DIAMOND CITY NEWS, SURAT
ભારત સરકારે દેશના હીરા ઉદ્યોગને વૈશ્વિક સ્તરે વધુ સ્પર્ધાત્મક બનાવવા માટે એક મહત્વપૂર્ણ બિલ સંસદમાં રજૂ કર્યું છે. આ પ્રસ્તાવિત કાયદા હેઠળ સ્પેશિયલ નોટિફાઇડ ઝોન્સ (SNZs) માં રફ ડાયમંડનું વેચાણ કરતી વિદેશી કંપનીઓને સળંગ ૧૫ વર્ષ માટે કરમુક્તિ (Tax Holiday) આપવાની જોગવાઈ કરવામાં આવી છે. આ પગલાનો મુખ્ય હેતુ રફ હીરાના અનાવશ્યક પરિવહનને ઘટાડવાનો અને ભારતમાં જ સીધું વેચાણ પ્રોત્સાહિત કરવાનો છે, જેથી ભારત વિશ્વનું અગ્રણી રફ ટ્રેડિંગ હબ બની શકે.
બિલની મુખ્ય વિગતો અને પાત્રતા
સરકાર દ્વારા લોકસભામાં રજૂ કરાયેલા આ બિલ અનુસાર, આ ટેક્સ મુક્તિનો લાભ માત્ર માઇનિંગ (ખાણ) કંપનીઓ સુધી સીમિત નહીં રહે પરંતુ વિદેશ સ્થિત તમામ રફ વેચનાર ઘટકોને મળશે :
- લાભાર્થીઓ : ખાણ કંપનીઓ (Miners), બ્રોકર્સ, એગ્રીગેટર્સ, ટેન્ડર અને ઓક્શન (હરાજી) ઓપરેટર્સ તેમજ સાઇટહોલ્ડર્સ (De Beers ના કોન્ટ્રાક્ટ કસ્ટમર્સ કે જેઓ રફનું પુનઃવેચાણ કરે છે).
- શરતો અને સ્થળ : આ ટેક્સ મુક્તિ મેળવવા માટે વેચાણ માત્ર નક્કી કરાયેલા SNZ માં થવું આવશ્યક છે, જેમ કે મુંબઈ સ્થિત ભારત ડાયમંડ બુર્સ (BDB) અને સુરત ડાયમંડ બુર્સ (SDB) માં આવેલા SNZ. આ ઉપરાંત, કંપનીઓએ માગ્યા મુજબની ચોક્કસ વિગતો રજૂ કરવાની રહેશે.
- સમયગાળો : જો સંસદ દ્વારા આ બિલ પસાર કરીને મંજૂર કરવામાં આવશે, તો આ નિયમ ૧ ઓક્ટોબર, ૨૦૨૬થી અમલમાં આવશે અને ૩૧ માર્ચ, ૨૦૪૧ સુધી લાગુ રહેશે.
ઉદ્યોગ પર અસર અને નિષ્ણાતોનો મત
હાલમાં ભારત વિશ્વનું સૌથી મોટું ડાયમંડ મેન્યુફેક્ચરિંગ હબ છે. પરંતુ, વિદેશી સપ્લાયર્સ પોતાના રફ હીરાનું પ્રદર્શન ભારતમાં કરતા હોવા છતાં ટેક્સના કારણે તેનું આખરી વેચાણ દુબઈ કે એન્ટવર્પ જેવા ટ્રેડિંગ સેન્ટર્સમાં કરતા હતા. આ બિલ બાદ રફ વેચાણમાંથી થતી આવકને કંપનીની કરપાત્ર આવકમાં ગણવામાં આવશે નહીં.
ફારોસ બીમ કન્સલ્ટિંગના ઈન્ડિયા-બેઝ્ડ ઈન્ડસ્ટ્રી એનાલિસ્ટ પ્રણય નરવેકરના જણાવ્યા મુજબ, આ નિર્ણયથી કામગીરી સરળ બનશે અને રફ હીરાની બિનજરૂરી હેરફેર ઘટશે.
જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સબ્યસાચી રે જણાવ્યું હતું કે, ભારતમાં સરચાર્જ સાથે કોર્પોરેટ ઇનકમ ટેક્સ પ્રોફિટ પર ૩૩% સુધી હોઈ શકે છે. GJEPC લાંબા સમયથી આ ફેરફારની માંગ કરી રહ્યું હતું જેથી નાના પાયાના ઉત્પાદકો પણ ખાણ કંપનીઓ, હરાજીકર્તાઓ અને વેપારીઓ પાસેથી સીધા જ રફ ખરીદી શકે. રોયે આ પગલાને આવકારતાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આનાથી ભારત રફ ડાયમંડ ટ્રેડિંગમાં પાવરહાઉસ તરીકે ઉભરી આવશે.
અગાઉના સેફ હાર્બર રૂલથી આગળનું કદમ
આ નવી છૂટછાટ અગાઉ બે વર્ષ પહેલાં ભારતે દાખલ કરેલા “સેફ હાર્બર” નિયમથી આગળ વધીને આપવામાં આવી છે. સેફ હાર્બર પ્રણાલી હેઠળ, SNZ માં અણછાંટેલા (Unsorted) રફ હીરા વેચતી વિદેશી ખાણ કંપનીઓ માટે ૪% નો ફિક્સ્ડ પ્રોફિટ માર્જિન નક્કી કરાયો હતો, જેના પર અંદાજે ૧.૨૫% નો ઇનકમ ટેક્સ લાગતો હતો.
વર્તમાન સુધારો ટેક્સનો બોજ સાવ શૂન્ય કરવા ઉપરાંત ખાણ કંપનીઓ સિવાયના અન્ય વિદેશી વિક્રેતાઓને પણ આવરી લે છે. આ પ્રસ્તાવ ભારતીય ટેક્સ સિસ્ટમને આધુનિક બનાવવા અને વૈશ્વિક પડકારોનો સામનો કરી રહેલા ઉદ્યોગોને ટેકો આપવાના વ્યાપક વિઝનનો એક ભાગ છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube




















