The founder of industrial development in India Jamshedji Tata
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT

ભારતના આદ્ય ઉદ્યોગપતિ તરીકે જમશેદજી ટાટાનું નામ લેવાય છે. જમશેદજી ટાટા પૂર્વે ન્યા. રાનડે, દાદાભાઈ, નવરોજી, ફિરોજશાહ મહેતા જેવાઓએ ભારતને ઔદ્યોગિકરણની જરૂરિયાત, ઔદ્યોગિક ક્રાંતિની આવશ્યકતા વિશે ખાસ્સો વૈચારિક ઊહાપોહ કર્યો હતો. પરંતુ ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિની કલપ્ના સાક્ષાત સાકાર કરી એ જમશેદજી ટાટાએ!

જમશેદજી ટાટાએ પોતાની દૂરદૃષ્ટિ, અવિશ્રાંત શ્રમ, ખંત સાહસ, સાહસ સાથે જ વ્યાપક રાષ્ટ્રહિતના તલસાટના બળે ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં ટાટા ઉદ્યોગસમૂહનો અને આ ઉદ્યોગસમૂહ દ્વારા ભારતના ઔદ્યોગિક વિકાસનો પાયો નાંખ્યો.

ત્યારબાદ છેલ્લાં ૧૩૦ વર્ષથી અધિક સમયગાળા દરમિયાન ટાટા ઉદ્યોગસમૂહે પોતે સ્વીકારેલા વ્યવસાયનો સર્વાંગી વિસ્તાર કર્યો. પાશ્ચિમાત્યોની સરસાઈનું વિશાળ લોખંડનું કારખાનું સ્થાપ્યું. મોટરો, રસાયણો, યંત્રસામગ્રી, રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ, કાપડ, ઇલેક્ટ્રોનિક્સ, પરસ્પર વ્યવહાર જેવાં અનેક ક્ષેત્રોમાં પોતાનાં કારખાનાં ઊભાં કરીને ભારતને આધુનિક યુગમાં લઈ ગયા.

ઉદ્યોગ વિસ્તાર માટે જરૂરી વીજળીનું ઉત્પાદન મોટા પ્રમાણમાં કરીને, તેનું વિતરણ કરીને ઔદ્યોગિક વૃદ્ધિમાં ફાળો આપ્યો. વૈજ્ઞાનિક શિક્ષણની અનેક સંસ્થાઓ ઊભી કરીને ભાવિ પેઢીનો પાયો નાંખ્યો. ઇતર અનેક વ્યવસાય જાતે નિર્માણ કરીને તે સફળ રીતે ચલાવીને બીજાઓ માટે ઉદાહરણ રજૂ કર્યું.

ટાટાનું મૂળ ખાનદાન ગુજરાતના નવસારીનું. તેમના પૂર્વજ પારસી ધર્મોપદેશક હતા. સાંસારિક હાલત પ્રમાણસર હતી. આવા ઘરમાં જમશેદજી ટાટાનો નવસારી મુકામે ઈ.સ. ૧૮૩૯માં જન્મ થયો. તેર વર્ષની વયે તે અભ્યાસાર્થે મુંબઈ આવ્યા. માત્ર વીસ વર્ષની વયે તેમણે ચીન તરફ પ્રયાણ કર્યું અને ત્યાં પિતાની જેમ વ્યાપાર શરૂ કરી થાળે પડ્યા. ચીનમાં તે ચાર વર્ષ રહ્યા. હોંગકોંગ અને શાંઘાઈમાં તેમણે પોતાની પેઢીની ચાર શાખાઓ શરૂ કરી.

ચીનથી આવ્યા પછી તે લંડન ગયા અને ત્યાં કપાસનો વ્યાપાર સંભાળવા લાગ્યા. ત્યાંની મિલો જોઈને આપણેય કેવળ માલની લેવડદેવડ ન કરતાં ઉત્પાદનના ક્ષેત્રમાં જવું એવો મનમાં નિશ્ચય કર્યો.તેમણે મુંબઈમાં એલેક્ઝાન્ડ્રા મિલ શરૂ કરી.

મોટાભાગની કાપડ મિલો મુંબઈમાં હતી, પણ જમશેદજીને લાગ્યું કે જ્યાં કપાસનું ઉત્પાદન થાય છે ત્યાં જ આપણી મિલ હોવી જોઈએ. તેથી તેમણે ઈ.સ. ૧૮૭૭માં નાગપુરમાં એમ્પ્રેસ મિલ શરૂ કરી. આ એક લિમિટેડ કંપની હતી. ત્યારબાદ મુંબઈમાં સ્વદેશી મિલ, અમદાવાદમાં ઍડ્વાન્સ મિલ જેવી કાપડની મિલો શરૂ કરી અને તે સફળતાપૂર્વક ચલાવી.

મુંબઈ શહેરને છાજે એવી હૉટલ નથી, એ ધ્યાને આવતાં તેમણે મુંબઈના સમુદ્ર કિનારે તાજ હૉટલ શરૂ કરી. સો વર્ષ પછીય આ હોટલની ભવ્યતાની બરોબરી કોઈ કરી શક્યું નથી.

રાષ્ટ્ર ઔદ્યોગિક પ્રગતિ કરવી હોય તો રાષ્ટ્રમાં મૂળભૂત ઉદ્યોગ જોઈએ. તે દૃષ્ટિએ દેશમાં લોખંડ અને પોલાદ પર્યાપ્ત પ્રમાણમાં ઉપલબ્ધ થવું જોઈએ. પર્યાપ્ત વીજ ઉત્પાદનની જરૂરિયાત છે અને શ્રેષ્ઠ તાંત્રિક અને વૈજ્ઞાનિક શિક્ષણની સવલત નિર્માણ થવી આવશ્યક છે એમ તે માનતા હતા.

તેને અનુસરીને ઈ. સ. ૧૮૮૨માં જમશેદજીએ પોલાદનું કારખાનું શરૂ કરવાની દૃષ્ટિએ જોરદાર પ્રયત્ન શરૂ કર્યા. પોલાદ બનાવવાનું તંત્રજ્ઞાન નહિ, લોખંડનો સંગ્રહ ક્યાં છે એની જાણકારી નહિ, આવી પરિસ્થિતિ ૫૨ જમશેદજીએ જીદપૂર્વક વિજય મેળવ્યો.

મયૂરગંજ રજવાડાની હદમાં કોલસા, લોખંડનો સંગ્રહ નજીક મળ્યો અને તેને કારણે ત્યાં જ કારખાનું શરૂ કરવા ઠરાવ્યું. કારખાના માટે પરદેશી તંત્રજ્ઞાન પણ તેમણે મેળવ્યું. પછી પ્રશ્ન આવ્યો મૂડીનો. તે સમયે બે કરોડ બત્રીશ લાખ રૂપિયાની મૂડી શેર વેચાણ દ્વારા મેળવી.

પણ વાસ્તવિક લોખંડનું ઉત્પાદન જોવા જમશેદજી કાંઈ હયાત રહ્યા નહિ. ઈ.સ. ૧૯૦૪ના મેની ૧૯ તારીખે જર્મનીના નોહેમ મુકામે તેઓનું અવસાન થયું.

પરંતુ તેમણે પોતાની સઘળી યોજનાઓનો પાયો એટલો નક્કર નાંખ્યો હતો કે અન્ય સાથીઓએ તેમનાં સ્વપ્ન પૂર્ણ કર્યાં. તેમની સઘળી યોજનાઓ સફળ નીવડી. તેમના પુત્ર દોરાબજી ટાટાએ પિતાના મૃત્યુ પછી તેમના વીજળી ઉત્પાદનનું સ્વપ્ન વળવણ અને મુળશી મુકામે બંધ બાંધીને પૂરું કર્યું. વીસમી સદીના અંતે ટાટા ઉદ્યોગ સમૂહના છત્ર હેઠળ એંશી કંપનીઓ કાર્યરત હોવા સાથે એકંદર કારભાર છત્રીશ હજાર કરોડ જેટલો થયો.

જમશેદજી ટાટાને દેશના યુવાનો વૈજ્ઞાનિક અને તાંત્રિક શિક્ષણ મેળવે એમ લાગતું. તે માટે તેમણે પોતાની હયાતીમાં જ ઈ.સ. ૧૮૯૮માં વિજ્ઞાન યુનિવર્સિટીની સ્થાપના કરવા માટે મુંબઈની પોતાની ચૌદ ઇમારતો અને ચાર મોટી જમીનો ધરાવતી એસ્ટેટો જેવી માલમિલકત દાનમાં આપવાની ઘોષણા કરી. તેમાંથી જ બેંગ્લોરની ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ’ જેવી ઉત્કૃષ્ટ દરજ્જાની સંસ્થા ઊભી થઈ.

જમશેદજી ટાટા એ એક રાષ્ટ્રવિભૂતિ હતા. ૧૨૫ વર્ષ પૂર્વે તેમને આધુનિક ભારતનું સ્વપ્ન દેખાતું હતું. તેનાં બળે તેમણે ભારતની અધિભૌતિક સમૃદ્ધિનો પાયો નાંખ્યો. તેમની દૂરદૃષ્ટિએ સમૃદ્ધિના મૂળભૂત રહસ્ય જાણી લીધા હતા.

પોલાદ, વીજળી અને વિજ્ઞાન એ તેમણે ભારતને આપેલી ભેટ છે. ટાટા ઉદ્યોગસમૂહે જમશેદજીનાં સ્વપ્નો પૂરાં કરવા માટે દેશના અનેક મૂળભૂત ઉદ્યોગોનો તો વિકાસ કર્યો જ, પણ સામાજિક પ્રતિબદ્ધતા સાથે શિક્ષણ, વિજ્ઞાન-સંશોધન, તબીબી-સંશોધન, સંગીત, કલા જેવા જીવનસ્પર્શી અનેક કાર્યોને, તેમાં કાર્ય કરનાર સંસ્થાઓને તેમણે યોગદાન પણ આપ્યું.

આ સર્વ પાયો જમશેદજીએ નાંખ્યો હતો. જે સમયે ઉદ્યોગોના સ્વપ્ન જોવા જ અવ્યવહાર્ય હતા. તેવા સમયે લોખંડ અને પોલાદ ઉદ્યોગ જેવા વિપુલ મૂડીરોકાણ તંત્ર કુશળ ઉદ્યોગના સ્વપ્ન તેમણે જોયા અને તે સાકાર કર્યા.


Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant