
DIAMOND CITY NEWS, SURAT
ભારતના રત્ન કલા અને ડાયમંડ ઉદ્યોગની અગ્રણી કંપની ‘શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટસ’ (SRK) એ તેની પરોપકારી સંસ્થા ‘શ્રી રામકૃષ્ણ નોલેજ ફાઉન્ડેશન’ (SRKKF) ના માધ્યમથી સમાજ સેવા ક્ષેત્રના અત્યંત પ્રતિષ્ઠિત એવા ‘સંતોકબા હ્યુમેનિટેરિયન એવોર્ડ’ ની ૨૦મી વર્ષગાંઠની ભવ્ય ઉજવણી કરી છે. આ એવોર્ડ એવા વિશિષ્ટ મહાનુભાવોને આપવામાં આવે છે જેમણે પોતાના નિઃસ્વાર્થ કાર્યો અને સમર્પણ દ્વારા સમાજ પર એક કાયમી અને સકારાત્મક પ્રભાવ છોડ્યો હોય.
આ વર્ષના વિજેતાઓ અને નવીન પહેલ
૨૦મા સંતોકબા હ્યુમેનિટેરિયન એવોર્ડ સમારોહમાં દેશના બે અસાધારણ સાહસિકોને સન્માનિત કરવામાં આવ્યા હતા :
- ડૉ. ગુલ્લાપલ્લી એન. રાવ : પ્રખ્યાત ‘એલ.વી. પ્રસાદ આઈ ઈન્સ્ટિટ્યૂટ’ ના સ્થાપક અને ચેરમેન, જેમને આરોગ્ય સંભાળ અને ખાસ કરીને આંખની સારવાર ક્ષેત્રે ક્રાંતિકારી યોગદાન આપવા બદલ સન્માનિત કરાયા હતા.
- રીમા નાણાવટી : વિશ્વ વિખ્યાત મહિલા સંગઠન ‘સેવા’ ના ડાયરેક્ટર, જેમને ગ્રામીણ મહિલા સશક્તિકરણ અને આજીવિકા સુરક્ષા માટેના તેમના ભગીરથ કાર્યો બદલ આ એવોર્ડ એનાયત કરાયો હતો.
આ વર્ષે ફાઉન્ડેશન દ્વારા એક નવીન અને પ્રશંસનીય કદમ ઉઠાવતા પ્રથમવાર ‘સંતોકબા સોશિયલ આંત્રપ્રિન્યોર એવોર્ડ’ ની શરૂઆત કરવામાં આવી હતી. આ ઉદ્ઘાટન એવોર્ડ અદભુત આત્મવિશ્વાસ ધરાવતા અંધ સાહસિક અને ‘બોલન્ટ ઈન્ડસ્ટ્રીઝ’ ના સ્થાપક શ્રીકાંત બોલ્લા ને પ્રદાન કરવામાં આવ્યો હતો.
રાજકીય અને સામાજિક મહાનુભાવોની ગૌરવપૂર્ણ હાજરી
આ ભવ્ય એવોર્ડ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ભારતીય સંસદના ઉચ્ચ ગૃહ રાજ્યસભાના માનનીય ડેપ્યુટી ચેરમેન શ્રી હરિવંશ નારાયણ સિંહ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, વિશિષ્ટ અતિથિ વિશેષ તરીકે ગુજરાતના માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સહિત દેશ અને રાજ્યના અગ્રણી ઉદ્યોગપતિઓ, સમાજસેવકો અને વિવિધ ક્ષેત્રના દિગ્ગજોએ હાજરી આપી કાર્યક્રમની ગરિમા વધારી હતી.
એવોર્ડની ઐતિહાસિક વિરાસત
આ એવોર્ડની સ્થાપન વર્ષ ૨૦૦૬ માં SRK ગ્રુપના સ્થાપક અને ચેરમેન એમિરિટસ ગોવિંદભાઈ ધોળકિયા દ્વારા તેમના માતૃશ્રી સંતોકબાની સ્મૃતિમાં કરવામાં આવી હતી. આ એવોર્ડનો ઉદ્દેશ્ય અસાધારણ માનવતાવાદી નેતૃત્વ અને નિઃસ્વાર્થ સેવાને બિરદાવવાનો છે. છેલ્લા બે દાયકાના ઈતિહાસમાં આ પ્રતિષ્ઠિત એવોર્ડથી દેશના અગ્રણી પરિવર્તનકારો જેવા કે રતન ટાટા, પરમ પાવન દલાઈ લામા, સુધા મૂર્તિ, અને નોબેલ પુરસ્કાર વિજેતા કૈલાશ સત્યાર્થી ને સન્માનિત કરવામાં આવી ચૂક્યા છે.
નેતૃત્વના પ્રેરણાદાયી વિચારો
આ પ્રસંગે પોતાના હૃદયના ઉદ્ગારો વ્યક્ત કરતાં પદ્મશ્રી ગોવિંદભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું કે, “આ વર્ષના એવોર્ડ વિજેતાઓએ સાબિત કરી બતાવ્યું છે કે કેવી રીતે હેતુપૂર્ણ અને નિશ્ચયી કાર્યો દ્વારા લાખો લોકોના જીવનને સ્પર્શી શકાય છે. તેમની દ્રષ્ટિ, સમર્પણ અને સેવાએ સમાજમાં કાયમી પ્રભાવ ઊભો કર્યો છે. તેઓ આપણને યાદ અપાવે છે કે સાચી સફળતા વ્યક્તિગત સિદ્ધિઓમાં નથી, પરંતુ આપણી આસપાસના અને સમાજના વંચિત લોકોને ઉપર ઉઠાવવામાં રહેલી છે.”
SRK ના ડાયરેક્ટર અને બ્રાન્ડ કસ્ટોડિયન શ્રેયંસ ધોળકિયાએ કાર્યક્રમની ફિલોસોફી સમજાવતા જણાવ્યું કે,
“મોટા ભાગના પરિવર્તનકારો પોતાની સફર એટલે શરૂ નથી કરતા કે તેમને કોઈ સન્માન કે એવોર્ડ જોઈએ છે, પરંતુ તેઓ એટલા માટે કામ કરે છે કારણ કે તેઓ સમાજની ચિંતા કરે છે. દરરોજ, અસંખ્ય લોકો કોઈપણ પ્રકારના હોબાળા વિના શાંતિથી વાસ્તવિક પડકારોને હલ કરવા અને લોકોના જીવન બદલવા માટે કામ કરી રહ્યા છે.
જોકે, એવોર્ડ્સ આવા સાહસિકોને પેદા નથી કરતા, પરંતુ તેઓ તેમની પ્રેરણાદાયી વાર્તાઓને દુનિયા સમક્ષ લાવવામાં અને અન્ય લોકોને કંઈક સારું કરવા માટે પ્રેરિત કરવામાં મદદ કરે છે. જે બાબતની ઉજવણી કરવામાં આવે છે, તેનું જ પુનરાવર્તન થાય છે (What gets celebrated gets replicated).
કરુણા, સેવા અને સામાજિક પ્રભાવને ઓળખીને, અમે આશા રાખીએ છીએ કે વધુ લોકોને, ખાસ કરીને આજની યુવા પેઢીને, સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાને પોતાના જીવનના એક સાર્થક હેતુ તરીકે જોવા માટે પ્રોત્સાહિત કરી શકીએ.”
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube



















