રશિયન ડાયમંડ મામલે એન્ટવર્પમાં ફેલાયેલી અંધાધૂંધીના પગલે સુરત-મુંબઈના વેપારીઓ ચિંતામાં મુકાયા

છેલ્લાં એક વર્ષ કરતાં વધુ સમયથી મંદીનો સામનો કરી રહેલાં ભારતીય હીરાના વેપારીઓ પર આવી પડેલી આ નવી આફત કારમી પુરવાર થશે તેવો ભય

Surat-Mumbai traders worried after confusion in Antwerp over Russian diamonds Cover Story Diamond City 408
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

છેલ્લાં દોઢેક વર્ષથી હીરા ઉદ્યોગની પર જાણે પનોતી બેઠી હોય તેવી સ્થિતિ છે. પારકાં દેશો લડે અને ભારતના હીરા ઉદ્યોગને નુકસાન થાય તેવી ઘટનાઓ બનતી રહી છે. અઢી વર્ષ પહેલાં રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો તે ઘાની પીડા રહી રહીને હવે ભારતને થઈ રહી છે.

રશિયાએ યુક્રેન સામે યુદ્ધ છેડ્યું ત્યાર બાદ યુરોપિયન દેશોએ રશિયા સાથેના આર્થિક વ્યવહારો પર આંશિક કાપ મુકવાનું શરૂ થયું હતું, તેની સૌથી પહેલી અસર ભારતના હીરા ઉદ્યોગ પર જ પડી હતી. કારણ કે રશિયામાં દુનિયાની સૌથી મોટી રફ હીરાની ખાણ અલરોસા આવેલી છે.

ભારત રફ હીરાને ચમકાવવાના વેપારમાં નંબર 1 છે. એટલે કે ભારતમાં કટ એન્ડ પોલિશ્ડની મોટી ઇન્ડસ્ટ્રી આવેલી છે. વિશ્વમાં પહેરાતા 10 હીરા પૈકી 9 હીરા ભારતના સુરતમાં કટ એન્ડ પોલિશ્ડ થયા હોય છે.

સ્વાભાવિક પણે જ રશિયાની રફ ભારતમાં જ સૌથી વધુ ઠલવાતી હોય તેમાં કોઈ શંકા નથી. એવું કહેવાતું કે ભારતમાં જેટલી રફ આયાત થતી તેમાંથી અંદાજે 30 ટકા રફ રશિયાની રહેતી.

રશિયાએ યુક્રેન સાથે યુદ્ધ શરૂ કર્યું એટલે રશિયાથી રફની ખરીદી અટકાવવી પડી. નવી ખરીદી નહીં કરવામાં આવે તે વાત ઠીક પરંતુ જૂની રફનું શું? કરોડોનો સ્ટૉક કેમ તિજોરીમાં રાખી તો ન મુકાય ને? 30 ટકા ધંધો ઠપ્પ કરવા જેવી વાત હતી.

ધીમે ધીમે રશિયન રફને બજારમાં પહોંચાડાઈ. રશિયાવાળા પડકાર ઉપરાંત લેબગ્રોન સામેની સ્પર્ધા તો ચાલુ જ હતી. આ સમયગાળામાં લોકો નેચરલ ડાયમંડના બદલે સસ્તાં લેબગ્રોન ડાયમંડ ખરીદતાં થયા હતા, તેથી બજાર તો એમ પણ અડધું થયું હતું.

વધારામાં પુરું ઇઝરાયલ અને હમાસનું યુદ્ધ શરૂ થયું. આ બધી સમસ્યાઓથી છૂટકારો મેળવવા દિવાળી સામે ભારતીય હીરા ઉદ્યોગકારોએ બે મહિના માટે રફની ખરીદી અટકાવી. એ આશા હતી કે ક્રિસમસમાં જૂની ઈન્વેન્ટરી પૂરી થશે અને નવા વર્ષમાં નવો સૂર્યોદય થશે.

નબળું ચાઈનીઝ બજાર ચાઈનીઝ ન્યુ યરથી સુધરશે અને સુરતમાં બનેલું વિશ્વનું સૌથી મોટું કમર્શિયલ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સ પણ વેપારને વેગ આપશે. પરંતુ જી-7 દેશોના સંગઠન અને યુરોપિયન દેશો તેમજ અમેરિકાએ 1 માર્ચથી રશિયન હીરાના વેપાર પર પ્રતિબંધો લાદવાની જાહેરાત કરીને બધી આશાઓ પર પાણી ફેરવી દીધું છે.

આ નવી મુસીબત લાંબો સમય સુધી હીરાના વેપારને પરેશાન કરશે. કારણ કે રશિયન મૂળના હીરાનું ખરીદ વેચાણ રાતોરાત બંધ કરી શકાય તેમ નથી. રશિયન મૂળના હીરા શોધી કાઢવા એન્ટવર્પમાં સેલફ સર્ટિફિકેશનનો નિયમ લાગુ કરાયો.

ત્યારબાદ કસ્ટમ્સમાં ડાયમંડના ચેકિંગની પ્રક્રિયા કડક અને લાંબી બનાવાઈ. તેના લીધે હવે સુરત અને મુંબઈના હીરાના વેપારીઓ ચિંતામાં મુકાયા છે. લાંબો સમય સુધી એન્ટવર્પ કસ્ટમમાં કરોડોનો માલ ચેકિંગ પ્રક્રિયાના લીધે પડ્યો રહે છે.

તેના લીધે ખૂબ નુકસાન થઈ રહ્યું છે. તે ઉપરાંત કાલ સુધી જે રશિયન હીરા છાતી ઠોકીને વેચતા હતા તે જ રશિયન હીરા વેચવો એ ગુનો બની ગયો હોય વિદેશમાં ભારતીય હીરાના વેપારીઓના માથે કાયદાકિય કાર્યવાહીની તલવાર લટકતી થઈ છે. આવી જ ઘટના તાજેતરમાં એન્ટવર્પમાં બની પણ ગઈ.

રશિયન ડાયમંડ પર જી-7 દેશોના સંગઠન, યુરોપિયન યુનિયન અને અમેરિકાની સરકાર દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોની ઝાળ હવે ગુજરાતી વેપારીઓને દઝાડવા લાગી છે. આ દેશોએ રશિયન મૂળના હીરા ભલે તે પછી ભારત કે અન્ય કોઈ દેશમાં કટ એન્ડ પોલિશ્ડ થયા હોય તેનો તેમના દેશમાં વેપાર કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.

વળી, તે હીરાના સર્ટિફિકેશન માટે એન્ટવર્પમાં ફરજિયાત મોકલવાનું ઠરાવાયું છે, જેના લીધે હીરાના વેપાર સાથે સંકળાયેલા વેપારીઓની મુશ્કેલીમાં અનેકગણો વધારો થયો છે. કસ્ટમ્સ ક્લિયરન્સ, સર્ટિફિકેશન જેવી માથાકૂટ વધી છે.

એન્ટવર્પના વેપારીઓમાં આ વહીવટી પ્રક્રિયાઓ સામે રોષ ઊઠ્યો છે, ત્યાં હવે જે વાતનો ડર હતો તે  થયું છે. એન્ટવર્પમાં રશિયન હીરાના વેપારના કેસમાં બેલ્જિયમ પોલીસ દ્વારા એક ગુજરાતી વેપારી પર સકંજો કસવામાં આવ્યો છે, જેના પગલે ભારતમાં ખળભળાટ મચી ગયો છે.

રશિયા-યુક્રેન યુદ્ધને કારણે રશિયન રફ હીરા પર અમેરિકા અને જી-7 દેશોએ જે પ્રતિબંધ મૂક્યો છે તેનો ભોગ સુરત, મુંબઈ, દુબઈ તથા એન્ટવર્પ ખાતે રહેતા અને રફ હીરાના વેપાર સાથે સંકળાયેલા ભારતીય હીરા ઉદ્યોગના વેપારીઓ બની રહ્યા છે.

રશિયન રફ હીરા પરના પ્રતિબંધના કારણે તેનું નુકસાન પણ સૌથી વધુ ભારતીય વેપારીઓ જ ઉઠાવવા સાથે ખોટી રીતે તેઓ વેપારમાં પરેશાની ભોગવી રહ્યા હોવાનો રોષ હીરાઉદ્યોગમાં વ્યાપ્યો હોવાનું બહાર આવ્યો છે.

અહેવાલો મુજબ રફ હીરાનો વેપાર મહત્તમ એન્ટવર્પ તથા દુબઈ ખાતે વહેંચાયેલો છે અને રફ હીરા દક્ષિણ આફ્રિકાના વિવિધ પ્રાંતો સહિત કેનેડા, ઓસ્ટ્રેલિયા, વગેરે દેશોમાંથી પણ આવે છે.

અલગ અલગ ચેનલો મારફતે વ્યાપક માત્રામાં આવતા રફ હીરાના જથ્થામાં જો એકાદ બે પાર્સલમાં રશિયન રફ હીરાનો કેટલોક ભાગ આવી જાય તો તે તાત્કાલિક ઓળખી શકાતો નથી અને અલગ અલગ દેશોના રફ હીરા મિક્સ હોવાથી રશિયન રફ હીરા સરળતાથી અલગ થઈ શકતા નથી. આ કારણોસર મિક્સ રફ હીરાનો વેપાર કરતા વેપારીઓને રશિયન રફ બાબતે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

અમેરિકા અને જી-7 દેશોએ રશિયન રફ હીરા પર પ્રતિબંધ તો લગાવ્યો પરંતુ તેનો સૌથી વધુ નુકસાન ભારતીય હીરા ઉદ્યોગને થઈ રહ્યો છે અને આ બાબતે બેલ્જિયમ સરકાર દ્વારા યોગ્ય રસ્તો કાઢવાની લાગણી પણ બેલ્જિયમના હીરા ઉદ્યોગમાં વ્યાપી છે.

ઉલ્લેખનીય છે કે, રશિયામાંથી આવતા રફ હીરા પાતળી સાઈઝના હોવાથી તેની માંગ પણ રહેતી હોય છે. જો પ્રતિબંધને કારણે રશિયાના રફ હીરા સ્થાનિક હીરા ઉદ્યોગને નહીં મળવાના સંજોગોમાં હીરા ઉદ્યોગમાં કામકાજ ઘટવા સહિત બેરોજગારીનો પ્રશ્ન પણ આગામી સમયમાં વધુ ઉદ્દભવે એવો ભય વ્યક્ત કરાઈ રહ્યો છે.

બેલ્જિયમના એન્ટવર્પ ખાતે હીરાના વેપાર સાથે સંકળાયેલા ગુજરાતી હીરાના વેપારીની હીરા કંપની ખાતે રશિયન રફ હીરાના મામલે બેલ્જિયમ પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવતા એન્ટવર્પના હીરાઉદ્યોગમાં ખળભળાટ મચ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

મુંબઈ તથા એન્ટવર્પ હીરાઉદ્યોગના સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ છેલ્લાં કેટલાંય વર્ષોથી એન્ટવર્પ તથા દુબઇ સહિત આફ્રિકાના દેશોમાંથી રફ હીરાના બહોળા વેપાર સાથે સંકળાયેલા મૂળ સૌરાષ્ટ્રના માવાણી અટકધારી વેપારીની એન્ટવર્પ ખાતે સ્થિત હીરા કંપનીમાં બેલ્જિયમ પોલીસે રશિયન રફના વેપાર મામલે સઘન તપાસ હાથ ધરી છે.

જે મુજબ, ગુજરાતી હીરાના વેપારીએ વિવિધ ચેનલો મારફતે મગાવેલા રફ હીરામાં રશિયન રફ હીરાનો ટેગ મળી આવતાં બેલ્જિયમ પોલીસે આ મામલાને ગંભીરતાથી લીધો છે અને આ રશિયન રફ કઇ ચેનલથી કોના મારફતે એન્ટવર્પ સુધી પહોંચી તેની વિસ્તૃત તપાસ હાથ ધરાઈ રહી છે. આ સાથે રશિયન રફ હીરા મગાવનાર વેપારીએ એ રફ હીરા એન્ટવર્પમાં અન્ય બીજા કોઈ વેપારીને વેચાણ કર્યા છે કે નહીં તેની તપાસ પણ ચલાવવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રશિયા-યુક્રેન યુદ્ધને લઈને અમેરિકા જી-7 દેશો, કેનેડા દેશ દ્વારા રશિયન રફ હીરા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેથી સુરત-મુંબઈ-દુબઈ કે એન્ટવર્પ ખાતે રશિયન રફ હીરાનો વેપાર થઈ છતાં કથિત રીતે હીરાના વેપારી દ્વારા મગાવવામાં આવેલા રફ હીરાના જથ્થામાં રશિયન રફ હીરા મળી આવ્યાની ચર્ચાને કારણે આ સમગ્ર પ્રશ્ને એન્ટવર્પમાં વેપાર કરતા ગુજરાતી હીરાના વેપારીઓને પણ મુશ્કેલી ઉદ્દભવે એવી શક્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે.

કારણ કે, અમેરિકા જી-7 દેશો રશિયન રફ હીરાના પ્રશ્ને આકરાપાણીએ છે. એવા સમયે ગુજરાતી હીરાના વેપારીની રફ હીરાના વેપારમાં કથિત સંડોવણીના ચર્ચાના પ્રત્યાઘાતો આગામી સમય સમગ્ર હીરાઉદ્યોગ પર પડે એવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, એન્ટવર્પ ખાતે રશિયન રફ હીરાના વેપારમાં જેની સંડોવણીની ચર્ચા ચાલી રહી છે તે વેપારી સુરતમાં પણ જમીનોનો બહોળા વેપાર ધરાવે છે.

એન્ટવર્પમાં કરોડોના રફ ડાયમંડના પાર્સલો પ્રતિબંધને કારણે અટવાયા

અમેરિકા અને જી-7 દેશો તરફથી રશિયા-યુક્રેન યુદ્ધને પગલે રશિયન રફ હીરા પર કડક પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યા બાદ એન્ટવર્પ ખાતે રફ હીરાના જે પાર્સલોનું ક્લિયરન્સ ગણતરીના કલાકોમાં મળી જતું હતું તે પાર્સલોનું ક્લિયર ક્લિયરન્સ હવે મિક્સ રફ ઓરિજિન લખાણને કારણે 20 દિવસ સુધી પણ મળી શકતું નથી અને મિલિયન ડોલરના પાર્સલો એન્ટવર્પના કસ્ટમ વિભાગ ખાતે અટવાયા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે જેના કારણે એન્ટવર્પના રફ હીરાના બજારમાં ચિંતાનું વાતાવરણ ફેલાયું છે.

તા.1 માર્ચ 2024થી અમેરિકા અને જી-7 દેશો દ્વારા રશિયન ૨ફ હીરા પર પ્રતિબંધ મુકાયો છે. જેને કારણે એન્ટવર્પમાં રશિયન રફ હીરાના વેપાર માટે ચોક્કસ સિસ્ટમનો અમલીકરણ લાવવામાં આવ્યું છે.

પ્રતિબંધને કારણે એન્ટવર્પ ખાતે રફ હીરાના વેપાર લાવવામાં મુશ્કેલીમાં મુકાયો છે કારણ કે અગાઉ વિવિધ દેશોમાંથી આવતા રફ હીરાના પાર્સલોનું ક્લિયરન્સ ગણતરીના કલાકોમાં મળી જતું હતું પરંતુ હવે છેલ્લા 20 દિવસથી આ રફ હીરાના પાર્સલોનું ક્લિયરન્સ સમયસર મળી નહીં શકતા એન્ટવર્પ ખાતે વેપારીઓને રફ હીરાનો વેપાર કરવામાં મુશ્કેલી પડી રહી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

રશિયન રફ વેચવાના મામલે એન્ટવર્પમાં 3 વેપારીઓને ડિટેઈન કરાયા

બેલ્જિયમના એન્ટવર્પ ખાતે રશિયન રફ હીરાના મામલે ગુજરાતી હીરાના વેપારીની પુછપરછ બાદ વેપારી સહિત અન્ય વ્યક્તિઓને એન્ટવર્પ પોલીસે ડિટેઈન કર્યા હતા અને પોલીસ મથક ખાતે પુછપરછ બાદ તેમને છોડવામાં આવ્યા હતા. જોકે પોલીસે વેપારીની ઓફિસમાંથી મળી આવેલો રફ હીરાનો જથ્થો લેપટોપ સહિત અન્ય દસ્તાવેજો કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરી હોવાની વિગતો બહાર આવી છે.

અમેરિકા તથા જી-7 દેશો તરફથી રશિયન રફ હીરા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને એન્ટવર્પમાં રફ હીરાના વેપાર માટે એવી બાંયધરી આપવી પડે એન્ટવર્પના હીરા બજારમાંથી લે-વેચ થતા રફ હીરા રશિયાના રફ નથી. અમેરિકા સહિત જી-7 દેશો રશિયાના રફ હીરાનું વેચાણ ન થાય એ માટે કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે.

ત્યારે બીજી તરફ હીરા ઉદ્યોગમાં એવી ચિંતા પણ વ્યાપી છે કે, રશિયન રફ હીરાના કથિત વેપારને કારણે સમગ્ર હીરા ઉદ્યોગને નુકસાન ન પહોંચે. ઉદ્યોગના સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ પ્રતિબંધિત રશિયન રફ હીરાના વેપારને મુદ્દે માવાણી અટક ધારી હીરાના વેપારીની ત્રણ ઓફિસ ખાતે તપાસ બાદ એન્ટવર્પ પોલીસે વેપારી સહિત અન્ય બે વ્યક્તિઓને ડિટેઈન કર્યા હતા.

જોકે ત્રણેય વ્યક્તિઓને ડિટેઈન કર્યા કે બાદ પૂછપરછ કરી તેમને છોડવામાં આવ્યા હતા. આ સાથે પોલીસ દ્વારા વેપારીની ઓફિસમાંથી મળી આવેલો રફ હીરાનો જથ્થો, ઓફિસનું લેપટોપ સહિત અન્ય સાધન સામગ્રી જપ્ત કરીને વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp Channel

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant