સ્ત્રી દીવો છે, ઉજાળે પણ, દઝાડે પણ… ધર્મશાસ્ત્રથી લઈને મનોવિજ્ઞાન સુધી બધા જ કહે છે કે સ્ત્રીને સમજવી અસંભવ છે, પણ કેટલા લોકો તેને ખરેખર સમજવા માંગે છે?!

અમે તો વહુને ઉડવા પાંખો આપી છે, ભલેને તે ચાંદ આંબી લે પણ ચાંદ-તારા આંબતા પહેલાં ઘરના ચૂલા-ચોકા સંભાળીને જવું જરૂરી છે!

Adhi Akshar Kalpna Gandhi Article Diamond City 405-1
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

મોટાભાગે મર્દ સ્ત્રી સાથે સુવાનું પસંદ કરે છે અને સ્ત્રી ચાહે છે એવો પુરૂષ જે તેની સાથે જાગે! સ્ત્રી તો પોતાની જાતને ડૂબાડી દેવા પણ તૈયાર છે પણ પુરૂષને સમંદર બનતા આવડવું હોય તો! સ્ત્રીએ કેટલાક નાટક કરવા પડે છે, જેમકે તે ભૂલી ગઈ છે, પુરૂષોએ આપેલા ઝખ્મો, તેની સાથે કરેલો અન્યાય, સંઘર્ષથી સફળતા સુધી આપેલો સાથ, પુરૂષના જીવનમાં આવી ગયેલી અન્ય સ્ત્રી પ્રત્યે આંખ આડા કાન…પણ એ એવા નાટક ન કરે તો અસલ જિંદગીમાં જીવવું મુશ્કેલ બની જાય.

સ્ત્રી પર આરોપ છે કે તે પ્રેમની સામે સુરક્ષિત ભવિષ્ય પસંદ કરી લે છે એ શું કરે, એને પારિવારિક, સામાજિક, આર્થિક એવી કેટલીય સુરક્ષાનો ખપ છે. એ બેવફા નથી પણ તેની પાસે બીજો સારો વિકલ્પ નથી. તમે જોજો પુરૂષ ઘરે મોડો આવે તો સ્ત્રી ફિકર કરશે પણ નોકરિયાત સ્ત્રી મોડી આવે તો પતિ શક કરશે!

એમ તો આજનો સમાજ ભણેલ-ગણેલ વહુને નોકરી કરવાની ‘છૂટ’ આપે છે. એમ તો ઘણાં કહે છે કે અમે તો તેને ઉડવા પાંખો આપી છે, ભલેને તે ચાંદ આંબી લે પણ ચાંદ-તારા આંબતા પહેલાં ઘરના ચૂલા-ચોકા સંભાળીને જવું જરૂરી છે! તો એવા પણ મર્દો છે જે ઔરતને ‘ચીજ’  સમજે છે, એ પણ ‘ખરાબ ચીજ’ નવાઈની વાત તો એ છે પુરૂષ સ્ત્રીની કૂખમાં માંથી જન્મે છે, તેના ખોળામાં મોટો થાય છે, તેના હાથનું જમે છે, સ્ત્રીનો પ્રેમ પાંગરી વંશવેલો ચલાવે છે છતાં સ્ત્રી ખરાબ છે, નરકનું દ્વાર છે! સ્ત્રીને એકલા ઊભા રહેતા ડર લાગે છે, તેને લાગે છે કે સમાજ તેનો બહિષ્કાર કરી દેશે પણ જો એ એકલી ઊભી રહેતા શીખી જાય તો સમાજ તેનાથી ડરે છે.

કારણ કે તે સમજી જાય છે કે સ્ત્રીએ સમાજનો બહિષ્કાર કરી દીધો છે પણ તેમ છતાં સમાજમાં વંદનીય, પૂજનીય, સમ્માનનીય સ્ત્રી એ જ છે જે સમર્પણનો સાગર હોય, જે પોતાના સુખ-સગવડનો ત્યાગ કરી શકતી હોય, જે પોતાની પ્રતિભાનું બલિદાન આપી શકતી હોય… સ્ત્રી જેટલી મૂંગી, તેટલી તે વખાણવા લાયક! …અને તોય સ્ત્રી કોઈને સમજાતી નથી.  પૂરી ફરજો નિભાવ્યે જતી હોય ત્યારે પણ પોતાના અધિકાર વિશે હકથી બોલી શકતી નથી.

આજે પણ સમાજને શણગારાયેલી સ્ત્રીની કલ્પનામાં રાચવું વધારે ગમે છે, નહીં કે સંઘર્ષ કરતી સ્ત્રી…બધા ગીતો અને ગઝલોમાં સ્ત્રીના દૈહિક શૃંગારનું વર્ણન છલકાય, હા તેના ત્યાગ-બલિદાન વિશે પણ ગવાય એના અંગ-પ્રત્યંગ પર થોથા લખાય પરંતુ પોતાને એસ્ટાબ્લિશ કરવા માટે સમાજ સામે લડતી સ્ત્રી વિશે કાવ્યો રચાતા નથી. આપણી પાસે જેમ રાધા છે, સીતા છે, તેમ દુર્ગા અને કાલી પણ છે પરંતુ સમાજ જાણી-બૂઝીને દુર્ગા અને કાલીને અવોઈડ કરે છે, કારણ કે કવિતામાં રાધિકા અને સમાજમાં જાનકીની જરૂરિયાત વધારે છે, લોકોને…

એવું નથી કે પુરૂષ, પરિવાર અને સમાજ જ સ્ત્રીને નથી સમજ્યા, સ્ત્રી પોતે પણ કન્ફ્યુઝડ છે કે એ પોતે શું છે? તેનું અસ્તિત્વ શા માટે છે? તે શા માટે જન્મી છે? એ સાવ નાની હોય ત્યારથી જ્યારે પણ તેને ટોકવામાં કે રોકવામાં આવે ત્યારે કહેવામાં આવે કે, તારે સાસરે આમ નહિ શોભે, સાસરે આમ નહિ ચાલે, સાસરે તો આમ જ રહેવાય, તેમ ન રહેવાય. વળી, આ બધુ ઘરની વડીલ સ્ત્રીઓ જ છોકરીઓને શીખવે, ને એ પણ એમ ન કરે તો શું કરે, એ દૃષ્ટાંત સામે મૂકે કે રાજા જનકની દીકરી પણ પિતાના ઘરે નથી રહી તો આપણે કઈ વાડીના મૂળા?!

સ્ત્રીએ સાસરે કઈ રીતે રહેવું, કઈ રીતે સૌના દિલ જીતવા, શું પહેરવું-ઓઢવું એવી સૈંકડો સલાહો બહુ અગાઉથી દીકરીને અપાતી રહેતી હોય છે પણ કોઈ તેને પૂછતું નથી તારા સપનાનું શું? તારી મરજીનું શું? તારા વિચારોનું શું? તારા ગમા-અણગમાનું શું? તારી ખુશીનું શું? માહૌલ ખૂબ બદલાયો છે. હવે એવી માથાભારે સાસુઓ રહી નથી. વહુને દીકરીની જેમ સાચવવામાં આવે છે પણ હજુય બધે એવી સ્થિતિ નથી. હજુ પણ દરેક જગ્યાએ સ્ત્રી સેકેન્ડરી છે.

વાત ફિલ્મી કથાઓની કરીએ તો જેટલી ફિલ્મો આવે છે, તેના કેન્દ્રમાં નાયક હોય છે, નાયિકા નહીં. કોઈ નાયિકા કેન્દ્રી મુવી હોય તો જાણે આર્ટ ફિલ્મ હોય છે, બોક્સ ઓફિસ પર ઝાઝું ઉકાળી શકતી નથી, કારણ કે લોકો જોવા જ જતા નથી એવામાં આ ઈન્ટરનેશનલ વુમન્સ-ડે નિમિત્તે એક પિક્ચર વિશે ખાસ કહેવા જેવું છે મૂળ મરાઠી ચિત્રપટ પણ હિન્દી ડબ જોયેલું નામ, ‘બાઈપણ ભારી દેવા’ તેના અર્થ એમ થાય કે બાઈ તો બહુ માથા ભારે છે, ભગવાન!

આ શીર્ષક શા માટે રાખવામાં આવ્યું હશે, ખબર નહિ કારણ કે ફિલ્મમાં કોઈ માથા ભારે સ્ત્રી નથી, બલ્કે સામાન્ય દરજ્જાની સ્ત્રીઓ છે. જેમની દરેકની પોતપોતની એક નાનકડી દુનિયા છે. ફિલ્મ સ્ત્રી છ બહેનોની વાર્તા લઈને આવે છે, જે એકબીજાથી સાવ ડિસકનેક્ટ છે, ‘મંગળા ગોરી’ ની કમ્પીટીશન નિમિત્તે છે કેવી રીતે એકમેકને મળે છે, કેવી રીતે એકમેકના અહેસાસોને એકબીજા સાથે છુપાવે છે અને શેર કરે છે, કેવી-કેવી પ્રોબ્લમ્સ વચ્ચે જિંદગી જીવે છે ને કઈ રીતે તેમાંથી બહાર નીકળે છે, તેમના ઝઝબાતો કેવા કેવા રંગ પલટા કરે છે, તેમની વચ્ચેની ઈર્ષા, પૈસાનું પ્રદર્શન, પૈસાની ખેંચ, એક બહેનની પતિનો લગ્નેતર સંબંધ, એક બહેનનો સૂનો ખોળો, એક બહેનની મહત્વાકાંક્ષા અને તેની દીકરી સાથે સાસુ સાથેના મા-દીકરી જેવા સંબંધો એક બહેનના ગાયકીના સ્વપ્નનો ખાત્મો એવી અનેકાનેક બાબતો એકદમ સંવેદનશીલ રીતે છતાં એકદમ રસપ્રદ રીતે પ્રસ્તુત કરવામાં આવી છે.

ફિલ્મની વાર્તા ન કેવળ દરેક સ્ત્રીને બલ્કે પુરૂષોને પણ પોતાની સાથે એક કનેક્શન ફીલ કરવા છે. લોકો ફિલ્મ સાથે કનેક્ટ કરી શકે છે, સરળતાથી.

બધાનો સંઘર્ષ જુદી-જુદી બાબતે છે, જુદા-જુદા સ્તરે છે, જુદી-જુદી રીતનો છે પણ મહામહેનતે જ્યારે તેઓ એકસૂત્રે બંધાય છે ત્યારે કેવી નાની-મોટી ખુશી તે ગમ આકાર લે છે, તેની છણાવટ છે.

સૌથી મોટી જયા (રોહિની હટંગડી) છે જે માતૃત્વથી વંચિત હોવાને કારણે વર્ષોથી ડિપ્રેશનમાં છે. તેનો પતિ ભારે સમજદાર અને સપોર્ટિવ છે પછી ચારું (દીપા પરબ) છે, તેની સામે તેનો પતિ જ સમસ્યા બની ઊભો છે, તેણે તેની સામે ચેલેન્જ મૂકી દીધી છે.

શશી(વંદના ગુપ્તે) જેને એ વાતનો વાંધો છે કે તેની એકની એક દીકરી પોતાના કરતા પોતાની સાસુને વધુ પસંદ કરે છે. શશી પોતોની બધી આકાંક્ષાઓને દીકરી થકી પૂરા કરવા માંગે છે. એક પલ્લવી છે, (સુમિત્રા બાંદેકર) જેને પોતાના પતિને ડાયવોર્સ આપવા નથી, એ જાણવા છતાં કે તેના પતિએ લગ્નેતર સંબંધ બાંધી લીધા છે.  કેતકી (શિલ્પા નવલકર) પૈસાનો દેખાડો કરે છે, પણ ફિલહાલ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે અને સાધના (સુકન્યા કુલકર્ણી) કે જે તેના સસરાના દબાણ હેઠળ છે, જે ગાયિકા છે ને તેનુ સપનું રેળાઈ ગયું છે, હવે તે પોતાની દીકરીના અરમાનો પર પાણી ઢોળી દેવા તૈયાર નથી.

‘મંગલા ગૌર’ નામક સ્પર્ધા માટે કઈ રીતે આ બહેના એક સાથે મળી પ્રયાસ કરે છે અને આ પુનર્મિલન કેવા તડકા-છાયડાંથી પસાર થાય છે, તેમની પાછલી ફરિયાદો અને વર્તમાનમાં ઘર્ષણના મુદ્દાઓને અહીં હળવી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવ્યા છે. આટલી અરાજકતા વચ્ચે તે બહેનો એક હાર્મની શોધવામાં કામયાબ નીવડે છે. આ કેવળ એ છ બહેનોની વાર્તા નથી એ દરેક સ્ત્રીની વાર્તા છે જે પોતાના જીવનમાં યોદ્ધા જેવું જીવી રહી છે.

પારિવારિક, માનસિક, શારીરિક, આર્થિક એવી જાતજાતની જટિલતાઓનો સામનો કરતી આ બહેનો છેવટે કઈ રીતે જિંદગીને સફળ, સંતોષકારી અને સકારાત્મક મોડ પર લાવી મૂકે છે તેવી વાર્તાએ પોતાના બજેટ કરતાં છ કે સાત ગણા રૂપિયા રળી આપ્યા છે, અને તે પણ એકેય હીરો લીધા વગર. આ ફિલ્મને આલોચકોની સાથે આમ જનતાએ પણ ભરપેટ વખાણી છે. વૈશ્વિક સ્તર પર જોઈએ તો આ ફિલ્મ મરાઠી વિશ્વની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. દિગ્દર્શક કેદાર શિંદે સહિત આખીયે ટીમ અભિનંદનને પાત્ર છે.

આ ફિલ્મ સ્ત્રીએ જ નહિ, પુરૂષે પણ જોવાની જરૂર છે. કારણ કે સામાજિક બદલાવ તો બંનેના સહયોગથી જ આવશે ને…

ગોલ્ડન કી

લોકો કહે છે કે સ્ત્રીનું કોઈ ઘર નથી હોતું,
પણ હકીકત એ છે કે સ્ત્રી વિના ઘર, ઘર નથી હોતું!

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant