DIAMOND CITY NEWS, SURAT
સુખની આકાંક્ષા અને દુઃખનો ભય – આ બંનેની વચ્ચે ઝૂલતો માનવ ભીતરના પરમ આનંદથી વંચિત રહી જાય છે. સુખ ક્ષણિક છે, પણ આનંદ અખંડ છે. શું આપણી ખરી શોધ આ આનંદની જ નથી? માનવ મન સદા વિરોધાભાસી દ્વન્દ્વો વચ્ચે ઘેરાયેલું રહે છે.
સાયન્સ, પોલિટીક્સ, મેનેજમેન્ટ અને મનોવિજ્ઞાન આ દ્વન્દ્વોનો ભૌતિક ઉકેલ શોધવા મથે છે, પરંતુ આધ્યાત્મિક વિશ્લેષણ વગર દરેક સમાધાન અપૂર્ણ રહે છે. જ્યાં સુધી માનવ ચિત્ત દ્વન્દ્વોથી મુક્ત નથી થતું, ત્યાં સુધી ભીતરની શાંતિ માત્ર એક સ્વપ્ન બની રહે છે.
ઉપરછલ્લી દ્રષ્ટિએ સુખ અને દુઃખ જ જીવનના બે છેડા લાગે છે. પરંતુ આ બંને પરિણામોની વચ્ચે રાગ-દ્વેષ, યશ-અપયશ અને મિત્ર-શત્રુ જેવા અનેક દ્વન્દ્વો ખેલાય છે.
યશ અને કીર્તિ માટે પોતાના સુખ, પરિવાર કે પ્રાણની આહુતિ આપનારા હરિશ્ચંદ્ર અને રામ જેવા વિરલાઓ પણ છે, તો બીજી તરફ પોતાના ક્ષણિક લૌકિક સુખ માટે બીજાના જીવન બરબાદ કરનારા દુર્યોધન, આતંકવાદી કે ભ્રષ્ટાચારી જેવી માનસિકતાઓ પણ જોવા મળે છે.
પરંતુ મહાત્મા બુદ્ધ જેવા પરમજ્ઞાનીઓ આ યશ-અપયશના ચક્રથી પર હોય છે. જ્યારે બુદ્ધ પર સ્ત્રી-સંગનો ઝૂઠો આરોપ મૂકાયો, ત્યારે તેમણે ન તો આક્રોશ દર્શાવ્યો કે ન તો પ્રતિષ્ઠા બચાવવાની વ્યાકુળતા બતાવી. તેઓ ભીતર અને બહારથી એકસમાન સહજ રહ્યા. તેમની આ અચળ સમતા આગળ અસત્ય આપોઆપ ઓગળી ગયું.
બીજો મોટો દ્વન્દ્વ છે – મિત્ર અને શત્રુ. કર્ણ માટે દુર્યોધનની મિત્રતા એવો ઋણાનુબંધ હતી જેના માટે તેણે પોતાનું સર્વસ્વ હોમી દીધું. બીજી તરફ ધૃતરાષ્ટ્રનો પોતાના પુત્રો પ્રત્યેનો અંધ મોહ રાગ-દ્વેષનું ઉત્તમ ઉદાહરણ છે.
આપણું મન પણ એક એવું ડિજિટલ ફિલ્ટર છે, જે સ્વજનોના દોષોને ઢાંકીને ‘ટીપટોપ’ બતાવે છે અને અન્યો પ્રત્યે દ્વેષ જગાડે છે. જે સુખ આપે તેના પ્રત્યે રાગ (અટેચમેન્ટ) અને જે દુઃખ આપે તેના પ્રત્યે દ્વેષ (ડિસ-અટેચમેન્ટ).
બુદ્ધે યોગ્ય જ કહ્યું છે કે, રાગ અને દ્વેષ એ ચિત્તને જીવતેજીવ બાળી નાખતો અગ્નિ છે. ચંદ્રકાંત બક્ષીએ લખ્યું હતું તેમ, ‘મોહભંગ થવાની એક ઉંમર હોય છે.‘ જ્યારે વ્યક્તિ પોતાના રાગ-દ્વેષના અનુભવોમાંથી જ્ઞાનનું ભાથું બાંધે છે અને એકાંતના ટાપુ પર પોતાના અહંકારને ઓગાળી દે છે, ત્યારે જ વિતરાગતા સધાય છે.
ધર્મ-અધર્મ અને પાપ-પુણ્યનો દ્વન્દ્વ પણ એટલો જ ગહન છે. સમય, કાળ અને સંજોગ અનુસાર સમાજનાં કલ્યાણ અર્થે વિવેકપૂર્વક કરાતું નિઃસ્વાર્થ કર્મ જ ધર્મ છે – પછી ભલે તે બાહ્ય દ્રષ્ટિએ દોષપૂર્ણ કેમ ન લાગે!
કૃષ્ણે મહાભારતમાં આવા અનેક ધર્મસંકટો વખતે વિવેકનો જ આશ્રય લીધો હતો. પૂર્ણ સજાગતા અને જાગૃતિની અવસ્થા એ પુણ્ય છે, જ્યારે અજ્ઞાન અને બેહોશીમાં થઈ જતું કૃત્ય એ પાપ છે.
ઉપનિષદની કથા: દ્વન્દ્વ અને દ્રષ્ટાનું રહસ્ય
માનવ મનના આ દ્વન્દ્વ અને સાક્ષીભાવના ગૂઢ રહસ્યને સમજાવતી એક અમર કથા મુંડક ઉપનિષદમાં વર્ણવવામાં આવી છે :
द्वा सुपर्णा सयुजा सखाया समानं वृक्षं परिषस्वजाते ।
तयोरन्यः पिप्पलं स्वाद्वत्त्य-नश्नन्नन्यो अभिचाकशीति ॥
(સંદર્ભ : મુણ્ડકોપનિષત્ ૩.૧.૧ | શ્વેતાશ્વતરોપનિષત્ ૪.૬ | ઋગ્વેદ ૧.૧૬૪.૨૦)
અર્થ: એક જ પીપળાના વૃક્ષ પર સુંદર પાંખોવાળા બે પક્ષીઓ રહે છે, જે અનાદિ કાળથી પરમ મિત્ર છે. વૃક્ષની નીચેની ડાળી પર બેઠેલું પક્ષી જીવનના મીઠા અને કડવા ફળો (સુખ અને દુઃખ) ચાખે છે. જ્યારે તે મીઠું ફળ ખાય છે ત્યારે હરખાય છે અને જ્યારે કડવું ફળ ખાય છે ત્યારે પીડાય છે. તે સતત દ્વન્દ્વોની જાળમાં અટવાયેલું રહે છે.
પરંતુ તે જ વૃક્ષની ઉપલી ડાળી પર બેઠેલું બીજું પક્ષી કોઈ પણ ફળ ખાતું નથી; તે માત્ર સજાગ રહીને શાંતિથી નીચેના પક્ષીની તમામ લીલાને જોઈ રહ્યું છે. કશું જ ભોગવ્યા વગર પણ તે પરમ તૃપ્ત અને આત્મસંતોષી છે.
અહીં ઉપલી ડાળીનું પક્ષી એટલે આપણો ‘સાક્ષી આત્મા’ અને નીચેનું પક્ષી એટલે દ્વન્દ્વોમાં ભટકતો આપણો ‘જીવાત્મા‘. જ્યારે નીચેનું પક્ષી પોતાની પીડાઓથી કંટાળીને ઉપરના પક્ષી તરફ જુએ છે અને એ વાતનો સાક્ષાત્કાર કરે છે કે ‘હું પણ મૂળતઃ એ જ સાક્ષી સ્વરૂપ છું‘, ત્યારે તેના તમામ શોક, મોહ અને દ્વન્દ્વો ક્ષણભરમાં ઓગળી જાય છે.
સંસાર અને દ્વન્દ્વોની ગહન વિવેચના
આપણે પ્રાયઃ સંસાર અને આધ્યાત્મિકતાને બે વિરોધી દિશાઓ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ. સામાન્ય રીતે એવું વિચારવામાં આવે છે કે સંસાર દ્વન્દ્વોથી ભરેલો છે અને આધ્યાત્મ સંસારત્યાગમાં છે.
પરંતુ વાસ્તવિક આધ્યાત્મિકતા સંસાર છોડવાનો આદેશ નથી આપતી, પરંતુ સંસારને જોવાની આપણી દ્રષ્ટિને બદલવાનો સદમાર્ગ દર્શાવે છે. જે વ્યક્તિ દ્વન્દ્વમાં જીવે છે તે કાં તો સુખની ઘેલછામાં ભાગ્યા કરે છે અથવા દુઃખના ભયથી પલાયનવાદી બની જાય છે.
સાચો સાધક કે જ્ઞાની સંસારના રંગમંચ પર પોતાની તમામ ભૂમિકાઓ નિષ્ઠાપૂર્વક ભજવે છે, પરંતુ ભીતરથી એ વાત પ્રત્યે ક્ષણેક્ષણ જાગ્રત રહે છે કે હું આ નાટકનો માત્ર એક પાત્ર નથી, પણ તેનો દ્રષ્ટા છું.
જ્યારે ગૃહસ્થ કે કર્મયોગી પોતાની વ્યાવહારિક જવાબદારીઓ નિભાવતા નિભાવતા ભીતરથી અલિપ્ત રહેતા શીખી જાય છે, ત્યારે તેનો સંસાર જ તેનો આશ્રમ બની જાય છે અને તેનું પ્રત્યેક કર્મ પૂજા બની જાય છે.
મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ વિચાર કરીએ તો, જ્યારે મન કોઈ વસ્તુ કે વ્યક્તિ તરફ આકર્ષાય છે ત્યારે ભીતર ‘વાસના‘ કે ‘તૃષ્ણા‘નો જન્મ થાય છે. આ તૃષ્ણા જ આપણને રાગની ગિરફ્તમાં ધકેલે છે. જ્યારે આ તૃષ્ણા પૂરી થવામાં કોઈ અડચણ આવે છે ત્યારે ક્રોધ અને દ્વેષ જન્મ લે છે.
માનસિક અશાંતિનું મૂળ કારણ જ આ રાગ અને દ્વેષની સતત ચાલતી ધમસાણ છે. મન જ્યારે કોઈ વિષયને ‘સારું‘ કે ‘ખરાબ‘ એવા લેબલ મારે છે, ત્યારે જ ચિત્તમાં ક્ષોભ ઊભો થાય છે.
સાક્ષીભાવ એ જાગૃતિની એવી સ્થિતિ છે જ્યાં મન વિષયોને કોઈ લેબલ માર્યા વિના, જેવા છે તેવા જ સ્વીકારે છે. જ્યારે ચિત્તમાંથી નકારાત્મક કે હકારાત્મક પક્ષપાત ઓગળી જાય છે, ત્યારે માનસિક સંતાપ ક્ષણભરમાં શાંત થઈ જાય છે અને મન પોતાની પ્રાકૃતિક, સંતુલિત અને નિર્મળ અવસ્થામાં સ્થિર થઈ જાય છે.
ભારતીય આધ્યાત્મિક પરંપરામાં દર્શાવેલા ત્રણેય મુખ્ય માર્ગો – જ્ઞાન, ભક્તિ અને કર્મ – છેવટે વ્યક્તિને દ્વન્દ્વમુક્તિ અને પરમાનંદ તરફ જ દોરી જાય છે. જ્ઞાનમાર્ગી આત્મા અને અનાત્માનો વિવેક કરીને વિવેકબુદ્ધિ દ્વારા ‘હું આ શરીર કે મન નથી પણ ચૈતન્ય છું‘ એવો અનુભવ કરીને દ્વન્દ્વોથી પર થાય છે.
ભક્તિમાર્ગી પોતાનું અહંકાર અને સમસ્ત ભોગો ભગવાનના ચરણોમાં સમર્પિત કરી દે છે; તેના માટે સુખ અને દુઃખ બંને તેના ઇષ્ટદેવનો પ્રસાદ બની જાય છે, જેથી રાગ-દ્વેષ આપોઆપ નાશ પામે છે.
બીજી તરફ, નિષ્કામ કર્મયોગી ‘કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન‘ના સિદ્ધાંતને જીવીને ફળની આસક્તિ છોડી દે છે. માર્ગ ભલે ગમે તે હોય, પણ આ ત્રણેયનો અંતિમ પડાઉ એક જ છે – અહંકારનો લય અને સાક્ષીભાવનો ઉદય.
પતંજલિ યોગસૂત્ર અને શ્રીમદ્ ભગવદ્ ગીતા બંને એકસૂરે કહે છે કે, મનના દ્વન્દ્વોને શાંત કરવા માટે ‘અભ્યાસ’ અને ‘વૈરાગ્ય’ બે અનિવાર્ય શસ્ત્રો છે. અહીં વૈરાગ્યનો અર્થ ઘરબાર છોડીને જંગલમાં જવું નથી, પણ વસ્તુઓ કે ઘટનાઓ પ્રત્યેનો અંધ અનુરાગ (મોહ) છોડવો તે છે. અભ્યાસ એટલે કે દરરોજ થોડો સમય મન અને શ્વાસના સાક્ષી બનીને એકાંતમાં બેસવું.
જ્યારે આપણે ધ્યાનમાં બેસીને આપણા વિચારોને નદીના વહેણની જેમ માત્ર વહેતા જોઈએ છીએ અને તેમાં તણાવવાનો ઇનકાર કરીએ છીએ, ત્યારે ધીમે ધીમે ચિત્ત પર વિચારોની પકડ ઢીલી પડે છે.
આ દૈનિક સાધનાથી મનમાં એક એવી આંતરિક શક્તિ પ્રગટે છે જે આપણને બહારની ગમે તેવી વિષમ પરિસ્થિતિઓમાં પણ અચળ, શાંત અને સહજ રાખવામાં મદદ કરે છે.
આજના ભાગદોડ, સ્પર્ધા અને માહિતીના વિસ્ફોટ વાળા ડિજિટલ યુગમાં માનવી સૌથી વધુ માનસિક તણાવ, ચિંતા અને એકલતાનો ભોગ બની રહ્યો છે. સોશિયલ મીડિયાના યુગમાં યશ-અપયશ અને સરખામણીનો દ્વન્દ્વ સરહદો વટાવી ચૂક્યો છે.
આજના યુગમાં સાક્ષીભાવ માત્ર એક ગૂઢ આધ્યાત્મિક સિદ્ધાંત નથી રહ્યો, પણ સ્વસ્થ અને સંતુલિત જીવન જીવવાની જીવનજરૂરી કળા બની ગયો છે. જ્યારે વ્યક્તિ સાક્ષીભાવ કેળવે છે ત્યારે તેની અંદર ત્વરિત પ્રતિક્રિયા (Reaction) આપવાની કુટેવ છૂટી જાય છે અને વિવેકપૂર્ણ પ્રતિભાવ (Response) આપવાની ક્ષમતા ખીલે છે.
સાક્ષીભાવથી જીવતી વ્યક્તિ સંબંધોમાં પણ આસક્તિ અને દ્વેષથી મુક્ત રહીને શુદ્ધ પ્રેમ અને કરુણા વહાવી શકે છે, જેનાથી તેનું આંતરિક અને બાહ્ય જીવન બંને સંગીતમય અને આનંદસભર બની જાય છે.
ચિત્તથી સાક્ષી તરફની યાત્રા: મહત્ત્વના પાસાં
આપણા મનમાં ચાલતો દ્વન્દ્વ ક્યારેય બહારની પરિસ્થિતિઓમાં હોતો નથી, પણ આપણા ચિત્તમાં જન્મેલા અહંકાર, આસક્તિ અને ‘હું-મારા’ના મમત્વમાંથી ઉદ્ભવે છે. કોઈ ઘટના સ્વયં સુખદ કે દુઃખદ નથી હોતી, પણ ભૂતકાળના સ્મરણો અને ભવિષ્યની ચિંતાઓમાં અટવાયેલું મન જ્યારે તેને રાગ-દ્વેષના લેબલ મારે છે, ત્યારે જ અશાંતિ જન્મે છે.
ગીતાનો ‘સમત્વયોગ‘ અને પ્રકૃતિના ત્રિગુણોથી પર થવાની ચાવી એ જ છે કે મનને ‘અત્યારે અને અહીં‘ એટલે કે વર્તમાન ક્ષણમાં જાગૃત રાખવું. માત્ર શાસ્ત્રોના ગોખણપટ્ટી જ્ઞાનથી મુક્તિ મળતી નથી; મનના દરવાજે સજાગતાનો પહેરો મૂકીને નકારાત્મક વિચારો પર ‘પ્રવેશબંધી‘ ફરમાવવી પડે છે, જેથી બહારની ધમાલ વચ્ચે પણ ભીતરની આંતરિક શાંતિ જળવાઈ રહે.
સાક્ષીભાવનો સાચો અર્થ સંસારનો ત્યાગ કરવો નથી, પણ સંસારના પ્રવાહમાં કમળની જેમ અલિપ્ત રહીને પોતાની તમામ ફરજો નિભાવવી તે છે. જ્યારે આપણી અંદર રહેલી સજાગતા ચરમસીમાએ પહોંચે છે, ત્યારે ચિત્ત સમાધિમાં લીન થઈ જાય છે અને સુખ-દુઃખ કે જય-પરાજયથી પર એવા અખંડ પરમાનંદનો સાક્ષાત્કાર થાય છે.
જીવનમાં બનતી દરેક ઘટના, વિચાર અને સંવેદનાને કોઈ પણ પક્ષપાત વગર કેવળ ‘દ્રષ્ટા’ બનીને જોવી એ જ ચિત્તથી આત્મા સુધીની સાચી આધ્યાત્મિક યાત્રા છે. ‘હું દ્વન્દ્વોમાં અટવાયેલો જીવાત્મા નથી, પણ મુક્ત અને અસંગ સાક્ષી છું‘ એવો અનુભવ જ માનવ જીવનની અંતિમ સિદ્ધિ છે.
ગોલ્ડન કી
જ્યારે આપણી અંદર રહેલો આ સાક્ષી જાગ્રત થાય છે, ત્યારે મુંડક ઉપનિષદના પેલા ઉપરના પક્ષીની જેમ આપણો આત્મા સદા મુક્ત જ અનુભવાય છે. દ્વન્દ્વોથી પર થઈને પોતે જ પોતાના ચિત્તના દ્રષ્ટા બની જવું – એ જ માનવ જીવનની પરમ સિદ્ધિ છે.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WHATSAPP | YOUTUBE



















