DIAMOND CITY NEWS, SURAT
ભારતના અગ્રણી કન્ઝ્યુમર ગુડ્સ અને જ્વેલરી જાયન્ટ ટાઈટન કંપનીએ (Titan Company) નાણાકીય વર્ષ 2025-26 ના ત્રીજા ત્રિમાસિક ગાળા (ઓક્ટોબર-ડિસેમ્બર) ના પ્રોત્સાહક આંકડા જાહેર કર્યા છે. કંપનીના રિપોર્ટ અનુસાર, સોનાના વધતા ભાવ અને દિવાળી-ધનતેરસ જેવા તહેવારોને કારણે કંપનીના કુલ વેચાણમાં વાર્ષિક ધોરણે 40% નો આકર્ષક વધારો નોંધાયો છે.
જ્વેલરી સેગમેન્ટમાં ‘ગોલ્ડન’ તેજી
ટાઈટન માટે જ્વેલરી વિભાગ (તનિષ્ક, ઝોયા, મિયા) સૌથી મોટું જમા પાસું રહ્યું છે. 31 ડિસેમ્બરના રોજ પૂરા થયેલા ત્રણ મહિનામાં જ્વેલરીના વેચાણમાં 41% નો ઉછાળો આવ્યો છે.
- સોનાના સિક્કા : રોકાણના દૃષ્ટિકોણથી ગ્રાહકોએ સોનાના સિક્કાની ભારે ખરીદી કરી છે, જેના કારણે તેનું વેચાણ લગભગ બમણું થઈ ગયું છે.
- પ્લેન ગોલ્ડ જ્વેલરી : ડિઝાઈન-લેડ પ્રીમિયમ જ્વેલરીની માંગને કારણે આ કેટેગરીમાં 30% થી વધુનો ગ્રોથ જોવા મળ્યો છે.
- સ્ટડેડ (હીરા જડિત) જ્વેલરી : ચાલુ નાણાકીય વર્ષમાં હીરા જડિત ઘરેણાંનું આ અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે, જેમાં 20% થી વધુનો ગ્રોથ નોંધાયો છે.
તહેવારો અને લગ્નસરાનો લાભ
ગયા વર્ષે 20 ઓક્ટોબરે દિવાળી અને 18 ઓક્ટોબરે ધનતેરસ હોવાથી ઓક્ટોબર મહિનામાં વેચાણ ટોચ પર રહ્યું હતું. ત્યારબાદ લગ્નસરાની સીઝન શરૂ થતા ગ્રાહકોએ પ્રીમિયમ અને એસ્થેટિક ઘરેણાંની વધુ પસંદગી કરી છે. ખાસ કરીને કંપનીએ હાલમાં જ લોન્ચ કરેલી લેબ-ગ્રોન ડાયમંડ બ્રાન્ડ ‘beYon’ ને પણ ગ્રાહકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
વોચ અને અન્ય સેગમેન્ટ
માત્ર જ્વેલરી જ નહીં, પરંતુ ટાઈટનની ઘડિયાળોના વેચાણમાં પણ 13% નો વધારો થયો છે. એનાલોગ ઘડિયાળોની માંગમાં 17% નો ઉછાળો નોંધાયો છે. તહેવારો દરમિયાન ભેટ આપવા માટે ઘડિયાળોની લોકપ્રિયતા હજુ પણ યથાવત છે.
નેટવર્ક વિસ્તરણ
આ ત્રણ મહિના દરમિયાન ટાઈટને આક્રમક રીતે નવા 56 સ્ટોર્સ ઉમેર્યા છે. આ સાથે જ કંપનીનું કુલ રિટેલ નેટવર્ક હવે દેશભરમાં 3,433 સ્ટોર્સ સુધી પહોંચી ગયું છે. નિષ્ણાતોના મતે સોનાના ભાવમાં વધારો હોવા છતાં ગ્રાહકોની ખરીદશક્તિ અને બ્રાન્ડ પરના વિશ્વાસને કારણે ટાઈટન આટલો મોટો ગ્રોથ હાંસલ કરી શક્યું છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube




















