DIAMOND CITY NEWS, SURAT
વધતા જતા સોનાના ભાવ અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે પણ દેશની દિગ્ગજ કંપની ટાઇટન (Titan) એ નાણાકીય વર્ષ 2025-26 ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં (Q3) અકલ્પનીય પ્રદર્શન કર્યું છે.
કંપનીના જ્વેલરી વિભાગે વાર્ષિક ધોરણે 42% ની વૃદ્ધિ નોંધાવીને કુલ ₹22,517 કરોડ (આશરે $2.48 અબજ) ની આવક મેળવી છે. લગ્નસરાની ખરીદી અને દિવાળી જેવા મોટા તહેવારોએ આ તેજીમાં મહત્વની ભૂમિકા ભજવી છે.
ઘરેલું બજારમાં તનિષ્કનો દબદબો અને નફામાં 61% નો વધારો
ભારતીય બજારમાં જ્વેલરીનું વેચાણ 41% વધીને ₹21,458 કરોડે પહોંચ્યું છે. ટાઇટનની જાણીતી બ્રાન્ડ્સ જેમ કે તનિષ્ક (Tanishq), મિયા (Mia) અને ઝોયા (Zoya) એ સંયુક્ત રીતે ₹19,921 કરોડની આવક કરી છે.
આ જબરદસ્ત વેચાણને કારણે કંપનીનો ટેક્સ પછીનો ચોખ્ખો નફો (PAT) 61% વધીને ₹1,684 કરોડ થયો છે. ગ્રાહકોને આકર્ષવા માટે જૂના સોનાના બદલામાં નવું સોનું લેવાની ‘એક્સચેન્જ સ્કીમ’ અને આકર્ષક ફેસ્ટિવલ ઓફર્સ કારગત નીવડી છે.
નવી પહેલ : લેબ-ગ્રોન ડાયમંડ બ્રાન્ડ ‘beYon’ નું આગમન
ટાઇટન કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અજોય ચાવલાએ જણાવ્યું હતું કે, “ગ્રાહકો સાથેના મજબૂત જોડાણ અને નવી કલેક્શન લાઇનને કારણે આ અમારું અત્યાર સુધીનું શ્રેષ્ઠ ત્રિમાસિક ગાળો રહ્યો છે.”
આ પ્રસંગે કંપનીએ તેની નવી લેબ-ગ્રોન જ્વેલરી લાઇન ‘beYon’ લોન્ચ કરવાની પણ જાહેરાત કરી છે. બદલાતા સમય સાથે ગ્રાહકો હવે પર્યાવરણને અનુકૂળ અને બજેટમાં હોય તેવી લેબ-ગ્રોન જ્વેલરી તરફ વળી રહ્યા છે, જેનો લાભ લેવા ટાઇટને આ નવો મોરચો ખોલ્યો છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં 83% ની છલાંગ અને નેટવર્ક વિસ્તરણ
માત્ર ભારત જ નહીં, વિદેશી બજારોમાં પણ ટાઇટનનો સિક્કો જામ્યો છે. આંતરરાષ્ટ્રીય જ્વેલરી આવકમાં 83% નો તોતિંગ વધારો જોવા મળ્યો છે, જે મુખ્યત્વે ગલ્ફ દેશો અને અમેરિકામાં નવા સ્ટોર્સ ખોલવાને કારણે થયો છે.
- કેરેટલેન (CaratLane) : આ પેટા બ્રાન્ડે 42% ની વૃદ્ધિ સાથે ₹1,537 કરોડની આવક કરી છે અને તેના માર્જિનમાં પણ સુધારો થયો છે.
- સ્ટોર વિગત : આ ત્રિમાસિકમાં કંપનીએ કુલ 49 નવા સ્ટોર્સ ઉમેર્યા છે, જેમાં સૌથી વધુ હિસ્સો કેરેટલેન અને મિયા બ્રાન્ડનો રહ્યો છે.
નિષ્ણાતોનું તારણ
બજારના વિશ્લેષકો માને છે કે સોનાના ઉંચા ભાવ હોવા છતાં ગ્રાહકો ભરોસાપાત્ર અને સંગઠિત રિટેલર્સ (Organized Retailers) પાસેથી ખરીદી કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે.
ટાઇટનની મજબૂત બ્રાન્ડ વેલ્યુ અને વિવિધ કિંમતના સ્તરે ઉપલબ્ધ પ્રોડક્ટ્સને કારણે અસંગઠિત બજારનો મોટો હિસ્સો હવે ટાઇટન જેવી બ્રાન્ડ્સ તરફ વળી રહ્યો છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube





















