GEM Awards 2026 Shine in New York - Jewellery Industry Stars Take the Spotlight
ચિત્ર : જ્વેલર્સ ઓફ અમેરિકા જેમ એવોર્ડ્સ ગાલા. (સૌજન્ય : જ્વેલર્સ ઓફ અમેરિકા)
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT

વૈશ્વિક જ્વેલરી અને વોચ ઉદ્યોગમાં ‘ઓસ્કાર’ સમાન ગણાતા ‘24મા વાર્ષિક GEM એવોર્ડ્સ 2026’નું ભવ્ય આયોજન ન્યૂયોર્ક શહેરના પ્રતિષ્ઠિત ‘સિપ્રિયાની 42 સ્ટ્રીટ’ (Cipriani 42nd Street) ખાતે કરવામાં આવ્યું હતું.

‘જ્વેલર્સ ઓફ અમેરિકા’ (JA) દ્વારા આયોજિત આ બ્લેક-ટાઈ ગાલા ઇવેન્ટમાં વિશ્વભરના પ્રખ્યાત ડિઝાઇનર્સ, રિટેલર્સ અને મીડિયા હસ્તીઓ ઉમટી પડી હતી.

માર્ક અને કેન્ડી ઉડેલનું સર્વોચ્ચ સન્માન

આ વર્ષનો સૌથી મોટો એવોર્ડ એટલે કે ‘લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ’ લંડન જ્વેલર્સના માર્ક અને કેન્ડી ઉડેલને (Mark and Candy Udell) એનાયત કરવામાં આવ્યો હતો. આ દંપતીએ 1926માં શરૂ થયેલા એક નાના સ્ટોરને આજે 18 વૈભવી બુટિક ધરાવતા મોટા સામ્રાજ્યમાં પરિવર્તિત કર્યું છે.

એવોર્ડ સ્વીકારતા કેન્ડી ઉડેલે ભાવુક થઈને જણાવ્યું હતું કે, “અમે ક્યારેય માન્યતા કે એવોર્ડ માટે આ કંપની નથી બનાવી, અમે લોકો અને સંબંધોના પાયા પર આ વ્યવસાય ઊભો કર્યો છે.” ઉલ્લેખનીય છે કે, 2025માં જ તેમણે ઇસ્ટ હેમ્પટનમાં વિશ્વનું પ્રથમ ‘રોલેક્સ બુટિક’ (Rolex Boutique) શરૂ કરીને ઇતિહાસ રચ્યો હતો.

આના ખુરી: હાઇ જ્વેલરીમાં નવો ઇતિહાસ

પ્રખ્યાત મોડેલ લિન્ડા ઇવાન્જેલિસ્ટાના હસ્તે આના ખુરીને (Ana Khouri) ‘હાઇ જ્વેલરી એક્સલન્સ’ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આના ખુરી એક શિલ્પકાર (Sculptor) પણ છે, જેની અસર તેમની જ્વેલરીમાં જોવા મળે છે.

તેઓ એવા પ્રથમ સ્વતંત્ર ડિઝાઇનર બન્યા છે જેમણે આ શ્રેણીમાં એવોર્ડ જીત્યો હોય, જે સામાન્ય રીતે મોટા જ્વેલરી હાઉસ જીતતા હોય છે. તેમણે તાજેતરમાં વિકસાવેલું ‘બ્રાઉન ગોલ્ડ’ (Brown Gold) અને તેમની ઇથિકલ જ્વેલરી ડિઝાઇન હાલમાં ચર્ચામાં છે.

જોની નેલ્સનને ‘ડેવિડ યુરમેન ગ્રાન્ટ’

કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ‘ડેવિડ યુરમેન GEM એવોર્ડ્સ ગ્રાન્ટ’ હતી. આ વર્ષે જોની નેલ્સનને (Johnny Nelson) આ ગ્રાન્ટ માટે પસંદ કરવામાં આવ્યા હતા, જેની હેઠળ તેને $50,000 (આશરે 41 લાખ રૂપિયા) ની રોકડ રકમ અને ઉદ્યોગના દિગ્ગજો દ્વારા મેન્ટરશિપ (માર્ગદર્શન) આપવામાં આવશે.

ડેવિડ યુરમેને કહ્યું હતું કે, “જોનીની ડિઝાઇન તેના વારસા અને કલાત્મકતાનું મિશ્રણ છે, જે આવનારી પેઢી માટે પ્રેરણારૂપ છે.”

અન્ય શ્રેણીઓના વિજેતાઓ

  • જ્વેલરી ડિઝાઇન : સિલ્વિયા ફુરમાનોવિચ (Sylvia Furmanovich) – જેમણે લાકડાની માર્ક્વેટ્રી અને કલાત્મક ચિત્રકામનો જ્વેલરીમાં ઉપયોગ કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા.
  • રિટેલ ઇનોવેશન : જેસિકા મેકકોર્મેક (Jessica McCormack) – જેમના વતી સીઈઓ લિયોની બ્રાન્ટબર્ગે એવોર્ડ સ્વીકાર્યો હતો.
  • મીડિયા એક્સલન્સ : થોમસ વોલર (Thomas Waller – WWD ના સિનિયર માર્કેટ એડિટર) – જેમણે જ્વેલરી ક્ષેત્રે પત્રકારત્વમાં આપેલા ફાળા બદલ આ સન્માન મેળવ્યું.

આ સમારોહના અધ્યક્ષ મેરિયન ફેસલ હતા. આ ઇવેન્ટ દ્વારા થનારી આવકનો ઉપયોગ જ્વેલરી ક્ષેત્રે ગ્રાહકોનો વિશ્વાસ વધારવા અને નવા કાર્યક્રમો ચલાવવા માટે કરવામાં આવશે. આ એવોર્ડ શોએ સાબિત કર્યું કે જ્વેલરી ઉદ્યોગમાં હવે કલા, સંસ્કૃતિ અને આધુનિકતાનો સંગમ થઈ રહ્યો છે.


Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant