DIAMOND CITY NEWS, SURAT
વિશ્વબજારમાં દુર્લભ ગણાતા ફેન્સી કલર ડાયમંડના ભાવમાં વર્ષ 2025 દરમિયાન 1% નો મામૂલી ઘટાડો નોંધાયો છે.
ફેન્સી કલર રિસર્ચ ફાઉન્ડેશન (FCRF) ના તાજેતરના અહેવાલ મુજબ, આ ઘટાડો બજારમાં અસ્થિરતા નહીં પણ સ્થિરતાના સંકેત આપે છે.
ખાસ કરીને પીળા (Yellow) રંગના હીરાના ભાવમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે ગુલાબી અને વાદળી હીરાએ મિશ્ર પ્રતિસાદ આપ્યો છે.
પીળા હીરાના ભાવમાં 1.9% નો ગાબડો
FCRF ના ડેટા અનુસાર, 2025 માં યલો ફેન્સી કલર ડાયમંડના ભાવમાં 1.9% નો ઘટાડો થયો છે. ચોથા ક્વાર્ટરમાં 3 કેરેટના ફેન્સી યલો હીરાના ભાવમાં 2.5% અને 5 કેરેટના ફેન્સી વિવિડ યલોમાં 2% નો ઘટાડો જોવા મળ્યો હતો.
જોકે, નાના કદના હીરા જેમ કે 1 થી 1.5 કેરેટના ફેન્સી ઇન્ટેન્સ યલોમાં 1.1% નો મામૂલી સુધારો પણ જોવા મળ્યો હતો, જે દર્શાવે છે કે બજારમાં અત્યારે પસંદગીના આધારે (Selective Demand) ખરીદી થઈ રહી છે.
બ્લૂ ડાયમંડની ડિમાન્ડમાં તેજી
વાદળી (Blue) હીરા એકમાત્ર એવો વિભાગ હતો જેણે વર્ષના છેલ્લા ત્રણ મહિનામાં 0.3% નો વધારો નોંધાવ્યો હતો. ખાસ કરીને 8 કેરેટના ફેન્સી વિવિડ બ્લૂ હીરાના ભાવમાં 2.1% નો મોટો ઉછાળો જોવા મળ્યો છે.
દુર્લભતા અને કદને કારણે 5 અને 10 કેરેટના વાદળી હીરા પણ ટોપ-પરફોર્મર્સની યાદીમાં રહ્યા છે. બીજી તરફ, પિંક (Pink) ડાયમંડના ભાવમાં વર્ષ દરમિયાન 0.7% નો ઘટાડો થયો હોવા છતાં, 2 કેરેટના પિંક હીરાના ભાવમાં 1.3% નો વધારો જોવા મળ્યો છે.
ભારતીય ડાયમંડ ઉદ્યોગનું શું કહેવું છે?
સુરતની જાણીતી કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ (SRK) ના ઓપરેશન હેડ ધ્રુવલ ધોળકિયાએ આ અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, “અમે કલરલેસ અને કલર ડાયમંડ બંનેમાં સક્રિય છીએ.
ફેન્સી કલર ડાયમંડના ભાવમાં સ્થિરતા એક અલગ શિસ્ત દર્શાવે છે. આ એક એવો સેગમેન્ટ છે જ્યાં શોર્ટ-ટર્મ ભાવની વધઘટના દબાણ વગર લાંબા ગાળા માટે ઇન્વેન્ટરી બનાવી શકાય છે.”
ઐતિહાસિક વળતરમાં ફેન્સી ડાયમંડ અવ્વલ
જો આપણે લાંબા ગાળાના રોકાણની વાત કરીએ, તો 2005 થી અત્યાર સુધીમાં :
- પિંક ડાયમંડ : 391% નો તોતિંગ વધારો.
- બ્લૂ ડાયમંડ : 242% નો વધારો.
- યલો ડાયમંડ : 47% નો વધારો.
નિષ્ણાતોના મતે, ફેન્સી હીરામાં કલરની સેચ્યુરેશન (તીવ્રતા), તેની દુર્લભતા અને કદ ભાવ નક્કી કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. અત્યારે ભલે મામૂલી ઘટાડો હોય, પણ લાંબા ગાળે આ હીરા રોકાણ માટે સુરક્ષિત માનવામાં આવે છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube





















