DIAMOND CITY NEWS, SURAT
હાલમાં મોટી સ્પોર્ટ્સ ઇવેન્ટ આપણે માણી; ભારતમા IPL અને વૈશ્વિક સ્તરે વિમ્બલંડન તેમજ ફિફા વર્લ્ડકપ. આજે વાત આ ઇવેન્ટના સ્પોન્સરોની કરવાની છે. આપણે જો ધ્યાન આપ્યું હશે તો આ બધી ઇવેન્ટમા B2B બ્રાન્ડોનું ચલણ વધુ હતું.
વિમ્બલંડન જેવી ટુર્નામેન્ટમાં વર્ષોથી આપણે ટેક્નોલૉજી અને કન્સલ્ટિંગ બ્રાન્ડો જેવી કે; એક્સેન્ચર, IBM, રોલેક્સ વગેરે બ્રાન્ડો જોઈ હશે. ગયા વર્ષે આઇપીએલની સ્પોન્સરોની યાદીમાં ફેન્ટસી ગેમનું વર્ચસ્વ હતું,
આ વખતે નવી કેટેગરીઓ જોવા મળી. જેમ કે; નથિંગ (લંડન સ્થિત ટેક બ્રાન્ડ), ચેટજીપીટી. ક્રિકેટ ટીમ માટે AI ચેટબોટ, ગૂગલ AI મોડ અને ગૂગલ જેમિની, VIDA (હીરો મોટોકોર્પની EV બ્રાન્ડ), બિરલા એસ્ટેટ્સ, એતિહાદ એરવેઝ અને DHL જેવી બ્રાન્ડોએ વિવિધ ટિમો સાથે સત્તાવાર ભાગીદારી કરી. ગૂગલે જેમિની બ્રાન્ડ માટે BCCI સાથે ₹270 કરોડના કરાર કર્યા.
હવે પ્રશ્ન થશે કે, આ બ્રાન્ડો જે મુખ્યત્વે ટ્રેડ બ્રાન્ડો છે અથવા તેઓને કન્ઝ્યુમર સાથે સીધો સંબંધ નથી તો તેઓ કેમ આવી ઇવેન્ટમા સહભાગી થાય છે? બ્રાન્ડ અવેરનેસ અર્થાત્ લોકો બ્રાન્ડને જાણે તે તો છે જ, પણ શું તેઓને આની જરૂરત છે?
લોકો જાણે કે ના જાણે તેઓનો વેપાર થવાનો છે જે રીતે આજ સુધી ચાલતો આવ્યો છે. જ્યારે આવી મોટી બ્રાન્ડો જે B2B ના વેપારમાં કાર્યરત હોય અને હજારો કરોડોનો વેપાર કરતું હોય, તેઓ હરેક ડગલુ સમજી વિચારીને લેતા હોય છે. તેઓ બજારનો રૂખ, તેઓના ગ્રાહકો, પ્રતિસ્પર્ધીઓ, દુનિયામાં તેઓ જેવા વેપારીઓ શું કરી રહ્યા છે – આ બધી ચીજોનો અભ્યાસ કરી આ પગલું ભરે છે. આપણે એક વાત હંમેશા આ કોલમમાં વાંચતા હોઇએ છીએ કે હવે વેપાર કરવાના આયામો બદલાઈ રહ્યા છે અને જે આ વાત જલ્દી સમજી પોતાનામાં બદલાવ લાવશે તેઓ ટકશે.
શા માટે B2B કંપનીઓ આવી માસ ઇવેન્ટમાં સહભાગી થાય છે? તેને ઉદાહરણ દ્વારા સમજીયે. પાઇપ, સિમેન્ટ, કન્સ્ટ્રકશન, ટેક્નોલૉજી વગેરે આડકતરી રીતે લોકોના જીવનમાં ભાગ ભજવે છે.
આજે કન્ઝ્યુમર બધી વાતોથી માહિતગાર છે. તે જ્યારે ઘર ખરીદવા જાય છે ત્યારે પૂછે છે કે કઈ સિમેન્ટ, વાયર, લિફ્ટ, પ્લમ્બિંગના સામાન વાપરવામાં આવ્યા છે. જો તે જાણીતું નામ નહિ હોય તો તેઓ તેને નહિ સ્વીકારે.
વાત અહીં નથી પતતી, જ્યારે તેઓ પોતાના ઘરનું રિનોવેશન કરશે ત્યારે પણ આ બ્રાન્ડોનો ઉપયોગ કરશે. આથી આવી કંપનીઓ માટે આજે જરૂરી થઇ પડે છે કે તેઓ કન્ઝ્યુમર સાથે સંપર્કમાં આવે, પછી ભલે તે પોતે આ બ્રાન્ડોને ના ખરીદવાનો હોય.
આ જ વાત ટેક્નોલૉજી કંપનીઓને લાગુ પડે છે. આ બધી મોટી ટેક્નોલૉજી કે પછી કન્સલ્ટિંગ કંપનીઓને મોટી મોટી કંપનીઓના માલિક અથવા ઊંચા હોદ્દેદારો સિલેક્ટ કરે છે પોતાની કંપની માટે. ત્યારે આવા લોકોને આકર્ષવા આવી સ્પોર્ટ્સની પ્રોપર્ટીઓ કામ લાગે છે. જો કોઈ ટેક્નોલૉજી કંપની સ્પોર્ટ્સ ઇવેન્ટને ટેક્નોલૉજી પુરી પાડતી હોય તો એક ભરોસો બેસે છે કે, જે-તે કંપનીની ક્ષમતા ધ્યાનમાં આવે છે.
બીજા અમુક મૂળભૂત કારણો જોઈએ તો;
નિર્ણય લેનારાઓ સુધી પહોંચવું : ગોલ્ફ, ફોર્મ્યુલા 1 અને સેઇલિંગ જેવી હાઇ-પ્રોફાઇલ રમતો સમૃદ્ધ વ્યાવસાયિકો, કોર્પોરેટ એક્ઝિક્યુટિવ્સ અને સંભવિત ગ્રાહકો જેને આપણે સી-સ્યુટ ખરીદદારો અર્થાત સીઈઓ, સીએફઓ, સીટીઓ વગેરે જેવા વિશાળ પ્રેક્ષકોને આકર્ષે છે.
ટેકનિકલ કુશળતા દર્શાવવી : એક્સેન્ચર જેવી કંપનીઓ લાઇવ સ્કોરિંગ, ફેન એપ્લિકેશન્સ અને વિવિધ ડેટાનું સંચાલન કરીને તેમના ડેટા એનાલિટિક્સ, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને AI ની કુશળતા પ્રદર્શિત કરવા માટે આ ભાગીદારીનો ઉપયોગ કરે છે.
ક્લાયંટ હોસ્પિટાલિટી અને બિઝનેસ ડીલ કરવા હેતુ : સ્પોન્સરશિપ પેકેજોમાં VIP એક્સેસ અને ખાનગી હોસ્પિટાલિટી ક્ષેત્રોનો સમાવેશ થાય છે, જે સલાહકારોને મુખ્ય ગ્રાહકોનું મનોરંજન કરવા અને મુખ્ય કરારો પૂર્ણ કરવા માટે આરામદાયક વાતાવરણ આપે છે.
ટોચની પ્રતિભાને આકર્ષિત કરવી : આપણે જાણીયે છીએ કે સારી ટેલેન્ટ કોઈપણ કંપનીમાં કામ નહિ કરે. તેઓ બ્રાન્ડ, તે કંપનીનું કલ્ચર, ટોપ મેનેજમેન્ટ વગેરે જાણશે અને પછી જોડાશે. આવી રમતો સાથેનું જોડાણ આ કંપનીઓને એક ગતિશીલ એમ્પ્લોયર બ્રાન્ડ બનાવવામાં મદદ કરે છે જે મહત્વાકાંક્ષી ટેકનોલોજી અને વ્યવસાય સ્નાતકોને આકર્ષે છે.
આ ઉપરાંત તમે એક નેશનલ બ્રાન્ડની છાપ લોકો પર છોડો છો. આવી ઇવેન્ટ સાથે જોડાવું તે વ્યૂહરચનાનો ભાગ હોય છે અને નહિ કે રાતોરાત વિચારેલી વાત. આમ આવી વૈશ્વિક સ્તરની સ્પોર્ટ્સ ઈવેન્ટો એક ફુલ-ફનલ માર્કેટિંગ એન્જિનમાં વિકસિત થઇ છે.
હવે તે ફક્ત FMCG અથવા D2C બ્રાન્ડ્સ વિશે નથી; તે તે જગ્યા છે જ્યાં B2B કંપનીઓ પોતાની મહત્વાકાંક્ષાઓને સાકાર કરવા પોતાને લોકો સુધી પહોંચાડી રહી છે અને B2C બ્રાન્ડોની જેમ પોતાને મુખ્ય પ્રવાહમાં જોડી રહી છે.
આ બ્રાન્ડો નાના વેપારીઓને અને તે બધા વેપારીઓને જેઓ બ્રાન્ડને મહત્વ નથી આપતા સંદેશ આપે છે કે આજે સમય બદલાઈ ગયો છે અને જો તમે ફક્ત વેપાર કરશો તો લાંબું નહિ ટકો, લાંબુ ટકવા બ્રાન્ડ બનાવવી પડશે કારણ આજનો કન્ઝ્યુમર ફક્ત અને ફક્ત બ્રાન્ડ ખરીદશે પછી તે B2B હોય કે B2C વેપાર.
હવે માત્ર FMCG કે D2C બ્રાન્ડ્સ જ નહીં પરંતુ B2B અને ટેક્નોલૉજી કંપનીઓ પણ IPL, વિમ્બલંડન અને ફિફા વર્લ્ડકપ જેવી મોટી સ્પોર્ટ્સ ઇવેન્ટ્સમાં સક્રિયપણે સ્પોન્સરશિપ કરી રહી છે.
આ કંપનીઓ માત્ર બ્રાન્ડ અવેરનેસ માટે નહીં, પરંતુ સામાન્ય ગ્રાહકોમાં વિશ્વાસ ઊભો કરવા, કંપનીના સર્વોચ્ચ નિર્ણયકર્તાઓ સુધી પહોંચવા, પોતાની ટેકનિકલ ક્ષમતા પ્રદર્શિત કરવા, બિઝનેસ ડીલ્સ કરવા અને ઉચ્ચ ટેલેન્ટને આકર્ષવા માટે માસ-માર્કેટિંગનો આશ્રય લઈ રહી છે.
આ ટ્રેન્ડ દર્શાવે છે કે આજના સ્પર્ધાત્મક યુગમાં લાંબા ગાળા સુધી ટકી રહેવા માટે B2B કે B2C બંને પ્રકારના વેપારીઓ માટે માત્ર વેપાર કરવાને બદલે એક મજબૂત “બ્રાન્ડ’ બનાવવી અત્યંત જરૂરી બની ગઈ છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WHATSAPP | YOUTUBE






















