Mahendra Singh Dhoni Becomes the New Global Brand Ambassador for Malabar Gold and Diamonds
(સૌજન્ય : GJEPC)
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT

વિશ્વના ૧૪ દેશોમાં ૪૫૦થી વધુ અત્યાધુનિક શાનદાર શોરૂમ્સ ધરાવતી અને વાર્ષિક $૯.૪૧ બિલિયન (અંદાજે ₹૭૮,૦૦૦ કરોડથી વધુ)નું ટર્નઓવર ધરાવતી ગ્લોબલ જ્વેલરી બ્રાન્ડ ‘માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ’ એ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને સ્પોર્ટ્સ આઇકોન એમ.એસ. ધોનીને તેના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કર્યા છે. કંપનીએ ‘ધ રિસ્પોન્સિબલ જ્વેલર’ ના પોતાના મુખ્ય ફિલોસોફી હેઠળ ધોની સાથે આ લાંબા ગાળાના સહયોગની સત્તાવાર જાહેરાત કરી છે.

હાલમાં વિશ્વ સ્તરે ચોથા ક્રમની સૌથી મોટી જ્વેલરી રિટેલર તરીકે ઉભરેલી માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ આ ભાગીદારી દ્વારા ગ્રાહકોમાં વિશ્વાસ, નૈતિક વેપાર અને પારદર્શિતાને વધુ સુદ્રઢ બનાવવા માંગે છે. આજના સમયમાં જ્યારે ગ્રાહકો દાગીનાની ખરીદી વખતે વિશ્વાસ, પ્રમાણિકતા અને ગુણવત્તા પર વિશેષ ધ્યાન આપે છે, ત્યારે માલાબાર તેની સપ્લાય ચેઇનના દરેક તબક્કે જવાબદારીપૂર્વકના વેપાર માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે.

કંપની તેના વિશિષ્ટ માળખા ‘માલાબાર પ્રોમિસીસ’ દ્વારા ગ્રાહકોને અનેક સુવિધાઓ અને ગેરંટી પૂરી પાડે છે. જેમાં ૧૦૦% BIS હોલમાર્ક જ્વેલરી, દરેક કુદરતી હીરા માટે ૨૮ અલગ-અલગ ક્વોલિટી ચેક્સ, કોઈ પણ છુપા ચાર્જ વગરનું પારદર્શક પ્રાઇસિંગ, ગેરંટીડ બાયબેક પોલિસી, આજીવન મફત મેન્ટેનન્સ (લાઇફટાઇમ મેન્ટેનન્સ), ફ્રી ઇન્સ્યોરન્સ કવરેજ, ઉત્તમ એક્સચેન્જ પ્રોગ્રામ અને રિસ્પોન્સિબલ સોર્સિંગનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, ભારતીય ક્રિકેટ ઇતિહાસના સૌથી સફળ સુકાનીઓમાંના એક એવા એમ.એસ. ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તમામ ત્રણ ICC વ્હાઇટ-બોલ ટ્રોફી (ટી૨૦ વર્લ્ડ કપ, વનડે વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી) જીતનારા વિશ્વના એકમાત્ર કેપ્ટન છે. પોતાની અસાધારણ શિસ્ત, નમ્રતા અને પ્રામાણિકતા માટે જાણીતા ધોનીના ગુણો માલાબાર ગ્રૂપના ૧૯૯૩થી ચાલી આવતા ૩૩ વર્ષના વારસા અને મૂલ્યો સાથે સંપૂર્ણ રીતે સુસંગત છે.

આ ભાગીદારી અંગે ખુશી વ્યક્ત કરતા માલાબાર ગ્રૂપના ચેરમેન એમ.પી. અહમદે જણાવ્યું હતું કે, “આજના ગ્રાહકો બ્રાન્ડ પાસેથી માત્ર ઉત્કૃષ્ટ પ્રોડક્ટ્સ જ નહીં પરંતુ ખરીદીમાં પારદર્શિતા અને પૂર્ણ આત્મવિશ્વાસની અપેક્ષા રાખે છે. જ્વેલરી ઉદ્યોગની એ જવાબદારી છે કે તે ગ્રાહકોની આ અપેક્ષાઓ પર નૈતિક વેપાર અને ગુણવત્તા દ્વારા ખરા ઉતરે. એમ.એસ. ધોનીએ પોતાની શિસ્ત, પ્રામાણિકતા અને સુસંગતતા દ્વારા કરોડો લોકોનો વિશ્વાસ જીત્યો છે. અમે માલાબાર પરિવારમાં તેમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ.”

બ્રાન્ડ સાથે જોડાવા અંગે પોતાના વિચારો રજૂ કરતા એમ.એસ. ધોનીએ જણાવ્યું હતું કે, “મારી સમગ્ર ક્રિકેટ કારકિર્દી દરમિયાન મેં હંમેશાં માન્યું છે કે વિશ્વાસ એ શબ્દોથી નહીં પણ સતત યોગ્ય કાર્યો દ્વારા કમાવવામાં આવે છે. માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ સાથેનું મારું આ જોડાણ એટલે જ ખાસ છે, કારણ કે તેમની પારદર્શિતા અને જવાબદાર વેપાર પ્રત્યેની કટિબદ્ધતા મને ખૂબ સ્પર્શી ગઈ છે. મને આશા છે કે આ સહયોગ દ્વારા અમે વધુમાં વધુ લોકોને જાગ્રત અને આત્મવિશ્વાસપૂર્વક જ્વેલરી ખરીદીના નિર્ણયો લેવા માટે પ્રેરિત કરી શકીશું.”


Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant