તમને ચેટ અને કમેન્ટ કરતા આવડે છે?

મોટે ભાગે બે-ત્રણ રીતો છે જેનાથી માણસ-માણસથી કનેક્ટ થાય છે. એક છે, પોસ્ટ પર કમેન્ટ કરવી કે સ્ટોરી પર કમેન્ટ કરવી કે રીલ વિશે કંઈ કહેવું.

Adhi Akshar Kalpna Gandhi Article Diamond City 408
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

સોશ્યલ મીડિયા હજુ કેટલાક માટે જિંદગીનો નાનકડો ભાગ છે પણ કેટલાકને માટે તો એ જ જાણે જિંદગીનું સરનામું છે. આજે માણસ પાસે નવરાશ ઘણી બધી છે પણ નિરાંતે તેને સાંભળે તેવું ભાગ્યે જ કોઈ છે, વળી કોઈક-કોઈક પાસે જ છે.

વર્ચ્યુઅલ વર્લ્ડના સંબંધો એટલે જ વર્ક કરે છે કે તે અહીં મોટાભાગના લોકો તમારી પારિવારીક, સામાજિક, આર્થિક કે એવી કોઈ બાજુને ધ્યાનમાં લીધા વગર માત્ર ‘વન ટુ વન’ કમ્યુનિકેશનમાં રસ લે છે.

મોટે ભાગે બે-ત્રણ રીતો છે જેનાથી માણસ-માણસથી કનેક્ટ થાય છે. એક છે, પોસ્ટ પર કમેન્ટ કરવી કે સ્ટોરી પર કમેન્ટ કરવી કે રીલ વિશે કંઈ કહેવું. બીજું છે ડાયરેક્ટ મેસેજ કરીને ચેટ કરવી.

પહેલા આપણે એ જોઈએ કે આમ કરવામાં માણસની અથવા તો કહીએ કે વિશેષ કરીને પુરુષોની ભૂલ શા માટે થાય છે અને ક્યાં-ક્યાં કેવી કેવી રીતે થાય છે અને તેમ ન થાય તે માટે શું-શું કરવું જોઈએ.

પુરુષો સ્ત્રીઓની પોસ્ટ પર કમેન્ટ કરે કે ચેટ કરે તેમાંના મોટાભાગના એવું માની લે છે કે ફેસબૂક, ઈન્સ્ટા કે અન્ય સોશ્યલ સાઈટ્સ પરની મહિલાઓ કે યુવતીઓ ‘અવેલેબલ’ હોય છે. જેને સાવ ચાલુ ભાષામાં ‘ચાલુ’ કહીએ એવી સ્ત્રીઓ ગણે છે, પુરુષો અહીં સ્ત્રીઓને…

બીજું, આપણા સમાજમાં હજુ સ્ત્રી-પુરુષ મૈત્રીનું ખાસ ચલણ નથી, તેનું કારણ પણ એ જ કે દોસ્તીને લફરું ગણી લેવામાં આવે છે અથવા તો સ્ત્રી કે પુરુષ અથવા બંને દ્વારા બંધાયેલ સંબંધને ‘લબાડ’ જેવું નામ આપી દેવાય છે. વળી, એવી વાતો છુપાતી નથી, છપાઈ જાય છે એટલે વર્ચ્યુઅલ વર્લ્ડ વધારે બદનામ થાય છે.

ભૂલ શા માટે થાય છે? એ સમજીએ. સ્ત્રી અને પુરુષ બંને મેચ્યોર હોય પોતપોતાની જવાબદારી સમજતા હોય, પોતાની જાત પર સરખો સંયમ રાખી શકતા હોય તો સ્ત્રી-પુરુષ મૈત્રી ખોટી કે ખરાબ બાબત નથી પણ અગાઉ જણાવ્યા મુજબ મોટે ભાગે પુરુષ અને ક્યારેક સ્ત્રી પણ એક એવો ખભો ઇચ્છતા હોય છે જ્યાં તે ખૂલીને રડી શકે. હકીકતમાં જે સંબંધ માત્ર મનની ઉષ્મા, કુમળાશ, નજાકત માંગે છે, ત્યાં દેહભાવ હઠ જમાવવા લાગે છે અને કોઈ એક પક્ષે જો તે બાબતે વાંધો ઉપાડે તો સંબંધ ખારો ને ખાટો કે ક્યારેક કડવો ઝેર જેવો પણ બની જાય છે.

કમેન્ટ કરવાની બાબતમાં પણ ઘણાં પુરુષો લિમિટ ક્રોસ કરી નાખે છે. સ્ત્રીએ પોસ્ટ જાણે જે-તે પુરુષને સંબોધીને લખી હોય તે રીતે તે કમેન્ટ કરવા લાગે છે. દા.ત., મે એક પોસ્ટ લખી,

‘એ દિલ થોડી સી હિમ્મત કરના ના યાર
ચલ દોનોં મિલકર ઉસે ભૂલા દેતે હૈં…’

…તો કેટલાક પુરુષો કમેન્ટમાં લખી દે ચલો! (એટલે કે ચલો હિમ્મત કરીએ!) હવે આવી કમેન્ટ કોણ કરી શકે, કોણ ન કરી શકે? જે પુરુષ કે વ્યક્તિ સાથે પોસ્ટકર્તાને કમેન્ટ સિવાયનું પણ એક સ્મૂધ રીલેશન હોય, ચેટમાં કદી વાત થતી હોય, ક્યારેક ફોન થતા હોય, એકમેકને ઘણું ખરું ઓળખતા હોય તો પોસ્ટ કરનાર સમજી શકે કે ક્યા અર્થમાં આ હળવી કમેન્ટ થઈ હશે. બાકી તમારી પોસ્ટ કરનાર સાથે કોઈ ઓળખાણ જ ન હોય માત્ર કમેન્ટ કરવાનો એક આછો-પાતળો સંબંધ હોય ત્યાર આવી કમેન્ટ કરવાથી બચવું જોઈએ, કારણ કે જો પોસ્ટ લખનાર સ્ત્રી હોય, જેમ કે અહીં હું છું, તો તેનો પરિવાર પણ ફેસબૂક પર હોય, તેઓ પણ કમેન્ટ વાંચતા હોય અને ન કરે નારાયણ તો નકામી ગલતફહમી ઊભી થાય ને નાહક કોઈએ તે ના ભોગવવું પડે. એવી જ રીતે સ્ત્રીઓની પોસ્ટ હોય ત્યાં કમેન્ટમાં ઘણાં પુરુષો હાર્ટના ઈમોજી પોસ્ટ કર્યા કરે. કલર-કલરના હાર્ટ, જોડકા હાર્ટ, તીર-કામઠાવાળા હાર્ટ, ચુંબનો ઉછાળતા હાર્ટ, પ્રેમભરી નિગાહે નીરખી રહેલા હાર્ટ, રાજીપાથી રેડ-રેડ થઈ જતા હાર્ટ…ક્યારેક તો એમ લાગે કે હાર્ટ છે કે સત્યનારાયણનો પ્રસાદ કે આ લોકો જેને ને તેને વહેંચતા ફરે છે! જો મર્યાદાશીલ સ્ત્રી હોય તો તેને આ કઠે છે ને પુરુષની પણ આમાં કઈ ગરિમા વધતી નથી, બલ્કે બહુ વેવલાઈ જેવું લાગે છે. ક્યારેક, જવલ્લે હાર્ટ શેઈપનું ઈમોજી અસરકારક લાગે બાકી તો સાવ રેઢિયાળ લાગે. ન કેવળ પોસ્ટની કમેન્ટમાં બલ્કે ચેટમાં પણ હાર્ટના ઢગલા… પુરુષો આવા હાર્ટ મોકલીને મનમાં શું લહાવો લેતા હશે તે તો રામ જાણે પણ મારા જેવી સ્ત્રીઓને તે અખરે… ભલે કોઈને સ્પષ્ટ કહીએ કે ન કહીએ પરંતુ અગાઉ કહ્યું તેમ ક્યારેક સારું લાગે, હંમેશા નહીં…

વળી, ચેટમાં પૂછે, ‘તમે ક્યાં રહો છો?’ હવે કોઈ સ્ત્રી કાં તો પ્રોફાઈલ પર લખશે અને નહિ જણાવવા જેવું લાગે તો વોલ પર મેંશન નહીં કરે, તેમાં પૂછવાનું શું કે તમે ક્યાં રહે છો? અને તે ગમે ત્યાં રહેતી હોય, તમને શું ફેર પડે?! આ સવાલ વ્યર્થ છે.

એક સવાલ એવો કરે ‘દોસ્તી કરશો?’ હજુ તો ચેટ મંડાણી હોય ત્યાં જ આ સવાલ. મારા મતે આ સવાલ જ ન કરાય. ધીમે-ધીમે પરિચય વધે, સ્વભાવની જાણ થાય, રુચિ-શોખની જાણકારી મળે, પરસ્પર ગમતા વિષયો એક છે, અનેક છે, કશું કોમન છે, એવું કેટલુંય જાણ્યા વગર કોઈ સ્ત્રી કોઈ પુરુષની મૈત્રી શા માટે સ્વીકારે ને બીજીવાત પુરુષો કહેતા હોય છે ખાલી વાત કરવા દોસ્તી કરો પણ ખાલી વાત કરવાનો સમય ન હોય મારી જેવી અન્ય વ્યક્તિ પાસે પણ તો લટુડા-પટુડા કરે કે તમે તો સાહેબ બહુ બીઝી, જવાબ પણ નથી આપતા. વળી, અન્ય એક વાત હરેક પુરુષ અને સ્ત્રી માટે ‘દોસ્તી’ શબ્દનો અર્થ જુદો જુદો છે. તે જાણ્યા વગર, સમજ્યા વગર દોસ્તી થાય કઈ રીતે? વળી, પરાણે ‘પ્રિય મિત્ર, પ્રિય મિત્ર’ એમ કહ્યા કરે, અરે! શેના પ્રિય મિત્ર ભાઈ? એમ કોઈ કહેવા માત્રથી કોઈ કોઈનું પ્રિય બની જતું નથી, આ માત્ર ફેન્સી શબ્દો છે જે સ્ત્રી સારી રીતે જાણતી હોય છે! એવા પુરુષોને હું પૂછું તમારા ઘરની સ્ત્રીઓને પુરુષ મિત્રો છે? અથવા હોય તો તે વિશે તમે શું માનો છો? … બાકી પંચાત પણ અમુક પુરુષોને બહુ હોય ‘તમે પરણેલા છો કે નહી?’, ‘ક્યારે પરણ્યા?’, ‘તમારી ઉંમર શું’ પણ આવા સવાલોથી જરૂરિયાત જ શું છે?! ટાળો તો કહેશે ‘તમે તો ભારે ગુસ્સાવાળા’ થોડાક સંવાદોની આપ-લેમાં તમે કોણ કેવું છે, તે પણ જાણી લીધું!

કેટલાક મળવા માટે આગ્રહ કરે આપણે ટાળવા કહીએ કે અમારા ઘરમાં એવી સીસ્ટમ નથી ત્યારે હદ તો એ થાય કે એમ કહે બહાર મળી શકાય ને! અરે! આવા લોકોનું નાક કાપી લઇએ તો કહે સપનામાં મળવા આવો પછી મારે કહેવું પડે કે તમારી પત્નિને મોકલશો મારા પતિના સપનામાં ?

કેટલાક સૌથી મહાન હોય જે ડાયરેક્ટ ‘આઈ લવ યૂ’ પર આવી જતા હોય છે. ક્યારથી લવમાં પડ્યા તે પણ જણાવે. આટલો લવ કેવી રીતે થઈ ગયો તે પણ… આપણને કેટલા મિસ કરે છે તે પણ કહે ફોટા પણ માંગે, જન્મોજનમના સંબંધ ગણાવે, અત્યારે શું કરો છો તે પૂછે, વ્યક્તિગત બાબતો જાણવામાં રસ ધરાવે… તમે કહેશો કે સીધા બ્લોક કરી દેવાય, એવા લોકોને પણ મને કોઈને બ્લોક કરવાનું વ્યક્તિગત રીતે પસંદ નથી. બ્લોક કરવાનો અર્થ છે, મોં પર દરવાજો દઈ મારવો કે કોઈને ધક્કો દઈને બાહર ધકેલી દેવા. અંતે તો સારો-નબળો, સાચો-ખોટો, ભલો-બૂરો દરેક જીવ ‘જીવ’ છે. જીવતો માણસ છે. તેને બ્લોક કરવો એ વ્યક્તિગત સોલ્યુશન છે પણ તેનાથી તમે કોઈની સમજ વધારવામાં નિમિત્ત બનતા નથી. આ એના જેવું છે કે ટાલિયાના હાથમાં કાંસકો! પણ ટાલિયાને સમજાવું પડે પહેલા વાળ ઉગાડવાની તરકીબ શીખ પછી કાંસકો ચલાવજે.

વ્યક્તિગત રીતે મને હ્યુમન સ્ટડી કરવી ગમે. હ્યુમન સાયકોલોજી જાણવી ગમે. કોણ માણસ, ક્યારે શા માટે, કેવી રીતે, ક્યા કારણોસર શું લખે છે, ક્યા શબ્દો વાપરે છે, તે સ્ટડી કરવી ગમે તેમાંથી ઘણું શીખવા મળે.

કેટલાક ઝઘડો કરવા આવ્યા હોય, મને સમતામાં જોઈ, એવી શાંતિ કેમ રાખવી તે અંગે સલાહ માંગે. કેટલાક લવ-લવ કરતા આવ્યા હોય ને સમજણનું ભાથું લઈ જાય, કેટલાક પોતાની મહાનતાનો અહંકાર લઈને આવ્યા હોય ને સરળતા તથા સહજતાનો પાઠ શીખીને જાય. મને સંતોષ થાય કે આ વર્ચ્યુઅલ વર્લ્ડમાં કઈ રીતે કમેન્ટ કરવી કે ચેટ કરવી કે અન્ય વાણી-વર્તન-વ્યવહાર કરવા, તે બાબતે હું થોડો પ્રકાશ પાડી શકી.

આપણી આ દુનિયામાં કેટલુંય ખરાબ છે તો ઘણું સારું પણ છે. અહીં નક્કામા ને ખોટા માણસો છે તો સમયે કામ આવે તેવા સજ્જનો પણ છે. ક્યાંક દગો છે, છળ છે, પ્રપંચ છે, બેઈમાની છે, વાદા ખિલાફી છે, વાતે વાતે ફરી જનારા છે, ધોકેબાજી કરનારા છે તો એવા પણ છે જેમની પાસે આપણા માટે થોડી હૂંફ છે, કાળજી છે, ફિકર છે. આપણા સુખ-દુ:ખના સંગાથી બનવાની ભાવના છે. અથવા તો ખરાબ માણસમાં થોડો સારો, ને સારામાં થોડો ખરાબ માણસ બધે છે.

આ આભાસી દુનિયામાં પણ એવા લોકો મળે છે કે લાગે છે ખરેખર આ દુનિયા છોડવા જેવી નથી. બસ જ્યારે ઈમ્મેચ્યોર અને બૂથડક લોકો સાથે પનારો પડે ત્યારે થોડી શાંતિ, થોડી ધીરજ, થોડી સહનશીલતા અને થોડી સમતા રાખવાની જરૂર છે. બાકિ દુનિયા ગુડ પણ છે ને બેડ પણ…ને મિક્સ પણ.

હજુ આ લેખ વાંચીને અમુક પૂછશે ‘હું તમને કેવો લાગ્યો?’  એ ન પૂછાય જ્યારે જે ભાવ થાય ત્યારે તે વત્તે-ઓછે અંશે પ્રગટ થાય જ બાકી કોઈ તમને મોં પર કઈ રીતે કહે તમારામાં કેટલી ખામી છે, કઈ ખોટ છે, માણસે પોતે બે વાર વિચાર કરી પછી અંગૂઠો ચલાવવો…

આટલું ન પૂછશો/ન કહેશો/ન કરશો

  • દોસ્તી કરશો?
  • તમે પરણેલા છો? કેટલા સંતાન બાબો કે બેબી?
  • તમારી ઉંમર કેટલી? સંતાનોની કેટલી? એ શું કરે છે?
  • ફોટા મોકલો ને…
  • આઈ લવ યૂ, આઈ મિસ યૂ…
  • ક્યારે ને ક્યાં મળશો? પ્લીઝ મળો ને …
  • પરમ મિત્ર શું કરો છો અત્યારે?
  • હું બહુ સારો માણસ છું, મારો ભરોસો કરો જન્મોજન્મ સાથ નિભાવીશ…
  • વાતે વાતે હાર્ટના ઈમોજી મોકલવા
  • અમારી બાજુ ફરવા આવો ને…

આ લેખમાં કશુંક બાકી રહી ગયું હોય તો ઉમેરીને જણાવી શકો. મારી ફેસબુક પ્રોફાઈલ/વોલ પર આર્ટિકલ પોસ્ટ કરીશ (આ સામાન્ય રીતે પુરુષોને લગતી વાતો છે. પણ  બધા નિયમોને અપવાદ હોય છે એટલે ભૂલ-ચૂક, લેવી-દેવી માફ)

(તા. 09-03-2024ના રોજ ફેસબૂક પર મેં આ પોસ્ટ કરી હતી, તેમાંથી આ લેખ લખવાનો વિચાર આવ્યો, કારણ કે ઘણાંએ કમેન્ટ કરી હતી તમે શીખવાડોને…)

ગોલ્ડન કી

પુરુષોને ચેટ કરવાની તાલાવેલી બહુ હોય પણ આવડે નહિ કાંઈ…

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp Channel

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant