De Beers Sale Enters Final Stage - Big Shift Ahead in the Diamond Industry?
ચિત્ર : ડંકન વેનબ્લાડ, એંગ્લો અમેરિકનના સીઈઓ. (સૌજન્ય : IDEX)
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT

વિશ્વના હીરા ઉદ્યોગની દિશા બદલી નાખે તેવા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વિશ્વની સૌથી મોટી હીરા ઉત્પાદક કંપની પૈકીની એક એવી ‘ડી બિયર્સ’ (De Beers) ને વેચવાની પ્રક્રિયા હવે તેના અંતિમ અને નિર્ણાયક તબક્કે પહોંચી ગઈ છે.

માઈનિંગ ક્ષેત્રની જાયન્ટ કંપની એન્ગ્લો અમેરિકનના સીઈઓ (CEO) ડંકન વેનબ્લેડે તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં પુષ્ટિ કરી છે કે વેચાણની આ પ્રક્રિયા “તુલનાત્મક રીતે ઘણા આગળના તબક્કે” (Relatively Far Advanced) પહોંચી ચુકી છે.

એન્ગ્લો અમેરિકન તેના પુનર્ગઠનના ભાગરૂપે ડી બિયર્સમાં રહેલો પોતાનો 85% હિસ્સો વેચવા માટે મક્કમ છે.

સરકારી અને ખાનગી જૂથો વચ્ચે ખરીદીની હોડ :

ફાઇનાન્શિયલ ટાઇમ્સ (FT) સાથેની વાતચીતમાં વેનબ્લેડે સંકેત આપ્યો હતો કે ડી બિયર્સનું વેચાણ કોઈ એક કંપનીને બદલે સરકારી સંસ્થાઓ અને ખાનગી રોકાણકારોના સંયુક્ત જૂથ (Consortium) ને કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે.

હાલમાં ડી બિયર્સમાં 15% હિસ્સો ધરાવતું બોત્સ્વાના, હીરાના વેપાર પર પોતાનું વર્ચસ્વ વધારવા માટે આ હિસ્સો ચોક્કસપણે વધારશે તેવા અહેવાલો છે.

માત્ર બોત્સ્વાના જ નહીં, પરંતુ અંગોલા અને નામિબિયા જેવા દેશોએ પણ આ હીરા કંપનીમાં હિસ્સો ખરીદવા માટે ભારે ઉત્સુકતા દાખવી છે. આ ઉપરાંત, વિશ્વના અનેક દિગ્ગજ ખાનગી રોકાણકાર જૂથો પણ આ સોદામાં ઝંપલાવવા માટે તૈયાર બેઠા છે.

બજારની મંદી અને સમયમર્યાદા મોટો પડકાર :

જોકે, હીરા બજારની વર્તમાન સ્થિતિ આ સોદામાં વિલંબ કરી શકે છે. હીરાની ઘટતી માંગ અને વૈશ્વિક બજારમાં કિંમતોમાં જોવા મળતા ઘટાડાને કારણે આ વેચાણ પ્રક્રિયા વર્ષ 2026ના અંત સુધી લંબાઈ શકે છે.

જોકે વેનબ્લેડ હજુ પણ આશાવાદી છે કે આ વર્ષના અંત સુધીમાં સોદાની મુખ્ય પ્રક્રિયાઓ પૂર્ણ થઈ જશે. નોંધનીય છે કે, મે 2024માં એન્ગ્લો અમેરિકને તેની ખોટ કરી રહેલી હીરા કંપનીને અલગ કરવાની જાહેરાત કરી હતી.

કંપનીએ પહેલેથી જ પ્લેટિનમ અને નિકલના વ્યવસાયો વેચી દીધા છે અને હવે તે તેના કોલસા પોર્ટફોલિયો માટે પણ ગ્રાહકો શોધી રહી છે.

હીરા ઉદ્યોગ પર તેની અસર :

ડી બિયર્સના માલિકી હક્કમાં થનારો આ ફેરફાર વૈશ્વિક હીરા બજાર, ખાસ કરીને સુરત અને મુંબઈના હીરાના વેપારીઓ માટે ખૂબ મહત્વનો છે.

જો સરકારી માલિકી વધશે, તો હીરાના સપ્લાય અને પોલિસીમાં મોટા ફેરફારો આવી શકે છે. અત્યારે સમગ્ર વિશ્વની નજર આ “ડીલ ઓફ ધ સેન્ચુરી” પર ટકેલી છે, જે હીરાના ખાણકામથી લઈને વેચાણ સુધીની સમગ્ર સાંકળને પ્રભાવિત કરી શકે છે.


Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant