‘મૈં ઐસા ક્યૂઁ હૂઁ?’ સવાલનો જવાબ સિગ્મંડ ફ્રોયડ આપે છે!

ફ્રોઈડ અનુસાર માણસના આંતરિક મન, વિચાર, બુદ્ધિ, પ્રજ્ઞા વગેરે દ્વારા કાર્ય કરવાના ત્રણ આધાર છે, જે છે - ચેતન, અચેતન અને અર્ધ ચેતન.

Diamond-City-Adhi-Akshar-Kalpna Gandhi Article-issue-386-1
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

હંગેરી સામ્રાજ્યના ફ્રી બર્ગ શહેરમાં 6 મે 1856 ઓસ્ટ્રીયાના એક સામાન્ય પરિવારમાં એક બાળકનો જન્મ થયો. છ વર્ષની વયે તો તેણે આઠ ભાષાઓનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું હતું. તે ઉપરાંત પોતાના શૈક્ષણિક કાળમાં તેણે ઘણી ઉપલબ્ધિઓ હાંસલ કરી હતી. સ્વતંત્ર વિચારસરણીવાળો આ બાળક આગળ જતા એક સફળ મનોવૈજ્ઞાનિક અને ફિલોસૉફર તરીકે જાણીતો થયો. સમગ્ર વિશ્વ પર જેના વિચારોએ અસર કરી તે બાળકનું નામ સિગ્મંડ ફ્રોયડ હતું. તેણે તેની દિકરીની મદદથી વ્યક્તિત્વ માપનની કે વ્યક્તિત્વ મનોવિશ્લેષણ માટે એક વિધિ શોધી જે વ્યાપક પ્રમાણમાં પ્રસિદ્ધિ પામી. ફ્રોઈડની કીર્તિમાં આ સિદ્ધાંતનું મોટું યોગદાન છે. સિગ્મંડ ફ્રોઈડે આ સિદ્ધાંતની રચના કરી તેને સો વર્ષ થયા, છતાં હજુ તેની પ્રાસ્તાવિકતા અકબંધ છે.

આ દિલચસ્પ વાતને બહુ ટૂકમાં સમજીએ જેથી આપણે આપણી જાતને તથા અન્યોને ઓળખી શકીએ.

સિગ્મંડ ફ્રોઈડ અનુસાર માનવના સ્વભાવની ઉત્પત્તિ ત્રણ તત્વો દ્વારા થઈ છે. જેમાં એક છે ઈદ(ID), બીજું અહમ (EGO) અને ત્રીજું પરમ અહમ (Super Ego). ફ્રોઈડ અનુસાર માણસના આંતરિક મન, વિચાર, બુદ્ધિ, પ્રજ્ઞા વગેરે દ્વારા કાર્ય કરવાના ત્રણ આધાર છે, જે છે – ચેતન, અચેતન અને અર્ધ ચેતન. મનુષ્યના સ્વભાવ નિર્માણમાં ઈદ, અહમ અને પરા અહમ તથા માનવ-મનના ત્રણ લેયર ચેતન (Conscious) અચેતન (Unconscious) અને અર્ધ ચેતન(Semi-Conscious) શામેલ છે.

ચેતન એ મન કે ચિત્તની એ અવસ્થા છે જ્યાં માણસ સજાગ રહીને, કોઈ અંતર દ્વન્દ્વ વગર સાચો અને સ્પષ્ટ નિર્ણય લઈ તેની સાથે કોઈ પણ કાર્યને આકાર આપી શકે છે. ચેતન મન “માનવતાવાદી’ છે, Humanistic છે.

Diamond-City-Adhi-Akshar-Kalpna Gandhi Article-issue-386-4.

અચેતન, ફ્રોઈડ અનુસાર વ્યક્તિનું અચેતન મન અત્યંત મહત્ત્વપૂર્ણ છે. મનનો બહુ મોટો હિસ્સો અચેતન છે. જેમાં માણસના શારીરિક સંવેગો અને કામ ભાવનાઓ વસે છે. ફ્રોઈડ કહે છે કે વ્યક્તિની શારીરિક વૃત્તિઓની તૃપ્તિ જે સુખાનુભૂતિ પ્રાપ્ત થાય છે તેને “સુખવાદી સિદ્ધાંત” (Hedonistic Principle) માનવામાં આવે છે. અચેતન મનને તે સમસ્ત કુ-વિચારોનો ભંડાર ગણાવે છે. તે જણાવે છે કે વ્યક્તિના દરેક વિચારો તે ચેતન મનના હોય કે અર્ધ ચેતન મનના, તે દરેક અચેતન મનમાંથી જ પ્રગટે છે. માણસના અચેતન મનને ફ્રોઈડ કેન્દ્ર રૂપે સ્વીકારી તેને અત્યંત મહત્ત્વપૂર્ણ ગણાવે છે.

અર્ધચેતન મન (Semi-Conscious) માણસ અર્ધસક્રિય થઈને જે વિચારે છે કે કરે છે, તે અર્ધચેતન મન દ્વારા પ્રેરિત હોય છે એટલે કે માણસના વિચારોમાં અસ્પષ્ટતા તથા કોઈ કાર્યને લઈને જે દ્વન્દ્વ હોય છે, તેનું કારણ અર્ધચેતન કે અર્ધજાગૃત મન છે.

આ દ્વન્દ્વ માણસને ફરી-ફરી વિચારવા પ્રેરે છે અને કોઈ કામ કરતી વખતે તે ઘણીવાર એ વિચારનું એનાલીસીસ કરે છે એટલે કે જ્યારે આપણે કોઈ વિચારને કાર્યાન્વિત કરવા માટે અવઢવમાં હોઈએ કે પુન:વિચાર કરતા હોઈએ ત્યારે અર્ધચેતન મન તે વિચારને ફોર્સ આપે છે.

ફ્રોઈડના આ ત્રણ સિદ્ધાંત ચેતન, અચેતન અને અર્ધચેતન પર આધારિત વ્યક્તિત્વ નિર્માણ ત્રણ તત્વો દ્વારા આકાર પામે છે. જે ઈદ્, ઈગો અને સુપર ઈગો છે આ ત્રણેયને સમજીએ. ઈદ્ શું છે? આ લેટિન ભાષાનો શબ્દ છે જેનો અર્થ છે “IT IS’ ફ્રોઈડ માને છે કે ઈદ્, એ બાળકની ‘જન્મજાત પ્રકૃતિ’ છે. સેક્યુઅલ બિહેવિયર થિયરી ઈદ્ની અંતગર્ત આવે છે, જ્યારે શીશુ માતાનું સ્તનપાન કરે છે, કે પોતાના અંગૂઠો ચૂસે છે ત્યારે આ બધુ તેની કામભાવનાને દર્શાવાની ક્રિયા હોય છે. (જોકે આ વિચારની ટીકા પણ થઈ છે.)

ઈદ્ને સત્ય, વાસ્તવિકતા કે હકીકત સાથે નાહવા-નીચોવવાનો પણ સંબંધ હોતો નથી. જે માણસની ડ્રાઈવિંગ ફોર્સ ઈદ્ હોય તેનાથી સાવધાન રહેવું જોઈએ. ઈદ્ એ માણસના વિકૃત મગજને પણ ઇંગિત કરે છે. ચોરી, ખૂન, રેપ, લૂંટ જેવી વિકૃતિઓ કે અપરાધિક પ્રવૃત્તિઓ ઈદ્ની ઉપજ છે. જ્યાં માણસ પોતાની ઈચ્છાઓ, સંવેગો, આવેગો કે વિચારો પર કન્ટ્રોલ રાખી શકતો નથી અને માણસ પાશવિક વૃતિ કે જંગલી પશુના સ્તર પર આવી જાય છે. તે બાહ્ય કે આંતરિક તાણ ઝીરવી શકતો નથી. દરેક વ્યક્તિમાં ઈદ્ની પ્રમાણ ઈગો કે સુપર ઈગો કરતાં સૌથી વધારે હોય છે, માટે જ માણસ ધાર્યું કરવા પ્રેરાય છે. ઈદ્ એ ઘોર સ્વાર્થ પ્રેરક વૃત્તિ છે. ઈદ્ વૃત્તિ કાર્ય કરતી હોય ત્યારે માણસ બીજાની લાગણી કે મૂલ્યોનો વિચાર કરતો નથી. જો પોતાની ઈચ્છા પરિપૂર્ણ ન થાય કે તેમાં કોઈ વિઘ્ન આવે તો માણસ ડિપ્રેશન, હતાશા, નિરાશા કે ક્રોધ જેવા મનોભાવોથી સંચાલિત થવા લાગે છે. ઈદ્ એ કલ્પનાઓનો પ્રદેશ છે. જ્યાં માંગણી કે ઈચ્છાની તરત જ સંતુષ્ટિ થાય એવો આગ્રહ સેવાય છે. મોજમજા, મસ્તી, ખુશી વગેરેની આસપાસ ઈદ્ ફરે છે. તેમાં બાલિશતા અને નાદાનિયત ભરપૂર હોય છે. ઈદ્ની વૃત્તિ, જિદ્દી અને જક્કી બાળક જેવી છે, તેને જે જોઈએ એ બસ “બાય હૂક ઓર ક્રૂક’ જોઈએ જ છે. જ્યાં તર્ક કે સમજણ કામ આપતી નથી. બીજાનું જે થવું હોય તે થાય પણ મને મારું ધારેલું જોઈએ જ, એવી ઈદ્ની વૃત્તિ રહે છે. તેમાં ઈર્ષાનું પ્રમાણ પણ ઘણું જોવા મળે છે એટલે વાચકોએ પણ નોંધ્યું હશે કે એક બાળકને જે રમકડું જોઈએ એ જ રમકડું બીજા બાળકને પણ જોઈતું હોય છે. આ સિદ્ધાંતને ‘ઉપભોક્તાવાદ’ પણ કહેવાય છે.

જોકે, આ નકારાત્મક પાસાં સિવાય ઈદ્ની સકારાત્મક બાજુ પણ છે. સાવ નાનું બાળક અથવા એકથી ત્રણ વર્ષનું બાળક ઈદ્ દ્વારા પોતાની જરૂરિયાત પ્રત્યે ઘરના સભ્યોને સભાન કરે છે. તે રડે છે, ત્યારે તેને ભૂખ-તરસ લાગી હશે, કે ક્યાંક કોઈ દર્દ થતું હશે કે કુદરતી હાજતો દ્વારા તે અકળાતું હશે તેમ સમજી શકાય છે. એકથી ત્રણ વર્ષના બાળકમાં ઈદ્નું તત્વ સુપિરિયર હોય છે એટલે તેને દલીલ, તર્ક કે આદર્શવાદી વિચારો દ્વારા સમજાવી શકાતું નથી (એનો અર્થ એ પણ થયો કે પુખ્ત માણસને પણ લોજીકલ કે રીજનલ રીતે ન સમજાવી શકાય તો તે પણ બાળબુદ્ધિ ગણાય!)

Diamond-City-Adhi-Akshar-Kalpna Gandhi Article-issue-386-2

ટૂંકમાં, ઈદ્ એક વાઈલ્ડ ફોર્સ છે જ્યાં માણસ ઔકાત, હૈસિયત, સમય-સંજોગો કે કોઈ જ ગણતરી વગર ધાર્યું જ કરે છે. તેને કોઈનીયે પડી હોતી નથી. એ જે કરે છે માત્ર પોતાના સુખ માટે કરે છે. તેને ‘મંકી માઈન્ડ’ પણ કહી શકાય. જેનું તાજું ઉદાહરણ કિમ જોંગ ઉન છે જે નોર્થ કોરિયાનો સુપ્રિમો છે.

આ પ્લેઝર પ્રિન્સિપલની બે અન્ય વિશેષતાઓ પણ છે. એક છે, ‘લીબીડો’ એટલે કે જીવેષણા. પોતાના જીવ પ્રત્યે અને જીવન પ્રત્યે અંધ-મોહ. જીવવાની એટલી પ્રબળ ઈચ્છા કે પોતાના જીવન માટે કે વિચારધારા માટે બીજાની હત્યા કરવી પડે તો પણ નિ: સંકોચ કરી નાખવી! અને બીજું પાસું છે, ‘થેનેટોસ’, એટલે કે મૃત્યેષણા. પોતાનું ધાર્યું જીવન ના મળે તો પોતાની જાતને જડમૂળથી ખતમ કરવાની પ્રબળ લાગણી એ મૃત્યેષણા છે. દા.ત. હીટલરે આત્મહત્યા કરેલી. બીજી રીતે જોઈએ તો આત્મહત્યા કરનાર એ પુરવાર કરે છે કે મરજી મુજબની જિંદગી ન મળે તો પોતે પોતાની મેળે મરજી મુજબનું મૃત્યુ તો પસંદ કરી જ શકે છે ને?! ઈદ્ ઈર્ષાળુ છે, તમે નોંધ્યું હશે એક બાળકને જે રમકડું જોઈએ બીજાને પણ તે જ જોઈતું હોય છે.

હવે મનોવિશ્લેષણના બીજા પાસાં ઈગોને સમજતા પહેલા સુપર ઈગોને સમજીએ જેથી ઈગોને સમજવું સરળ બનશે.

સુપર ઈગો-ફ્રોઈડ અનુસાર સુપર ઈગો. નૈતિક સિદ્ધાંતો (Moral Principles) પર આધારિત છે. સુપર ઈગોના કેન્દ્રમાં વૅલ્યુ સીસ્ટમ, નૈતિકતા, આદર્શ, વિવેક-વિચારની ગહન શક્તિ, સામાજિક બંધારણ પ્રત્યે વિશ્વાસ, સત્યનિષ્ઠા અને સંસ્કૃતિ વિષયક વિચારણા વગેરે શામેલ છે. ક્ષમા, દાન, ત્યાગ, પરોપકારિતા, નીતિમત્તા, નિયમો, કાયદા-કાનૂન, ચારિત્ર્ય નિર્માણ વગેરે ઉચ્ચ કોટિના ભાવો અને કાર્યો સુપર ઈગો દ્વારા દોરવાય છે. “પ્રાણ જાય પર વચન ન જાયે’ એવી ફિલોસોફી પર જીવતો હોય છે, આ માણસ . દા.ત. સ્વામી વિવેકાનંદ, રાજારામ કે હરીશચંદ્ર કે યુધિષ્ઠિર જેવા ગુણો તે ધરાવે છે. કોઈ ઘર-પરિવાર, સમાજ કે દેશ માટે તેનું વ્યક્તિત્વ કે તેના નિર્ણયો દેવદૂત અથવા ફરિશ્તા જેવા હોય છે. તેઓ પોતાની ઈચ્છાઓ અને જરૂરીયાતોનું દમન કરે છે. પોતાનાથી કોઈકને જરાક તકલીફ પડે તો તે પોતાને ટપારે છે. જ્યારે માણસનો સુપર ઈગો સુપેરે કાર્ય કરતો હોય ત્યારે તે સ્પષ્ટ, સુનિશ્ચિત, ચોક્કસ અને સાચા ફેંસલા કરી શકવા સમર્થ હોય છે. સુપર ઈગો ચેતન મન દ્વારા ડ્રાઈવિંગ ફોર્સ મેળવે છે, એટલે જાણે માલિક જાગતો હોય ત્યારે ચોર ઘરમાં ન પેસી શકે તેવી જ રીતે ચેતન મન સજગ હોય ત્યારે ખોટા, ખરાબ, નકામા કે નકારાત્મક વિચારો મનમાં પેસી શકતા નથી. મોટે ભાગે દરેક માણસમાં આનું પ્રમાણ બહુ જ ઓછું હોય છે. જેમ કે, આપણે જોઈ ગયા કે ઈદ્નું પ્રમાણ મોટા ભાગના માણસોમાં વધારે હોય છે ને સરવાળે તે સમાજ સ્વાર્થ-પરક બને છે.

નિ:સ્વાર્થતા, પ્રામાણિકતા, કાર્ય દક્ષતા, કરુણા, સત્યપ્રિયતા પ્રેમ વગેરે ગુણો સુપર ઈગોના કારણે છે. ખોટું કે ખરાબ થઈ જાય ત્યારે પ્રાયશ્ચિતની લાગણી થવી, દુરંદશીપણું  કેળવવું વગેરે સુપર ઈગોની નિશાની છે. સુપર ઈગો જન્મજાત નથી હોતો, જેમ કે આપણે જોયું કે ઈદ્ જન્મજાત હોય છે પણ સુપર ઈગો માણસ સભ્યતા અને સંસ્કૃતિને કારણે પોતાનામાં કેળવે છે. જેમ જેમ આ સુપર ઈગો કેળવાતો જાય છે. તેમ તેમ માણસ મનુષ્યતાના શિખર તરફ આગળ વધતો જાય છે. તે સમાજ માટે માર્ગદર્શક હોય છે. સુપર ઈગોનો આટ-આટલા ગુણો કે સકારાત્મક પાસાં હોવા છતા તેની પણ નકારાત્મક બાજુ છે.

સુપર ઈગો ધરાવનાર વ્યક્તિને કેવળ પોતાના પ્રત્યે પણ બીજાના વિચારો તથા કાર્યો પ્રત્યે પણ જજમેન્ટલ બની શકે છે. એ અન્યોના કૃત્યોને ન્યાયાધીશની નજરથી મૂલવે છે અને જો એ વિચારો, ભાવો કે કાર્યો “ન્યાયાધીશ’ ને અનુરૂપ ન પામે તો દુ:ખી થાય છે દા.ત. ભીષ્મપિતા, ગાંધીજી, પાંડવો વગેરે. કૃષ્ણની ગીતા અર્જુનના ચલિત થવાનું પરિણામ છે. કારણ કે, અર્જુન હાઈ એથીક્સવાળો યોદ્ધા હતો.

સુપર ઈગો ધરાવનાર પોતાની જાતનું એનાલીસસ કરે છે, ભૂલ થાય તો પોતાને જ પનીશમેન્ટ આપે છે. સાચું કરે તો રિવોર્ડની ફીલીંગ પણ અનુભવે છે કે સંતોષ પણ માણે છે કે પોતે કાંઈક સારું કર્યાનો આનંદ મેળવે છે. આ આનંદ એકદમ સાત્વિક હોય છે. ઈદ્ જેવો આત્મકેન્દ્રી નથી હોતો કે ન તામસિક કે રાજસિક હોય છે.

હવે સમજીએ ઈગોને. આપણે ઈગો સાંભળીએ કે વાંચીએ તો અહંકારી, ઘમંડી કે સ્વચ્છંદી વ્યક્તિની ઇમેજ સામે આવી જાય પણ અહીં ઈગોનો અર્થ છે “સેલ્ફ’.

આ સેલ્ફની વિશેષતાઓ પણ ખૂબ રસપ્રદ છે. ઈગો પણ જન્મજાત નથી હોતો, તેને વ્યક્તિત્વમાં ડેવલપ કરવો પડે છે. તેની ટ્રેનિંગ લેવી પડે છે. ઔપચારિક કે અનૌપચારિક શિક્ષણ, માનવ-સભ્યતા અને સામાજિકતા વગેરે દ્વારા માણસ આ પ્રકારના ગુણોને પોતાનામાં વિકસિત કરે છે. સ્વયંના વિચારો, ભાવો અને કાર્યો પર નિયંત્રણ, સૂચનાઓનું સમજદારીપૂર્વક વિશ્લેષણ, પૃથ્થકરણ, પ્લાનિંગ ઉપરાંત સહિષ્ણુતા, પરિપક્વતા, જવાબદારી વહન કરવાની ભાવનાઓ અને ક્ષમતાઓ, સંબંધોનું માન અને જાળવણી, નૈતિકતાનો વિચાર એ ઈગોના લક્ષણો છે. ઈગો, ઈદ્ની જેમ કલ્પનાવાદી કે સુખવાદી નથી અને સુપર ઈગોની જેમ ઘોર ‘આદર્શવાદી’ પણ નથી તે ‘માનવતવાદી’  કે કેટલાક અંશે ‘યર્થાથવાદી’ છે. દરેકનો વિચાર અને પરિસ્થિતિનો તાગ મેળવીને ઈગો-વાદી નિર્ણય લે છે. ઈગો મન પર સુપેરે શાસન કરી શકે છે. મોટાભાગના વ્યક્તિમાં આનું પ્રમાણ પણ ઓછું હોય છે.

મોટેભાગે તે ચેતન મનથી ડ્રાઈવ થાય છે. એ ઈદ્ની જેમ મનમોજી નથી. ખોટું આચરણ તે કરતો નથી પણ કરવું જ પડે તેમ હોય ત્યારે ખચકાય છે અથવા તેમ કરવા માટે તેના પાસે સજ્જડ કારણો હોય છે, બહાના નહીં. ચેતન મનથી તે ફોર્સ મેળવે જ છે પણ ક્યારેક તેનામાં અચેતન મન પણ ભળે છે, ત્યારે તે બચાવની મુદ્રામાં આવી જાય છે. ઈગો-વાદીનું ડિફેન્સ મેકેનિઝમ સીસ્ટમ જોરદાર હોય છે. તે બૌદ્ધિક, તાર્કિક વૈજ્ઞાનિક બુદ્ધિ પ્રમાણે જીવે છે.

ઈગો એ ઈદ્ અને સુપરઈગો વચ્ચે બ્રીજનું કાર્ય કરે છે, જાણે તે રેફરી છે કે પુલિસ છે, જે મધ્યસ્થતાનું કાર્ય કરે છે. ઈગોનું સર્વોત્તમ ઉદાહરણ શ્રી કૃષ્ણ છે. જેનામાં પૂરતું દૂરંદેશીપણું છે. સ્વસ્થતા અને સમર્થતા, સાહસ અને સંવેદના, સજાગતા અને કાર્ય-કુશળતા ઠાંસી ઠાંસીને ભર્યા છે. ન તે ભાવનાત્મક કે વિકૃત આવેગને વશ થાય છે કે ન આદર્શોની એવી જડબેસલાક ખેવના કરે છે બલ્કે એક નીડર, સ્વતંત્ર અને સુદૃઢ વ્યક્તિત્વની જેમ કામ કરે છે ને કામ લે છે.

ઈદ ‘સુખવાદી’ છે તો સુપર ઈગો ‘આદર્શવાદી’ પણ ઈગો ‘માનવતાવાદી’ છે. ઈદ્ દુર્યોધન કે શકુનીની ભૂમિકા ભજવે છે, હીટલર, મુસોલીન, ચંગેજખાન આ બધા આ કક્ષામાં આવે છે. જે પોતાના મત કે જીદ માટે ગમે તેવી હિંસા કરતા ખચકાતા નથી. ત્યાં સુપર ઈગો ગાંધીજી જેવી ભૂમિકા ભજવે છે, ત્યાં ઈગો કૃષ્ણની ભૂમિકામાં રહે છે. ઈદ્ પાસે વિચારો નથી, માત્ર ચંચળ ભાવુકતા છે, ત્યારે સુપર ઈગો પાસે દાદાજી જેવી ધીર-ગંભીરતા અને જીવનમૂલ્યોની સર્વોપરિતા છે, ત્યાં ઈગો માટે મનુષ્ય કેન્દ્રમાં છે. ઈદ્ ચાર્વાક છે, ઈગો સરાદર પટેલ છે, ત્યાં સુપર ઈગો શ્રીરામ છે, પણ ઈગો માનવ સંસ્કૃતિનો સહજ સંવાહક છે, જાણે ચાણક્ય છે. ઈદ્, ઈગો અને સુપરઈગોનો માનવ-જીવનમાં ઉતાર-ચઢાવ થતો રહે છે. ત્રણેય એકબીજાને માત આપતા રહે છે અને માનવ વ્યક્તિત્વમાં તેનું પ્રમાણ વધઘટ થયા કરે છે. વ્યક્તિત્વ માપનની આ વિધિ દ્વારા ફ્રોઈડે કેટકેટલા માણસોની સારવાર કરી છે, તેનો અર્થ એ થયો કે માણસમાં જો શીખવાની વૃત્તિ હોય તો ઈગો અને સુપર ઈગો વ્યક્તિત્વમાં કેળવી શકાય છે.

ફ્રોઈડે આપેલ વ્યક્તિત્વના આ મનોવિશ્લેષણે મનોવિજ્ઞાનની દુનિયામાં મોટું પ્રદાન કર્યું છે. તેના આ સિદ્ધાંતની આલોચના પણ થઈ છે. તેમ છતાં વ્યક્તિત્વ માપનમાં આ સિદ્ધાંતની પોતાની અનિવાર્યતા છે. ફ્રોઈડ માણસના અચેતન મન પર બહુ જોર આપે છે ને માને છે કે માણસના દરેકે-દરેક ભાવો, આવેગો, વિચારો અને કાર્યો અચેતન મન દ્વારા દોરવાય છે. તેનો અર્થ એ થયો કે જાણ્યે-અજાણ્યે આપણે જેનાથી પ્રભાવિત થઈએ બોલીએ, સમજીએ, વિચારીએ કે કશુંક કરીએ તે પ્રત્યે જેટલી સજાગતા વધુ તેટલા આપણે માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિ બની શકીએ.

ગોલ્ડન કી

આટલી નજદીકથી ન લે તસ્વીર એ જિંદગી!

ચહેરાની સાથે હ્રદયના ડાઘ પણ ઉઘાડા થઈ જશે.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant