DIAMOND CITY NEWS, SURAT
વૈશ્વિક હીરા ઉદ્યોગના કેન્દ્ર સમાન ગણાતા યુનાઇટેડ કિંગડમ (UK) ના પ્રમુખ ડાયમંડ ટ્રેડિંગ સેન્ટર ‘લંડન ડાયમંડ બોર્સ’ (LDB) એ ૨૫ જૂન ૨૦૨૬ ના રોજ યોજાયેલી વાર્ષિક સામાન્ય સભા (AGM) માં એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. લંડન ડાયમંડ બોર્સના સભ્યોએ હીરા ઉદ્યોગના જાણીતા અને પ્રતિષ્ઠિત નિષ્ણાત શાર્લોટ રોઝ (Charlotte Rose) ને સંસ્થાના નવા પ્રમુખ તરીકે ચૂંટી કાઢ્યા છે.
આ સાથે જ શાર્લોટ રોઝ બોર્સના ૮૬ વર્ષના ઇતિહાસમાં સર્વોચ્ચ પદ સંભાળનારા પ્રથમ મહિલા પ્રમુખ બન્યા છે. એટલું જ નહીં, વૈશ્વિક સ્તરે પણ હીરા ઉદ્યોગના ઇતિહાસમાં કોઈપણ ડાયમંડ બોર્સના પ્રમુખ તરીકે કોઈ મહિલાની વરણી થઈ હોય તેવી આ સર્વપ્રથમ ઘટના માનવામાં આવી રહી છે.
હીરા ક્ષેત્રે ૧૫ વર્ષથી વધુનો બહોળો અનુભવ ધરાવતા શાર્લોટ રોઝ જેમોલોજી એન્ડ જ્વેલરી સ્ટડીઝમાં ફર્સ્ટ ક્લાસ ઓનર્સની ડિગ્રી ધરાવે છે અને તેઓ જેમોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અમેરિકા (GIA) દ્વારા પ્રમાણિત જ્વેલરી પ્રોફેશનલ છે. આ અગાઉ વર્ષ ૨૦૨૩ માં તેઓ આ જ બોર્સના પ્રથમ મહિલા વાઇસ પ્રેસિડેન્ટ પણ બન્યા હતા. લંડન ડાયમંડ બોર્સમાં જોડાતા પહેલાં તેઓ જાણીતી ફર્લોંગ ઓક્શન હાઉસના ફાઉન્ડર અને સોલોમન્સ એન્ડ રોઝ કંપનીના ડાયરેક્ટર તરીકે પણ સફળતાપૂર્વક કાર્ય કરી ચૂક્યા છે.
પોતાની ઐતિહાસિક પસંદગી બાદ કાઉન્સિલનો આભાર વ્યક્ત કરતા પ્રમુખ શાર્લોટ રોઝે જણાવ્યું હતું કે, “કાઉન્સિલ ઓફ મેનેજમેન્ટે મારા પર જે વિશ્વાસ મૂક્યો છે તેનાથી હું અત્યંત સન્માનિત અનુભવું છું. ૧૯૪૦ થી કાર્યરત લંડન ડાયમંડ બોર્સનું નેતૃત્વ કરનારી હું પ્રથમ મહિલા છું. હું ઈચ્છીશ કે ભવિષ્યમાં આ બાબત બિલકુલ સામાન્ય બની જાય અને એક દિવસ એવો જરૂર આવશે. પરંતુ હાલના તબક્કે, હું આ ઘટનાને એક સંકેત તરીકે જોઉં છું કે હીરા ઉદ્યોગ હવે મોટા પરિવર્તનો માટે સક્ષમ છે અને અમારા તમામ સભ્યો પણ આ બદલાવ માટે સંપૂર્ણ તૈયાર છે.”
નવી મેનેજમેન્ટ કાઉન્સિલની રચના અને પદાધિકારીઓ
વાર્ષિક સામાન્ય સભા (AGM) બાદ નવી ચૂંટાયેલી કાઉન્સિલ ઓફ મેનેજમેન્ટની બેઠક મળી હતી, જેમાં નવા પદાધિકારીઓની વરણી સત્તાવાર કરવામાં આવી હતી. શાર્લોટ રોઝ અગાઉના પ્રમુખ ડેવિડ ટ્રુસ્ટવિકનું સ્થાન લેશે, જેમણે અઢી વર્ષ સુધી બોર્સના પ્રમુખ તરીકે શાનદાર સેવાઓ આપી છે. ડેવિડ હવે બોર્સમાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે પોતાની સેવાઓ ચાલુ રાખશે. શાર્લોટે સોશિયલ મીડિયા પર ડેવિડનો આભાર માનતા જણાવ્યું કે તેઓને એક મજબૂત સ્થિતિમાં બોર્સનું સુકાન મળ્યું છે.
નવી મેનેજમેન્ટ કાઉન્સિલમાં ટ્રેઝરર (ખજાનચી) તરીકે વુલ્ફ રેબસ્ટેઈન (Wolf Rabstein) નવા જોડાયા છે, જ્યારે પોલ કોપેલમેન (Paul Koppelman) એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે પુનઃ ચૂંટાયા છે. આ ઉપરાંત કાઉન્સિલના અન્ય સભ્યોમાં લેવિસ માલ્કા, હોવર્ડ લેવિન, કેથી ચેપલ, અન્ના રોજર્સ અને શાદી જીન-ઝિયાબીનો સમાવેશ થાય છે.
લંડન ડાયમંડ બોર્સ (LDB) ની સ્થાપના બીજા વિશ્વયુદ્ધ દરમિયાન વર્ષ ૧૯૪૦ માં થઈ હતી અને તે હેબન ગાર્ડનના હાર્દ સમાન વિસ્તારમાં આવેલી છે. તે યુનાઇટેડ કિંગડમનું મુખ્ય ડાયમંડ ટ્રેડિંગ હબ છે અને વર્લ્ડ ફેડરેશન ઓફ ડાયમંડ બોર્સીસ (WFDB) નું સક્રિય સભ્ય છે. આ બોર્સ વિશ્વભરના હીરા વેપારીઓ, ઉત્પાદકો અને જેમોલોજિસ્ટ્સ માટે એક અત્યંત સુરક્ષિત, નિયંત્રિત અને વિશ્વસનીય પ્લેટફોર્મ પૂરું પાડે છે. લંડનના આ ઐતિહાસિક નિર્ણયની વૈશ્વિક હીરા બજાર અને સુરતના હીરા ઉદ્યોગના અગ્રણીઓએ પણ પ્રશંસા કરી છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube




















