનો વેડિંગ લુક : લગ્ન દરમિયાન જ્યોર્જિનાએ ચોપાર્ડ પાસેથી લોન પર મેળવેલો ૫૦ કેરેટનો સેન્ટર પેન્ડન્ટ ધરાવતો સૂર્યમુખી આકારનો કન્વર્ટિબલ નેકલેસ અને તેને મેચિંગ કાનની ઇયરિંગ્સ પહેરી હતી. આ નેકલેસનું મુખ્ય આકર્ષણ તેનો ૫૦ કેરેટનો રાઉન્ડ બ્રિલિયન્ટ કટ ડાયમંડ હતો. આ જ્વેલરી સાથે જ્યોર્જિનાએ સફેદ રંગનો મિનિમલિસ્ટ ગુચી (Gucci) બ્રાઇડલ આઉટફિટ ધારણ કર્યો હતો.
અતિ ગુપ્ત અને intimate લગ્ન સમારંભ : ૧૧ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ યોજાયેલા આ લગ્ન સમારંભમાં માત્ર તેમના પરિવારના ૫ બાળકો અને ૪ નજીકના સાક્ષીઓ જ હાજર રહ્યા હતા. લગ્નના એક દિવસ પહેલાં લિસ્બન ખાતે તેમણે પ્રી-નપ્શિયલ એગ્રીમેન્ટ (Prenup) પણ સાઇન કર્યું હતું.
મનાચેસ્ટર યુનાઇટેડ, રિયલ મેડ્રિડ અને યુવેન્ટસ જેવા દિગ્ગજ ક્લબ્સ તરફથી રમી ચૂકેલા અને ૨૦૨૬ના વર્લ્ડ કપમાં પોર્ટુગલ ટીમનું નેતૃત્વ કરનારા ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની કુલ સંપત્તિ ‘ફોર્બ્સ’ (Forbes) અનુસાર હાલ $૧.૨ અબજ (૧.૨ બિલિયન ડોલર) આંકવામાં આવી છે. જ્યોર્જિના લક્ઝરી બ્રાન્ડ ચોપાર્ડની ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર હોવાના નાતે બ્રાન્ડે આ ખાસ પ્રસંગ માટે તેને વિશ્વનો સૌથી પ્રખ્યાત ડાયમંડ સેટ પહેરવા માટે આપ્યો હતો, જે હાલમાં ડાયમંડ અને ફેશન જગતમાં હોટ ટોપિક બન્યો છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube




















