DIAMOND CITY NEWS, SURAT
વૈશ્વિક હીરા ઉદ્યોગમાં ભારત હવે માત્ર કટિંગ અને પોલિશિંગનું કેન્દ્ર જ નથી રહ્યું, પરંતુ વપરાશની બાબતમાં પણ વિશ્વના નકશા પર એક મહાસત્તા તરીકે ઉભરી આવ્યું છે.
De Beers ગ્રુપના તાજેતરના ‘2025 ડાયમંડ એક્વિઝિશન સ્ટડી’ મુજબ, ભારતે ચીન અને જાપાન જેવા દિગ્ગજ દેશોને પાછળ છોડીને વિશ્વના બીજા ક્રમના સૌથી મોટા ડાયમંડ જ્વેલરી માર્કેટ તરીકેનું સ્થાન હાંસલ કર્યું છે.
હાલમાં વૈશ્વિક માંગમાં ભારતનો હિસ્સો 12% સુધી પહોંચી ગયો છે, જે ભારતીય અર્થતંત્ર અને બદલાતી જીવનશૈલીનો પુરાવો છે.
બજારના આંકડા અને ભાવિ અંદાજ
રિપોર્ટ અનુસાર, હાલમાં ભારતનું ડોમેસ્ટિક નેચરલ ડાયમંડ જ્વેલરી માર્કેટ અંદાજે ₹49,700 કરોડનું છે. નિષ્ણાતોના મતે, આગામી પાંચ વર્ષમાં એટલે કે 2030 સુધીમાં આ માર્કેટ ત્રણ ગણું વધીને ₹1,50,000 કરોડ (1.5 લાખ કરોડ) સુધી પહોંચવાની પ્રબળ શક્યતા છે.
આ વૃદ્ધિ પાછળ પરંપરાગત રોકાણ કરતા બદલાતી જતી ઉપભોક્તા વર્તણૂક મુખ્ય કારણ છે.
Gen Z અને મિલિનિયલ્સ : બજારના નવા સારથી
આ અભ્યાસમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે હવે હીરાની ખરીદીમાં યુવા પેઢીનો દબદબો છે.
- Gen Z (18-28 વર્ષ) : આ વયજૂથના ગ્રાહકો કુલ બજાર મૂલ્યમાં 51% હિસ્સો ધરાવે છે, જે 2022ની સરખામણીમાં 19% નો મોટો ઉછાળો દર્શાવે છે.
- ખરીદીની ક્ષમતા : આ પેઢી માત્ર હીરા ખરીદી જ નથી રહી, પરંતુ મોંઘા હીરા પસંદ કરી રહી છે. તેમની ખરીદીની સરેરાશ ટિકિટ સાઈઝ ₹1,98,000 નોંધાઈ છે.
- જો આપણે Gen Z અને મિલિનિયલ્સ (29-43 વર્ષ) બંનેને સાથે ગણીએ, તો કુલ બજારમાં તેમનું યોગદાન 86% જેટલું થાય છે.
સેલ્ફ-પર્ચેઝ : મહિલાઓ હવે ભેટની રાહ નથી જોતી
ભારતીય મહિલાઓની ખરીદી કરવાની પદ્ધતિમાં પણ ક્રાંતિકારી ફેરફાર આવ્યો છે. અગાઉ હીરા ભેટમાં મળતા હતા, પરંતુ હવે 64% મહિલાઓ પોતાના માટે જાતે જ ડાયમંડ જ્વેલરી ખરીદે છે.
લગ્ન પ્રસંગોમાં પણ, કુલ વેચાણના 29% હિસ્સામાં 79% કિસ્સાઓમાં દુલ્હન પોતે પોતાની પસંદગીના ઘરેણાં ખરીદે છે. આ આંકડાઓ મહિલાઓની આર્થિક સ્વતંત્રતા અને વધતી જતી આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરે છે.
રોજિંદા પહેરવેશમાં હીરાનો વધતો ઉપયોગ
હીરા હવે માત્ર તિજોરીમાં રાખવાની વસ્તુ રહી નથી. 2014 માં માત્ર 27% લોકો રોજિંદા વપરાશ (Daily Wear) માટે હીરા લેતા હતા, જે હવે વધીને 52% થઈ ગયો છે. લક્ઝરી ઘડિયાળો કે સ્માર્ટફોન કરતા ભારતીયો હવે કુદરતી હીરાને વધુ મહત્વ આપી રહ્યા છે.
શ્વેતા હરિત (Global SVP, De Beers Group) ના જણાવ્યા મુજબ : “ભારતનું બીજા ક્રમે આવવું એ સાબિત કરે છે કે ભારતીય ગ્રાહકોનો કુદરતી હીરા સાથેનો ભાવનાત્મક અને સાંસ્કૃતિક સંબંધ ઘણો ઊંડો છે. ભારતીય યુવા પેઢી અત્યંત સ્ટાઇલ-કોન્સિયસ અને સ્વતંત્ર છે, જે તેને વૈશ્વિક સ્તરે હીરાની માંગનું મુખ્ય કેન્દ્ર બનાવે છે.”
ભવિષ્યનું આયોજન અને તકો
આગામી સમયમાં ઉચ્ચ આવક ધરાવતા પરિવારોની સંખ્યામાં 16% નો વધારો થવાની ધારણા છે, જેના કારણે ટીયર 1 થી ટીયર 5 શહેરોમાં રહેતી અંદાજે 6.7 કરોડ મહિલાઓ હીરાના સંભવિત ગ્રાહકો તરીકે ઉભરી રહી છે.
હીરા હવે રોકાણના માધ્યમથી બહાર નીકળીને ‘લાઇફસ્ટાઇલ સ્ટેટમેન્ટ’ બની ગયા છે, જે ભારતીય રત્ન-કલાકારો અને જ્વેલર્સ માટે સોનેરી તક લઈને આવ્યું છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube





















