US New Tariff Policy Pressures Indian Gem and Jewellery Industry, Says GJEPC
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT

યુનાઇટેડ સ્ટેટ્સ (US) દ્વારા ૨૪ જુલાઇ ૨૦૨૬થી પોતાના જકાત માળખામાં ફેરફાર કરીને કામચલાઉ ‘સેક્શન ૧૨૨’ ને બદલે નવી ‘સેક્શન ૩૦૧ ટેરિફ સિસ્ટમ’ અમલી બનાવવામાં આવી છે.

આ નવી ટેરિફ નીતિ હેઠળ યુ.એસ. એ ભારતીય રત્નો અને આભૂષણોની નિકાસ પર ૧૦% વધારાની ટેરિફ ડ્યુટી યથાવત્ રાખી છે. જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) દ્વારા આ નિર્ણય અંગે ગંભીર નોંધ લેવામાં આવી છે અને ભારતીય નિકાસકારોની સ્પર્ધાત્મકતા પર તેની પડતી અસરો અંગે ચિંતા વ્યક્ત કરી છે.

અમેરિકી ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR)ની ઓફિસ દ્વારા વિશ્વના ૬૦ જેટલા દેશોમાં ‘વેઠિયા મજૂરી’ (Forced Labour) દ્વારા ઉત્પાદિત સામાન પરના પ્રતિબંધો અંગે તપાસ પૂર્ણ કર્યા બાદ આ નવું ટેરિફ ફ્રેમવર્ક લાગુ કરવામાં આવ્યું છે.

ભારતે પોતાની ફોરેન ટ્રેડ પોલિસી (FTP)માં સુધારો કરીને બંધુઆ કે શ્રમ શોષણથી બનેલી વસ્તુઓની આયાત પર કડક પ્રતિબંધ મૂકતા માનવધિકારોના આંતરરાષ્ટ્રીય ધોરણોનું પાલન કર્યું છે. જેના પરિણામે અમેરિકાએ ભારતને નિચલા ૧૦% ની ટેરિફ સ્લેબમાં રાખ્યું છે.

આ નીતિ હેઠળ ભારતને તેના મુખ્ય હરીફ પ્રોસેસિંગ અને ટ્રેડિંગ હબ જેવા કે ચીન, હોંગકોંગ, થાઇલેન્ડ, તુર્કી, યુએઈ (UAE), ઇઝરાયેલ અને વિયેતનામની સરખામણીએ ૨.૫% ટેરિફનો સ્પષ્ટ લાભ મળ્યો છે, કારણ કે આ દેશો પર ૧૨.૫% જેટલી ભારે ટેરિફ લાદવામાં આવી છે.

અમેરિકાના આ નીતિગત નિર્ણય પર પ્રતિક્રિયા આપતા GJEPCના ચેરમેન કિરીટ ભણશાલીએ જણાવ્યું હતું કે, “સૌપ્રથમ તો અમે ભારતના જ્વેલરી સેક્ટરને બંધુઆ મજૂરી કે શ્રમ શોષણ સાથે જોડવાના કોઈપણ સંકેત કે દાવાને સખત શબ્દોમાં ફગાવીએ છીએ. અસંખ્ય અભ્યાસોએ સાબિત કર્યું છે કે આપણો ઉદ્યોગ હંમેશા નૈતિક વેપાર, માનવ અધિકારો અને મજૂરોના કલ્યાણ માટે કટિબદ્ધ રહ્યો છે. ભારત સરકારે પણ વિદેશી વેપાર નીતિમાં સુધારો કરીને શ્રમ શોષણથી બનતી વસ્તુઓ પર પ્રતિબંધ મૂક્યો છે તે આવકારદાયક છે.”

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “સેક્શન ૩૦૧ હેઠળ ભારત પર ૧૦% ટેરિફ લાદવી એ બિલકુલ ન્યાયસંગત નથી અને તે ભારતીય નિકાસકારો માટે મોટો પડકાર છે. ખાસ કરીને જ્યારે હીરા વેપારના મુખ્ય હરીફ દેશોને કુદરતી હીરા પર ડ્યુટી-ફ્રી (૦% ટેરિફ) એક્સેસ મળી રહ્યો છે. જોકે, અન્ય હરીફ દેશો સામે ભારતને ૨.૫% નો ફાયદો ચોક્કસ છે, પરંતુ અમારો મુખ્ય ઉદ્દેશ્ય ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં બાયલેટરલ ટ્રેડ એગ્રીમેન્ટ (BTA) થાય અને કુદરતી હીરા તથા કલર સ્ટોન્સ પરથી યુરોપિયન યુનિયન કે મલેશિયાની જેમ ટેરિફ મુક્તિ મળે તે રહેશે.”

ભારતીય ઉદ્યોગ માટે મુખ્ય લાભો :

  • ભારત ૧૦% ના નીચલા ટેરિફ બેન્ડમાં સામેલ છે, જ્યારે ચીન, હોંગકોંગ, થાઇલેન્ડ, તુર્કી, યુએઈ, ઇઝરાયેલ અને વિયેતનામ પર ૧૨.૫% ટેરિફ છે.
  • અમેરિકી માર્કેટમાં ભારતીય નિકાસકારોને મુખ્ય હરીફ દેશો કરતાં ૨.૫ ટકા પોઇન્ટની સીધી સ્પર્ધાત્મક સિદ્ધિ (Tariff Advantage) મળશે.

ભારતીય સેક્ટર સમક્ષ રહેલા મુખ્ય પડકારો :

  • યુરોપિયન યુનિયન સામે અસમાન સ્પર્ધા : ગ્લોબલ ડાયમંડ ટ્રેડિંગ હબ ગણાતા બેલ્જિયમ (EU)ને નેચરલ ડાયમંડ પર ૦% વધારાની ટેરિફનો લાભ મળે છે, જ્યારે ભારતમાંથી કટ-પોલિશ થઈને જતા સમાન હીરા પર ૧૦% ડ્યુટી લાગે છે.
  • કુલ આયાત ડ્યુટીમાં વધારો : અમેરિકામાં ભારતીય જ્વેલરી પર નિયમિત MFN ડ્યુટી (૫.૫% થી ૬%) અને સેક્શન ૩૦૧ ની ૧૦% વધારાની ડ્યુટી મળીને કુલ ઇમ્પોર્ટ ડ્યુટી આશરે ૧૫.૫% થી ૧૬% સુધી પહોંચી જાય છે.
  • લેબ-ગ્રોન ડાયમંડ્સ પર અસર : સિન્થેટિક અને લેબ-ગ્રોન ડાયમંડ્સ પર પણ ૧૦% ની વધારાની ટેરિફ ડ્યુટી યથાવત્ રાખવામાં આવી છે.
  • ઓરિજિનના નિયમો : આફ્રિકન દેશો (જેમ કે બોત્સ્વાના, નામીબિયા, કોંગો)માંથી આવતા રફ હીરા સેક્શન ૩૦૧ ની બહાર છે, પરંતુ જો તે ભારતમાં પ્રોસેસ (Substantially Transformed) થાય તો તેને ભારતીય ઓરિજિન ગણીને તેના પર અમેરિકા ૧૦% ટેરિફ વસૂલે છે.

આગામી રસ્તો :

GJEPC એ સ્પષ્ટ કર્યું છે કે નેચરલ ડાયમંડ અને કલર્ડ જેમસ્ટોન્સ એ જ્વેલરી મેન્યુફેક્ચરિંગ માટે માત્ર કાચો માલ (Raw Material) છે, તેથી તેને ‘એનેક્સ III’ હેઠળ વધારાની ટેરિફમાંથી મુક્તિ આપવી જોઈએ.

આ ટેરિફ ગેપ ઘટાડવા અને યુ.એસ. માર્કેટમાં ભારતીય જ્વેલરીની પકડ મજબૂત કરવા માટે કાઉન્સિલ ભારત સરકાર સાથે મળીને ‘ઇન્ડિયા-યુએસ બાયલેટરલ ટ્રેડ એગ્રીમેન્ટ’ (BTA) ઝડપથી પૂર્ણ થાય તે માટે સક્રિય પ્રયાસો કરી રહી છે.


Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant