DIAMOND CITY NEWS, SURAT
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ફાટી નીકળેલા ભીષણ યુદ્ધની સીધી અસર હવે વૈશ્વિક હીરા બજાર પર જોવા મળી રહી છે. ગત શનિવારથી ઈઝરાયેલ અને અમેરિકા દ્વારા ઈરાની ઠેકાણાઓ પર કરવામાં આવેલા સંયુક્ત હુમલા બાદ સમગ્ર મધ્ય પૂર્વમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે.
આ યુદ્ધની આંચ દુબઈ સુધી પહોંચતા હીરાના વેપારના મુખ્ય કેન્દ્ર ગણાતા આ શહેરમાં મોટા પાયે આર્થિક ગતિવિધિઓ અટકી પડી છે.
ખાસ કરીને હીરાના વેચાણ માટે જાણીતી કંપનીઓ ‘કોઈન ઈન્ટરનેશનલ’ અને ‘ટ્રાન્સ એટલાન્ટિક જેમ સેલ્સ’ (TAGS) દ્વારા દુબઈમાં યોજાનારા રફ ડાયમંડના મહત્વના ટેન્ડરો હાલ પૂરતા મોકૂફ રાખવાની ફરજ પડી છે.
ઈરાને વળતો પ્રહાર કરતા ઈઝરાયેલ અને પર્સિયન ગલ્ફમાં આવેલા અમેરિકન સૈન્ય મથકો તેમજ સંયુક્ત આરબ અમીરાત (UAE) ને નિશાન બનાવીને ડ્રોન અને મિસાઈલ હુમલા કર્યા છે. આ હુમલાઓમાં દુબઈ અને ઈઝરાયેલ બંને સ્થળે જાનમાલનું નુકસાન થયું હોવાના અહેવાલો છે.
સુરક્ષાના કારણોસર દુબઈ જતી અસંખ્ય આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે, જેના કારણે વિશ્વભરના હીરાના ખરીદદારો અને વેપારીઓ માટે દુબઈ પહોંચવું અશક્ય બન્યું છે. ‘કોઈન ઈન્ટરનેશનલ’ દ્વારા જે ટેન્ડર ૩ થી ૫ માર્ચ દરમિયાન યોજાવાનું હતું, તે હવે લંબાવીને ૯ થી ૧૧ માર્ચ કરવામાં આવ્યું છે.
દુબઈ મલ્ટી કોમોડિટીઝ સેન્ટર (DMCC) અને દુબઈ ડાયમંડ એક્સચેન્જના વડા અહેમદ બિન સુલેમે જણાવ્યું છે કે, વર્તમાન પરિસ્થિતિને જોતા કર્મચારીઓની સુરક્ષા માટે હાલ ‘વર્ક ફ્રોમ હોમ’ લાગુ કરવામાં આવ્યું છે અને પરિસ્થિતિની દરરોજ સમીક્ષા કરવામાં આવી રહી છે.
બીજી તરફ, ઈઝરાયેલના રામત ગાન સ્થિત ‘ઈઝરાયેલ ડાયમંડ એક્સચેન્જ’ (IDE) એ પણ સાવચેતીના પગલાં રૂપે ઈમરજન્સી મોડ જાહેર કર્યો છે. હીરાના ટ્રેડિંગ ફ્લોરને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે અને માત્ર અત્યંત આવશ્યક સેવાઓ જ ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે.
માર્કેટના નિષ્ણાતો માને છે કે જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો સુરત અને મુંબઈ જેવા હીરાના અન્ય કેન્દ્રો પર પણ તેની માઠી અસર જોવા મળી શકે છે, કારણ કે દુબઈ રફ ડાયમંડના સપ્લાય માટેનું મહત્વનું પ્રવેશદ્વાર છે. હાલમાં સમગ્ર ડાયમંડ ઇન્ડસ્ટ્રીની નજર મધ્ય પૂર્વની શાંતિ અને આગામી દિવસોમાં ખુલનારા ટેન્ડરો પર ટકેલી છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube





















