આજ સુધી કહેવાયું છે કે હિરા સદાને માટે છે, હવે એવું કહીએ તો બિલકુલ ખોટુ નથી કે “હિરા સદાની સાથો સાથ બધાની માટે પણ ઉપલબ્ધ છે.” આવું હવે એટલે કહી શકાય કે કવૉલિટી એની એ જ હોવા છતાં કિંમતની દૃષ્ટિએ હિરા ખાસમાંથી આમ અને વિશેષથી સામાન્ય વર્ગની પહોંચ સુધી પહોંચ્યા છે.
માટે હિરા ખરીદીને વેચવા માટે નહીં હોંશથી જિંદગીભર પહેરવા માટે જ ખરીદનારનો એક સમજુ વર્ગ બહાર આવશે જેઓને હિરાની રિ-સેલ વેલ્યુની ક્યારેય ચિંતા નહીં હોય. છતા જેઓને હિરાનું સર્ટિફિકેટ કરાવવું હોય તેઓ કરાવી જ શકે છે ને? લેબગ્રોન હિરાની અનેક નામથી ઓળખ લેબગ્રોન હિરા એક કરતા વધારે નામથી ઓળખાતા હોવાથી ગ્રાહકને મુંઝવણમાં મુકાવવાનું તે પણ એક કારણ બને છે. લેબગ્રોન હિરાને લેબગ્રોન, સી.વી.ડી, આર્ટીફીશીયલ, સિન્થેટીક, કલ્ચર વગેરે જેવા વિવિધ નામથી પણ ઓળખવામાં આવે છે.
લેબગ્રોન હિરો કુદરતી હિરા જેવો જ હોવાથી તે ખોટો તો નથી જ તે ચર્ચા આગળ કરેલ હોય ફરીવાર ન કરતા લેબગ્રોન હિરો બનાવટી પણ નથી તે હવે ચર્ચા કરીએ. બનાવટીનો એક અર્થ નકલી પણ થાય છે. આર્ટીફિશીયલની કરાયેલ ઉપરોકત વ્યાખ્યામાં કરાયેલ બનાવટી શબ્દનો ઉપયોગ નકલીના સંદર્ભે હોવાની સંભાવના વધારે છે. નકલીના પ્રકાર બે હોય છે. નકલીના એક પ્રકાર મુજબ બાહ્ય સ્વરૂપે રંગ, રૂ૫ બધું જ અસલ જેવું પરંતુ જેનું આંતરિક તત્ત્વ જુદું હોય. ઉદાહરણ તરીકે પહેલા પ્રકારની નકલ એ છે કે દાગીનાની ડિઝાઈન અને દેખાવ અસલ સોના જેવો જ છે પરંતુ ધાતુ સોનાના સ્થાને નકલી છે. નકલનો બીજો પ્રકાર છે અન્ય કારીગરે બનાવેલા દાગીનાની ડિઝાઈન અને પ્રોસેસની કોઈ અન્ય કારીગરે નકલ કરીને એવા જ દાગીના બનાવ્યા હોય તો તેને ડિઝાઈન અને પ્રોસેસની નકલ કરી કહેવાય તત્ત્વ એવા સોનાની નહીં.
ઉપરોક્ત ઉદાહરણો દ્વારા એ સ્પષ્ટ સમજાશે કે બંને નકલ વચ્ચે કેટલો મોટો ભેદ છે. પહેલામાં ડિઝાઈનની નકલ કરવા સાથે ધાતુ પણ ખોટી છે. જ્યારે બીજામાં માત્ર ડિઝાઈન અને પ્રોસેસની નકલ કરી હોવા છતાં ધાતુ નકલી નથી. લેબગ્રોન હિરા બીજા પ્રકારની નકલ જેવા એટલે કહેવાય કે તેમાં કુદરત દ્વારા ધરતીના પેટાળમાં અનાયાસે થતી પ્રોસેસ જેવી જ પ્રોસેસ લેબગ્રોન હિરા બનાવવા માટે લેબોરેટરીમાં કરવામાં આવી હોવાથી લેબગ્રોન હિરા બનાવવામાં કુદરતી પ્રોસેસની નકલ કરી કહેવાય, તત્ત્વની નહીં. લેબગ્રોન હિરામાં તત્ત્વની નકલ એટલે નથી કે જે કાર્બન તત્ત્વથી કુદરતી હિરો બન્યો છે તે જ કાર્બન તત્ત્વથી લેબમાં લેબગ્રોન હિરો બન્યો છે.
ઉપરોકત વાસ્તવિક્તા ધ્યાને લેતા લેબગ્રોન હિરાને આર્ટીફીશીયલ ન કહેતા લેબગ્રોન હિરો કહેવો એ જ સત્ય છે. એક ગેરસમજ હજી એ પણ છે કે લેબગ્રોન હિરા સિન્થેટીક છે : સાચી જાણકારીના અભાવે આજે પણ એવો એક વર્ગ છે કે તેવો લેબગ્રોન હિરાને સિન્થેટીક કહી વગોવે છે. જે સરાસર સત્યથી વેગળું છે. લેબગ્રોન હિરા સિન્થેટીક નથી તે પુરવાર કરતા પહેલા ભારતના “નેશનલ ઓર્ગેનિક સ્ટાન્ડર્ડ બોર્ડ” (NOSB) ધ્વારા સિન્થેટીકની કરવામાં આવેલ વ્યાખ્યાને સમજી લઇએ.
“એ વસ્તુ કે જે રાસાયણિક પ્રક્રિયા દ્વારા અથવા કોઈ એવી પ્રક્રિયા દ્વારા તૈયાર અથવા નિર્માણ કરવામાં આવે કે જે પ્રાકૃતિકરૂપથી મળતા છોડ, પશુ અથવા ખનીજના સ્ત્રોતોથી કાઢવામાં આવેલ પદાર્થોને રાસાયણિક રૂપથી પરિવર્તીત કરે છે. સિવાય કે એવો શબ્દ પ્રાકૃતિક રૂપથી મળતા પદાર્થો પર લાગુ પડતો નથી” આ વ્યાખ્યા સિન્થેટીકની છે.
સિન્થેટીક શબ્દ સિન્થેસીસ પરથી આવ્યો છે. જેનો અર્થ છે “સંશ્લેષણ”. સંશ્લેષણ એ છે કે “જુદા જુદા વિચારો, ધારણાઓ, શૈલિયો વગેરેને સમન્વિત કરવાનું કાર્ય.” સિન્થેટીકની વ્યાખ્યા અનુસાર લેબગ્રોન હિરાને સિન્થેટીક એટલે ન કહી શકાય કેમ કે તેમાં કુદરતી હિરામાં આવતા મુળભુત રાસાયણિક ગુણધર્મમાં પરિવર્તન કર્યા વગર માત્ર કુદરતી પ્રોસેસમાં જ હસ્તક્ષેપ કરવામાં આવ્યો છે. આ વિષયને કોટન અને સિન્થેટીક કપડાના ઉદાહરણ દ્વારા વધારે સ્પષ્ટતાથી સમજવાનો પ્રયાસ કરીએ.
કોટનના કપડા પ્રાકૃતિક કપાસના રેસામાંથી અને સિન્થેટીક કપડા કોટનના ગુણધર્મથી તદ્દન અલગ એવા પેટ્રોલિયમ પદાર્થના રેસામાંથી બનાવવામાં આવે છે. વિષયને ફરીવાર સ્પષ્ટ કરીએ તો કોટન અને પેટ્રોલિયમ તાત્વીક રીતે એક નહી તદ્દન અલગ પદાર્થ છે. કોટન અને પેટ્રોલિયમ અલગ પદાર્થ અને અલગ રાસાયણિક ગુણધર્મ ધરાવતો પદાર્થ હોવાથી કોટનના કાપડને કોટનનું કાપડ અને પેટ્રોલિયમના કાપડને સિન્થેટીક કાપડ કહેવામાં આવે છે. લેબગ્રોન હિરાને સિન્થેટીક એટલે ન કહેવાય કારણ કે જે કાર્બન પદાર્થથી કુદરતી હિરા બન્યા છે એ જ કાર્બન પદાર્થથી લેબગ્રોન હિરા બન્યા હોવાથી લેબગ્રોન અને કુદરતી બંને હિરા પદાર્થ તત્ત્વની રીતે એક છે. લેબગ્રોન અને કુદરતી હિરાના મૂળભૂત એવા કાર્બન પદાર્થમાં કોટન અને પેટ્રોલિયમ જેવો તાત્વિક ભેદ ન હોવાથી લેબગ્રોન હિરાને સિન્થેટીક ન કહેતા માત્ર લેબગ્રોન હિરા કહેવા જ ઉચિત છે.
લેબગ્રોન હિરાની રી–સેલ વૅલ્યુ ઓછી છે. છાને ખુણે એક એવો અવાસ્તવિક અવાજ પણ સંભળાય છે કે લેબગ્રોન હિરાની રિ–સેલ વૅલ્યુ ઓછી છે. આ વાતમાં દમ એટલે નથી કે આંતરરાષ્ટ્રીય “જેમ” લેબોરેટરીઓ આઈ.જી.આઈ. અને જી.આઈ.એ. જે રીતે કવૉલિટી, કટ, કલર અને કેરેટ અનુસાર કુદરતી હિરાનું સર્ટિફિકેટ આપે છે તેવું જ સર્ટિફિકેટ આ જ લેબોરેટરીઓ લેબગ્રોન હિરાનું પણ આપે છે. હિરાને અને તેની બજાર કિંમતને પ્રમાણિત કરવાનું આનાથી મોટું અને આનાથી મહત્વનું અન્ય પ્રમાણપત્ર બીજું કયું હોય શકે?
આ બાબતમાં વાસ્તવિકતા અને માનસિકતા એ પણ ધ્યાને રાખવી જોઈએ કે કાંડા ઘડિયાળ, કપડા, મોજ શોખ કે શણગારની અન્ય ચીજવસ્તુઓ ખરીદતી વખતે જો તેની રિ-સેલ વૅલ્યુ આપણે ધ્યાને રાખતા ન હોઇએ તો કુદરતી હિરાની કિંમતના શરાફી વ્યાજની કિંમતમાં મળતા લેબગ્રોન હિરાની રી–સેલ વૅલ્યુ હિરાના સાચા શોખીન લોકોએ ધ્યાને શા માટે રાખવી જોઈએ ? પેરામીટરની દૃષ્ટિએ ગુણવત્તામાં લેબગ્રોન હિરા કુદરતી હિરા જેવા જ હોવા છતાં કિંમતમાં તે એટલા સસ્તાં છે કે અન્ય મોજશોખ અને શણગારની વસ્તુની જેમ લેબગ્રોન હિરાને વેચવાનો ક્યારેય કોઈને વિચાર આવવો જ ન જોઈએ. શું, ખરીદ કરેલ મોંઘા કપડા કે ઘડિયાળ વેચવાનો આપણે ક્યારેય વિચાર કરીએ છીએ ખરા ? તો પછી આટલા સસ્તાં લેબગ્રોન હિરા વેચવાનો કોઈએ વિચાર જ શા માટે કરવો જોઈએ? આમ પણ હિરા તો સદાને માટે જ છે ને?
આજ સુધી કહેવાયું છે કે હિરા સદાને માટે છે, હવે એવું કહીએ તો બિલકુલ ખોટુ નથી કે “હિરા સદાની સાથો સાથ બધાની માટે પણ ઉપલબ્ધ છે.” આવું હવે એટલે કહી શકાય કે કવૉલિટી એની એ જ હોવા છતાં કિંમતની દૃષ્ટિએ હિરા ખાસમાંથી આમ અને વિશેષથી સામાન્ય વર્ગની પહોંચ સુધી પહોંચ્યા છે. માટે હિરા ખરીદીને વેચવા માટે નહીં હોંશથી જિંદગીભર પહેરવા માટે જ ખરીદનારનો એક સમજુ વર્ગ બહાર આવશે જેઓને હિરાની રિ-સેલ વેલ્યુની ક્યારેય ચિંતા નહીં હોય. છતા જેઓને હિરાનું સર્ટિફિકેટ કરાવવું હોય તેઓ કરાવી જ શકે છે ને ? લેબગ્રોન હિરાની અનેક નામથી ઓળખ : લેબગ્રોન હિરા એક કરતા વધારે નામથી ઓળખાતા હોવાથી ગ્રાહકને મૂંઝવણમાં મુકાવવાનું તે પણ એક કારણ બને છે. લેબગ્રોન હિરાને લેબગ્રોન, સી.વી.ડી, આર્ટીફીશીયલ, સિન્થેટીક, કલ્ચર વગેરે જેવા વિવિધ નામથી પણ ઓળખવામાં આવે છે.
લેબગ્રોન હિરાની ઓળખના આર્ટીફીશીયલ અને સિન્થેટીક નામની ચર્ચા આગળ કરી હોવાથી ફરીવાર તે ન કરતા બાકી નામોની જ હવે ચર્ચા કરીએ. લેબગ્રોન હિરા ‘લેબગ્રોન” નામથી એટલે ઓળખાય છે કે તેને “લેબ” અર્થાત લેબોરેટરીમાં “ગ્રો” કરવામાં આવે છે. એટલે તેનું નામ “લેબગ્રોન” છે. સી.વી.ડી. હિરાનું નામ નથી હિરા “ગ્રો” કરવાની એક અન્ય ટેકનોલોજીનું નામ છે. તો આ છે લેબગ્રોન હિરાનું બીનજરૂરી નામ પુરાણ. જેનું કોઈ મહત્વ જ નથી, હિરો એ હિરો જ છે. કોઈ વિચારકે સાચું જ કહ્યું છે કે, “નામમાં તે વળી શું બળ્યું છે, ગુલાબને ગમે તે નામ આપો ગુલાબ તો ગુલાબ જ રહેવાનું છે.” એમ, લેબગ્રોન હિરાને ગમે તે નામ આપો હિરો તે હિરો જ રહેવાનો છે, હિરામાં કોઈ ફરક પડવાનો નથી.
વસ્તુનું નામ બદલવાથી વસ્તુના ગુણધર્મમાં ભલે ફરક ન પડે પરંતુ નામ બદલાવાથી વ્યક્તિના સાઈકોલોજીકલ માનસ પર જે અસર પડે તે અસરની જ હવે ચર્ચા કરીએ. લેબગ્રોન હિરા પ્રત્યે સમાજમાં જોવા મળતો સામાજિક પ્રતિષ્ઠાનો અભાવ : વ્યવસાયના ક્ષેત્રમાં જ્યારે કોઈ નવું જ ઉત્પાદન બજારમાં આવે ત્યારે શરૂઆતમાં આવા નવા ઉત્પાદિત પ્રોડક્ટને સામાન્ય બજારમાં સ્થાન બનાવવા માટે મોટો સંઘર્ષ કરવો પડે છે. નવા જ પ્રકારની ઉત્પાદિત વસ્તુને શરૂઆતમાં શંકાની નજરે જોયા પછી તેનો માનસિક અસ્વીકાર, પછી તિરસ્કાર, પછી સ્વીકાર અને છેલ્લે જ્યારે તે વસ્તુને સફળતા મળે ત્યારે સફળતાના ઘણી થવા માટે અનેક લોકો તૈયાર બેઠા હોય છે. લેબગ્રોન હિરામાં પણ એવું જ થયું અને હજી થવાનું છે. હિરાના વેપારીઓએ શરૂઆતમાં લેબગ્રોન હિરા પ્રત્યે આભડછેટ રાખ્યા પછી છુ૫ છુ૫ કે સ્વીકાર કર્યો અને હવે એજ વ્યાપારીઓએ લેબગ્રોન હિરાના વ્યવસાયમાં જાહેરમાં ઝંપલાવ્યું છે. હવે જાણીએ લેબગ્રોન હિરાની વિકાસ યાત્રાના સંઘર્ષને.
કુદરતી હિરા જેવા જ હિરા લેબમાં બનાવવા માટે વૈજ્ઞાનિકો છેલ્લા પંચોતેર વર્ષ પહેલાથી પ્રયત્નો કરે છે. શરૂઆતમાં ઈન્ડસ્ટ્રીયલ કવૉલિટીના હિરા બનાવવામાં મળેલ સફળતા પછી “જેમ” કવૉલિટીના હિરા બનાવવાના પ્રયત્નો ચાલુ કરાતા તેઓને તેમાં પણ સફળતા મળી. હિરા બજારમાં મળતા કુદરતી હિરાની કિંમત કરતા “જેમ” કક્વૉલિટીના લેબમાં બનાવેલા લેબગ્રોન હિરા શરૂઆતના તબક્કે ઘણા મોંઘા પડતા હોવાથી સામાન્ય બજારમાં વેચાણ માટે તે ટકી શક્યા નહીં. કુદરતી હિરાની બજાર કિંમતની સમકક્ષ કિંમત લાવવાના પ્રયત્નોમાં સફળતા મળતા જ લેબગ્રોન હિરા વેચાણ માટે બજારમાં આવવા લાગ્યા.
ટેકનિકલ અને ફિજીકલ અજ્ઞાનના કારણે શરૂઆતમાં લેબગ્રોન અને કુદરતી હિરા કોઈપણ જાતના ભેદ વગર એકમેકમાં ભળીને એક ભાવે જ વેચાયા હતા. કોઈ કોઈ જાણકાર વેપારીઓ એવા પણ હતા કે કુદરતી હિરા સાથે લેબગ્રોન હિરા ભેળવીને તેઓએ બદઈરાદાથી વેચાણ કર્યું હતું. લેબગ્રોન હિરા અંગે જેમ જેમ જાગૃતિ અને ટેકનોલોજી વધતી ગઈ તેમ તેમ લેબગ્રોન હિરાનું ઉત્પાદન, મેન્યુફેક્ચર અને તૈયાર હિરાના વેચાણ માટે અનેક લોકો જાહેરમાં બહાર આવ્યા. જે આજે એક મોટું બજાર બનીને ઉભર્યું છે. લેબગ્રોન હિરાની યાત્રાની આ વાત ખૂબ ટૂંકામાં કહેવામાં આવી છે. લેબગ્રોન હિરા બજારમાં વેચાણ માટે આવ્યા પછી પણ લોકોની સામાન્ય સ્વીકૃતિના અભાવે શરૂઆતના તબક્કે એવું કહેવાની હિંમત કોઈનામાં ન હતી કે હું લેબગ્રોન હિરા બનાવું કે વેચાણ કરું છું.
તેમાં એ જેઓ હિરાના મોટા સ્થાપિત વેપારીઓ હતા તેઓ તો આભડછેટની હદે લેબગ્રોન હિરાના ખરીદ વેચાણથી દૂર રહ્યા હતા. પરિણામે શરૂઆતના તબક્કામાં ટેકનિકલ મગજવાળા, દીર્ધ દૃષ્ટીવાળા અને સાહસિક હોય એવા લોકો જ લેબગ્રોન હિરાના વ્યવસાયમાં જોડાયા હતા. સમય જતા લેબગ્રોન હિરાના ઉત્પાદનના વ્યવસાયમાં પ્રવેશેલા સાહસિકો પૈકી અમુકને જાયન્ટ સફળતા મળતા કુદરતી હિરાના મોટા વ્યાપારીઓએ પણ પોતાની આભડછેટ દૂર કરીને લેબગ્રોન હિરાનાં ઉત્પાદન, મેન્યુફેક્ચર, પોલીસ કાર્ય, વેપાર અને જવેલરી ઉત્પાદનમાં ઝંપલાવ્યું. લેબગ્રોન હિરાનું ઉત્પાદન અને વ્યાપાર આજે એ સ્ટેઝે પહોંચ્યું છે કે કુદરતી હિરાના ઉદ્યોગ સાહાસિકોએ લેબગ્રોન હિરાના વ્યવસાયને સન્માનપૂર્વક સ્વીકારી લીધો છે.
કુદરતી હિરાના મોટાભાગના મોટા સહિત નાના વ્યાપારીઓ લેબગ્રોન હિરાના વ્યવસાય સાથે જોડાયા તે સારી વાત હોવા છતાં જયાં સુધી સમાજનો મધ્યમ વર્ગીય સમુહ લેબગ્રોન હિરાને સામાજિક પ્રતિષ્ઠા સાથે નહીં જોડે ત્યાં સુધી લેબગ્રોન હિરાના વ્યવસાયમાં ક્રાંતિ આવવી સંભવ નથી. જ્યારે સમાજની સામાજિક પ્રતિષ્ઠા સાથે લેબગ્રોન હિરાને જોડવાની વાત કરીએ ત્યારે એ સમજવું જરૂરી છે કે સામાજિક પ્રતિષ્ઠા સાથે જોડવું એટલે શું? ઉદાહરણ સાથે સમજીએ તો સોનું આજે સમાજ માટે કિંમતી ધાતુ માત્ર નથી, કિંમતી ધાતુ હોવાની સાથોસાથ વ્યક્તિ અને પરિવાર માટે સોનું એક સામાજિક પ્રતિષ્ઠા પણ છે. સમાજે સોનાને સામાજિક પ્રતિષ્ઠા સાથે જોડ્યું હોવાથી કોઈ પરિવાર પાસે આર્થિક સગવડ હોય કે ન હોય દેવું કરીને પણ પોતાના પરિવારમાં આવતા સામાજિક પ્રસંગોમાં તેઓને સોનુ તો ખરીદવું જ પડે છે. આવું બનવાનું કારણ સોનાની ભૌતિક કિંમત કે તેનું ટકાઉ પણ નથી તેની સામાજિક પ્રતિષ્ઠાના કારણે જ આવું બને છે.
(વધુ આવતા અંકે)
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube





















