DIAMOND CITY NEWS, SURAT
વિશ્વની અગ્રણી ડાયમંડ કંપની ‘ડી બીયર્સ ગ્રૂપ’ દ્વારા વર્ષ 2025 માટેનો પોતાનો વાર્ષિક સસ્ટેનેબિલિટી રિપોર્ટ (સતત વિકાસ અહેવાલ) સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો છે. કંપનીની વિશેષ ટકાઉ વિકાસ નીતિ ‘બિલ્ડિંગ ફોરેવર’ ફ્રેમવર્ક હેઠળ હાથ ધરવામાં આવેલા કાર્યોની પ્રગતિ રજૂ કરતા આ રિપોર્ટમાં આજીવિકા, કુદરત અને પર્યાવરણ, ક્લાઇમેટ એક્શન અને હીરાની ઉત્પત્તિ અને પારદર્શિતા જેવા ચાર મુખ્ય સ્તંભો પર થયેલી સિદ્ધિઓની વિગતવાર માહિતી આપવામાં આવી છે.
કાર્બન ઉત્સર્જનમાં ૧૪% નો ઘટાડો અને પર્યાવરણ સંરક્ષણ
પર્યાવરણ અને આબોહવા પરિવર્તન ક્ષેત્રે ડી બીયર્સ ગ્રૂપે મોટી સફળતા મેળવી છે. વર્ષ 2021 ના આંકડાઓની સરખામણીએ કંપનીએ પોતાના સીધા અને પરોક્ષ ગ્રીનહાઉસ ગેસ અને કાર્બન ઉત્સર્જનમાં ૧૪ ટકા (14%) નો નોંધપાત્ર ઘટાડો નોંધાવ્યો છે.
આ ઉપરાંત, પર્યાવરણ અને વન્યજીવ સંરક્ષણ માટે કંપની દ્વારા દક્ષિણ આફ્રિકાના વિવિધ વિસ્તારોમાં 3,75,000 એકર જમીનનું સીધું સંચાલન અને રક્ષણ કરવામાં આવી રહ્યું છે. કંપની અને પરામર્શ સંસ્થાઓ વચ્ચેના ‘ઓકવાંગો ઇટરનલ’ પાર્ટનરશિપના પરિણામે એંગોલા દેશની પ્રથમ રામસર વેટલેન્ડ ઘોષિત કરવામાં સફળતા મળી છે.
સ્થાનિક આજીવિકા અને ‘EntreprenHER’ દ્વારા મહિલા સશક્તિકરણ
સમાજ અને આજીવિકાના સુધારા અંગે વાત કરતા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, વર્ષ 2025 દરમિયાન ડી બીયર્સની ખાણોમાં કામ કરતા પ્રતિ ૧ પ્રત્યક્ષ કર્મચારીની સામે કંપનીએ ખાણની બહાર અન્ય ૧ થી વધુ અર્થાત 2.6 આડકતરી રોજગારીઓ ઉભી કરવામાં મદદ કરી છે.
મહિલા સશક્તિકરણ માટે ચલાવવામાં આવતા ખાસ ‘એન્ટરપ્રિન્યોર’ પ્રોગ્રામ હેઠળ વર્ષ 2025 માં વધુ 500 મહિલા ઉદ્યોગસાહસિકોને વ્યવસાયિક તાલીમ આપવામાં આવી છે. વર્ષ 2016 માં આ પ્રોગ્રામની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં કુલ 3,900 થી વધુ મહિલાઓને સફળતાપૂર્વક તાલીમબદ્ધ કરવામાં આવી છે. આ સાથે બોત્સવાના દેશના સામાજિક-આર્થિક વિકાસ માટે ‘ડાયમંડ્સ ફોર ડેવલપમેન્ટ ફંડ’ માં ૭૦ મિલિયન અમેરિકી ડોલરનું મોટું યોગદાન આપવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
ટ્રેકર (Tracr) પ્લેટફોર્મ પર ૫૦ લાખ હીરા નોંધાયા
હીરાની ઉત્પત્તિ, ઓળખ અને પારદર્શિતાના ક્ષેત્રમાં ડી બીયર્સના ડિજિટલ બ્લોકચેન પ્લેટફોર્મ ‘ટ્રેકર’ (Tracr) એ એક નવો માઇલસ્ટોન હાંસલ કર્યો છે. આ પ્લેટફોર્મ પર અત્યાર સુધીમાં ૫૦ લાખથી પણ વધુ કાચા હીરાની વ્યક્તિગત ડિજિટલ પ્રોફાઇલ અને રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, હીરા ઉદ્યોગમાં નૈતિક અને જવાબદારીપૂર્વકના વેપાર માટેની નીતિ ‘બેસ્ટ પ્રેક્ટિસ પ્રિન્સિપલ્સ’ પ્રોગ્રામના પણ સફળતાપૂર્વક ૨૦ વર્ષ પૂર્ણ થયા છે.
ભવિષ્યની પ્રાથમિકતાઓ અને લક્ષ્યાંકો
ડી બીયર્સ ગ્રૂપે પોતાના ભવિષ્યના રોડમેપ અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે, આગામી સમયમાં કંપનીની મુખ્ય પ્રાથમિકતાઓ નીચે મુજબ રહેશે :
- પુનઃપ્રાપ્ય ઊર્જાના ઉપયોગનો વ્યાપક વિસ્તાર કરવો.
- સ્કોપ ૧, ૨ અને ૩ હેઠળ થતા તમામ પ્રકારના કાર્બન ઉત્સર્જનમાં વધુ ઘટાડો કરવો.
- વનસ્પતિ અને કુદરતી જીવો માટે સંરક્ષિત જમીનના ક્ષેત્રફળમાં વધારો કરવો.
- સમગ્ર હીરા સપ્લાય ચેઇનમાં ‘ટ્રેકર’ (Tracr) પ્લેટફોર્મનો ઉપયોગ વધુ મજબૂત અને વ્યાપક બનાવવો.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube




















