Gen Z Dominates the Global Diamond Market - Surprising Findings from De Beers Report
(સૌજન્ય : ડી બીયર્સ)
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT

વૈશ્વિક હીરા ઉદ્યોગની અગ્રણી સંસ્થા ‘ડી બીયર્સ ગ્રુપ’ દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા ‘ધ ડાયમંડ ઇનસાઇટ રિપોર્ટ’ માં હીરા ખરીદીના વૈશ્વિક પ્રવાહો અને ગ્રાહકોની માનસિકતાને લઈને કેટલાક અત્યંત રસપ્રદ અને આશાસ્પદ ખુલાસાઓ કરવામાં આવ્યા છે. હીરાના વિશ્વના સૌથી મોટા ઉપભોક્તા બજાર ગણાતા અમેરિકા (US) માં ૧૮ થી ૭૪ વર્ષની વયજૂથની આશરે ૧૮,૫૦૦ મહિલાઓ પર કરવામાં આવેલા ગહન સર્વેક્ષણ ‘યુએસ ડાયમંડ એક્વિઝિશન સ્ટડી’ ના આંકડા દર્શાવે છે કે, બદલાતા સમય અને આધુનિક લાઈફસ્ટાઈલ છતાં આજની નારી અને યુવા પેઢીમાં કુદરતી હીરા પ્રત્યેનું આકર્ષણ, સન્માન અને ઈમોશનલ જોડાણ આજે પણ એટલું જ મજબૂત છે.

વર્ષ ૨૦૨૬માં પૂર્ણ થયેલા આ દ્વિવાર્ષિક અભ્યાસના મુખ્ય તારણો પર નજર કરીએ તો, લક્ઝરી જ્વેલરી પ્રોડક્ટ્સમાં આજે પણ ‘નેચરલ ડાયમંડ’ વૈશ્વિક સ્તરે ગ્રાહકોની પ્રથમ પસંદગી બનેલા છે. રિપોર્ટ અનુસાર, હીરાના ઘરેણાંની સરેરાશ ખરીદી કિંમતમાં ૨૫% જેટલો જંગી ઉછાળો આવ્યો છે. આ ટ્રેન્ડમાં સૌથી મોટો સિંહફાળો ‘જેન ઝી’ (Gen Z – નવી પેઢી) નો છે, જે હવે હીરા ખરીદનારી દુનિયાની બીજા નંબરની સૌથી મોટી જનરેશન બની ગઈ છે. આ ઉપરાંત, અમેરિકામાં હીરાની કુલ માંગમાંથી ત્રણ ચતુર્થાંશ (૭૫%) જેટલો હિસ્સો હવે ‘નોન-બ્રાઇડલ’ એટલે કે લગ્ન સિવાયના સામાન્ય કે ખાસ પ્રસંગો માટે ખરીદવામાં આવી રહ્યો છે.

વડીલો કરતાં યુવાનોનો ખર્ચ બમણો: ‘જેન ઝી‘ ની અનોખી લાઈફસ્ટાઈલ

આ રિપોર્ટનો સૌથી રોમાંચક આંકડો એ છે કે, નવી પેઢી એટલે કે જેન ઝી ના યુવાનો નેચરલ ડાયમંડ ખરીદવા માટે પોતાના વડીલોની પેઢી (બેબી બૂમર્સ) કરતાં લગભગ બમણી રકમ ખર્ચી રહ્યા છે. જ્યાં બેબી બૂમર્સ હીરાના એક દાગીના પાછળ સરેરાશ $૨,૨૫૦ (અંદાજે ૧.૮૭ લાખ રૂપિયા) ખર્ચે છે, તેની સામે જેન ઝી ગ્રાહકો સરેરાશ $૪,૦૮૦ (અંદાજે ૩.૪૦ લાખ રૂપિયા) પ્રતિ પીસ ખર્ચ કરી રહ્યા છે.

અમેરિકાની કુલ વસ્તીમાં જેન ઝી નો હિસ્સો માત્ર ૧૮% છે, પરંતુ કુદરતી હીરાના બજારના કુલ મૂલ્યમાં તેમનો હિસ્સો ૨૩% જેટલો ઊંચો છે. આ આંકડો સાબિત કરે છે કે આ પેઢી પોતાની વસ્તીના પ્રમાણ કરતાં ક્યાંય વધુ આર્થિક યોગદાન હીરા ઉદ્યોગમાં આપી રહી છે. જ્યાં અગાઉ હીરા માત્ર પ્રેમ કે સગાઈના પ્રતીક તરીકે ખરીદાતા હતા, ત્યાં હવે જેન ઝી ના યુવાનો નવી નોકરી મળવાની ખુશીમાં, પ્રમોશનની ઉજવણીમાં, કોઈ મોટી વ્યક્તિગત સિદ્ધિ મેળવવા પર અથવા તો માત્ર પોતાના આત્મસંતોષ અને સેલ્ફ-એક્સપ્રેશન (આત્મ-અભિવ્યક્તિ) માટે ‘જસ્ટ બીકોઝ’ ના વલણ સાથે હીરાની ખરીદી કરી રહ્યા છે. તેઓ વર્ષમાં સરેરાશ ૧.૮૩ પ્રસંગોએ હીરા ખરીદે છે અથવા ગિફ્ટમાં મેળવે છે, જે વૈશ્વિક સરેરાશ (૧.૭ પ્રસંગો) કરતાં વધુ છે. આ યુવાનો ખરીદી માટે સોશિયલ મીડિયા પર સૌથી વધુ નિર્ભર રહે છે.

લેબ-ગ્રોન ડાયમંડ સામે કુદરતી હીરાનું પલ્લું ભારે

છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહેલા લેબ-ગ્રોન (સિન્થેટિક) ડાયમંડ સામે અસલી કુદરતી હીરાએ પોતાની લોકપ્રિયતા અને મૂલ્ય જાળવી રાખ્યા છે. સર્વેક્ષણમાં સામેલ ૧૧% મહિલાઓએ નેચરલ ડાયમંડ જ્વેલરીને પોતાની સૌથી મનપસંદ લક્ઝરી ગિફ્ટ ગણાવી છે, જેની સરખામણીએ લેબ-ગ્રોન ડાયમંડને માત્ર ૮%, અન્ય રત્નો (Gemstones) ને ૫% અને સાદા સોનાના દાગીનાને માત્ર ૪% મહિલાઓએ પસંદ કર્યા છે.

વર્ષ ૨૦૨૫ના પોઈન્ટ ઓફ સેલ્સ (POS) ડેટા અનુસાર, સ્વતંત્ર જ્વેલર્સના કુલ ડાયમંડ વેચાણમાં મૂલ્યની દ્રષ્ટિએ નેચરલ ડાયમંડનો હિસ્સો ૮૫% રહ્યો છે, જ્યારે લેબ-ગ્રોનનો હિસ્સો માત્ર ૧૫% જ રહ્યો છે. લેબ-ગ્રોન હીરાના સતત ઘટી રહેલા રિટેલ ભાવોને કારણે તેનું બજાર મૂલ્ય નીચું રહ્યું છે. ઉપરાંત, ગ્રાહકોમાં એવો ટ્રેન્ડ જોવા મળ્યો છે કે જ્યારે લેબ-ગ્રોન હીરા ૩ કેરેટ કે તેથી મોટા કદના થાય છે, ત્યારે તેનું વેચાણ અચાનક ઘટી જાય છે, કારણ કે ગ્રાહકોને તે કદમાં ‘ખૂબ જ મોટા અને આર્ટિફિશિયલ’ દેખાતા હોવાનો અહેસાસ થાય છે. આનાથી રિટેલર્સ મોટા કદના હીરાનું અપસેલિંગ (વધુ વેચાણ) કરી શકતા નથી, જે લાંબાગાળાના નફા પર અસર કરી શકે છે.

હીરાના સરેરાશ કેરેટ વજન અને કિંમતમાં વૃદ્ધિ

ગ્રાહકોની બદલાતી ખરીદશક્તિને કારણે, કુદરતી હીરાના દાગીનાની સરેરાશ કિંમતમાં મોટો વધારો નોંધાયો છે. વર્ષ ૨૦૨૩માં હીરાના દાગીનાની સરેરાશ કિંમત $૩,૨૪૨ હતી, જે વર્ષ ૨૦૨૫માં વધીને $૪,૦૬૩ થઈ ગઈ છે. આ વૃદ્ધિ પાછળનું મુખ્ય કારણ ગ્રાહકો દ્વારા મોટા કેરેટના હીરાની પસંદગી છે. ગ્રાહકોના દાગીનામાં સરેરાશ કેરેટ વજન ૨૦૨૩ના ૧.૬૫ કેરેટથી વધીને હવે ૧.૮૬ કેરેટ થઈ ગયું છે.

આ ઉપરાંત, ડી બીયર્સના ‘ડેઝર્ટ ડાયમંડ્સ’ (Desert Diamonds) કેમ્પેઈનને કારણે કલર્ડ (રંગીન) અને લો-કલર (K થી Z કલર રેન્જ) ધરાવતા હીરાના વેચાણમાં અનુક્રમે ૧૫% અને ૧૯% નો જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. સ્વતંત્ર જ્વેલર્સના વેચાણમાં વર્ષ ૨૦૨૫ના ચોથા ક્વાર્ટરમાં ૪% અને ૨૦૨૬ના પ્રથમ ક્વાર્ટરમાં ૯% નો વાર્ષિક વૃદ્ધિ દર નોંધાયો છે.

નિષ્ણાતોનો આશાવાદી સૂર

ડી બીયર્સ ગ્રુપના ડાયમંડ ડિમાન્ડ ઇનસાઇટ્સ એન્ડ એનાલિટિક્સના અગ્રણી સંશોધક ડાયના મિતકોવે જણાવ્યું હતું કે: “આજના ગ્રાહકો અગાઉની પેઢીઓની જેમ જ કુદરતી હીરાની માલિકી મેળવવાની તીવ્ર ઈચ્છા ધરાવે છે. જોકે, ગ્રાહકોની ખરીદી પાછળના હેતુઓ બદલાયા છે. હીરા ઉદ્યોગે હવે માત્ર પરંપરાગત લગ્ન પ્રસંગો પર નિર્ભર રહેવાને બદલે, બદલાતા ટ્રેન્ડ અનુસાર તમામ સાઇઝ, કલર અને પ્રાઇસ પોઇન્ટ પર આકર્ષક અને પર્સનલાઈઝ્ડ ડિઝાઇન્સ ઓફર કરવી પડશે.”

ડી બીયર્સના ચીફ ઇકોનોમિસ્ટ એરિક વેર્નેસ (Eirik Wærness) ના જણાવ્યા અનુસાર, સપ્લાય સાઇડ પર વૈશ્વિક સ્તરે કુદરતી હીરાનું ઉત્પાદન ઘટી રહ્યું છે, જે આગામી વર્ષોમાં ડિમાન્ડ અને સપ્લાયનું સંતુલન જાળવવામાં મદદ કરશે. બીજી તરફ, અમેરિકી અર્થતંત્રની મજબૂતી અને ચીનમાં માંગ સ્થિર થવાને કારણે વૈશ્વિક સ્તરે કુદરતી હીરાની માંગ ફરી પાટા પર આવી ગઈ છે. રિટેલર્સ પણ હવે લેબ-ગ્રોન અને કુદરતી હીરા વચ્ચે સ્પષ્ટ તફાવત કરીને વેચાણ વ્યૂહરચના અપનાવી રહ્યા છે, જે કુદરતી હીરાના લાંબાગાળાના વિકાસ માટે ખૂબ જ પ્રોત્સાહક સંકેત છે.

આ નવો રિપોર્ટ સ્પષ્ટ કરે છે કે કુદરતી હીરા પૃથ્વીના પેટાળમાંથી નીકળતો એક અજોડ ચમત્કાર છે, અને તેનું સામાજિક-આર્થિક મૂલ્ય જે-તે દેશો અને પ્રદેશોના વિકાસમાં પણ મોટો ફાળો આપી રહ્યું છે.


Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant