
DIAMOND CITY NEWS, SURAT
વિશ્વસ્તરીય હીરા વ્યાપારની સર્વોચ્ચ સંસ્થા ‘વર્લ્ડ ફેડરેશન ઓફ ડાયમંડ બોર્સિસ’ (WFDB) ના પ્રમુખ અને ભારત ડાયમંડ બોર્સ (BDB) ના વાઇસ પ્રેસિડેન્ટ મેહુલ શાહે પ્રાકૃતિક (કુદરતી) હીરાના ગ્લોબલ સપ્લાય ચેઇનમાં મૂલ્યવર્ધન કરવા અને તેના અસ્તિત્વને વધુ મજબૂત બનાવવા માટે એક ક્રાંતિકારી રોડમેપ રજૂ કર્યો છે.
હોંગકોંગ ખાતે આયોજિત પ્રતિષ્ઠિત ‘જ્વેલરી એન્ડ જેમ વર્લ્ડ’ (JGW) હોંગકોંગ શો 2026 દરમિયાન નેચરલ ડાયમંડ કાઉન્સિલ અને ડાયમંડ ફેડરેશન ઓફ હોંગકોંગ દ્વારા સંયુક્ત રીતે યોજાયેલી વિશેષ પેનલ ચર્ચામાં બોલતા તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ખાણમાંથી નીકળતા પ્રાકૃતિક હીરા અને લેબોરેટરીમાં તૈયાર થતા કૃત્રિમ હીરા એ એકબીજાના સીધા સ્પર્ધક નથી, પરંતુ આ બંને સંપૂર્ણપણે અલગ શ્રેણીઓ છે.
લેબ-ગ્રોન હીરા નેચરલ ડાયમંડના માર્ગનું પ્રવેશદ્વાર
મેહુલ શાહે બંને પ્રકારના હીરાના સહ-અસ્તિત્વની શક્યતાઓ વિશે વિસ્તૃત વિશ્લેષણ આપતા સમજાવ્યું હતું કે, “હીરા ઉદ્યોગે પ્રાકૃતિક અને લેબ-ગ્રોન હીરાને સ્પર્ધક ઉત્પાદનો તરીકે જોવાના બદલે બે સ્વતંત્ર શ્રેણી તરીકે જોવા જોઈએ. ‘ડાયમંડ ઇઝ ફોરેવર’ અને ‘ડાયમંડ ફોર એવરીવન’ એ બંને વિભાવનાઓ બજારમાં સાથે ચાલી શકે છે. લેબ-ગ્રોન ડાયમંડ ગ્રાહકો માટે હીરાના વિશાળ વિશ્વમાં પ્રવેશવા માટેનું એક ‘ગેટવે’ (પ્રવેશદ્વાર) બની શકે છે. જ્યારે નવા ગ્રાહકની ખરીદશક્તિ અથવા આવક વધશે, ત્યારે તે આપોઆપ જ કુદરતી હીરા તરફ આગળ વધશે”.
ગ્રાહક સુરક્ષા અને બિલમાં સ્થાનિક ભાષામાં સ્પષ્ટ જાહેરાત
હીરા ઉદ્યોગમાં ગ્રાહકોના અધિકારો અને સુરક્ષા પર ભાર મૂકતાં WFDB પ્રમુખે કડક નિયમો લાગુ કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે, દરેક સ્તરે ગ્રાહકોને પારદર્શક માહિતી મળવી જોઈએ. હીરા ખરીદતી વખતે તેના ઇન્વોઇસ (બિલ), રેટિંગ સર્ટિફિકેટ્સ, બ્રાન્ડિંગ અને માર્કેટિંગ મટિરિયલ્સમાં હીરાની શ્રેણી (નેચરલ કે લેબ-ગ્રોન) નો સ્પષ્ટ ઉલ્લેખ હોવો અત્યંત જરૂરી છે.
વિશ્વના અલગ-અલગ દેશોના સ્થાનિક ગ્રાહકો પોતાની ભાષામાં ખરીદી સમજી શકે તે માટે ગ્લોબલ અંગ્રેજી ભાષાની સાથે-સાથે સ્થાનિક પ્રાદેશિક ભાષાઓમાં પણ આ વિગતો દર્શાવવી જોઈએ. આ માપદંડોને યોગ્ય રીતે અમલમાં મૂકવા માટે ગ્લોબલ ટ્રેડ બોડીઝ અને સંસ્થાઓએ વિશ્વની વિવિધ સરકારો સાથે મળીને કામ કરવું જોઈએ.
સોનાના હોલમાર્ક જેવો નેચરલ ડાયમંડ માટે ‘ગ્લોબલ ઓથેન્ટિસિટી માર્ક’
ગ્રાહકોનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે મેહુલ શાહે એક વિશિષ્ટ અને ક્રાંતિકારી પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેમણે પ્રાકૃતિક હીરા માટે વૈશ્વિક સ્તરે નોંધાયેલા ‘ગ્લોબલ રજિસ્ટર્ડ ઓથેન્ટિસિટી માર્ક’ (વિશ્વસનીયતાના વૈશ્વિક માર્ક) ની દરખાસ્ત મૂકી હતી.
તેમણે શુદ્ધ ઊન માટેના ‘વૂલમાર્ક’ અને સોનાની શુદ્ધતા માટેના ‘હોલમાર્ક’ નું ઉદાહરણ આપતાં જણાવ્યું કે, “જે રીતે વૂલમાર્ક અને હોલમાર્ક ગ્રાહકને તાત્કાલિક ખરીદીની શુદ્ધતાની ખાતરી આપે છે, તેવી જ રીતે નેચરલ ડાયમંડ માટેનો પણ એક વૈશ્વિક માર્ક હોવો જોઈએ. આ ઓળખચિહ્નથી ગ્રાહકોને કુદરતી હીરાની અસલિયત અને ગુણવત્તા બાબતે તાત્કાલિક સ્પષ્ટતા અને માનસિક શાંતિ મળશે, જે કુદરતી હીરાની મૌલિક ઓળખને વધુ મજબૂત બનાવશે”.
એકરૂપ ગ્રેડિંગ સિસ્ટમ અને ટેકનોલોજીનો ઉપયોગ
વિવિધ જેમશાસ્ત્રીય પ્રયોગશાળાઓ વચ્ચે ગ્રેડિંગમાં જોવા મળતા તફાવતો અંગે ચિંતા વ્યક્ત કરતા તેમણે તમામ લેબોરેટરીઓ અને સરકારી સંસ્થાઓને સાથે મળીને એક નિયંત્રિત અને પ્રમાણિત ‘યુનિફાઇડ ગ્રેડિંગ ફ્રેમવર્ક’ બનાવવા અપીલ કરી હતી. આ ઉપરાંત, હીરાની ખાણથી લઈને માર્કેટ સુધીની સમગ્ર સપ્લાય ચેઇનમાં સંપૂર્ણ ટ્રાન્સપરન્સી લાવવા માટે બ્લોકચેન અને ટ્રેસેબિલિટી જેવી આધુનિક ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવા પણ ભાર મૂક્યો હતો.
ક્રિએટિવ માર્કેટિંગ અને અસલી સ્ટોરીટેલિંગ
પ્રાકૃતિક હીરાને માત્ર એક વેપારી વસ્તુ કે ‘કમોડિટી’ તરીકે વેચવાને બદલે તેના કલાત્મક અને ભાવનાત્મક મૂલ્યને ઉપસાવવા તેમણે આહ્વાન કર્યું હતું. તેમણે વેપારીઓને રોચક સંદેશ આપતા કહ્યું કે, “ઉદ્યોગે માત્ર કેનવાસ, પેઇન્ટ કે બ્રશ વેચવાના બદલે તેની પાછળ રહેલી કળાને વેચવી જોઈએ. હીરા એ માત્ર કાચો માલ નથી પરંતુ એક લાગણી, કલાત્મકતા અને કાયમી ઈચ્છાનું પ્રતીક છે”.
ભૂતકાળમાં ‘બ્લડ ડાયમંડ’ જેવી ફિલ્મોના કારણે હીરા ઉદ્યોગ અંગે ઉભી થયેલી નકારાત્મક છબી સામે સાચો નેરેટિવ રજૂ કરવા માટે નેચરલ ડાયમંડ કાઉન્સિલ અને સ્થાનિક જ્વેલર્સને એકસાથે મળીને હીરાની વાસ્તવિક, જવાબદાર અને નૈતિક સફરની વાર્તા ગ્રાહકો સુધી પહોંચાડવા વિનંતી કરી હતી.
એકજૂટ હીરા ઉદ્યોગ અને ભવિષ્યનો દ્રષ્ટિકોણ
સંબોધનના અંતે WFDBના પ્રમુખ મેહુલ શાહે સમગ્ર હીરા ઉદ્યોગને એક પરિવાર ગણાવી એકતા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, “આપણા ઉદ્યોગનું ભવિષ્ય પરસ્પરના સહયોગ, અસલી અને સચોટ સ્ટોરીટેલિંગ, તકનીકી નવીનતા અને ગ્રાહકોના અખંડ વિશ્વાસ પર ટકેલું છે. ખાણકામ કરનાર શ્રમિક, હીરા ઘસનાર કારીગર, ગ્રેડિંગ કરનાર નિષ્ણાત અને જ્વેલરી ડિઝાઇનરથી લઈને શોરૂમના રિટેલર સુધીના તમામ સ્ટેકહોલ્ડર્સ એક જ ઇકોસિસ્ટમનો ભાગ છે. જ્યારે આપણે સૌ સાથે મળીને એક થઈને કામ કરીશું ત્યારે જ આવનારી પેઢીઓ માટે એક ભરોસાપાત્ર, સશક્ત અને સમૃદ્ધ નેચરલ ડાયમંડ ઇન્ડસ્ટ્રીનું નિર્માણ થઈ શકશે”.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube



















