DIAMOND CITY NEWS, SURAT
જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અમેરિકા (GIA) ના સંશોધકોએ એક અત્યંત દુર્લભ અને અનોખા કુદરતી હીરાનું પૃથક્કરણ કર્યું છે, જેમાં ખાસ પ્રકારની ‘પેનિટ્રેશન ગ્રોથ ટ્વિનિંગ’ (બે ક્રિસ્ટલ એકબીજામાં ભેગા થઈને વિકાસ પામવાની પ્રક્રિયા) જોવા મળી છે. જીઆઈએ મ્યુઝિયમમાંથી લેવામાં આવેલો આ 0.37 કેરેટનો રફ હીરો આબેહૂબ ‘વિવિડ ઓરેન્જી-યલો’ (ઘેરો નારંગી-પીળો) રંગ ધરાવે છે. સંસ્થાના ત્રિમાસિક રિસર્ચ જર્નલ ‘જેમ્સ એન્ડ જેમોલોજી’ના સ્પ્રિંગ ઇશ્યૂમાં પ્રકાશિત અહેવાલ મુજબ, આ હીરામાં એક જ મિનરલના બે ક્રિસ્ટલ કુદરતી રીતે એકબીજાની આરપાર સપ્રમાણ રીતે વિકસિત થયા છે.
હીરાના બંધારણમાં બે પ્રકારના ગ્રોથ ટ્વિન્સ (જોડિયા ક્રિસ્ટલ) જોવા મળતા હોય છે: કોન્ટેક્ટ ટ્વિન્સ અને પેનિટ્રેશન ટ્વિન્સ. સામાન્ય રીતે ઓક્ટાહેડ્રલ (અષ્ટકોણીય) હીરાઓમાં કોન્ટેક્ટ ટ્વિનિંગ વધુ જોવા મળે છે. તેનાથી વિપરીત, ‘ઇન્ટરપેનિટેડ’ અથવા પેનિટ્રેશન ટ્વિનિંગ ખૂબ જ દુર્લભ છે અને તે ફાઇબ્રસ (રેસાવાળા) ગ્રોથ ધરાવતા ક્યુબોઇડ (ઘન આકારના) હીરાઓમાં જ રચાય છે.
આ હીરાની આંતરિક રાસાયણિક સંરચના સમજવા માટે GIA દ્વારા અદ્યતન સ્પેક્ટ્રોસ્કોપિક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. અલ્ટ્રાવાયોલેટ/વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી પરીક્ષણમાં જાંબલીથી વાદળી રંગના સ્પેક્ટ્રમમાં બ્રોડ એબ્સોર્પ્શન જોવા મળ્યું હતું, જે હીરામાં આઇસોલેટેડ નેચરલ નાઇટ્રોજન એટમ્સ (C-સેન્ટર્સ)ની હાજરી દર્શાવે છે. વધુમાં, ફોરિયર-ટ્રાન્સફોર્મ ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા A-સેન્ટર્સ (જોડીમાં રહેલા નાઇટ્રોજન પરમાણુઓ) અને C-સેન્ટર્સ બંનેની હાજરીની પુષ્ટિ થઈ હતી. આ આધારે GIA એ આ હીરાને અત્યંત દુર્લભ ‘ટાઇપ IaA+Ib’ કેટેગરીમાં વર્ગીકૃત કર્યો છે.
હીરા નિષ્ણાતો અને જેમ વૈજ્ઞાનિકોના મતે, કુદરતી રીતે હીરાનું નિર્માણ પૃથ્વીના પેટાળમાં ભારે દબાણ અને તાપમાન હેઠળ લાખો વર્ષોમાં થાય છે. ક્રિસ્ટલ ગ્રોથ દરમિયાન થતી આવી અણધારી કુદરતી ઘટનાઓ રત્નોની દુનિયામાં અત્યંત અદ્ભુત અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ નમૂનાઓ સર્જે છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube





















