DIAMOND CITY NEWS, SURAT
વિશ્વની સૌથી મોટી માઈનિંગ કંપનીઓમાંની એક ‘એન્ગ્લો અમેરિકન’ (Anglo American) એ તેના હીરા એકમ ‘ડી બિયર્સ’ (De Beers) ના મૂલ્યમાં ફરી એકવાર મોટો ઘટાડો (Writedown) કર્યો છે.
શુક્રવારે જાહેર થયેલા વાર્ષિક નાણાકીય પરિણામો મુજબ, કંપનીએ ડી બિયર્સની સંપત્તિના મૂલ્યમાં ૨.૩ અબજ ડોલર (આશરે ₹૧૯,૦૦૦ કરોડથી વધુ) નો કાપ મૂક્યો છે. હીરા ઉદ્યોગમાં હાલ ચાલી રહેલી ગંભીર કટોકટી અને માંગમાં ઘટાડાને કારણે કંપનીને આ કઠોર નિર્ણય લેવાની ફરજ પડી છે.
હીરા ઉદ્યોગના ઇતિહાસની સૌથી મોટી કટોકટી?
માત્ર બે વર્ષમાં ડી બિયર્સના મૂલ્યમાં આ ત્રીજો ઘટાડો છે. બે વર્ષ પહેલાં જે કંપનીનું મૂલ્ય ૯ અબજ ડોલરની આસપાસ આંકવામાં આવતું હતું, તેની વેલ્યુ હવે ઘટીને માત્ર ૨.૩ અબજ ડોલર રહી ગઈ છે.
એન્ગ્લો અમેરિકનના સીઈઓ ડંકન વાનબ્લાડે પત્રકારો સાથેની વાતચીતમાં સ્વીકાર્યું હતું કે, “હીરા ઉદ્યોગ અત્યારે તેના ઇતિહાસના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે.”
ખાસ કરીને ચીનના બજારમાં નબળી માંગ અને લેબ-ગ્રોન ડાયમંડ (કૃત્રિમ હીરા) ના વધતા વર્ચસ્વે કુદરતી હીરાના વેચાણને મોટો ફટકો માર્યો છે.
નફો સ્થિર પણ ડિવિડન્ડમાં કાપ
જ્યારે હીરા અને કોલસાના બિઝનેસમાં કંપનીને નુકસાન વેઠવું પડ્યું છે, ત્યારે બીજી તરફ કોપર (તાંબુ) અને લોખંડ (Iron Ore) ના મજબૂત વેચાણને કારણે કંપનીનો એકંદર નફો ૨ ટકા વધીને ૬.૪ અબજ ડોલર નોંધાયો છે.
જોકે, હીરા ઉદ્યોગની અનિશ્ચિતતાને જોતા કંપનીએ શેરધારકોને આપવામાં આવતા ડિવિડન્ડમાં ૨૭ ટકાનો ધરખમ ઘટાડો કર્યો છે. કંપની હવે તેનું ધ્યાન હીરા અને કોલસાના વ્યવસાયમાંથી હટાવીને સંપૂર્ણપણે કોપર જેવા ભવિષ્યના ધાતુઓ પર કેન્દ્રિત કરી રહી છે.
ભારત પર કેવી અસર પડશે?
અહેવાલ મુજબ, અમેરિકાએ ભારતીય હીરાની નિકાસ પર લાદેલા ટેરિફ અને વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે હીરાના પોલિશિંગના મુખ્ય કેન્દ્ર એવા ભારત (ખાસ કરીને સુરત) પર પણ તેની માઠી અસર જોવા મળી રહી છે.
ડી બિયર્સના જણાવ્યા અનુસાર, નાના અને હલકી ગુણવત્તાના હીરાના ભાવમાં ભારે દબાણ છે, જેના કારણે ઉત્પાદન કાપવાની પણ નોબત આવી છે.
ડી બિયર્સ હવે વેચાવાને આરે
એન્ગ્લો અમેરિકન હવે ડી બિયર્સમાંથી પોતાનો ૮૫ ટકા હિસ્સો વેચવા માટે એડવાન્સ સ્ટેજ પર ચર્ચા કરી રહ્યું છે. બોત્સ્વાના સરકાર, જે કંપનીમાં ૧૫ ટકા હિસ્સો ધરાવે છે, તેની સાથે મંત્રણા ચાલી રહી છે.
સીઈઓ વાનબ્લાડે સંકેત આપ્યો છે કે આ વર્ષના અંત સુધીમાં ડી બિયર્સના વેચાણ માટેની પ્રક્રિયા પૂર્ણ થઈ શકે છે. કંપની હવે પોતાને ‘ટેક રિસોર્સિસ’ (Teck Resources) સાથે મર્જ કરીને વિશ્વની સૌથી મોટી કોપર માઈનર બનવા તરફ આગળ વધી રહી છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube





















