Whoever finds true love feels like the world is swallowed up adhi akshar 431
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT

માનવીની અંતરાત્માના કોઈ અજાણ્યા ખૂણામાં એક નાજુક ઝંખના સદા અખૂટ રીતે ધબકતી રહે છે કે જગતમાં ઓછામાં ઓછું એક એવું વ્યક્તિત્વ મળે, જે તેને પૂરેપૂરું સમજી શકે, તેની લાગણીઓની આંટીઘૂંટી વાંચી શકે, સુખમાં સાથે હસી શકે અને દુઃખમાં ખભે હાથ રાખી નિર્ભય કરી શકે.

જે તેની અંદરના ગુણોને ઓળખી તેને નિશ્ચિત માન આપે; તેની ક્ષમતાઓ અને પ્રતિભાની કદરદાની કરે; તેની મહાનતાનું ગુણગાન કરે અને જેને એનું અસ્તિત્વ પણ અતિ પ્રિય હોય.

એવું કોઈ, જે માત્ર સફળતાના ઉજાસમાં જ નહીં, વિકટ પરિસ્થિતિના અંધકારમાં પણ અડગ સાથી બની રહે.

જ્યારે આખી દુનિયા પીઠ ફેરવી બેસે, ત્યારે આ એક વ્યક્તિ તેની આંખોમાં વિશ્વાસ ભરે — “હું છું, ચિંતા ન કર”.

એવો સાથી, જેના સમીપમાં હૃદયના તોફાન શમી જાય; જેના સ્મિતે મનના દર્દ ઓગળી જાય; અને જેના સાથમાં જીવનની કઠિનાઈઓ પણ સહજ લાગે!

ભાગ્યશાળી છે તે મનુષ્ય, જેને જીવનયાત્રામાં આવી જીવંત પ્રેરણા મળે.

જેના સાથે રહો તો શબ્દોથી વધુ નજરો બોલે; જ્યાં મૌનમાં પણ હૃદય સંવાદ રચે; અને જ્યાં પ્રેમ કદી ઓછો થતો નથી, પણ વધતો જાય — સુદના ચાંદની જેમ! નિતનવા રંગો ધારણ કરીને!

જ્યારે આવા બે હૃદય એકબીજામાં અડગ વિશ્વાસના તંતુઓથી બંધાઈ જાય, ત્યારે ધરતી પર જ સૌંદર્યમય સ્વર્ગ ઉતરી આવે છે.

ગમે તેવી આંધીઓ ફૂંકાય, ગમે તેવા વાદળો ઘેરાય — અંદરથી માત્ર એક ભાવ ગૂંજે : “મારો સાથી મને સંભાળી લેશે.”

એવો પ્રેમ માણસની આત્મા પર સદા વસંતના ફૂલો ખીલવતો રહે છે.

તેનો અહેસાસ એવો હોય છે કે આંખોમાં ચમક કદી ઓસરતી નથી, હૃદયે ઉદાસીના વાદળો જગ્યા નથી લેતા.

એના સાથમાં વિતાવેલો દરેક પળ જાણે મનમાં નાની-નાની ખુશીના ફુવારા છોડે છે જે શરીરને હળવું, મનને મસ્ત અને વિચારોને નિર્મળ બનાવે છે.

વિજ્ઞાનની ભાષામાં કહેવા જેવું હોય તો — એના સ્મિતથી મનમાં એવા અજાણ્યા રસાયણો જાગે છે, જે આનંદના ઝૂલા ઝૂલાવી દે; પણ કવિતાની ભાષામાં કહીએ તો — એના એક સ્પર્શે લોહીમાં પ્રેમના કુમળા ગુલાબ ખીલી ઉઠે, એના એક નજરે શરીર-મનના થાકના વાદળ ઓગળી જાય, અને એના શબ્દોથી આત્માની તરસ છિપાઈ જાય. આવો પ્રેમ માત્ર આંખોને ચમક નથી આપતો પરંતુ શરીરને જીવંત રાખે છે, મનને ઉડાન આપે છે અને હૃદયને નિરંતર સંગીતથી ભરી દે છે.

એની નજીક રહેતાં ભીતર સુધી તાજગી વહી જાય, વિચારોમાં આશાવાદી તેજ ઘૂમવા માંડે અને આત્મા જાણે સદા યુવાનીના કિનારે વસે!

એકબીજાની ભેટમાં મળતો આ અનહદ વિશ્વાસ, આ મીઠી નિર્ભરતા, અને એકબીજાની ખુશીમાં ઓતપ્રોત થવાનું આ સત્વ — એ જ સાચું “અમૃત” છે, જે જીવનને દીર્ઘાયુ, સુખમય અને સૌંદર્યમય બનાવે છે.

અને એ કારણે, જેને એવો પ્રેમ પ્રાપ્ત થયો હોય — તેના માટે કાલ, આજ કે આવતીકાલનો મતલબ ફક્ત એક જ છે : પ્રેમના કારણે આજે પણ તે નવી કિરણ જેટલો તાજા છે!

જ્યારે પરિસ્થિતિ ઘેરી, કઠિન અને સંજોગો અત્યંત નાજુક હોય, ત્યારે એ વ્યક્તિત્વ જાણે શાંત, સ્થિર અને પક્વ વટવૃક્ષ બની જાય.

એની વાતોમાં વિચારનો ઊંડો સરવાળો હોય, આંખોમાં એક સહજ આત્મવિશ્વાસ ઝગમગતો હોય, અને એના એક નિર્ધારિત શબ્દથી અંદરના બધા સંશયો મટી જાય.

આવા સમયે એ જાણે જીવનની દીવાદાંડી હોય — માર્ગ બતાવતી! અંધકાર હટાવતી!

પણ એ જ વ્યક્તિત્વ, જ્યારે સૂર્યપ્રકાશ હળવાશથી ખિલતો હોય, ચહેરા પર ખુશીના રંગ શોભતા હોય, ત્યારે એકદમ રૂપાંતરિત થઈ જાય, એની નજરમાં શરારતના ચમકારા, હાસ્યમાં ગઝલ જેવી મીઠાશ અને હાવભાવમાં બાળસુલભ ચંચળતા સમાઈ જાય.

ક્યારેક મજાકમાં અડધું સત્ય છૂપાવીને ચીડવવું, ક્યારેક અચાનક કોઈ નટખટ હરકત કરી ચહેરા પર લાલાશ લાવવી — આ નાની-નાની ચપલતાઓના કારણે દિલ જાણે રંગોનાં મેળામાં નિમજ્જિત થઈ જાય.

આ અદ્દભુત દ્વંદ્વ એ પ્રેમને નવી ઊંડાઈ આપે છે.

એક તરફ એ વિશ્વાસ આપે છે કે “જે કાંઈ બને, એક એનો સાથ છે તો બધુ બરાબર થઈ જશે!’ અને બીજી તરફ એ જીવનને રસથી, મજાથી, મીઠી ઉત્સુકતાથી ભરી દે છે.

ગંભીરતાના સાગર અને નટખટતાના ઝરણાં વચ્ચે વહેતા આ સંબંધમાં પ્રેમ સોળે શણગાર સજે છે!

ક્યારે હળવી વાતચીતનાં મોતી ગૂંથાય છે, તો ક્યારે હાસ્યના ધીમી સુગંધ ફેલાય છે;

ક્યારે આંખો એકબીજામાં નિર્ભય વિશ્વાસના શપથ લખે છે, તો ક્યારે પાંપણોમાં શરારતના ગુપ્ત સંદેશા ઝગમગે છે.

જે પ્રેમમાં આવા બે રંગો વસે — પરિપક્વતા અને ચંચળતા — તે પ્રેમ ક્યારેય એકસરખો રહેતો નથી.

તે દરરોજ નવા રંગમાં ખીલે છે, દરરોજ નવા સૂર રચે છે, અને દરરોજ હૃદયને એ યાદ અપાવે છે કે  સાચો સાથી એ જ છે જે તોફાનમાં મારો હાથ મજબૂતીથી પકડી રાખશે અને ખુશીમાં ઇન્દ્રધનુષના રંગોથી નવરાવશે!

આવો પ્રેમ માણસને અંદરથી ઋજુ બનાવે છે.

તેના મનના ખરબચડા ખૂણા મખમલી થઈ જાય છે. કઠોરતાના ખડકો પર પણ નરમ ઘાસ ઉભરી આવે છે.

જે હૃદયે પ્રેમને સાચા અર્થમાં સ્પર્શ્યો હોય એમાં સર્જનની અજબ તરસ જાગે છે.

એ કદાચ લખવા માંડે– શબ્દોને રંગે, ગાય, ચિત્ર બનાવી દે કે સંગીતના સૂરમાં પોતાના આનંદનો સ્વર ભરે.

પ્રેમ જાણે આંતરિક શૂષ્કતાને ઓગાળતી નદી છે — મનની ખારાશને હણી દે છે, ભાવનાોને ફરી ખીલી ઉઠવા દે છે.

અંદરમાં રંગો એવા ભળી જાય છે કે જીવન માત્ર કાળા-સફેદ નહીં, પણ હજારો છટાઓમાં ઝળહળે છે!

જિંદગી ભલે ક્રૂર બને, તોફાની અને કઠોર વલણ ધરાવે — સાચો પ્રેમ પામેલો મનુષ્ય અંદરથી ફકીર જેવો અજોડ મિજાજ જાળવી શકે છે.

બહારની આંધીઓ તેને ડરાવી નથી શકતી, કારણ કે અંદરના આકાશમાં એક અનહદ શાંતિ વસે છે.

તે શાંતિ એ પ્રેમી સાથીના સ્પર્શથી પેદા થયેલી — જેના કારણે માલિકીપણાંનો અહેસાસ ઓગળી જાય છે, અપેક્ષાઓનો ભાર ઉતરી જાય છે, અને જીવન એક નિર્ભાર યાત્રા બની રહે છે.

પ્રેમ એને એવો ફકીર બનાવે છે કે જે બધું પામીને પણ કશાનો માલિક નથી બનતો;

સઘળું અનુભવ્યા પછી પણ અહંકારના એક કણથી પણ દૂર રહે છે;

દુનિયાની ખારી હવાથી બળી જવાની જગ્યાએ – તે એને ગીતમાં, રંગમાં, સુંદરતામાં ફેરવી દે છે.

આવો પ્રેમ કોઈ બંધન નહીં, પણ આંતરિક આઝાદી છે.

તે માણસને એવો સ્વભાવ આપે છે કે જ્યાંથી જોઈ શકાય – અહીં કડવાશનો એક દાણો પણ નથી;

માત્ર નરમાઈ, સ્નેહ, રચનાત્મક ઉર્જા અને દિલની એવી ઉષ્મા, જે પોતાને પણ ગરમાવે અને આસપાસની દુનિયાને પણ.

પ્રેમનો સાચું સ્વરૂપ ત્યારે ખીલતું હોય છે જ્યારે તેમાં કોઈ કઠોર નિયમો કે શરતો રહેલા ન હોય. એવો પ્રેમ, જે ન તો કોઈને નડે છે, ન કનડે છે! એ તો માત્ર પોતાના નિજાનંદમાં મસ્ત રહે છે,એ પ્રેમની ઉત્તમ અવસ્થા છે.

આવો પ્રેમ બહારની પરીસ્થિતિ પર આધાર રાખતો નથી. તે કોઈ પ્રતિસાદ કે પ્રશંસા માટે આતુર રહેતો નથી. એનો આધાર માત્ર અંતરની પૂર્ણતામાં છે. જે વ્યક્તિ આ પ્રેમનો ધારક બને છે, તે બીજા પ્રત્યેના સંબંધોમાં હળવો રહે છે.

જે રીતે સૂર્ય પોતાના પ્રકાશથી બધાને સરખો દિવ્ય સ્પર્શ આપે છે અને બદલામાં કંઈ માંગી લેતો નથી, તે રીતે આ પ્રેમ પણ સર્વ માટે સમાન અને નિઃસ્વાર્થ છે. તે બીજાની મર્યાદા, ખામી કે ભૂલોને પાર જૂએ છે! એક ઊંડો માનવત્વનો સ્પર્શ ધરાવે છે!

આવો પ્રેમ જીવનમાં આંતરિક શાંતિ લાવે છે, કારણ કે તે “મને શું મળશે?” ના હિસાબમાં નહીં, પરંતુ “મારે શું અર્પણ કરવું?” ના ભાવમાં જીવતો હોય છે. પ્રેમને પામનાર અને આપનાર બંને, આ નિજાનંદના સાગરમાં તરતા રહે છે.

પ્રેમ – જ્યાં સફળતા અને નિષ્ફળતા બંને અર્થહિન બની જાય છે!

આવો પ્રેમ માણસને અંદરથી એટલો સમૃદ્ધ અને પરિપૂર્ણ બનાવે છે કે પછી જગત એને સફળ કહે કે નિષ્ફળ, તેની સામે એને કશો ફરક પડતો નથી.

કારણ કે એ જાણે છે — એની પૂર્ણતા કોઈ બહારી માપદંડ પર આધાર રાખતી નથી; એ પૂર્ણ છે માત્ર પ્રેમમાં જીવી જવાથી.

મીરાંબાઈના અંતરના રાગને રાજસિંહાસન ન વાળી શક્યું, લૈલાના પ્રેમને કબીલો ન રોકી શક્યો, રાધાનું સમર્પણ યમુના પારના ગોકુલથી કદી દૂર ન થયું, હીરના હૃદયમાં રમતો રાંઝણો જિંદગીનો એકમાત્ર અર્થ પામ્યો.

અને બીજી બાજુ, મજનૂએ રેતીના રણમાં પણ લૈલાની યાદનો સાગર વહાવી નાખ્યો!

તમે આ પ્રેમીઓને તમારા કોઈપણ ત્રાજવે તોલો, તેમને ‘સફળ’ કહો કે ‘નિષ્ફળ’ — તેમને એ ગણતરીના અંકોમાં કોઈ રસ નથી.

કારણ કે એ પ્રેમીઓ માટે તો જીવનની એક જ સિદ્ધિ છે — પ્રેમને અંત સુધી સાચવવો, ભલે દુનિયા એને ખાલી હાથ માને.

પ્રેમના આ દરિયામાં એક વાર ડૂબકી લગાવનારને સમજાઈ જાય છે કે સાચી સંપત્તિ એ મનની તૃપ્તિ છે, બાકીની દુનિયાનું યશ–અપયશ જાણે કિનારે રમતા રેતના ઘર છે — સમુદ્રને ફરક નથી પડતો કે તરંગે એને સાચવ્યા કે તોડી નાંખ્યાં.

કદાચ આથી જ એવા પ્રેમીઓની આંખોમાં અસીમ શાંતિ હોય છે… કારણ કે તેઓને ખબર છે કે તેઓએ જીવનનો સૌથી મોટો ખજાનો જીતી લીધો છે  અને એ છે પ્રેમ.

ગોલ્ડન કી

કોઈકે કહ્યું : “હવે જિંદગીમાં શું રંગ ભરાશે? જિંદગીની સાંજ થવા જાય છે!”
મેં કહ્યું : “ડાયરો સાંજે જ શોભે છે ને રાત થતા થતા તે જુવાન થાય છે!”

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp Channel

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant