આખરી હિચકી તેરે જાનૂ* પે આયે, મૌત ભી મૈં શાયરાના ચાહતા હૂઁ…

આપણે આપણી જાતને એવો પ્રશ્નો કરવો જોઈએ કે “હું મરી જઈશ, ત્યારે કોણ-કોણ રડશે?, કોણ-કોણ શોકસભામાં આવશે, શું બોલશે?

Adhi Akshar Kalpna Gandhi Article Diamond City 406
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

માણસને જેટલા ડર લાગે છે, તેનાં છેવટનાં કારણોમાં મૃત્યુ છે. જો મૌતનો ભય ન હોત તો આ ચરાચર જગતમાં માણસ શેનાથીય બીતો ન હોત!

…પણ શું મરણ પણ ખૂબસૂરત હોઈ શકે? એવું કે પાછળ રહી જનારા સ્વજનો સાવ મુગ્ધ થઈ એ ઘટનાને નિહાળી રહે! જે સાંભળે તે એ સુખદ તો ન કહેવાય પણ એક અનેરા આશ્ચર્યમાં ગરકાવ થઈ પડે…હમણાં એક એવી ડેથ નિકટના સંબંધમાં બની.

શિખા એનું નામ. સાવ નમણી નાજુક એ યુવતી, લગ્ન થયે દસ વર્ષ થયેલા. દંપતીમાં બંને કાંઠે છલકાતો પ્રેમ હતો. છેલ્લી સ્ટેજના કેંસરની જાણ થતાં યુગલને માથે જ નહિ, પરિવારજનોને માથે પણ વીજળી તૂટી પડી. તેના પતિ મહેશ અને સગા-વહાલાઓએ બનતી કોશિશ કરી લીધી.

મહેશે તો બહાર જવાનું જ બંધ કરી વર્ક ફ્રોમ હોમ શરૂ કરી દીધું. જેથી વધારેમાં વધારે સમય શિખા સાથે વિતાવી શકે. શિખા હરી-ફરી ન શકતી, પ્રમાણસર જમી પણ ન શકતી, ઝાઝો સમય પથારીમાં પસાર થવા લાગ્યો તો મહેશ થાય તે બધુ જ કરી છૂટતો…

એક દિવસ અરધી રાત્રે શિખાએ મહેશને જણાવ્યું કે મને પીડા વધી રહી છે, ચાલો હોસ્પિટલ જઈએ. મહેશ ઝડપથી તૈયાર થઈ શિખાની બાજુ આવ્યો અને તેણે શિખાને બંને હાથે ખોળામાં ઊંચકી લીધી. શિખા મહેશ ભણી તાકી રહી ને આખરી અલવિદા કહેતા એણે મહેશની બાંહોમાં મોતને વહાલું કરી લીધું.

ક્ષણવાર પહેલાં મહેશના હાથોમાં હતી, તે શિખા પળવારમાં તેની સામે જ હંમેશ માટે જતી રહી. કઈ સુહાગન હશે જેને આવું મોત મળતું હશે? અને કેટલી સુહાગન હશે જે આવું મોત નહીં ઝંખતી હોય! મોત તો અટલ છે, પણ જ્યારે તે આવું રળિયામણું બને છે ત્યારે સાંભળનારાના શ્વાસ બે ઘડી થંભી જાય છે.

મેં જ્યારે સાંભળ્યું ત્યારે હું અવાચક હતી…મને કહેવામાં આવ્યું કે જ્યારે શિખાને સોળે શણગાર સજાવી અર્થી તૈયાર કરવામાં આવી ત્યારે એમ લાગતું હતું કે ઊભી થઈ હમણાં તે કંઈક મીઠું-મધુર બોલશે પણ શિખા તો અનંતની વાટે નીકળીને સદાને માટે ખામોશ થઈ ગઈ હતી.

મૃત્યુ અત્યંત સંગીન ઘટના છે, પણ આવું મૃત્યુ રંગીન ઘટના પણ બની જાય, કદાચ બને કે શિખાએ પ્રાર્થના કરી હોય કે મારું મૃત્યુ મારા સાજનની બાંહોમાં થાય…જ્યારે આ વાત જ માંડી છે ત્યારે અમુક બીજી સત્ય ઘટનાની વાત કરીએ.

મધુ નામક યુવતીની આ વાત. સાવ ભોળી છોકરી. વ્યવહાર અને આર્થિક બાબતોમાં તેની સમજ શૂન્ય બરાબર. તેના પતિ વિનોદભાઈ તેને કહ્યા કરે કે, આ વહેવારુ કામ-કાજ શીખ. જો અચાનક મને કંઈ થઈ જાય, તો તું આવડા મોટા સંસારમાં કઈ રીતે નિભાવે?

દુન્વયી માહિતી અને તેનો અમલ તો શીખવો જ જોઈએ ને. ત્યારે એ પોતાના પતિને કહેતી, મારે ક્યાં તમારા વગર રહેવું જ છે! જ્યાં તમે ત્યાં હું. તમે આગળ, હું પાછળ. એકમેકના પૂરક એવા બંનેનું જીવન રેલ્વેની લાઈન જેવું સરસ પસાર થતુ હતું ને મોતનું સ્ટેશન આવી ગયું!

કોરોનામાં એક દિવસ સવારે વહેલે પરોઢિયે વિનોદભાઈએ પ્રાણ છોડ્યા ને બેભાન અવસ્થામાં જ મધુબેને સાંજે દેહ છોડ્યો. જેમ મધુબેન કહ્યા કરતા, એમ જ એ વિનોદભાઈ વગર ન રહ્યા. વિનોદજીની પાછળ જ તેઓ પણ જતા રહ્યા, આ પણ નિકટના સ્વજનની ઘટના..

ત્રીજી વાત કલ્પના નામે સ્ત્રીની, પતિનું નામ અતુલ. એ જ ગોઝારો કોરોના કાળ પાંચ દિવસ પહેલાં અતુલભાઈ તો પાછળ-પાછળ પાંચ દિવસ રહીને કલ્પના બંને સથવારે સ્વર્ગધામ ચાલ્યા ગયા.

ચોથી ઘટના નામ જયાબેન, હસમુખલાલ. હજુ તો જયાબેનનું બારમું થાય છે ને બે-એક દિવસમાં હસમુખલાલ પણ શરીર છોડી દે છે. આ સિવાય એક અન્ય ઘટના. એક યાત્રાળુ બસ અલગ-અલગ યાત્રાધામો પર યાત્રાળુઓને લઈ જઈ રહી હતી.

રાજસ્થાનના શ્રીનાથજી ધામ પર બસ આવી. બધાએ સરસ રીતે દર્શન કર્યા, પ્રસાદ લીધો ને બસમાં ગોઠવાયા. બસે આગળની યાત્રા શરૂ કરી. એક દાદા કે જેઓ વારંવાર કહેવા લાગ્યા, બસ પાછી વાળો, મારે હજુ એકવાર શ્રીનાથજીના દર્શન કરવા છે પણ અન્ય યાત્રાળુઓ તેમની વાત ધ્યાનમાં લેતા નહોતા.

દાદાએ સતત પોતાની વાતનું રટણ ચાલુ રાખ્યું ત્યાં સુધીમાં બસ ઘણે આગળ નીકળી ગઈ હતી પરંતુ દાદાએ તો જાણે નિર્ધાર કરેલો…આખરે કોઈ સમજદાર વ્યક્તિએ કહ્યું કે દાદા આટ-આટલું કહે છે તો લઈ ચાલો તેમને દર્શને…દાદાની આંખે હરખના તોરણ બંધાયા.

ફરી સૌ વાજતે-ગાજતે શ્રીનાથજી પહોંચ્યા. દાદા આગળ-આગળ મંડ્યા ચાલવા. શ્રીનાથજીની સામા ઊભા રહી, બે હાથ જોડી માથુ નમાવી મનભરી નિરખવા લાગ્યા ને પછી ઘૂંટણિયે પડી માથું નમાવ્યું ને હરહંમેશ માટે એ નમેલે માથે તેમનો હંસલો ઊડી ગયો. શું આ એ જ કારણ હતું કે દાદાને શ્રીનાથજીના દર્શનથી આટલી તાલાવેલી લાગી હતી!?

કહેવાય છે માણસ ત્યાં પહોંચી જ જાય છે, જ્યાં તેનું મૃત્યુ લખાયેલું હોય. તમારા ધ્યાનમાં પણ આ મુજબના કિસ્સા આવ્યા હશે. પોતાના પ્રિયપાત્ર અથવા તો પરમ કૃપાળુ પરમાત્માના દરબારમાં મરણને શરણ થવું, એ કેટલાં ભાગ્યશાળીના નસીબે લખાયેલું હશે?

આ વાત સાંભળવામાં કે વાંચવામાં કે જાણવામાં કાલીઘેલી લાગે પણ જો ઋણાનુબંધ ન હોય તો આવું મૃત્યુ કે જેને એક અર્થમાં નજરાણું કહેવાય તે ક્યાંથી મળે!

સામાન્ય રીતે જોઈએ તો ધબકાર માત્ર જિંદગી, જીવાતા જીવનમાં બનતી બાબત છે પરંતુ આવા-આવા મોત ધબકારથી હર્યાભર્યા ગણાય. જેમ મોરનું કોઈ પીંછુ ખરી પડે તેમ જિંદગી સરી જાય! ન કોઈ ભાર વગર, ન તકરાર વગર, ન ઇનકાર વગર…માત્ર સ્વીકાર સભર!

એવા કેટલા લોકો છે આ ધરતી પર, જેઓ મોત માંગે છે ને મળતું નથી. પથારીવશ હોય, બીજાની સેવા-ચાકરી લેવા માટે મજબૂર હોય, દિવસભર જાતજાતના દર્દો માટે ગોળીઓ ગળતા હોય છતાં મોત તેમનાથી યોજનો દૂર હોય, એવા લોકોથી હોસ્પિટલો ઊભરાય છે! ત્યારે આવું મૃત્યુ વરદાન જેવું લાગે છે.

આપણે જ્યારે-જ્યારે કોઈનો દિવો અચાનક જ ક્ષણવારમાં ઓલવાઈ જતો જોઈએ છીએ ત્યારે મનોમન પરમાત્માને વિનવીએ છીએ કે હું પણ આ રીતે જ મરી જઉં, એવી કૃપા કરજે, પ્રભુ!

આપણી સંસ્કૃતિ પાસે તે માટે એક અદભુત શ્લોક છે, જેના દૃષ્ટ માર્કન્ડેય ઋષિ છે, જે આ મુજબ છે (આ મંત્રને મૃત્યુંજય મંત્ર કહેવામાં આવે છે.)

“ૐ ત્ર્યંબકં યજામહે સુગન્‍ધિં પુષ્‍ટિવર્ધનમ્ |
ઉર્વારુકમિવ બન્‍ધનાન્ મૃત્‍યોર્મુક્ષીય મામૃતાત્ ||”

અર્થાત્ અમે ભગવાન શિવનું પૂજન કરીએ છીએ, જેઓના ત્રણ નેત્ર છે, જેઓ સુગંધિત છે અને અમારું પોષણ કરે છે. જેવી રીતે ફળ ડાળીથી (સરળતાથી) છૂટું પડી મુક્ત થઈ જાય છે, તેમ અમે પણ મૃત્યુ અને નશ્વરતાથી મુક્ત થઈ જઈએ.

અહીં મૃત્યુના દેવ દેવાધિદેવને વિનંતી કરવામાં આવી રહી છે કે અમારું મૃત્યુ સરળ કરી દો, અમને કષ્ટકારી મૃત્યુથી મુક્ત કરો. એમ કહેવાય છે કે આ મંત્ર ‘સંજીવની મંત્ર’ની જેમ કામ કરે છે. કોઈપણ પ્રકારના ભયથી તે માણસને મુક્ત કરે છે.

જોકે, સાધકો કહે છે કે મૃત્યુ કોઈ આકસ્મિક ઘટના નથી. બાળક જ્યારથી પહેલો શ્વાસ લે છે, ત્યારથી જ તેનો હરેક શ્વાસ ઓછો થતો જાય છે, એમ એક-એક શ્વાસ દિન-પ્રતિદિન ઘટતો જાય છે. આપણે મૃત્યુને હરક્ષણે હપ્તો ચૂકવીએ છીએ ને છતાં એ જોવામાંથી ચૂકી જઈએ છીએ કે મૃત્યુ નજીક ને નજીક સરકી રહ્યું છે ને એક પળ એવી આવશે જ્યારે આપણે મૃત્યુના ભરડામાં આવી જઈશું.

આપણે અગાઉ જે કિસ્સા જોયા તેવા રળિયામણા મોત હરેકની કિસ્મતમાં નથી હોતા પણ કેવી રીતે જીવવું તે ઘણું ખરું આપણા હાથમાં હોય છે.

કેટલાક મૂલ્યો અજરાઅમર છે, એ કદિ જ પૂરાણા થતા નથી. એ મૂલ્યો એટલે પ્રેમ, સત્ય, કરુણા, અહિંસા, કૃતજ્ઞતા, પ્રામાણિકતા, સહૃદયતા, માનવતા વિગેરે તે આપણામાં કેટલા પ્રમાણમાં કેળવાયા છે; તે આપણી જિંદગીની દિશા નક્કી કરે છે. ગમે તેવા સંજોગોમાં પણ આપણે આપણા સનાતન મૂલ્યોનું વહન કરી શકીએ તો આપણે આત્મનિષ્ઠ ગણાઈએ. મૃત્યુ કેવું, ક્યારે ને ક્યાં થશે તેની આગાહી ભલે ન થઈ શકે પણ કેવું જીવીશું તેનું અનુમાન થઈ શકે.

ગીતાનો ગાનાર કહે છે કે કર્મમાં તારો અધિકાર છે. આપણે એ અધિકારનો ઉપયોગ કરવામાં વિવેક રાખવો, એ જ આપણી માનવીય ખૂબી…

એક વાત ચોક્કસ છે, આપણે આપણી જાતને એવો પ્રશ્નો કરવો જોઈએ કે “હું મરી જઈશ, ત્યારે કોણ-કોણ રડશે?, કોણ-કોણ શોકસભામાં આવશે, શું બોલશે?, મારા મૃત્યુ બાદ મારા સ્વજનો, અને મને જાણનારાઓ મને કઈ રીતે યાદ રાખશે,ત્યારે તેમના મનમાં કેવા ભાવ હશે?” બની શકે આવા સવાલો ન કેવળ જિંદગીને બલ્કે મૃત્યુને પણ સુધારી દે…

ગોલ્ડન કી

જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુર્ધ્રુવં જન્મ મૃતસ્ય ચ ।
તસ્માદપરિહાર્યેઽર્થે ન ત્વં શોચિતુમર્હસિ ॥ 2/27
જેણે જન્મ લીધો છે, તેનું મરણ નિશ્ચિત છે અને જે મૃત્યુ પામે છે,
તેનો પુનર્જન્મ પણ અનિવાર્ય છે. તેથી, જે અનિવાર્ય છે
તે અંગે તારે શોક ન કરવો જોઈએ.
(શ્રીમદ્ ભગવદ્ ગીતા)

હેડિંગ શાયરી – કતીલ શિફાઈ
(*જાનૂ =ખભો)

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant