આપણે વહાલ વેરીએ, કોઈના સવાલ સમેટીએ

મન એ ભાવ જગત છે, કલ્પના-સપના છે, મન અનુભૂતિનો વિષય છે, મનમાં અનેક પ્રકારના વિચાર છે એ નેગેટીવ કે પોઝિટીવ કે ન્યૂટ્રલ એમ દરેક પ્રકારના છે.

Adhi Akshar Kalpna Gandhi Article Diamond City 407
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

આપણે કેટલીયે વાર કહેતા હોઈએ છીએ કે ‘કંઈક સ્પેશ્યિલ ખાવાનું મન થાય છે’ અથવા ‘આજે ક્યાંય મન લાગતું નથી’ કે ‘મન ખૂબ પ્રસન્ન છે’ તો આ મન શરીરમાં ક્યાં છે? એવો પ્રશ્ન થાય તો થોડીવાર વિચારમાં પડી જવાય કે મન આખરે આવ્યું ક્યાં? પરંતુ વાસ્તવિકતા એ છે કે મન એ શરીરનો કોઈ ‘ફોટો’ પાડી શકાય ચીંધાડીને બતાવી શકાય તેવો હિસ્સો નથી. શરીરમાં મગજ છે, કીડની છે, ફેફસા છે, હ્રદય છે (દિલ જુદું) પણ મન નથી, તો આપણે જેને ‘મન’ કહીએ છીએ એ શું છે?

મન એ ભાવ જગત છે, કલ્પના-સપના છે, મન અનુભૂતિનો વિષય છે, મનમાં અનેક પ્રકારના વિચાર છે એ નેગેટીવ કે પોઝિટીવ કે ન્યૂટ્રલ એમ દરેક પ્રકારના છે. વળી મનના મનોવિજ્ઞાનના મતે ઘણા પ્રકાર છે. તો ધર્મશાસ્ત્ર મનને જુદા રૂપે જુએ છે. પણ એકદમ શોર્ટ મન એ જેટલું કહીએ એટલું સહજ નથી, તે ખૂબ ગૂંચવાયેલું છે. મન કોને કહેવું અને મન કોને ન કહેવું તે વિશે પણ કેટ-કેટલાં મતમતાંતર છે.

મન-પાસે એક તરફ તો મહાનતા છે, ભવ્યતા છે, દિવ્યતા છે, માનવતા છે, સુંદરતા છે, સહ્રદયતા છે, ઉદારતા છે… તો બીજી તરફ મન સાવ તુચ્છ બાબતોમાં સંકુચીત બની જાય છે! નાની-નાની વાતોમાં તેને માઠું લાગી જાય છે, નારાજ થઈ જાય છે, દુ:ખ લાગી જાય છે, ક્યારેક એવું ભરમાવે છે કે તેને સમજવું મુશ્કેલ જ નહિ, કપરું થઈ જાય છે.

ક્યારેક મન મિત્ર બની જાય છે. સહાયક બની જાય છે. મદદગાર બની જાય છે. તમારે જે કામ કરવું હોય તમે ઈચ્છા કહો ક્યાં કહ્યાગરું બની સાથ આપવા માંડે છે, ને ક્યારેક દુશ્મન જેવું વર્તે છે. અડી જાય છે, અડિયલ ઘોડાની માફક. એક ઈંચ પણ ચાલતું નથી, કોઈપણ ભોગે માનતું નથી તમે કાલાવાલા કરો તોય તમારું ચાલતું નથી.

ક્યારેક મન પુણ્યશાળી બની જાય છે. ધર્મ કરાવે છે. ભક્તિ કરાવે છે. પૂજા-પ્રાર્થના કરાવે છે. મોટા જપ-તપ કરાવે છે. જીવનને ઉન્નતિના માર્ગે લઈ જાય છે. તો પાછું એ જ મન પાપ સુધી પણ દોરી જાય છે. જીવ-જંતુની હિંસાથી લઈ માનવ હત્યા સુધીના પાપ કરાવે છે.

આ મન સાવ નબળુ, કમજોર બની ડરીને છાના ખૂણે સંતાઈ જાય છે. ક્યારેક ક્યારેક તો કેસરીયા કરી શકે તેવું બહાદૂર બની જાય છે. મોટી મોટી ક્રાંતિ કરી/કરાવી શકે તેવું શક્તિશાળી બની જાય છે.

ક્યારેક મન જીવન નાવડીને ગેરમાર્ગે દોરે છે, ખોટી દિશા બતાવે છે, ભ્રમમાં નાખે છે, મોહ પમાડે છે ‘ધૃતરાષ્ટ્ર’ જેવી આંખો આપે છે તો ક્યારેક સદમાર્ગી બની જાય છે. જીવનના પ્રવાહને ગંગા જેવો કરે છે ને લઈ જાય છે ગંગા-સાગર ભણી કે જ્યાં સાચી મંઝિલ છે, સાચો મુકામ છે.

ક્યારેક મન આળસમાં આળોટે છે, પડી રહે છે, એદી થઈ જાય છે. તેને કંઈ જ કરવું હોતું નથી. બલ્કે નક્કામા વિચારોએ ચઢી જાય છે કે જેનો કોઈ અર્થ નથી. ક્યારેક અર્થનો અનર્થ કરે છે. ક્યારેક ગેરસમજના કાંટા ઊભા કરે છે. તો ક્યારેક એકદમ વર્કહોલિક બની જાય છે. એકદમ સચોટ આઈડિયા બતાવે છે. તેને સાકાર કરવાની પ્રેરણા પૂરી પાડે છે. સાચી સમજ કેળવે છે સાચુ સમજે ને સાચુ વિચારે છે.

આ મન ઘડીકમાં શહેરની ગલીઓમાં ભટકતું હોય છે તો ઘડીકમાં અમેરિકાની સૈર કરવા પહોંચી જાય છે. તેને ન ટીકિટ જોઈએ, ન વિઝા, ન ટ્રાફિક જામ નડે, ન ટ્રાવેલીંગની ઝંઝટ. અરે! કશું પેકિંગ કરવાની પણ જરૂર નહીં. પોતાનો સાજ-સામાન તેની સાથે જ હોય. બધો સંરજામ સાથે લઈ નીકળી પડે હરવા-ફરવા.

કમાલ તો એ છે કે જઈએ લગ્ન પ્રસંગે ને એ સ્મશાન યાત્રામાં પણ હોઈ શકે! વળી, કોઈની શ્રદ્ધાંજલી સભામાં આવ્યા હોઈએ ત્યારે તે મનગમતા પ્રસંગોમાં પણ મહાલતું હોય એવું બને શરીર ક્યાંક હોય ને મન ક્યાંક તેવું તો દરેકે ક્યારેક ને ક્યારેક અનુભવ્યું હશે. તેનાથી એક વાત ચોક્કસ સાબિત થાય છે કે મન એ શરીરનો હિસ્સો નથી બલ્કે કંઈક જુદું જ તત્વ છે પણ છે બહુ જ ઈન્ટરેસ્ટીંગ.

મનની ઘણી વિચીત્રતાઓ છે તેમાની એક છે, તેની પાસે જ છે. ચાહે એ સંબંધ હોય, સંપત્તિ હોય, સુવિધા હોય, સર્વિસ હોય તેમાં તેને સંતોષ મળતો નથી! જ્યાં સુધી તેને જે વસ્તુ કે વ્યક્તિ ન મળે- તે તેને પામી ન લે ત્યાં સુધી ખૂબ ઝંખે ને ઝૂરે પણ જેવું એ મળી જાય તેમાંથી તે હટી જાય. ‘મન ઉડી ગયું’ કે ‘મન ફરી ગયું’ એવા વાક્ય પ્રયોગ આપણે કરીએ જ છીએ, આ મનનો સ્વભાવ છે.

મનનો મુખ્ય સ્વભાવ શું છે? જેમ ફુલોનો સ્વભાવ છે ખુશ્બુ ફેલાવવાનો. ચાંદનો શીતળતા આપવાનો, દીવાનો પ્રકાશ આપવાનો એમ મનનો પણ એક ‘નક્કર’ સ્વભાવ છે. મન હંમેશા રોપાયેલા વિચાર કે ભાવ સામે સમાન, વિરોધી અને તટસ્થ એવી કેટલીય તરંગો લહેરાવે છે. દા.ત. તમે વિચાર કર્યો કે કોઈ નવો બિઝનેસ કરવો, એ તરત જ પ્લસ, માઈનસ અને ન્યૂટ્રલ પોઈન્ટસના ખડકણ કરવા લાગશે. એક વિચાર બીજ તરત વૃક્ષ બનવા લાગશે અને મનોમન તેના ફળ પણ પાકી જશે. પેલું કહે છે ને ‘મનમાં પરણે, મનમાં રાંડે’ એવો મનનો ઘાટ છે!

આ મન ઓવર સેન્સીટીવ લોકોને વધારે પજવે છે. વધારે પડતી સંવેદનશીલતાને કારણે તે વધારે ને વધારે કન્ફ્યુઝન ઊભું કરે છે એટલે કે વધારે ને વધારે વિકલ્પોરૂપી વિચારો વેરી દે છે. માણસ અત્યંત ઝીણું-ઝીણું કાંતવા પ્રેરાય છે કોણે શું કીધું, શા માટે કીધું, કહ્યું ત્યારે તેના હાવ-ભાવ કેવા હતા? કોની હાજરીમાં કીધું? આ કે તે શબ્દોનો ઉપયોગ જ શા માટે કર્યો? કોઈ પુસ્તક, ઓડિયો, વિડીઓ, વાર્તા, જોક્સ કે અન્ય જે કાંઈ વાતમાં ભેળવ્યું તેમ શા માટે કર્યું? જે કહ્યું તેમાં, ન કહેલી  વાતનો ભાવાર્થ શું હતો? એમ માણસ વિચારી-વિચારીને થાકી રહે અને તેને કોઈ કન્કલ્યુઝન જ ન મળે. મન આમથી તેમ માણસને ફેરવતું રહે તે ગૂંચ વધતી ને વધતી જ રહે.

આપણે સમજી જવું પડશે કે આ ‘મન’ નો પોતાનો એક ‘સ્વભાવ’ છે. અતિ સંવેદનશીલ દરેક માણસ સાથે મન આ રીતે જ વર્તે છે જ્યારે સમજી જઈએ કે આ મનનો નિયમ છે અને તે દરેક વ્યક્તિ પર લાગૂ પડે છે ત્યારે એક સ્વીકાર ભાવ આવે છે કે ઓલરાઈટ હવે મનને મનની રમત સમજાઈ. એકવાર મનનું સ્વરૂપ સમજાય પછી સ્થિતિ સંભાળવી થોડીક આસાન બને છે કે હવે નેકસ્ટ સ્ટેપ શું લેવું!

એમાંય જો તમે ઓવરથીંકીંગ કરનારા હોવ કે તમારા ખાસ સ્વજનમાં કોઈ એવું હોય ત્યારે આ બધુ બરાબર જાણવું જરૂરી બને છે જેથી પોતાની કે પોતાના પ્રિયજનની સમયસર અને સહજ રીતે મદદ કરી શકાય નહિતર જો આમ કરવામાં મોડું થાય તો વ્યક્તિ મોટી માનસિક સમસ્યાનો શિકાર બની શકે છે. જોકે ઓવર સેન્સીટીવીટી પણ એક માનસિક સમસ્યા છે પણ જો વ્યક્તિ ધારે અને પરિવારજનો સાથ આપે તો એ વગર દવાએ હળવી બની શકે છે.

માણસના પ્રત્યક્ષ અને પરોક્ષ અનુભવોમાંથી તેણે શું શીખ્યું, જાણ્યું, ગ્રહણ કર્યું, અનુભવ્યું એ બધામાંથી તેનું ‘મન’ બને છે. દરેક ઈન્દ્રિયો દ્વારા જાણ્યે કે અજાણ્યે જે સંદેશાઓ મને ઝીલ્યા હોય તે વિચાર બીજ અંદર પડ્યાં જ હોય, ક્યારે ક્યો વિચાર ક્યા વિચાર સાથે જોડાણ કરીને કઈ રીતે પ્રગટ થશે તે કહેવું લગભગ અસંભવ છે. એટલે જ તો ક્યારેક માણસને લાગે છે કે જે-તે વિચાર મારા મનમાં સ્ફૂર્યો જ કઈ રીતે ? હું આવું વિચારી જ કંઈ રીતે શકું? પણ આપણને ખ્યાલ નથી હોતો કે આ બધી મનની માયાજાળ છે. એટલે જ ધર્મ તેને મરક કે વાંદરા સાથે સરખાવે છે! મન વાંદરાની જેમ ફાવે તેમ ગુલાંટી મારે છે તેને માટે ઉંમર, કાળ, સ્થળ, જાતિ, રંગ-રૂપ કોઈનીય સીમા કે મર્યાદા નડતી નથી.

મનની આ અસીમિતતા, અપરંપારિતા કે અમર્યાદિતતા ખરું જોતા તો માણસ માટે વરદાન છે. અવનવી કલ્પનાઓ કરીને માણસે જે કોઈ શોધ-આવિષ્કાર કર્યા તેમાં મનનો ફાળો મોટો છે પણ આ બધુ એ મન કરી શકે જે સકારાત્મક હોય તો તે સર્જનાત્મક હોય જો એ નકારાત્મકતા તરફ વળે તો વિધ્વંસ બને. એ પોતાનું કે અન્યનું ગમે તેવું અને ગમે તેટલું નુકશાન કરતા ન ખચકાય. હત્યા-આત્મહત્યા તેના સૌથી મોટા પુરાવા છે! એ પણ મનની અતિના કારણે છે, આત્મહત્યા તો ટેમ્પરરી પ્રોબ્લેમનું પરમાનેન્ટ સોલ્યુશન કરવા જેવી વાત ગણાય.

અતિ સંવેદનશીલતાને હળવી કરવી અત્યંત જરૂરી છે. પણ તે પ્રયાસ કરવા જતા પહેલા સમજવું પડશે કે મનને એક સીમા સુધી જ સમજાવી શકાય નહિતર જો એ વિદ્રોહ પર આવે તો જેટલું સારું કર્યું હોય એનાથી કેટલાય ગણું બગાડી મૂકે. એટલે જેમ કુંભાર માટલાને ટીપે પણ અંદરથી ‘સપોર્ટ’ આપીને એ રીતે સાવ હળવે હાથે મનની માટીને ટપારવી જોઈએ. એમાંય નક્કી કરી જોવા જોઈએ કે ક્યા દસ પોઈન્ટસ છે જેમાં પરિવર્તનની જરૂર છે, તેમાં સૌથી સરળથી સૌથી મુશ્કેલ એમ મુદ્દાઓ લખી લેવા જોઈએ. સૌથી પહેલા સરળતમ બાબતને શક્ય બનાવવી જોઈએ અને જાતને શાબાશી આપવી જોઈએ કે તે કંઈક અચીવ કર્યુ જો અઘરી બાબતોથી શરૂ કરવામાં આવે તો શક્ય છે મન હારીને ટૂટી જાય અને ફરી પ્રયત્ન જ ન કરે! બીજું એ પણ જાણી રાખવું કે એક મન છે કે સચેત કે જાગૃત મન છે, અન્ય એક અજાગૃત કે અન્કોશિયસ માઈન્ડ છે. આ માઈન્ડને ‘ના’ સમજાતી નથી. એ તો બસ ચીઠ્ઠીનો ચાકાર છે એટલે તેને જે આજ્ઞા આપો તેમાં ના કે નહિ શબ્દો ન આવવા જોઈએ બલ્કે શું કરવું છે, ક્યારે કરવાનું છે, કેવી રીતે કરવાનું છે એવા સજેશન જ આપવા જોઈએ. મનોવિજ્ઞાન કહે છે કે વિઝ્યુલાઈઝેશન એ પાવરફૂલ ટેકનીક છે કારણ કે અન્કોશીયસ માઈન્ડ ફોટાની ભાષા સમજે છે!

શ્રીમદ્ ભગવત ગીતા કહે છે કે, ન મનથી મોટો મિત્ર છે, ન મનથી મોટો શત્રુ (6.6) જે પોતાને જીતી લે તેના માટે મન મિત્ર છે, જે પોતાની જાતને ન જીતી શકે તેના માટે મન જ શત્રુ. એ જ ગીતા કહે છે કે મનની શક્તિના માધ્યમથી સ્વયંને ઉપર ઉઠાવો, ન કે નીચે પાડો. કારણ કે મન જ સ્વયંનો મિત્ર થઈ શકે છે, ને મન જ શત્રુ બની શકે છે.

મન પાસે અમાપ શક્તિ છે છતાં મનથી વધુ નબળુ કંઈ જ નથી. એ વજ્રથી કઠોર પણ છે ને કમળથી કોમળ પણ…

એકલા ભારતમાં જ લગભગ 19.7 કરોડ લોકો કોઈને કોઈ પ્રકારની માનસિક બીમારીથી પીડાય છે ક્યારેક તેમને પોતાને જ ખબર નથી હોતી કે આ કોઈ સમસ્યા છે ને ક્યારેક તેનું સમાધાન તેમના સુધી પહોંચતુ નથી શારીરિક તકલીફોની જેમ જ માનસિક મુશ્કેલીઓ માણસને અત્યંત પીડે છે અને તેના પ્રત્યે પણ માણસે ભારોભાર કરુણા રાખવી જોઈએ ન કે તેને ‘ગાંડા’ માં ખપાવી દેવો જોઈએ. દરેક માનસિક રોગી ‘પાગલ’ નથી હોતા. તેને જરૂર હોય છે થોડીક હુંફની, થોડાક પ્રેમાળ શબ્દોની, થોડીક તાજગીની, થોડીક સાથ-સહકાર અને સમજદારીની. જો આપણે શક્ય તેટલો તેમને સાથ આપી શકીશું તો પ્રામાણિક પ્રયત્નો તો થઈ જ શકે છે. દરેક માણસને જોઈએ છે વ્હાલ, મીઠો સ્પર્શ અને ભીનો ભાવ…

આપણે સમજીશું ને…!

ગોલ્ડન કી

મનને બાળકની જેમ સમજાવો ‘ઓલ ઈઝ વેલ’ કહેતા શીખવાડો.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp Channel

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant