DIAMOND CITY NEWS, SURAT
ફ્રાન્સના ઉત્તર-પૂર્વીય ભાગમાં આવેલા વિન્જેન-સુર-મોડર (Wingen-sur-Moder) ખાતેના સુપ્રસિદ્ધ મુસી લલીક (Musée Lalique) મ્યુઝિયમમાં રવિવારે વહેલી સવારે એક મોટી અને આયોજનબદ્ધ ચોરીની ઘટના સામે આવી છે. નકાબપોશ લૂંટારુઓની એક ટોળકી મ્યુઝિયમના દરવાજા તોડીને અંદર પ્રવેશી હતી અને અંદાજે ૪ મિલિયન યુરો (આશરે ૪.૬ મિલિયન અમેરિકન ડોલર અથવા ભારતીય ચલણમાં ₹૩૮ કરોડથી વધુ) ની કિંમતના અત્યંત દુર્લભ અને ઐતિહાસિક દાગીના ચોરીને પલકવારમાં ફરાર થઈ ગઈ હતી.
અલાર્મ વાગ્યો છતાં ગણતરીની મિનિટોમાં લૂંટ ચલાવી
સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અને ‘ફ્રાન્સ૨૪’ ના અહેવાલ અનુસાર, સશસ્ત્ર અને મોં છુપાવીને આવેલા ચોરોએ મ્યુઝિયમના મુખ્ય પ્રવેશદ્વારને તોડી પાડ્યું હતું. દરવાજો તૂટતાની સાથે જ મ્યુઝિયમની હાઈ-ટેક સિક્યોરિટી સિસ્ટમ અને અલાર્મ વાગી ઉઠ્યા હતા. જોકે, સુરક્ષા કર્મચારીઓ કે પોલીસ ઘટનાસ્થળે પહોંચે તે પૂર્વે જ તસ્કરોએ અત્યંત ચપળતાપૂર્વક પ્રદર્શનમાં મુકાયેલા આશરે ૨૦ જેટલા કિંમતી ઘરેણાં ગણતરીની મિનિટોમાં લૂંટી લીધા હતા અને વાહન દ્વારા નાસી છૂટ્યા હતા. મ્યુઝિયમના સ્ટાફ દ્વારા ચોરી થયેલા ચોક્કસ દાગીનાઓની ઓળખ કરી લેવામાં આવી છે.
આર્ટ નુવો અને આર્ટ ડેકો શૈલીના અમૂલ્ય ઘરેણાં નિશાન બન્યા
આ મ્યુઝિયમ વિશ્વના પ્રખ્યાત ગ્લાસમેકર અને જ્વેલરી ડિઝાઈનર રેને લલીક (Rene Lalique) ના નામ પરથી બનાવવામાં આવ્યું છે. અહીં ૧૯મી અને ૨૦મી સદીની શરૂઆતની અતિ પ્રખ્યાત આર્ટ નુવો (Art Nouveau) અને આર્ટ ડેકો (Art Deco) શૈલીની અદભુત જ્વેલરી અને કાચની કલાકૃતિઓ પ્રદર્શન માટે રાખવામાં આવે છે. ચોરી થયેલા દાગીના તેમની ધાતુની કિંમત કરતાં તેમના ઐતિહાસિક અને કલાત્મક મૂલ્યના કારણે વૈશ્વિક બજારમાં કરોડોની કિંમત ધરાવે છે. આ ઘટના બાદ, મ્યુઝિયમ પ્રશાસને તેમની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા માહિતી આપી છે કે સુરક્ષા વ્યવસ્થાની પુનઃ સમીક્ષા કરવા અને કડક બંદોબસ્ત ગોઠવવા માટે મ્યુઝિયમને આગામી થોડા દિવસો માટે પ્રવાસીઓ માટે અસ્થાયી રૂપે બંધ રાખવામાં આવશે.
લુવર મ્યુઝિયમની $૧૦૨ મિલિયનની લૂંટના એક જ વર્ષમાં બીજી મોટી ઘટના
ફ્રાન્સમાં સાંસ્કૃતિક ધરોહરોની સુરક્ષા સામે આ ઘટનાએ ફરી મોટા સવાલો ઉભા કર્યા છે. નોંધનીય છે કે, હજુ એક વર્ષ પણ નથી થયું જ્યારે પેરિસના વિશ્વપ્રસિદ્ધ લુવર મ્યુઝિયમ (Louvre Museum) માંથી ૧૦૨ મિલિયન ડોલર (અંદાજે ₹૮૫૦ કરોડથી વધુ) ની કિંમતના શાહી જ્વેલરીની ચોરી થઈ હતી. લુવર ચોરીના કેસમાં પોલીસે કેટલાક શંકાસ્પદોની ધરપકડ જરૂર કરી છે, પરંતુ ચોરાયેલા દાગીના હજુ સુધી રિકવર થઈ શક્યા નથી. હાલમાં ફ્રેન્ચ પોલીસ અને ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ લલીક મ્યુઝિયમના CCTV ફૂટેજ અને આસપાસના રૂટની તપાસ કરીને આંતરરાષ્ટ્રીય સ્મગલર ગેંગની કડીઓ મેળવવાના ચક્રો ગતિમાન કર્યા છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube





















