ભારતમાં બારમી સદી સુધીના સમયમાં સુશ્રુત, ચરક, વાગ્ભટ, નાગાર્જુન, આર્યભટ્ટ, બ્રહ્મગુપ્ત, ભાસ્કારાચાર્ય જેવા અનેક ખ્યાતનામ વૈજ્ઞાનિક થઈ ગયા.
એ બધામાં મહાન ગણિતશાસ્ત્રી અને જ્યોતિર્વિદ ભાસ્કરાચાર્યનું સ્થાન વિશેષ મહત્ત્વનું છે. ગણિતના ‘અનંત’ વિચારનો સહુથી પહેલો સંદર્ભ ભાસ્કરાચાર્યના ગ્રંથમાં જોવા મળે છે.
એટલું જ નહિ, પણ ચંદ્ર સ્વયં પ્રકાશિત નથી, પૃથ્વીમાં આકર્ષણ શક્તિ છે. એની ભાસ્કરાચાર્યને તે સમયે પણ કલ્પના હતી એવું તેમના લેખનમાંથી જોવા મળે છે. તેથી જ વિશ્વની આગળ રહેલા ભારતીય ગણિત શાસ્ત્રી તરીકે તેમનું વર્ણન કરવામાં અતિશયોક્તિ લેખાશે નહિ.
ભાસ્કરાચાર્યનો જન્મ વિજ્જલવિડ મુકામે થયો હતો. ભાસ્કરાચાર્યનું જ્યોતિષ શાસ્ત્રીય અધ્યયન તેમના પિતા મહેશ્વર પાસે થયું. ત્યારબાદ તે ભારતીય ગણિતીય અભ્યાસનું મુખ્ય કેન્દ્ર ગણાતા ઉજ્જૈન ગયા. ઉજ્જૈનના ખગોળીય વેધશાળાના પ્રમુખ તરીકે ભાસ્કરાચાર્યની નિમણૂક થઈ હતી.
ભાસ્કરાચાર્યે ‘સિદ્ધાંત શિરોમણી’ (ઈ.સ. ૧૧૫૦) અને ‘કરણ કુતૂહલ’ જેવા બે વિશેષ મહત્ત્વના ગ્રંથ લખ્યા. સિદ્ધાંત શિરોમણી ગ્રંથના ‘લીલાવતી” (પાટીગણિત), “બીજગણિત’, ‘ગ્રહગણિતાધ્યાય’ અને ‘ગોલાધ્યાય’ એમ ચાર ભાગ હોવાથી, પ્રત્યેક ભાગ એક સ્વતંત્ર ગ્રંથ જેવો છે. ‘લીલાવતી’ ગ્રંથમાં મુખ્યત્વે અંકગણિત અને ‘મહતમાપન’ (ક્ષેત્રફળ, ઘનફળ) ૫૨ સવિસ્તર સુલભ વિવેચન છે.
‘સિદ્ધાંત શિરોમણી’ ગ્રંથના લીલાવતી ભાગમાં સરવાળા – બાદબાકી, સંખ્યાની સ્થાન સંજ્ઞા, બાજ જેવા આધુનિક અંકગણિતનાં ઘણાંખરાં કાર્યોનો સમાવેશ છે. આ ભાગ ભાસ્કરાચાર્ય પછીય ૫૦૦ વર્ષ ભારતીય ગણિતના અભ્યાસમાં પાઠ્યગ્રંથ તરીકે ઉપયોગમાં લેવાતો હતો. ઈ.સ. ૧૫૮૭માં અબુલ ફૈજીએ ‘લીલાવતી’નું ફારસીમાં ભાષાંતર કર્યું હતું.
‘સિદ્ધાંત શિરોમણી’ના ‘બીજગણિત’ ભાગમાં ધન અને ઋણ સંખ્યાના ગણિત, અવ્યક્ત સંખ્યાના ગણિત, એકવર્ણ અને અનેકવર્ણ સમીકરણો ઇત્યાદિ વિવેચન છે. આમાં ભાસ્કરાચાર્યે રચેલ અનિશ્ચિત સમીકરણો ઉકેલવાની રીત પાશ્ચાત્ય પદ્ધતિ કરતાંય સુંદર હોવાનો યુગ પાશ્ચાત્ય ગણિતશાસ્ત્રીઓનો મત છે. ગણિતની ‘અનંત’ સંકલ્પનાનો સહુથી પહેલો સંદર્ભ ‘બીજગણિત’ ખંડમાં આવેલો જોવા મળે છે. આ જ અનુષંગે ૩÷0 નું મૂલ્ય પણ અનંત સંખ્યા છે, એમ તેમણે સ્પષ્ટપણે નોંધ કરી છે.
શાહજહાનની કારકિર્દીમાં ઈ.સ. ૧૬૩૪માં અતાઉલ્લા રસીદીએ આ ગ્રંથનું ફારસીમાં રૂપાંતર કર્યું.
‘સિદ્ધાંત શિરોમણી’ ગ્રંથના ‘ગ્રહગણિતાધ્યાય’ અને ‘ગોલાધ્યાય’ ભાગમાં ખગોળશાસ્ત્રીય નિરીક્ષણ અને પંચાંગ તૈયા૨ કરવા વિષયના ગણિતો તેમજ સમતલ પૃષ્ઠીય ભૂમિતિ, ઘનભૂમિતિ, ત્રિકોણમિતિ ઇત્યાદિનું વિવેચન છે. આ બંને ભાગોના સ્પષ્ટીકરણ અર્થે ભાસ્કરાચાર્યે પોતે જ ‘વાસનાભાષ્ય’ નામનો ટીકાગ્રંથ લખ્યો.
તેમજ ‘ભાસ્કર વિવાહ પટલ’, ‘બીજોપનયન’ જેવા ગ્રંથ અને સર્વતોભદ્ર નામનો જ્યોતિષ વિષયક ઉપકરણોની માહિતી આપનાર એક નાનો ગ્રંથ પણ તેમના નામે છે. ‘સિદ્ધાંત શિરોમણી’ ગ્રંથનું અંગ્રેજી, મરાઠી, ગુજરાતી, કાનડી અને તામિલ ભાષાઓમાં ભાષાંતર થયું છે.
ભાસ્કારાચાર્યે પોતાના ગ્રંથમાં સર્વત્ર દશાંશ સંખ્યા પદ્ધતિનો ઉપયોગ કર્યો છે. વર્તુળના પરિઘ અને વ્યાસનાં ગુણોત્તરનું મૂલ્ય ૩૮૪ બાજુ ધરાવનાર સુસમ બહુભુજાકૃતિના માપનથી ૭૫૪/૨૪૦ એટલે ૩.૧૪૧૬૬૬ એમ કાઢ્યું હતું.
આ ગુણોત્તરને આજે ‘પાઈ’ નામ છે જેનું મૂલ્ય ૩.૧૪૧૫૯ છે. ભાસ્કરાચાર્યે કાટખૂણ ત્રિકોણ સંબંધના પ્રમેયની એક ભૂમિતિય સિદ્ધતા પણ સ્વતંત્રપણે રજૂ કરી હતી. અનેક ગણિતશાસ્ત્રીઓના અભ્યાસ અનુસાર આ સિદ્ધતા પાયથાગોરસના પ્રમેય સાથે મળતી સરખી આવે છે.
પૃથ્વી ગોળ હોવાથી એ અનંત અવકાશમાં વિના આધાર છે. એ તેમને જાણ હતી. પૃથ્વીના અક્ષીય (સ્વાંગ પરિભ્રમણ તેમજ કક્ષીય (સૂર્ય આસપાસ ભ્રમણ) ભ્રમણની તેમને કલ્પના હતી. ચંદ્ર, સૂર્ય ગ્રહણમાં રાહુ-કેતુ રાક્ષસ એ ચંદ્ર-સૂર્યને ગળી જતા ન હોઈ, ચંદ્ર પૃથ્વીના પડછાયામાં પ્રવેશતાં ચંદ્રગ્રહણ થાય છે. ચંદ્ર સ્વયં પ્રકાશિત નથી, આ વાતો તેમણે સ્પષ્ટપણે નોંધી રાખી છે. પૃથ્વીમાં આકૃષ્ટ એટલે આકર્ષણ શક્તિ હોવાનું પ્રતિપાદન તેમણે કર્યું હતું. તે જ પ્રમાણે પૃથ્વીની આસપાસ વાયુનું આવરણ છે, એ વિશે તેમણે લખી રાખ્યું છે.
ભાસ્કરાચાર્યના સઘળાં ગ્રંથોમાં વિવેચન તાર્કિક સ્વરૂપનું હોવા છતાંય તે અત્યંત સરળ સુબોધ ભાષામાં છે. તેમના સમયની પદ્ધતિ અનુસાર આ સર્વ લેખન છંદોબદ્ધ છે. તેમાં તેમની કલ્પકતા પણ જોવા મળે છે.
જ્યોર્તિવિદ્યા ગણિત અને વિજ્ઞાનના ક્ષેત્રમાં મૌલિક કામ કરીને બારમી સદીમાં થઈ ગયેલા ભાસ્કારચાર્યે આ ગણિત દ્વારા કેવળ ભારતીય ગણિતશાસ્ત્ર અને જ્યોતિર્વિદ્યાશાસ્ત્રને જ યોગદાન આપ્યું એમ નથી. પણ અનેક પાશ્ચાત્ય ગણિતશાસ્ત્રીઓને પણ પોતાના અભ્યાસ દ્વારા ચકિત કર્યા.
ભાસ્કરાચાર્યના અદ્વિતીય યોગદાનની સ્વીકૃતિ રૂપે ભારતીય અવકાશ સંશોધન સંસ્થાએ (ISRO) પૃથ્વીના નિરીક્ષણાર્થે ટેલિવિઝન કૅમેરા બેસાડેલા. બે ઉપગ્રહ ૧૯૭૯ અને ૧૯૮૧માં અવકાશમાં છોડ્યા. તેમને ‘ભાસ્કર-૧’ અને ‘ભાસ્કર- ૨’ એવાં નામ આપ્યા અને તેમનાં કાર્યોનું યથોચિત ગૌરવ કર્યું.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube





















