Exclusive interview with anthony peter of tags dubai-1
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES
  • રગ્બી ખેલાડી બનવાનું સપનું જોનાર એન્થની રફ ડાયમંડ માર્કેટના મોટા ખેલાડી કેવી રીતે બન્યા?
  • 2017માં દુબઈથી શરૂ થયેલી TAGSની સફર, સુરત સાથેના સંબંધો, નેચરલ ડાયમંડના પડકારો અને AIના ભવિષ્ય પર નજર
  • એન્થનીનું માનવું છે કે, AI માણસને દૂર નહીં કરે, પરંતુ સારા નિર્ણય લેનારને વધુ સારો ડેટા આપશે…

DIAMOND CITY NEWS, SURAT

આજે હીરા ઉદ્યોગમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ ધરાવતા પીટરનું બાળપણનું સપનું જોકે કંઈક અલગ હતું. દક્ષિણ આફ્રિકાના ઘણા યુવાનોની જેમ તેઓ પણ પ્રોફેશનલ રગ્બી ખેલાડી બનવા માગતા હતા. બિઝનેસ તેમની બીજી પસંદગી હતી. તે સમયે તેમને જરા પણ ખ્યાલ નહોતો કે જીવન તેમને હીરાની દુનિયામાં એટલા ઊંડે લઈ જશે કે હીરા જ તેમની કારકિર્દી બની જશે.

દક્ષિણ આફ્રિકાના કિમ્બર્લી વિસ્તારમાં બાળપણ વિતાવનાર એન્થની પીટર નાનપણથી જ હીરાની દુનિયાથી ઘેરાયેલા હતા. કિમ્બર્લી ઐતિહાસિક હીરા ક્ષેત્રનું કેન્દ્ર રહ્યું છે. તેમના પિતા એકાઉન્ટન્ટ હોવા ઉપરાંત પાર્ટ-ટાઇમ હીરા ખાણકામ સાથે જોડાયેલા હતા, જ્યારે તેમની માતા ઓપેરા સિંગર હતી. એટલે તેમના જીવનમાં એક તરફ બિઝનેસની શિસ્ત અને બીજી તરફ સર્જનાત્મકતાનો પરિચય બાળપણથી જ થયો.

Exclusive interview with anthony peter of tags dubai-5

તેમના માતા-પિતાએ તેમને બે બાબતો ખાસ શીખવી – પ્રામાણિકતા અને ઉદારતા. પીટર માને છે કે પ્રતિષ્ઠા બનાવવામાં વર્ષો લાગે છે, પરંતુ તેને નુકસાન થવામાં થોડો સમય જ લાગે છે. તેથી વચન પાળવું અને લોકો સાથે ઈમાનદારીથી વર્તવું તેમની વિચારસરણીના કેન્દ્રમાં છે.

યુવાનીમાં એન્થની પીટરનું સપનું હીરાના વેપારી બનવાનું નહોતું. દક્ષિણ આફ્રિકાના ઘણા યુવાનોની જેમ તેઓ પણ પ્રોફેશનલ રગ્બી ખેલાડી બનવા માગતા હતા. જોકે જીવન તેમને બીજી જ દિશામાં લઈ ગયું.

હીરો માત્ર પથ્થર નથી. તેની પાછળ એક આખી દુનિયા છે.ખાણમાંથી નીકળતા રફ હીરાથી લઈને કટિંગ-પોલિશિંગ, ટ્રેડિંગ, માર્કેટિંગ અને અંતે જ્વેલરીના શોરૂમ સુધી પહોંચવાની લાંબી સફર. આ દુનિયામાં કેટલાક લોકો વેપાર કરે છે, કેટલાક હીરા કાપે છે અને કેટલાક એવા પ્લેટફોર્મ ઊભા કરે છે જ્યાં વિશ્વના ઉત્પાદકો અને ખરીદદારો એકબીજા સુધી પહોંચે છે.

એન્થની પીટર આવી જ દુનિયાના એક મહત્વપૂર્ણ ચહેરા છે

આજે હીરા ઉદ્યોગમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ ધરાવતા પીટરનું બાળપણનું સપનું જોકે કંઈક અલગ હતું. દક્ષિણ આફ્રિકાના ઘણા યુવાનોની જેમ તેઓ પણ પ્રોફેશનલ રગ્બી ખેલાડી બનવા માગતા હતા. બિઝનેસ તેમની બીજી પસંદગી હતી. તે સમયે તેમને જરા પણ ખ્યાલ નહોતો કે જીવન તેમને હીરાની દુનિયામાં એટલા ઊંડે લઈ જશે કે હીરા જ તેમની કારકિર્દી બની જશે.

કિમ્બર્લીના વાતાવરણને કારણે હીરા પ્રત્યેનું આકર્ષણ સ્વાભાવિક રીતે વધતું ગયું. તેઓ તેને ઉદ્યોગની ભાષામાં ‘ડાયમંડ બગ’ તરીકે વર્ણવે છે,એટલે કે હીરાની દુનિયા પ્રત્યે એવું આકર્ષણ કે એકવાર તેમાં પ્રવેશ્યા પછી બહાર નીકળવું મુશ્કેલ બની જાય. પરંતુ હીરાના વ્યવસાય તરફનું આકર્ષણ માત્ર ચમક સુધી સીમિત નહોતું. લોકો, બજાર, ભૂસ્તરશાસ્ત્ર, કિંમત અને આંતરરાષ્ટ્રીય વેપાર આ બધાનું સંયોજન તેમને રસપ્રદ લાગ્યું.

ભવિષ્યમાં નેચરલ અને લેબગ્રોન ડાયમંડ વચ્ચે વધુ સ્પષ્ટ તફાવત જોવા મળશે

એકાઉન્ટન્ટ થી ઉદ્યોગસાહસિક સુધી…

પીટરે યુનિવર્સિટી ઓફ કેપટાઉનમાંથી બી.કોમની ડિગ્રી મેળવી હતી. એકાઉન્ટીંગ અને ઇકોનોમિક્સ તેમના મુખ્ય વિષયો હતા. ત્યારબાદ તેઓ Schweppesમાં જુનિયર એકાઉન્ટન્ટ તરીકે જોડાયા. અહીંથી તેમની કારકિર્દીનો એક અલગ જ પાયો તૈયાર થયો. જુનિયર એકાઉન્ટન્ટમાંથી તેઓ કંપની એકાઉન્ટન્ટ અને ત્યારબાદ ફાઇનાન્શિયલ કન્ટ્રોલર બન્યા. એકાઉન્ટિંગે તેમને નાણાકીય શિસ્ત, નિયંત્રણ અને બિઝનેસના મૂળભૂત પાસાં શીખવ્યાં.

પરંતુ 28 વર્ષની ઉંમરે તેમણે સુરક્ષિત નોકરી છોડીને પોતાનો હીરા વેપાર શરૂ કરવાનો નિર્ણય લીધો.આ નિર્ણય માત્ર નોકરી છોડવાનો નહોતો. તે એક ઉદ્યોગસાહસિક તરીકેની નવી ઓળખ બનાવવાની શરૂઆત હતી. પીટરે ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, તેમના જીવનના દરેક નિર્ણયે તેમને આજની સ્થિતિ સુધી પહોંચાડ્યા છે. કેટલાક નિર્ણયો અલગ પરિણામ આપી શક્યા હોત, પરંતુ તેઓ ભૂતકાળને બદલવાની ઇચ્છા રાખતા નથી. તેમના માટે ભૂતકાળનો અર્થ છે તેમાંથી શીખવું અને આગળ વધવું.

અંગત સંઘર્ષે આપ્યો ‘હાર ન માનવાનો’ પાઠ

સફળતાની પાછળની કહાનીમાં સંઘર્ષને ઘણી વખત ભૂલી જવાય છે. પીટરની સફરમાં પણ એવા કપરા તબક્કા આવ્યા હતા. લગભગ 21 વર્ષની ઉંમરે તેમણે માતાને ગુમાવી. ત્યારબાદ પિતાનું પણ અવસાન થયું. બીજી તરફ યુનિવર્સિટીનું શિક્ષણ પણ તેમને પોતે સંભાળવું પડ્યું. ફી ભરવામાં મદદરૂપ થવા માટે તેમણે વીમો વેચવાનું કામ પણ કર્યું. આ અનુભવોમાંથી તેમને બે મહત્વપૂર્ણ બાબતો શીખવા મળી,સ્વતંત્ર બનવું અને મુશ્કેલીમાં પણ આગળ વધતા રહેવું. તેઓ સ્પષ્ટપણે કહે છે કે મુશ્કેલ સમય આવ્યા હતા, પરંતુ તેમણે ક્યારેય હાર માની લેવાનું વિચાર્યું નહીં. તેમના મતે પરિસ્થિતિ બદલાય તો પોતે બદલાવું અને આગળ વધવું જોઈએ તેમનો નિષ્ફળતા અંગેનો અભિગમ પણ અલગ છે. નિષ્ફળતાને તેઓ અંતિમ પરિણામ નહીં, પરંતુ એક પ્રકારની માહિતી માને છે. શું ખોટું થયું તે સમજો, જરૂરી ફેરફાર કરો અને ફરી આગળ વધો.

સૌથી મોટો વળાંક : દક્ષિણ આફ્રિકાથી દુબઈ

પીટરની કારકિર્દીમાં એક મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે તેમણે પરંપરાગત ડાયમંડ ડીલર તરીકેની ભૂમિકાથી આગળ વધીને રફ હીરાના આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ તરફ વળવાનો નિર્ણય લીધો. ટેન્ડર અને ઓક્શન દ્વારા રફ હીરાના વેચાણમાં પ્રવેશવાનો અર્થ હતો જૂની વ્યવસાયિક પદ્ધતિ છોડીને વધુ આંતરરાષ્ટ્રીય અને સ્પર્ધાત્મક મોડલ તરફ આગળ વધવું.  આ પછી આવ્યો બીજો મોટો નિર્ણય દુબઈમાં TAGSની સ્થાપના. આજે દુબઈ વૈશ્વિક હીરા વેપારના મહત્વના કેન્દ્રોમાંનું એક છે, પરંતુ પીટરના જણાવ્યા અનુસાર TAGS શરૂ થયું ત્યારે દુબઈમાં હીરાની ટ્રેડિંગ પ્રવૃત્તિ આજની સરખામણીએ ઘણી ઓછી હતી. આ નિર્ણયમાં જોખમ હતું. વર્ષોથી બનાવેલા વ્યવસાયિક સંબંધો પાછળ છોડીને એક વિકસતા બજારમાં નવી કંપની ઊભી કરવાની હતી.પરંતુ પીટર અને તેમની ટીમે આ પડકાર સ્વીકાર્યો.

AI : હીરા ઉદ્યોગનો આગામી મોટો ફેરફાર?

વૈશ્વિક હીરા અને જ્વેલરી ઉદ્યોગ પણ હવે AI અને ડેટાના યુગમાં પ્રવેશી રહ્યો છે.

TAGSમાં AIનો ઉપયોગ ખરીદદારોનું વર્તન, ખરીદદારોની કામગીરી, અગાઉના ભાવ, હીરાના એસોર્ટમેન્ટ અને બજારના ટ્રેન્ડનું વિશ્લેષણ કરવા માટે કરવામાં આવે છે. આવા વિશ્લેષણો માનવી માટે મોટી માત્રામાં ડેટા સાથે જાતે કરવાનું મુશ્કેલ હોય છે. AI આ પ્રક્રિયાને ઝડપી અને વધુ અસરકારક બનાવી શકે છે. પીટરના મતે AIનો ઉપયોગ કમ્પ્લાયન્સ, ગ્રાહક સેવા, ઇન્વેન્ટરી મેનેજમેન્ટ અને માર્કેટિંગમાં પણ થઈ શકે છે.પરંતુ તેઓ એક મહત્વપૂર્ણ વાત ઉમેરે છે : ટેક્નોલોજી માણસને સંપૂર્ણપણે બદલી દેશે એવું તેઓ માનતા નથી.હીરા ઉદ્યોગમાં અનુભવ અને સંબંધોનું મહત્વ હંમેશાં રહેશે. AI માણસને દૂર નહીં કરે, પરંતુ સારા નિર્ણય લેનારને વધુ સારો ડેટા આપશે.

નેચરલ ડાયમંડનું ભવિષ્ય શું?

લેબગ્રોન હીરાના વધતા પ્રભાવ વચ્ચે નેચરલ ડાયમંડનું ભવિષ્ય ઉદ્યોગ માટે મહત્વનો પ્રશ્ન છે. પીટર માને છે કે કુદરતી હીરાનું બજાર બદલાતું રહેશે, પરંતુ દુર્લભ, સુંદર અને જવાબદારીપૂર્વક મેળવેલા કુદરતી હીરાની માંગ ચાલુ રહેશે. તેમના મતે ભવિષ્યમાં નેચરલ ડાયમંડ અને લેબોરેટરીમાં બનેલા હીરા વચ્ચે વધુ સ્પષ્ટ તફાવત જોવા મળશે. બંને અલગ પ્રકારની ગ્રાહક જરૂરિયાતો પૂરી કરશે. સાથે જ હીરાના મૂળ, તેની ટ્રેસેબિલિટી અને તેની પાછળની વાર્તા પણ વધુ મહત્વપૂર્ણ બની શકે છે. આમ, લેબગ્રોન હીરાના આગમન છતાં કુદરતી હીરા તેની અનોખી દુર્લભતા અને લાગણીત્મક મૂલ્યને કારણે પોતાનું વિશેષ સ્થાન જાળવી રાખશે. પરિણામે, બંને પ્રકારના હીરા એકબીજાના પૂરક બનીને ગ્લોબલ માર્કેટમાં પોતપોતાનો નવો ગ્રાહક વર્ગ ઉભો કરશે.

Exclusive interview with anthony peter of tags dubai-3

2017 : TAGSની શરૂઆત

Trans Atlantic Gem Sales એટલે TAGSની સ્થાપના 2017માં દુબઈમાં થઈ. કંપની આંતરરાષ્ટ્રીય ડાયમંડ અને જેમસ્ટોન ટેન્ડર તથા ઓક્શન હાઉસ તરીકે કામ કરે છે. કંપનીનું મુખ્ય કામ રફ હીરાનું માર્કેટિંગ અને વેચાણ છે. તેના ગ્રાહકોમાં માઇનિંગ કંપનીઓ, સરકારી માલિકીની સંસ્થાઓ અને મોટા સપ્લાયરોનો સમાવેશ થાય છે. TAGSનું મોડલ સરળ રીતે સમજીએ તો કંપની ઉત્પાદકો અને મોટા ખરીદદારો વચ્ચે એક પારદર્શક અને સ્પર્ધાત્મક વેચાણ પ્લેટફોર્મ ઊભું કરે છે. ઉત્પાદકને પોતાના રફ હીરા માટે વિશાળ આંતરરાષ્ટ્રીય ખરીદદાર આધાર મળે અને બીજી તરફ ખરીદદારોને વિવિધ દેશો તથા ઉત્પાદકો પાસેથી રફ હીરા મેળવવાની તક મળે.  દુબઈથી શરૂ થયેલી કંપનીની કામગીરી બાદમાં Johannesburg અને Luanda જેવા અન્ય મહત્વપૂર્ણ ઉત્પાદન અને ટ્રેડિંગ કેન્દ્રો સુધી પણ વિસ્તરી…

TAGSની તાકાત : ટેક્નોલોજી સાથે વ્યક્તિગત સંબંધો

પીટરના મતે TAGSની ખાસિયત માત્ર તેની ટેક્નોલોજી કે ખરીદદાર નેટવર્ક નથી. કંપનીની સાચી તાકાત વ્યક્તિગત સંબંધો અને સંસ્થાકીય શિસ્તનું સંયોજન છે. કંપની આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ, ટેક્નોલોજી, સુરક્ષા, એનાલિટિક્સ અને મોટા ખરીદદાર નેટવર્ક સાથે કામ કરે છે. પરંતુ દરેક સપ્લાયર માટે એકસરખી વેચાણ વ્યૂહરચના અપનાવવામાં આવતી નથી. રફ હીરાના દરેક લોટની પોતાની વિશેષતા હોય છે. તેથી TAGS સપ્લાયર સાથે માલની ગોઠવણી, વેચાણનો સમય, ભાવની વ્યૂહરચના, માર્કેટિંગ અને યોગ્ય ખરીદદારોની પસંદગી જેવા મુદ્દાઓ પર કામ કરે છે. વેચાણ બાદ બજારમાંથી મળતો પ્રતિસાદ પણ કંપની માટે મહત્વપૂર્ણ છે.પીટર માટે પારદર્શિતા આ સમગ્ર પ્રક્રિયાનું કેન્દ્ર છે. બિઝનેસમાં અનેક સફળતાઓ વચ્ચે પીટરે લગભગ 100 મિલિયન અમેરિકન ડોલરનું રેકોર્ડ વેચાણ, આ તેમના માટે માત્ર મોટો આંકડો નહોતો. તેમના મતે આ સફળતા સપ્લાયરો અને ખરીદદારો દ્વારા TAGSના પ્લેટફોર્મ તથા ટીમમાં મૂકાયેલા વિશ્વાસનું પ્રતિબિંબ હતી.

Exclusive interview with anthony peter of tags dubai-3

સુરત સાથેનો એન્ટની પીટરનો સંબંધ

ભારત અને ખાસ કરીને સુરત એન્થની પીટરની બિઝનેસ દૃષ્ટિમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેમના મતે ભારત વૈશ્વિક હીરા ઉદ્યોગ માટે મૂળભૂત મહત્વ ધરાવે છે. ભારતીય ઉત્પાદકો અને વેપારીઓ TAGSના મહત્વપૂર્ણ ખરીદદારોમાં સામેલ છે. TAGSના ટેન્ડર અને ઓક્શન મારફતે ભારતીય કંપનીઓને અલગ-અલગ દેશો અને ઉત્પાદકો પાસેથી રફ હીરા ખરીદવાની તક મળે છે. સુરત વિશે પીટર ખાસ પ્રશંસા કરે છે. તેઓ સુરતને વિશ્વના મહાન મેન્યુફેક્ચરિંગ કેન્દ્રોમાંનું એક ગણાવે છે અને અહીંની હીરા ક્ષેત્રની નિષ્ણાતીને અસાધારણ ગણાવે છે. તેમના મતે ભારતીય ખરીદદારો માત્ર ખરીદદારો નથી; તેઓ સપ્લાયરો માટે સ્પર્ધાત્મક ભાવ શોધવાની પ્રક્રિયામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

ભારત હવે વેલ્યૂ ચેઇનમાં ક્યાં જઈ શકે?

ભારત પહેલેથી જ વૈશ્વિક હીરા વેલ્યૂ ચેઇનમાં કેન્દ્રસ્થાને છે. પરંતુ પીટરના મતે હવે આગળનું પગલું વધુ મહત્વપૂર્ણ છે. ટેક્નોલોજી, બ્રાન્ડિંગ, જ્વેલરી, ડિઝાઇન, ટ્રેસેબિલિટી અને આંતરરાષ્ટ્રીય બજારમાં વધુ સીધી ભાગીદારી દ્વારા ભારત વધુ મૂલ્ય ઊભું કરી શકે છે. ભારત પાસે વિશાળ બજાર, કુશળ માનવબળ અને ઉદ્યોગસાહસિક સંસ્કૃતિ છે. તેથી આવનારા દાયકાઓમાં પણ ભારત હીરા અને જ્વેલરી ક્ષેત્રની મહત્વપૂર્ણ વૈશ્વિક શક્તિ બની શકે છે.  આ પ્રગતિને વેગ આપવા માટે ટેકનોલોજીકલ ઇનોવેશન અને સસ્ટેનેબિલિટી (ટકાઉપણા) પર વિશેષ ધ્યાન આપવું અનિવાર્ય બનશે. જો ભારત આ તકોનો યોગ્ય ઉપયોગ કરશે, તો તે માત્ર હીરાનું પ્રોસેસિંગ સેન્ટર મટીને વિશ્વનું અગ્રણી ‘જ્વેલરી ડિઝાઇન અને હબ’ બની જશે.

બિઝનેસથી આગળ પરિવાર

એન્થની પીટરની સફળતાની કહાનીમાં બિઝનેસ મહત્વપૂર્ણ છે, પરંતુ તેમની નજરમાં તે સર્વસ્વ નથી.તેઓ કામ અને પરિવાર વચ્ચે સંતુલન જાળવવા માટે બંને માટે અલગ સમય ફાળવવાનો પ્રયાસ કરે છે. તેમના શોખમાં હોર્સ રેસિંગ, માછીમારી અને ગોલ્ફનો સમાવેશ થાય છે. તણાવ ઘટાડવા માટે તેઓ નિયમિત જિમ જાય છે. વહેલી સવારે ઊઠીને જિમ જવું તેમની દિનચર્યાનો ભાગ છે. તેમનું મનપસંદ પ્રવાસ સ્થળ લંડન છે, મનપસંદ ખોરાક પાસ્તા છે અને જો તેમને બીજી કારકિર્દી પસંદ કરવાની તક મળે તો તેઓ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટમાં જવાનું પસંદ કરે. અને એક રસપ્રદ વાત તેઓ શાસ્ત્રીય પિયાનો વગાડવામાં નિપુણ છે. પરંતુ જ્યારે તેમને બિઝનેસની બહારની સૌથી મોટી સિદ્ધિ વિશે પૂછવામાં આવે છે, ત્યારે જવાબમાં કોઈ કંપની, કોઈ ડીલ કે કોઈ આંકડો નથી. તેમનો જવાબ છે તેમનો પરિવાર, તેમનો દીકરો અને તેમની દીકરી.

Exclusive interview with anthony peter of tags dubai-4

સૌથી કિંમતી સંપત્તિ : તમારું વચન

પીટરની આખી કારકિર્દીને જોવામાં આવે તો એક વિચાર વારંવાર સામે આવે છે વિશ્વાસ. તેમના મતે વ્યક્તિ પાસે રહેલી સૌથી કિંમતી વસ્તુઓમાં તેનું વચન પણ એક છે. તમે કંઈક કરવાની વાત કરી હોય તો તે કરો. લોકો સાથે ન્યાયી રીતે વર્તો. સતત કામ કરતા રહો. નિષ્ફળતા આવે તો તેમાંથી શીખો. તેમના મતે સફળતા એટલે માત્ર નાણાકીય પરિણામ નહીં, પરંતુ અર્થપૂર્ણ કંઈક ઊભું કરવું, પ્રામાણિકતા સાથે કરવું અને તમારી સાથે રહેલા લોકોને પણ આગળ વધવાની તક આપવી.

TAGSનું આગામી લક્ષ્ય

આગામી પાંચ વર્ષ માટે TAGSનું લક્ષ્ય કંપનીને વિશ્વના અગ્રણી સ્વતંત્ર ડાયમંડ અને જેમસ્ટોન સેલ્સ પ્લેટફોર્મમાં વધુ મજબૂત બનાવવાનું છે. દુબઈમાં પોતાની સ્થિતિ મજબૂત કરવાની સાથે કંપની હીરા ઉત્પાદક દેશોમાં કામગીરી વધારવા અને જેમસ્ટોન ક્ષેત્રમાં વિસ્તરણ કરવા માગે છે. સાથે જ નવી ઓક્શન પદ્ધતિઓ, પોલિશ્ડ હીરાની તકો અને પસંદગીના રંગીન જેમસ્ટોન પ્રોજેક્ટ્સ પર પણ કામ થઈ રહ્યું છે. પરંતુ પીટર માટે વૃદ્ધિનો અર્થ માત્ર કંપનીનો આકાર મોટો કરવો નથી. તેઓ એવી સંસ્થા ઊભી કરવા માગે છે જે ફાઉન્ડર પછી પણ મજબૂત રીતે આગળ વધતી રહે.

પીટરની પોતાની કહાની પણ આ જ વાત કહે છે.

કિમ્બર્લીના હીરા ક્ષેત્રમાં બાળપણથી શરૂ થયેલી સફર, એકાઉન્ટન્ટ તરીકેની નોકરી, વીમા વેચીને શિક્ષણનો ખર્ચ કાઢવો, 28 વર્ષની ઉંમરે પોતાનો બિઝનેસ શરૂ કરવો અને પછી દુબઈ જેવા વિકસતા બજારમાં TAGS ઊભી કરવી—આ આખી સફરમાં કદાચ એક જ સતત ચાલતો ધાગો છે : વિશ્વાસ, સતત મહેનત અને હાર ન માનવાની માનસિકતા.

અને કદાચ આ જ કારણ છે કે જ્યારે તેમને પૂછવામાં આવે છે કે સફળતાની સૌથી મહત્વપૂર્ણ આદત કઈ છે, ત્યારે તેમનો જવાબ માત્ર એક શબ્દમાં આવે છે – “Consistency” એટલે કે સતતતા.

પરિવાર અને મૂલ્યોની વાત

ભારતીય પરિવારો માટે પીટરનો સંદેશ તેમની સમગ્ર વિચારસરણીનો સુંદર સાર છે. તેમના મતે ભારત પરિવાર, ઉદ્યોગસાહસિકતા, શિક્ષણ અને નવી પેઢીને આપતા મહત્વને કારણે વિશેષ છે. આ મૂલ્યોને જાળવી રાખવાની જરૂર છે. યુવાનોને મહેનત અને મહત્વાકાંક્ષા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ, પરંતુ સાથે નૈતિકતા, પરિવાર સાથેનું જોડાણ અને જમીન સાથે જોડાયેલા રહેવાનું પણ શીખવવું જોઈએ.

પદ પહેલાં પ્રતિષ્ઠા બનાવો…

યુવા પ્રોફેશનલ્સ માટે પીટરની સલાહ પણ તેમની આખી કારકિર્દીની ફિલસૂફી સાથે જોડાયેલી છે. તેમના મતે યુવાનોએ વફાદાર અને પ્રામાણિક રહેવું જોઈએ અને દરેક વસ્તુ તરત મળવાની અપેક્ષા રાખવી જોઈએ નહીં.

તેઓ કહે છે કે પહેલાં પ્રતિષ્ઠા બનાવો અને પછી પદની પાછળ જાઓ. લોકો જો તમારા પર વિશ્વાસ કરી શકે, તમારા પર ભરોસો રાખી શકે અને તમારી મહેનત જોઈ શકે, તો તકો તમારી તરફ આવતી રહે છે. ભવિષ્યમાં સફળ થવા માટે તેઓ અનુકૂલનક્ષમતા,કમ્યુનિકેશન, નાણાકીય સમજ અને ટેકનોલોજી સમજદારીપૂર્વક ઉપયોગ કરવાની ક્ષમતાને મહત્વ આપે છે. પરંતુ ટેક્નોલોજી જેટલી મહત્વપૂર્ણ છે એટલા જ મહત્વપૂર્ણ માનવીય સંબંધો અને યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા છે. કારણ કે કોઈ પણ ટેકનોલોજી ગમે તેટલી અદ્યતન થાય, પણ તે માણસના અનુભવ, સંવેદનાઓ અને સાચા નૈતિક નિર્ણયનું સ્થાન ક્યારેય લઈ શકતી નથી. આમ, કૌશલ્ય અને માનવીય મૂલ્યોનું આ સંતુલન જ યુવાનો માટે લાંબા ગાળાની કારકિર્દીનો મજબૂત પાયો તૈયાર કરે છે.

તેઓ કહે છે કે પહેલાં પ્રતિષ્ઠા બનાવો અને પછી પદની પાછળ જાઓ. લોકો જો તમારા પર વિશ્વાસ કરી શકે, તમારા પર ભરોસો રાખી શકે અને તમારી મહેનત જોઈ શકે, તો તકો તમારી તરફ આવતી રહે છે. ભવિષ્યમાં સફળ થવા માટે તેઓ અનુકૂલનક્ષમતા,કમ્યુનિકેશન, નાણાકીય સમજ અને ટેકનોલોજી સમજદારીપૂર્વક ઉપયોગ કરવાની ક્ષમતાને મહત્વ આપે છે. પરંતુ ટેક્નોલોજી જેટલી મહત્વપૂર્ણ છે એટલા જ મહત્વપૂર્ણ માનવીય સંબંધો અને યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WHATSAPP | YOUTUBE

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant