બાપ મના નહીં કરતાં બેટી કી ઊંચી ઉડાન કો,
વો ડરતા હૈ કી આસમાન મેં બાજ બહુત હૈં…

તકલીફ ત્યાંથી શરૂ થાય છે જ્યારે આ બોયફ્રેન્ડ નામક સંપ્રદાય ફેન્સી અને ગ્લેમરસ ભાષાથી તેમજ છેલબટાઉ બોડી લેંગ્વેજથી કે કેટલીકવાર ભેટ સોગાદોથી વળી વધુમાં બાઈક વગેરેથી છોકરીઓને રીતસર આંજી દે છે.

Kalpana-Gandhi
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

(ગતાંક થી શરૂ)
(આ લેખના બે મુદ્દાઓ અંગે ગયા અંકમાં છાણાવટ કરવામાં આવી છે,
જો તે ન વંચાયા હોય તો કૃપા કરી પહેલા તે વાંચશોજી. – લેખક)

સમજવા માટે અહીં ત્રીજો મુદ્દો એ છે કે,

જ્યારે ટિનેજર્સમાં શારીરિક પરિવર્તનનો દૌર ચાલતો હોય ત્યારે જ મગજ જાત-જાતના રસાયણ બનાવતું હોય છે, તેના કારણે તેમના સંવેગોમાં તોફાની શોરબકોર જાગે છે. ભાવનાઓ, સંવેદનાઓ, સપનાઓ, અરમાનો, કલ્પનાઓ ઝંઝાવાતો ઊભા કરે છે. એમાંય દિકરીઓ આ સમયે મનના માણીગરના ‘દિવા સ્વપ્ન’ જોતી થાય છે, કે જે વળી, તદ્દન કુદરતી બાબત છે ! આ બહુ અજબ-ગજબ સ્થિતિ છે, એક સાથે એટલા બધા ભાવો અને વિચારો અંદર ધમાલ મચાવે છે કે તેઓમાં જરાય ક્યાંય કોઈપણ પ્રકારની સ્થિરતા રહેવા પામતી નથી. તેમને ઘડીકમાં કંઈક કરવું હોય છે, ઘડીકમાં કંઈક ગમતું હોય છે, ઘડીકમાં કંઈક જોઈતું હોય છે, ઘડીકમાં કંઈક ખાવું હોય છે, ઘડીકમાં ક્યાંક જાવું હોય છે, ઘડીકમાં કંઈક પહેરવું હોય છે. (જોજો તમે! કપડા કબાટમાં ક્યાંક સમાતા નથી હોતા ને ક્યાંય જવું હોય તો મનગમતા કપડા જડતા પણ નથી હોતા!)

ગુસ્સો, ચીડ, વ્યગ્રતા, બેચેની, ઉત્સાહ, નિરાશા, ઉમ્મીદ, ખુશી, નારાજગી, ઉમંગ, અણગમો, અસંતોષ, જોશ, ઝનૂન એમ જાતજાતના ભાવો તેમની અંદર શેરબઝારની જેમ ચઢ-ઉતર કરે છે તો ચકડોળની જેમ ગોળ-ગોળ ફરે છે તો ક્યારેક બધાયનું કોકટેલ બની જાય છે ને સરવાળે તેમનુ બિહેવિયર મા-બાપનો અડધો જીવ લઈ લે છે! દિકરીઓના કન્ફયુઝનનું લેવલ હાઈવોલ્ટેજ પર હોય છે. વળી, મુસીબત એ કે આપણા સમાજમાં કે ઘર-પરિવારમાં આ અને આવી બાબતોને ન તો કોઈ સમજે છે કે ન તો ગંભીરતાથી લે છે, એવામાં ટિનએજર દિકરી જાય તો જાય ક્યાં ? કોને કહે પોતાના મનની વાત કે કોણ સમજે તેમને ?..

એટલે તેઓ કોઈ સહેલી કે પછી બોયફ્રેન્ડનો સહારો શોધે છે. તકલીફ ત્યાંથી શરૂ થાય છે જ્યારે આ બોયફ્રેન્ડ નામક સંપ્રદાય ફેન્સી અને ગ્લેમરસ ભાષાથી તેમજ છેલબટાઉ બોડી લેંગ્વેજથી કે કેટલીકવાર ભેટ સોગાદોથી વળી વધુમાં બાઈક વગેરેથી છોકરીઓને રીતસર આંજી દે છે. પછી છોકરીઓને પોતાના જ મા-બાપ દુશ્મન લાગવા લાગે છે. માત્ર ને માત્ર આ એક જ વ્યક્તિ સમગ્ર સંસારનું કેન્દ્રબિંદુ હોય એમ માની જે-તે દિકરી જીવવા લાગે છે, રખે ને! કોઈ તેનો, તે છોકરાનો વિરોધ કરે અને જો છોકરી કેપેબલ હોય તો વિદ્રોહ પર ઉતરી આવે છે. એવામાં જો માતા-પિતા પણ પરિપક્વ સમજણ ન ધરાવતા હોય તો ડરાવવાનું, ધમકાવવાનું, ધોલ-ધપાટ કરવાનું શરૂ થઈ જાય છે અને ક્યારેક વાત ડોમેસ્ટીક વાયલન્સ સુધી પહોંચી જાય છે. ઘરેથી ભાગીને પરણી જતી કે ‘લવ-જેહાદ’ વગેરેનો શિકાર બનતી દિકરીઓ આવા જ સડકછાપ છોકરાઓ દ્વારા ‘પટાવાયેલી’ હોય છે. (અથવા તો અપરિપક્વ વડીલોની ગેરસમજણનો ભોગ બનેલી હોય છે, આ કડવી લાગે તેવી બાબત છે પણ છે હકીકત!)

વાત લગ્ન સુધી ન જાય તો પણ ક્યારેક એવું બને કે છોકરી પાર્ટનરના ઈમોશનલ પ્રેશરમાં ન કરવાનું કરી બેસે છે ને તેના માઠા પરિણામો આખા પરિવારે ભોગવાના આવે છે ! ભવિષ્યમાં બ્લેક-મેઈલીંગ આદિની સમસ્યા તો વળી ઊભી ને ઊભી જ…!

શું કરી શકીએ ?

મોડા કે વહેલા ગમે ત્યારે આપણે સમજવું તો પડશે જ કે ટીનેજર દિકરી શારીરિક જ નહીં ભાવનાત્મક, બૌદ્ધિક અને સામાજિક એમ અનેક સ્તરે જાત-જાતના પરિવર્તનમાંથી પસાર થઈ રહી હોય છે! તેની દૃષ્ટિ અને દૃષ્ટિકોણ બદલાઈ રહ્યો હોય છે. આપણે તેના બદલાતા પરિવેશ સાથે તાલ-મિલાવવો પડશે. તેમને સહ્રદયતાપૂર્વક સાંભળીશું તો તેઓ પણ પેટછૂટી વાત કરી શકશે, વગર ડર્યે! તેમને ગળુ ખંખારીને કહેવું પડશે કે “અમને ઈન્ફોરમેશન ન આપો પણ પરમિશન માંગીને જે-તે કામ કરો, તે જ અમને તમારા અભિભાવક તરીકે માન્ય છે. કારણ એટલું જ કે અમે તમને ગળા સુધી ખાતરી આપવા માંગીએ છીએ કે તમે જેને શરત, કાયદો કે નિયમ ગણો છો એ અમારો નિ:સ્વાર્થ પ્રેમ છે, જે સુરક્ષા અને બચાવ માટે છે નહિ કે તમને બાંધી રાખવા માટે…

ભાવનાત્મક સ્તર પર તમારી અંદર ઉઠતા તોફાનને અમે સમજી શકીએ છીએ કારણ કે એ ‘સંક્રમણ કાળ’ માંથી અમે પણ પસાર થઈ ચૂક્યા છીએ માટે તમને જે કંઈ અનુભૂતિ થતી હોય તેને માટે તમારે અપરાધભાવ અનુભવવાની પણ જરૂર નથી અને છકી જવાની પણ જરૂર નથી. શક્ય તેટલા શાંત ભાવે તેનું મનોવિશ્લેષણ કરો અને જ્યાં વાત વધારે ગંભીર અને સંવેદનશીલ હોય ત્યાં અમારી પાસે પણ એમ કરાવો જેથી તમે અને અમે એમ બધા હળવા રહી શકીએ.”

ચોથો અત્યંત મહત્વપૂર્ણ મુદ્દો એ છે કે

શક્ય છે કે તેમને વિજાતીય આકર્ષણ થતુ હોય તો સમજવાનું છે કે તે નેચરલ છે. આ મુદ્દા વિશે છાનેછપને લગભગ બધાને ખબર હોય છે. પરંતુ આ કપરી સ્થિતિમાં શું કરવું તેનો ખ્યાલ ભાગ્યે જ કોઈને હોય છે. એટલે ઘર-ઘરમાં વંચાવી જોઈએ રામાયણ, પણ થઈ જાય છે મહાભારત!

શું કરવું જોઈએ

(એ વિશે અગાઉના મુદ્દામાં થોડીક વાતો કરવામાં આવી છે, હવે આગળ જોઈએ.)

વિજાતીય આકર્ષણ તદ્દન સાહજિક છે છતાં તેનો અર્થ એવો નથી કે કોઈ વ્યક્તિ સાથે સંબંધમાં જોડાવું જ જોઈએ. વિજાતીય આકર્ષણ પણ એક ચેલેંજ છે, ધારીએ તો તેને ચેનેલાઈઝ કરી શકાય છે. એ કેવી રીતે સંભવ બને? તે ટીનએજ દિકરીએ સમજવું પડશે.

  • મનગમતા શોખ વિકસિત કરીને તે શોખ ભવિષ્યમાં તમને શું વળતર આપશે અને તે શોખ માટે તમારે શેનો-શેનો ને ક્યારે, કેવો, કેટલો ભોગ આપવાનો રહેશે તેનો જરા લોજીકલી વિચાર કરીને પછી જ હોબી સિલેક્ટ કરવી જોઈએ. તે માટે SWOT એનાલીસીસ પણ અસરકારક પુરવાર થાય. (SWOT- એ શું છે – તે સમજવા ગૂગલ કરો.)
  • એવા કાર્યક્રમો, ટીવી-સેલફોન-કમ્યુટર વગેરે પર જુઓ જે તમને તમારી લાઈફ-સેટ કરવામાં હેલ્પફૂલ બને. તેમ કરવામાં યોગ્ય વ્યક્તિની મદદ મેળવો. એવા પુસ્તકો વાંચો. જેનાથી તમને લાઈફ-ટાઈમનું મોટીવેશન મળે. પ્રેરણાદાયી અને સકારાત્મક વ્યક્તિની કંપનીમાં રહો. ‘ગપશપ’ ને બદલે ‘હેલ્ધી ટોક’ કરો. ‘સેલ્ફ મોટીવેશન’ની ટેકનીક જાણો અને શીખતા રહો, આજીવન.
  • એવી મુવીઝ, ડ્રામાઝ, ડોક્યુમેન્ટ્રી વગેરે જુઓ જેનાથી તમે ‘ગમ્મત સાથે જ્ઞાન’ પામો આ ઉંમરમાં જ્યારે વાત કોઈ વ્યક્તિને ખાસ કરીને ‘છોકરા’ ને પસંદ કરવાની કે પ્રેમ કરવાની આવે છે, ત્યારે સમજાવો કે એવું નથી કે દિકરીની જાત છે એટલે સાંકળ બાંધીને રાખવાની છે પણ તેને એ સમજાવવાની છે કે નાના-મોટા કોઈપણ ક્રિયા-કલાપ હોય કે ઘટના કે સંબંધ…દરેકનો એક સમય હોય છે. સમય પાક્યા વગર ન તો તે શોભનીય લાગે કે ન તો ઈચ્છનીય ગણાય.
  • સમજવાની વાત એ પણ છે કે નાનપણથી જે છોકરીઓ-છોકરાઓ સાથે ઉછરી હોય, ભણી-ગણી હોય તેમના સાથે હળી-ભળી હોય તે કોઈ એકાદ છોકરાથી એમ જલદીથી પ્રભાવિત થતી નથી. પણ જે છોકરીઓ વધારે પડતા બંધિયારપણામાં રહી હોય તે છોકરીને યદા-કદા છૂટ મળતી હોય ત્યારે સાવ ‘ફાલતૂ’ ટાઈપના છોકરાથી પણ તે ઈમ્પ્રેસ થઈ જતી હોય એમ બને ને ભવિષ્યમાં તે સંબંધ ઘાતક સાબિત થઈ શકે, એ વિચારવા યોગ્ય બાબત છે. વળી ઈન્ટરકાસ્ટ કે ઈન્ટરરિલીજીયસ મેરેજીસમાં જે કોઈ એડજેસ્ટમેન્ટ કહો કે સેક્રીફાઈઝ એ છોકરીઓને ભાગે જ આવતા હોય છે. એ ઊંડાણપૂર્વક વિચાર માંગે તેવો મુદ્દો છે.

આ બધુ વિચારવામાં કે કહેવામાં જેટલું સરળ લાગે, જીવવામાં ખરેખર તેટલું સરળ હોતું નથી. યુદ્ધની વાતો કરવી ને યુદ્ધમાં ઉતરવા જેવો જ ફરક અહીં પણ હોય છે, એ દરેક દિકરીએ સમજી રાખવું પડશે.

પાંચમો મુદ્દો છે એ છે,

ભાવનાત્મક સમજણ વિશેનું શિક્ષણ આપણે આગળ સમજી ગયા કે ‘ટ્રાંજેક્શન પીરિયડ’ જીવનનો એક કઠીન સમય છે, તે ‘સ્વર્ણિમ કાળ’ પણ છે પરંતુ જોખમી ! તે ‘વસંત ઋતુ’ પણ છે, પરંતુ કાંટાળી! આ સમયે ‘વીર-પૂજા’ અને ‘દેશ ભક્તિ’ પણ વધે જ પરંતુ ભાવનાઓ એટલી કન્ફ્યુઝ્ડ હોય કે કોણ ક્યારે શું કરી બેસે, તે વિશે ભવિષ્યવાણી થઈ શકે નહી !
એમ જોવા જઈએ તો દસે દિશાઓથી ભાવનાત્મક દબાણનો આ સમય-ખંડ છે, તેમાંય જે રાસાયણિક પરિવર્તનો છે તે યોગ્ય રીતે સમાયોજન સાધવા દેતા નથી. એવું પણ બને જ છે. આ એ જ ‘ટાઈમ-ઝોન’ છે કે એકાદ બે સાચા કે ખોટા પગલાં સમગ્ર જીવનની દિશા નક્કી કરી નાખતા હોય છે એટલે ‘દિશા ચુનાવ’ નો પણ આ જ મુખ્ય તબક્કો હોય છે. ચોમેરથી ઘેરાયેલ, મૂંઝાયેલ, ગભરાયેલ મનોદશામાં ટીનેજર્સનો કોઈ નિર્ણય સાચો જ સાબિત થાય એવું તો કઈ રીતે શક્ય બને ?! (તેટલા માટે જ યોગ્ય માર્ગદર્શન અત્યંત જરૂરી બને છે.)
તે સાથે જ ટિનેજર્સમાં અહીંથી શરૂઆત થાય છે, સ્થાયી મૈત્રી શોધવાની કે ઝંખવાની વૃત્તિની, આત્મ-સન્માન મેળવવાની, નેતૃત્વ જેવા ગુણો ખીલવવાની, વિશિષ્ટતાની ખોજ, સમાજ પ્રત્યેના ઋણ સ્વીકારવાની. પણ ‘ચેન્જ’ એટલા સટાસટ આવતા હોય છે કે જિંદગી અટપટી ને અઘરી લાગવા લાગે છે, આ ગોલ્ડન એજમાં ! એમાંય વળી મન ઘર્ષણ અનુભવે છે કેટકેટલા દ્વન્દ્વો વચ્ચે જેમ કે આદર્શવાદી વિચાર શ્રેષ્ઠ કે યર્થાથવાદી ? સેવા ઉત્તમ કે ધન દોલત ? વ્યક્તિમાં રૂપ જોવા કે ગુણ? વળી ‘જનરેશન ગેપ’ની ઉથલ-પાથલ તો જુદી જ..
આ સમય ખંડમાં જ વ્યક્તિ કેફી કે નશીલા દૃવ્યો તરફ પણ વળી શકે, જો નિરાશ, હતાશ કે ડિપ્રેશનનો ભોગ બને તો આમ થવાનું વધારે સ્વાભાવિક બની શકે. વળી, દિકરીઓને સમજવાનું એ છે કે પુરુષો કરતા પણ સ્ત્રીઓ નશીલા પદાર્થો ગ્રહણ કરે ત્યારે તે વધારે ખતરનાક સાબિત થાય છે.

શું કરવું જોઈએ

  • સૌથી શ્રેષ્ઠ ઉપાય એ છે કે ઘરનું વાતાવરણ જ્વલનશીલ નહીં પરંતુ સંવેદનપૂર્ણ હોય જેથી દિકરીઓ પરિવારમાં બધા જ સાથે હળેભળે અને મનની વાત મુક્તપણે કરે.
  • ટીનેજર્સના ‘મૂડ સ્વીંગ’ને સ્વીકારી સમજી, તેમની સાથે પ્રેમપૂર્વક વ્યવહાર કરવામાં આવવા જોઈએ, નહીં કે બળજબરીપૂર્વક તેમ છતાં જ્યાં જરૂર હોય ત્યાં ‘ડંખવું નહીં પણ ફૂંફાડો તો રાખવો જ ’ વાળી નીતિનો પણ ઈખ્તિયાર કરવો જોઈએ.
  • ઘર-પરિવાર, સમાજ, દેશ-દુનિયામાં બનતી (જરૂરી લાગતી) ઘટનાઓનું સાથે બેસીને વિશ્લેષણ કરો. જેથી તેમને એ સમજાય કે માત્ર શારીરિક તાકાત નહીં પણ ભાવનાત્મક શક્તિ પણ જીવવા-જીતવા માટે અત્યંત જરૂરી પરીબળ છે. આવું વિશ્લેષણ બીજી ઘણી દુર્ઘટનાઓ પણ ટાળી શકે છે.
  • જો છોકરીઓ વાતે-વાતે રડી પડતી હોય, હર્ટ થઈ જતી હોય, નાની-નાની વાતમાં દુ:ખી થઈ જતી હોય તો સમજાવો કે કાચ બનીને રહશો તો નંદવાશો જ, ભીતરથી જાતને ચટ્ટાન સમી બનાવો કે ગમે તેવા ટકરાવમાં ટૂટો નહીં! પારિવારિક સભ્યો સિવાય દુનિયામાં ક્યાંય નિ:સ્વાર્થ પ્રેમ કરનાર લગભગ હોતા નથી, માટે જાતને મજબૂત બનાવવી જ પડશે. (ઈ.કયુ. વિશે સમજાવો)
  • નશીલા દૃવ્યો બાબતે જાગૃત કરો ને જણાવો કે તે ભાવનાત્મક પતન સરખી બાબત છે. વ્યક્તિનો જાતમાં ભરોસો હોવો જોઈએ કે તે ઉપર ઊઠી શકે નહીં કે ખીણમાં ધકેલાઈ જાય. અને આપણી જાતને બેહોશ કરતી વસ્તુઓ આપણને ખાડામાં જ નાખે, પાંખ ન આપે.
  • પોતાની લાગણીઓ કે ખાનગી વાતો ખોટી જગ્યાએ શેયર નહીં કરવાની તેઓને તાલીમ આપો. સાવધ કરો. માણસની આંખ પારખવી, ખાસ કરીને વિજાતીય વ્યક્તિની, તે વિશેષ પણે શીખવા જેવું છે.
  • કોઈપણ પ્રકારના ભેદભાવ વગર દરેકનું માન-સન્માન કરતા શીખવો ને પોતાની જાતની ગરિમા કેવી રીતે જાળવવી તે વિશે જણાવો. વાણી, વર્તન, વ્યવહારનું શિક્ષણ આપો. કમ્યુનિકેશનની કળા શીખવો. એ રાતોરાત સંભવ નહીં બને પણ ટીપે ટીપે સરોવર ભરાશે જરૂર.
  • સકારાત્મક ગુણો જેવા કે ઘરના નાના-નાના કામકાજ, પોતાનું કામ જાતે કરવાની ટેવ, વાતચીતમાં મધુરતા, સ્વજનો પ્રત્યે આત્મીયતા, અતિથી-સત્કાર, જતું કરવાની ભાવના, નિંદા-કુથલીથી બચવું, ધીરજ, સહનશીલતા, નૈતિક મૂલ્યો, એડજેસ્ટમેન્ટ અને સાચુ બોલવું વગેરે જેવા ગુણોને ઉદાહરણ આપી શીખવો.
  • નાની-નાની ચીજોમાંથી ખુશી કેવી રીતે મેળવવી અને આપવી, તે શીખવો.
  • વગર પૈસે આનંદ પ્રાપ્ત કરતા શીખવો.
  • એવી કોઈ કલા શીખવો, જેનાથી તે ટેન્શનમાં પણ રીલેક્સ થઈ શકે.
  • ખાસ તો શીખવો કે પોતાના ઈમોશનનું ઈન્વેસ્ટમેન્ટ કોઈ એક વ્યક્તિમાં ક્યારેય ન કરવું. એમ બને કે જો તે વ્યક્તિ છળ કરે, સ્થળાંતર કરે કે ‘ન કરે નારાયણ’ તે મૃત્યુ પામે તો ટીનેજર્સ પડી ભાંગે છે, માટે ઘરમાં સૌ સાથે, અને સગા-સ્વજનો સાથે મધુર અને સૌહાર્દપૂર્ણ વ્યવહાર રાખવો.
  • ભાવનાત્મક આત્મનિર્ભરતા એક ગંભીર, પેચીદો અને વિશાળ મુદ્દો છે પણ અત્યારે આટલું પર્યાપ્ત…

છઠ્ઠો મુદ્દો વળી સંવેદનશીલ છે,

તે છે સોશ્યલ મીડિયા વિશે આ ટેક્નોલોજી બેધારી તલવાર છે. ‘પોષતું તે મારતું એ ક્રમ દીસે છે કુદરતી.’ તે સોશ્યલ મીડિયાને સો ટકા લાગૂ પડે છે. આ મુદ્દાની ખરી કઠણાઈ કહો કે વિપદા હવે સૌને સમજવા લાગી છે પણ પ્રશ્ન એ છે કે આ વિપદાને સંપદામાં બદલવી શી રીતે ?

શું કરવું જોઈએ

  • જો ટીનેજર્સ છોકરીઓને ‘સેલ્ફી’ નો અત્યાધિક ‘ક્રેઝ’ હોય તો તેમને સમજાવો કે આ ‘જીવલેણ’, ફરી વાંચો ‘જીવલેણ’ સાબિત થઈ શકે છે ! (જાતે જ વિચારો, કે કેમ ?)
  • એમાંય વારંવાર સેલફોન કે સોશ્યલ નેટવર્કીંગ સાઈટ પર ફોટા, સેલ્ફી, કે ફેમીલીના નીતનવા ફોટો અપલોડ કરવાની જો તેમને ચાનક રહેતી હોય તો મા-બાપે અત્યંત સચેત ને જાગૃત થઈ, સમજાવટ સાથે કામ લેવું જોઈએ.
  • જોકે ટીનેજર્સના હાથમાં પર્સનલ સેલફોન જ બિમારી જેવો છે, તે પણ સમજવું પડશે ને સમજાવું પડશે. (ઘરમાં એક સેલફોન હોય જે દરેક ટીનેજર્સ, દાદા-દાદી અથવા અન્ય લોકો પણ વાપરે, તેવી જોગવાઈ કરવી જોઈએ.)
  • આ બાબતે બનતા અઘટિત બનાવો વિશે હળવા વાતાવરણ સાથે ઘરમાં વાત કરી શકાય. જે છાશવારે અખબારોમાં છપાય છે ને ટી.વી.માં ચર્ચાય છે.

અત્રે સાતમો મુદ્દો છે, આર્થિક શિક્ષણનો.

કેટલીક છોકરીઓ સજાગ હોય છે, કેરીયર બાબતે, આર્થિક પક્ષ બાબતે એ સારું છે પણ દરેક ઘરમાં આ સ્થિતિ નથી હોતી, કે કેટલાક ઘરોમાં આ બાબતને ‘ખરાબ’ કે ‘તુચ્છ’ બાબત પણ ગણવામાં આવે છે. તો વળી, કેટલીક છોકરીઓને પૈસા કે કેરિયર વિશે વિચાર જ નથી આવતો અથવા તે વિશે સમજ જ વિકસિત થઈ નથી હોતી. અથવા તે સમજને વિકસિત થવા દેવામાં આવતી નથી.

શું કરવું જોઈએ

  • હવે સમય જ એવો છે કે દરેક દિકરીને આર્થિક-શિક્ષણ આપવું ફરજિયાત બની ગયું છે.
  • ઘરની આર્થિક સ્થિતિનો ચિતાર આપવો પણ જરૂરી છે.
  • તેમના ખર્ચાઓ કે પોકેટમની વિશે પણ તેમની સાથે ચર્ચા કરતા રહેવી જોઈએ.
  • સરખામણી, સ્પર્ધા કે ‘શો ઓફ’માં મા-બાપે ઘસાવું ન પડે તે સમજાવવું તેમના માટે ફાયદાકારક નીવડશે.
  • બેકીંગ, ફાયનેન્શયલ કાર્ડસ, લે-વેચ જેવી ચીજો શીખવવી જરૂરી છે.

આઠમો મુદ્દો છે, દિકરીને સ્ત્રી-ત્વનું શિક્ષણ આપવા વિશે.

જો છોકરી બધુ જ શીખી લે, સમજી લે પણ એ જ ન જાણી શકે કે સ્ત્રી હોવું એટલે શું ? તો સો ટકા માર્કસ સાથે પણ તે નાપાસ જ ગણાય. કારણ કે છેવટે તો તે સ્ત્રી છે, અને ટિનએજ એ સ્ત્રી થવાની દિશામાં અગત્યનો મુકામ છે.

શું કરવું જોઈએ

સમજીએ, અંતે તો સ્ત્રી પર જ સંસ્કૃતિ, સભ્યતા અને સમાજ ટકેલા છે. સ્ત્રી મા હોય, બહેન, પુત્રી, ભાભી, પત્ની, બા કે પાડોશી હરેક ભૂમિકામાં તેણે અત્યંત જવાબદાર બનવું પડે.
વાત્સલ્ય, પ્રેમ, સત્કાર, સ્નેહ, સંપ, અનુકૂલન-વૃત્તિ, લેટ-ગો કરવાની ભાવના, ઉદારતા વગેરે જેવી ક્વોલીટી તેણે સ્વભાવમાં વણી જ લેવી પડે અને તેનો આરંભ નાનપણથી જ થાય પરંતુ આ ટીનેજર અવસ્થામાં તો આ ગુણો સીંચાવા જ જોઈએ કારણ કે લગભગ દરેકે દરેક દિકરીએ ફરજિયાત પણ સાસરે જવાનું હોય છે. એ સાંસારિક જગતની વાસ્તવિકતા છે. દુનિયાના કોઈ પણ દેશ, કાળ, સ્થિતિ, રંગ, સ્તર કે ક્લાસમાં દિકરી જ સાસરે જાય છે (અપવાદ સિવાય) ને પારકાને પોતાના કરે છે. આ તેને કોણ શીખવે ? આ સંસ્કાર ઘર જ શીખવી શકે. ખાસ તો માતા ! એટલે જ ‘મા’ થવું અઘરું છે.
દરેક ઘરનું એક અલગ સંવિધાન હોય છે, વણલખ્યા નિયમો હોય છે, એ સમજી ને આપણે આ અને આના જેવા અન્ય મુદ્દા અંગે જાતે વિચારવું જોઈએ. તે માટે વિચાર કરવાની જહેમત ઉઠાવવા જેવી છે, કારણ કે મામલો જીવન-વેલ જેવી ટીનેજર્સ દિકરીઓને છે.
ખેર, ગયા અંકમાં મૂળસોતા ઉખડી ગયેલા ગુલાબના જે છોડની વાર્તા કરી હતી. તેનો અંત સુખદ છે, તેમાં હવે મઘમઘતા ગુલાબના ફૂલો લચી પડ્યા છે, એટલે કે છોડ ફરી રોપાઈ ગયો હતો, સાચ્ચે જ !

વિસામો

જોજો ! કોઈ કળી ફૂલ
બનતા પહેલા વીંખાય નહીં, પીંખાય નહીં !
હરેક કળીને અધિકાર છે, ફૂલ બની પવન સાથે નૃત્ય કરવાનો,
સૂરજની કિરણો સાથે ગીતો ગાવાનો ને
પોતાની મહેકને દૂર-દેશ સુધી પહોંચાડી સાર્થકતા પામવાનો !

(સંપૂર્ણ)

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant